Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

હમ ભી પાહન પૂજતે હોતે વન કે રોઝ
સતગુરૂ કી કિરપા ભઈ, ડારા સિરતૈં બોઝ

હમે પણ પથ્થર પૂજતા હોત અને જંગલના રોઝની જેમ પશુ સમાન અવસ્થામાં રહેત, પરંતુ અમે ભાગ્યશાળી છીએ કે સતગુરૂની કૃપાથી અમે માથા પરનો ભાર ફેંકી દઈ શક્યા છીએ.

નોંધ :  સદ્‌ગુરૂની કૃપા વિના આધ્યાત્મિક પંથ પર પ્રગતિ થઈ શક્તિ નથી તેનો સ્વીકાર સર્વ સંપ્રદાયોએ ને ધર્મોએ કર્યો છે. અનુભવી પુરૂષની મદદ મળી જાય તો રસ્તો સીધો, ટૂંકો ને સુગમ બની જાય છે. મદદ ન મળે ત્યાં સુધી જીવ અહીં તહીં અટવાયા જ કરે છે. પથ્થરની જડપૂજા કરનાર પ્રાથમિક મૂઢ અવસ્થામાં હોય છે તેને સદ્‌ગુરૂ મળે તો તેનું ચિત્ત ચિન્મય થઈ જાય છે ને તે નિરર્થક ક્રિયાઓને તિલાંજલિ આપવા તત્પર બની જાય છે. પથ્થરમાં પણ ચેતનતત્વનો અવિષ્કાર તેને જણાવા લાગે છે. પછી તો હરેક મનુષ્યનાં શરીરમાં પણ તેને ચેતનવેદનાં જ દર્શન થયા કરે છે. તેવી અવસ્થામાં તેનાથી ખરાબ કૃત્યો તો કેવી રીતે થઈ શકે ?  તેના હૃદયમાં સદ્‌ભાવો જ ઉભરાશે ને પરિણામે તેનું ચિત્ત સાત્વિક ભાવોમાં સ્થિર થતું જશે. એ રીતે ઉત્તરોત્તર તેની પ્રગતિ આધ્યાત્મિક પંથ પર થયા જ કરશે. સદ્‌ગુરૂનો એવો મહિમા છે.