કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
ઉન્મુનિ સો મન લાગિયા, ગગનહિં પહુંચા જાય,
ચાંદ બિહૂની ચાંદની, અલખ નિરંજન રાય.
મન જ્યારે આત્મામાં લીન થઈ ગયું ત્યારે તે ઉર્ધ્વ પ્રદેશમાં સ્થિર થયું કહેવાય. ત્યાં ચંદ્રમાં નથી છતાં ત્યાં ચાંદનીનો પ્રકાશ રેલાયા કરે છે કરણ કે ત્યાં અલખ નિરંજન રાજાનો વાસ છે.
નોંધ : કબીર સાહેબ પોતાની અનુભૂતિ વર્ણવી રહ્યા છે. તેમણે પોતાના શરીરમાં પરમાત્મ તત્વનો કેવી રીતે અનુભવ કર્યો તેનું બયાન તેઓ કરી રહ્યા છે. વર્ણન માટે જે પરિભાષાનો તેમણે ઉપયોગ કર્યો છે તે યોગશાસ્ત્રનિ છે. ઉન્મુનિ શબ્દનો કબીર સાહેબ વિશિષ્ટ રીતે ઉપયોગ કરે છે. જે મન જગતની મોહિનીનો ઉપભોગ કરતું હોય તે જ મન ઊંચી અવસ્થામાં પરમ સુખનો ઉપભોગ કરી શકે છે. પ્રારંભમાં જે મન સાવ ચંચળ હતું તે હવે અચંચળ ને સ્થિર બની જાય છે. ક્ષણે ક્ષણે અનેક વિચારો કરવાની ટેવ પણ હવે તે ભૂલી જાય છે. હવે તો તે નિર્વિચાર દશામાં સ્થિર થઈ જાય છે. આત્મતત્વ સિવાય તેને હવે અન્ય કાંઈ ગમતું જ નથી. આ અવસ્થાને કબીર સાહેબ શૂન્ય મંડળ કહે છે. પાર્થિવ ભાવ શૂન્ય બની જતો હોવાથી આત્મારૂપી નિરંજન દિન દયાળુ દેવના સ્પષ્ટ દર્શનમાં મન નિમગ્ન બની જાય છે. રોમ રોમમાં અજવાળું થઈ રહ્યાનો અનુભવ કે અનાહત નાદનું શ્રાવણ એ ઊંચી અવસ્થાની નિશાનીઓ છે. ‘બાજે શબ્દ રસાલ” દ્વારા કબીર સાહેબ અનાહત નાદની જ વાત કરે છે. અનાહત નાદ એટલે સતત કોઈ પણ જાતના વિલંબ વિના સૂક્ષ્મ રીતે સંભળાયા કરતો નાદ. સાધના કરીને ઊંચી અવસ્થા પાર પહોંચેલા જીવને માત્ર એ સંભળાય છે તેની બાજુમાં આપણે બેઠાં હોઈએ તો આપણને તે સંભળાતો નથી. તેથી તે સૂક્ષ્મ પ્રકારનો છે એમ કહેવાય.
યોગશાસ્ત્રમાં નાદના દસ પ્રકાર વર્ણવ્યા છે : સાગર ગાજે તેવો નાદ, વીણા વાગે તેવો નાદ, ઘંટ વાગે તેવો નાદ, મેઘની ગર્જના જેવો નાદ, તમરા જેવો નાદ વિગેરે. જે યોગશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ગુરુનાં માર્ગદર્શન હેઠળ સાધના કરે છે તેને ઊંચી અવસ્થાએ પહોંચે ત્યારે ગમે તે એક પ્રકારનો નાદ સૌ પ્રથમ જમણા કાને અને પછી બંને કાને સંભળાય છે. તે નાદમાં ચિત્તની વૃત્તિને જોડી દેવાની પ્રક્રિયાને નાદાનુસંધાનની પ્રક્રિયા કહેવામાં આવે છે. કબીર પંથમાં આ પ્રક્રિયાનું ઘણું મહત્વ છે. સંભળાતા નાદમાં મન જોડી દેવાથી સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે. સમાધિ અવસ્થામાં જ આત્માનાં અથવા પરમાત્માનાં દર્શન થાય છે.
પરમાત્મ તત્વનો જ્યાં અનુભવ થાય છે અથવા તો જ્યાં દર્શન થાય છે તેને પરમધામ પણ કહે છે. તે પરમાત્માનું ધામ પણ ગણાય છે. તે ધામમાં નિત્ય પ્રકાશ રેલાતો રહે છે. તે પ્રકાશ સુભગ, શીતળ, અમૃત સમાન જીવને ગમે એવો હોય છે. ગીતામાં પણ તેનું વર્ણન પંદરમાં અધ્યાયમાં કરતા કહ્યું છે :
અગ્નિ, સૂરજ, ચંદ્રના જેને તેજ ધરે,
જન્મ મરણથી મુક્ત તે મારું ધામ ખરે.
અગ્નિ, સૂરજ કે ચંદ્ર ત્યાં નથી છતાં ત્યાં જે પ્રકાશ સાધકને દેખાય છે તે એટલો બધો મધુર હોય છે કે સાધકનું મન તે અવસ્થા છોડવા માંગતું નથી હોતું. પરમાનંદમાં મગ્ન રહેવાનું કોને ના ગમે ?
Add comment