Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સાંઈ મેરા બાનિયા, સહ જ કરે બ્યોપાર
બિના દાંડી, બિન પાલ રે, તોલૈ સબ સંસાર !

મારો સાહેબ તો વેપારી શેઠ જેવો છે. તે તો કુદરતી રીતે ચૈતન્યનો વેપાર જાણે કે કર્યા કરે છે. તેના હાથમાં નથી ત્રાજવાની દાંડી કે નથી પલ્લાં છતાં આખા સંસારને કાયમ તોલી રહ્યો છે.

નોંધ :  વેપાર એટલે લેવડ દેવડની પ્રક્રિયા. આ સૃષ્ટિનું જે રીતે સંચાલન થઈ રહ્યું છે તેનો વિચાર કરવામાં આવે તો કબીર સાહેબ જે કહેવા માંગે છે તે સમજાય. નિયમ પ્રમાણે જ સૂર્ય પરિક્રમા કરે ને સકલ જીવોને ગતિશીલ બનાવે; નિયમ પ્રમાણે જ અંધકાર ફેલાય ને આખું જગત વિશ્રાંતિનો અનુભવ કરે; વૃક્ષો ઓક્સિજન હવામાં પ્રસરાવે ને જીવ સૃષ્ટિને રોજ નવું જીવન મળે; મનુષ્ય કાર્બન-ડાયોકસાઇડ બહાર કાઢે ને વૃક્ષો તેનાથી હરિત બને. આ રીતે પદાર્થ પદાર્થ વચ્ચે જાણે કે ચૈતન્યની લેવડ દેવડ થયા કરે છે સૂર્ય એક કલાક ન હોય તો કેટલી બધી અવ્યવસ્થા ઊભી થઈ જાય !  વૃક્ષો ઓક્સિજન વાયુ ન પ્રસરાવે તો શું થઈ જાય ?  કોણ જીવતું રહે ?  આ પ્રકારની લેવડ દેવડથી આખું જગત સમતોલ પણે ગતિશીલ રહી શકે છે. આ તમામ ક્રિયા-પ્રક્રિયાઓ પાછળ પ્રભુની અકળ લીલાનાં દર્શન થાય છે.