Kabir Vishesh

Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007

શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (બાવાજી - પરમાર્થી)
કપુરા

(રાગ વસંત)

અઘટ વસંત ઘટત નહિ કબહૂ, અવિનાશી હૈ જ્યાંહી
ડાળ ન ફૂલ ન પત્ર નહિ છાંયા, ભ્રમર વિલંબ્યો ત્યાંહી ! ... ટેક

જલબીન કૂપ ભોમ બિન વાડી, અરધ ઉરધ બીચ ક્યારી
યહાં કે ફૂલ વહાં વધાવે, સો માલિની પિયુ પ્યારી ! ... ૧

પાંચ વૃક્ષ ઊધે ભયે સૂંધે, પોપ વાસના જાગી
અકલ માલની સુરત છાબડી, નિશદિન બિતન લાગી ! ... ૨

હોય સન્મુખ માલની પહિનાવે, બાસ બાસ મનધીર
શૂન શિખર ગઢ લીયો હૈ મુકામ, યોં કહે દાસ કબીરા ... ૩

જે વસંત ખીલે છે તે વસંત કરમાય છે. જે વસંત આવે છે તે વસંત જાય છે. પરંતુ જે નિત્ય છે તે નથી આવતી કે નથી જતી. ઘટના બની  એમ પણ કહીએ છીએ. ઘટવું એટલે બનવું-જન્મવું-ખીલવું વગેરે. જે અઘટ છે એટલે કે જે જન્મતી જ નથી, બનતી જ નથી તે 'ઘટત નહિ' એટલે તે આવતી જ નથી. આવે તેણે તો જવું પડે !  આ વસંત તો સદાકાળ અહીં જ છે એટલું જ નહિ પણ એક જ પરિસ્થિતિમાં છે. એટલા માટે તેને નિત્ય વસંત કહેવામાં આવે છે.

તેવી વસંત ક્યાં છે ?  તો કબીર સાહેબ કહે છે કે જ્યાં અવિનાશી આત્મા છે ત્યાં તે નિત્ય વસંત છે. અવિનાશી આત્મા આ નાશવંત શરીરમાં છે. તે એક મોટો ચમત્કાર છે. તે છે ત્યાં લગી નાશવંત શરીરના પ્રત્યેક કણમાં તેની પરમ ચેતનાનો અનુભવ થાય છે. જુઓને, આ પાર્થિવ જગત શરીર જેવું જ છે ને ?  પ્રત્યેક પળે અવનવું થયા જ કરે છે. ક્યાંક કોઈ વસ્તુ પ્રગટ થાય છે, વૃદ્ધિ પામે છે અને છેવટે અલોપ પણ થઈ જાય છે !  જાણે નિત્ય પરિવર્તનશીલ છે. વેંતિયું શરીર ધીમે ધીમે મોટું થાય છેવટે રાખ પણ થઈ જાય છે ?  તે છતાં પણ તમે બારીકાઈથી જુઓ, આ પાર્થિવ જગતમાં વિદ્યુત ક્યાં નથી ?  બધે જ છે. પરંતુ જ્યાં સહેજ પણ ઘર્ષણ થાય છે ત્યાં તેનો તરત જ અનુભવ થાય છે. પાવરહાઉસમાં જઈને ઊભા રહીએ તો ત્યાં લાખો કિલો વોટના સ્વરૂપે ઝળહળતા દર્શન થાય છે. તેવી રીતે આ શરીરને રૂંવે રૂંવે આત્મચૈતન્ય નિત્ય બધું જ કરતું હોય તેવું ભાસે છે. પરંતુ શરીરમાં પાવર હાઉસની માફક એક જ જગ્યાએ આત્મચૈતન્યને જોવું હોય તો સંતો કહે છે કે જોઈ શકાય છે. તે જગ્યાને હદયમાં કહેવામાં આવે છે. યોગીઓ તેને જરા જુદા નામથી ઓળખે છે. સહસ્ત્રદલ કમળ કહે છે. ચોક્કસ પ્રકારની સાધના દ્વારા તે સ્થળે પરિવર્તિત મન જ્યારે પહોંચી જાય છે, ત્યારે આત્મચૈતન્યના તેજસ્વી સ્વરૂપે અનુપમ દર્શન થાય છે. મનને એટલો બધો દૈવી આનંદ પ્રાપ્ત થાય છે, કે ત્યાંથી પાછા વળવાનું મન થતું નથી. તેથી કબીર સાહેબે કહ્યું કે 'ભ્રમર વિલંબ્યો ત્યાંહી' ભ્રમર એટલે મનરૂપી ભ્રમર કે ભમરો. વિલંબ્યો એટલે રહી પડયો. ત્યાંથી પાછા આવવાનું  કેવી રીતે મન થાય ?  કારણ કે તે પરમ આનંદની અવસ્થા છે. ત્યાં નિત્ય વસંતની મજા છે. પાર્થિવ જગતમાં સ્થૂળ રીતે મનડાએ જ્યારે વસંત જોયેલી ત્યારે તો લીલાંછમ વૃક્ષો, તેને અનેક ડાળીઓ, અસંખ્ય પાંદડાઓ અને તે કારણે શીતળ છાયાનો પ્રસ્તાર જોયેલો પરંતુ અહીં તો મન આશ્ચર્યચકિત થઈ ગયું છે. તે વસંતનાં દર્શન કરે છે પણ નથી અહીં વૃક્ષો, નથી કોઈ ડાળીઓ, નથી કાંઈ પાંદડાઓ કે નથી કોઈ એની છાયા ! છતાં તેનાં દર્શન માત્રથી જે પરમ આનંદ નિર્માણ થાય છે તે અવર્ણનીય છે. તેવો આનંદ પાર્થિવ જગતમાં કોઈ દિવસ અનુભવવા મળેલો જ નહિ ?  તેથી મનને ત્યાં જ રહેવું ગમે છે.

