Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

મન મનસા કો મારિ કરિ, નન્હા કરિ કે પીસ
તબ સુખ પાવૈ સુંદર પદુમ ઝલકે સીસ

દુન્યવી મનોકામનાઓને મારી ઘૂંટીને ક્ષોણ કરી નાખવામાં આવે ત્યારે જ ચિતિ રૂપી સુંદરી પરમ સુખની પ્રાપ્તિ કરી શકે છે. તે અવસ્થામાં માથાના ઉપરને ભાગે જ્યાં સહસ્ત્રદલ કમલ છે તે સંપૂર્ણ પણે ખીલી ઊઠે છે.

નોંધ :  મનની અગાધ શક્તિ છે. તેનો ઉપયોગ પરમ સુખની પ્રાપ્તિમાં કરવો હોય તો સાધકે અંતર્મુખ બનવું સૌ પ્રથમ જરૂરી છે. પાર્થિવ પદાર્થ વિષયોમાં મન ડૂબેલું હોય તો તેને બહિર્મુખ મન કહેવાય ને તેવા મન વડે માત્ર ક્ષણિક સુખનો જ અનુભવ થઈ શકે. મન અંતર્મુખ બને ત્યારે તે મનને પદાર્થ વિષયોમાં ખાસ રસ રહેતો નથી. તેવું મન પરમની ઉપાસના કરવા તૈયાર બને છે. તેવા મનને વીતરાગી મન કહેવાય. સંસારમાં રહેવા છતાં તેવું મન શરીરમાં રહેલ આત્મતત્વમાં લીન થવા હંમેશ પ્રયત્ન કર્યા કરે છે. હાલતાં ચાલતાં કે ઊઠતાં બેસતાં પણ તેવું મન પરમની પ્રાપ્તિમાં જ રસિયું બને છે. અહીં ‘પદુમ ઝલકે સીસ’ શબ્દો મનની ઊંચી અવસ્થાનો નિર્દેશ કરે છે. મનનો જે ચંચલ સ્વભાવ હોય છે તે શાંત થઈ જાય છે, મન સ્થિર બને છે. આ શરીરમાં કુંડલિની શક્તિ રહેલી છે ને તે પ્રસુપ્ત અવસ્થામાં રહે છે ત્યાં સુધી મન પોતાની ચંચળતા છોડતું નથી. શક્તિ જાગૃત થાય છે ત્યારે તે શક્તિ શરીરમાં રહેલા છ ચક્રોને ભેદતી માથાના ઉપરને ભાગે જવા પ્રયત્ન કરે છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ ને અજ્ઞાચક્ર - આ છ ચક્રોને ભેદતી શરીરમાં રહેલી શક્તિ માથાના ઉપરને ભાગે રહેલ સહસ્ત્રારચક્રમાં સ્થિર બને છે ત્યારે મન ઉન્મન બની જાય છે. જેમ જેમ ચક્રભેદનની પ્રક્રિયા આગળ વધતી જાય છે તેમ તેમ મનમાં રહેલી જડતા ઓગળવા માંડે છે. મનના આધારો ખરવા માંડે છે. મન સ્થિરતા ધારણ કરતું જાય છે. ને આખરે મન આત્મલીન બની જાય છે. સહસ્ત્રાર ચક્રમાં શિવ સાથે શક્તિનું મિલન થાય છે. મતલબ કે મનમાં રહેલો દેહભાવ અદૃશ્ય બને છે ને મન માત્ર આત્મભાવમાં જ લીન બની જાય છે. તેવી સ્થિતિમાં પરમ સુખની પ્રાપ્તિ થાય છે.