કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
સાખી આંખી જ્ઞાનકી સમુજિ દેખુ મનમાંહિ
બિનુ સાખી સંસાર કા, જગરા છૂટત નાહિ
આ બધી સાખી જ્ઞાનની આંખો છે એવું જાણીને મનથી સમજવા પ્રયત્ન કરો. આ સાખીઓ વિના સંસારના ઝઘડાનો અંત આવશે નહિ.
નોંધ : "સાક્ષી" શબ્દનું અપભ્રંશ રૂપ તે સાખી. પોતાની અનુભવની વાણીને કબીર સાહેબે સાખી કહી છે. અદાલતમાં સાક્ષીનું ઘણું મહત્વ હોય છે. બે પક્ષના ઝઘડામાં એક સાક્ષી કોર્ટના પિંજરામાં આવીને સાક્ષી પૂરે એટલે ન્યાયાધીશ તેની જુબાનીને આધારે સ્પષ્ટ ન્યાય જાહેર કરે ને બે પક્ષના ઝઘડાનો અંત આણે. તેવા જ સંદર્ભમાં કબીર સાહેબની સાખી આપણે સમજવી જોઇએ. આ જગતમાં ઘણા વાદવિવાદોના ઝઘડાઓ ચાલ્યા કરે છે કે જેને આધારે ધર્મના ભાગલાઓ પડ્યા ને સંપ્રદાયોના વાડાઓ ઊભા થયા. ભોળા લોકો આ સત્યને સમજતા નથી તેથી તેઓ પણ પક્ષકાર બની જાય છે ને સંપ્રદાયના વાડામાં બદ્ધ બની જાય છે. કોઈ કહે છે કે પરમાત્મા છે ને કોઈ કહે છે કે નથી; કોઈ કહે છે કે પરમાત્મા નિર્ગુણ ને નિરાકાર છે ત્યારે કોઈ કહે છે કે સાકારને સગુણ છે; કોઈ કહે છે કે તે પ્રભુ ભક્તિથી પ્રાપ્ત થઈ જાય છે તો કોઈ કહે છે કે જ્ઞાન વિના પ્રાપ્ત કદી ન થાય-- આવા ઝગડાઓનો અંત ક્યારે આવશે ? કબીર સાહેબની વાણી અનુભવની વાણી છે. તેમણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે. કોઈએ કહ્યુ હતું તે માની લઈને તેમણે આ વાણી કહી નથી. પોતે જે અનુભવ્યું તે તેમણે સાખી દ્વારા વ્યક્ત કર્યું. જગતના લોકો બિચારા ભોળા છે. તેમનું કલ્યાણ કરવાના હેતુથી કબીર સાહેબે આ પોતાની અનુભવની વાણી સાખી રૂપે રજૂ કરી છે. પરમાત્માની પાસે કેવી રીતે પહોંચી શકાય ને પહોંચીને પરમાત્મામય કેવી રીતે થઈ શકાય તેનું સચોટ માર્ગદર્શન સાખી દ્વારા કબીર સાહેબે કરાવ્યું છે. આ દષ્ટિએ આ સાખીઓને સમજવામાં આવશે તો સંસારના ઝઘડાઓનો અંત આવી જશે. સાખીને જ્ઞાનની આંખો કહેવા પાછળનો આશય આવો જ કાંઇ હોવાથી આ સાખીઓનો મહિમા ખૂબ વધી જાય છે.
Add comment