આવા સુખદ અનુભવને કબીર સાહેબ અઘટ વસંત તરીકે વર્ણવે છે. પરંતુ આવી વસંતનો અનુભવ કરવો હોય તો કેવી રીતે કરવો ?  અત્યાર સુધીમાં તો ઘણાં પળોમાં તેનું વર્ણન આવી ગયું છે. છતાં ટૂંકમાં ફરીથી યાદ કરી લઈએ તો આ પદ સરળતાથી સમજાઈ જશે. મન બહિર્મુખ હોય ત્યારે પાર્થિવ જગતની વિવિધતામાં તે ઘૂમ્યા કરે છે. અનેકવિધ પદાર્થો અનેકવિધ રંગો અને અનેકવિધ સ્વરૂપોમાં તે ફર્યાં કરે છે. ગમતા પદાર્થોને મેળવવા પ્રયત્ન કરે છે ત્યારે વિચિત્ર અનુભવોમાંથી પસાર થાય છે. ક્ષણે ક્ષણે પરિવર્તનનું ચક્ર નવીનતા પેદા કરતું જણાય છે. તેથી તેની ઈચ્છા ક્યારેક સંતોષાય છે તો ક્યારેક નથી સંતોષાતી !  ક્ષણિક સુખદુઃખના આવેગો તેણે સહન કરવા પડે છે. તે વખતે નિત્ય વસંતની વાત તેને જો કોઈ કહે તો તે માને નહિ. એટલું જ નહિ પણ તે હસીને વાતને મૂળથી ઉડાવી પણ દે છે. કારણ કે જગતની વિવિધતાને માણી રહેલું મન અતિશય ચંચળ થઈ ગયેલું હોય છે. ક્યારેક તે કામ, ક્રોધ, મોહ, ઈત્યાદિ ભાવોનો શિકાર બની મૂઢતાનો અનુભવ કરે છે. તેવી સ્થિતિમાં તેને નિત્ય વસંતની વાત કપોળકલ્પના જેવી લાગે છે. માટે સંતોની વાતને તો તે હસી જ કાઢે છે. ભક્તિ કરનાર નિર્બળ માનવી લાગે છે. સત્ય પણ અસત્ય લાગે છે. એકમાત્ર પોતે સાચો છે તેવો તે હુંકાર પણ કરે છે, પુણ્યોદયે તેવું મન ક્યારેક અંતર્મુખ બનવા ઝંખે છે ત્યારે ઘણાને આશ્ચર્ય થાય છે, તેની ઉદાસીનતા વધતી જાય છે. કોઈ માર્ગદર્શન મળી જાય ત્યારે તેને આનંદ થાય છે. અંતર્મુખ બનવા તે ઉતાવળું બને છે. પોતાના શરીરમાં જે વૈવિધ્ય છે અને અનેક અજાયબીઓ છે તેને જોવા મથે છે. પાર્થિવ જગતમાં રસ લેતું મન આ રીતે પોતાના શરીરમાં ડૂબકી મારવા પ્રયત્ન કરે છે. તેને માર્ગદર્શક અથવા તો ગુરુ મળે છે અને તેની સૂચના પ્રમાણે તે મંડી પણ પડે છે. તેની મહેનતને આપણે સાધના કહીએ છીએ. અથવા તો ઉપાસના કહીએ છીએ. શરીરમાં ઇન્દ્રિય, પ્રાણ, મન અને આત્માના અસ્તિત્વનો સ્પષ્ટ અનુભવ થાય છે. અત્યાર સુધી તેણે જે અવગણના કરેલી તે માટે પસ્તાવો પણ થાય છે. એ તો બધા આત્મકલ્યાણ કરવાના કીમતી સાધનો છે એવું જ્ઞાન થવાથી તે પોતાની તમામ તાકાત આત્મકલ્યાણના માર્ગે વાપરવા પ્રયત્ન કરે છે. પરમાત્માની કૃપાથી તે એક ધન્ય દિવસે સફળ થાય છે અને આત્મદર્શન કરે છે. આત્મ સુધી પહોંચ્યા પછી મનને ત્યાં જ સ્થિતિ કરવાનું ગમે છે. ત્યાં તેને શાશ્વત આનંદનો નિત્ય અનુભવ થયા કરે છે. 'ભ્રમર વિલંબ્યો ત્યાંહી', એ શબ્દો આ રીતે મનની એક ઉચ્ચ ગણાતી અવસ્થાનો નિર્દેશ કરે છે. મન જ્યારે બહિર્મુખ હતું ત્યારે તેને પોતાની ઈન્દ્રિયો, પોતાનું મન અને પોતાનો પ્રાણ પૂરેપૂરો સહયોગ દેતા ન હતા. કારણ કે તેઓ ભોગ લંપટ બની ગયેલા હતા. જે રીતે દારૂડિયો ઘરના વિકાસમાં જેવો જોઈએ તેવો સહકાર આપી શકતો નથી. તે રીતે ઈન્દ્રિયો, મન, પ્રાણ, ઈત્યાદિ પણ વિલાસી બની જવાને કારણે આત્મકલ્યાણ સાધવામાં સહકારી બની શકતા નથી. તેઓ તો લાલચુ બની ગયેલા હોય છે. ભોગની લાલચ ધરે ત્યાં સુધી તૈયાર રહે. મનુષ્યની આ રીતે અદ્રષ્ટા પ્રકૃતિ-પંચમહાભૂત, મન, બુદ્ધિ અને અહંકાર હંમેશાં કાબૂ બહાર હોય છે. પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો ને પાંચ પ્રાણ ભોગનો જ ખોરાક માગતા રહે છે. ભોગને શોધી શોધી મન એક દિવસ થાકી જાય છે ત્યારે કોઈ ધન્ય ક્ષણે પુણ્યશાળી જીવને પાર્થિવ પદાર્થોને ભોગો તરફ નફરત પેદા થાય છે. અણગમો પેદા થાય છે. પરિણામે તે અંતર્મુખ બને ત્યારેજ જંપે છે.

