કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
યે ગુનવન્તી વેલરી, તવ ગુન બરનિ ન જાય
જહું કાટે તહું હરિયરી, સીંચે તે કુમ્હિલાય
હે ! ત્રણ ગુણોવાળી વેલ, તારું વર્ણન થઈ શકે એમ નથી. જેમ તને કાપવામાં આવે તેમ તું લીલાછમ બને છે અને જેમ જેમ પાણી સિંચવામાં આવે છે તેમ તેમ તું કરમાવા માંડે છે.
નોંધ : સત્વ, રજ ને તમ એ ત્રણ ગુણોનિ વેલ તે માયા. એની વિચિત્રતાથી આખો સંસાર થાકી જાય છે. માયાની વિચિત્રતા ખરેખર સમજી લેવાની જરૂર છે. જો એને કાપવામાં આવે એટલે કે એનો ત્યાગ કરવામાં આવે તો લીલીછમ બની જાય છે. પહેલા કરતાં પણ વધારે બળવાન બનતી જણાય છે. પરંતુ નિષ્કામ કર્મનું પાણી સિંચવામાં આવે તો એ કરમાવા માંડે છે. ગીતા પણ પંદરમાં અધ્યાયમાં “અસંગ શસ્ત્રેણ દ્ધેન છિત્વા” કહીને માર્ગદર્શન આપે છે. અર્થાત્ નિષ્કામ કર્મના હથિયારથી એનો નાશ કરી શકાય છે.