મનુષ્ય બહિર્મુખતાની અવસ્થામાં આ રીતે પોતાની પ્રકૃતિની સંપૂર્ણપણે આધીન રહે છે. આ દશાને અવિદ્યાજાણ્ય ગણવામાં આવે છે. શાસ્ત્રકારો તેને માયાના નામથી પણ ઓળખે છે. કબીર સાહેબે આ પદમાં 'માલિની' શબ્દપ્રયાગ કર્યો છે. તે આ જ સંદર્ભમાં માલિની અથવા તો માલની અથવા તો ગામઠી ભાષા પ્રમાણે માલણ હોય તો માળી પણ હોવો જ જોઈએ. આપણે માળીને પરમાત્મા કહીશું અને માલણને પ્રકૃતિ અથવા માયા કહીશું. શ્રીમદભગવદગીતામાં પણ કહ્યું છે કે -

'મારા હાથ તળે રહી પ્રકૃતિ જગત કરે,
તેથી જગતમાં થાય છે પરિવર્તન સઘળે.'
                    (સરળ ગીતા અધ્યાય - ૯)

પ્રકૃતિને 'આધીન' રહેનારા જીવનું પણ વર્ણન કરવામાં આવ્યું છે -

'મૂઢ જનોના કર્મો ને વિચાર મેળા હોય,
સ્વભાવ હલકો તેમનો, સંસારે રત હોય ! '

'જ્ઞાન કર્મ આશાતણું ફળ તે ના પામે,
મોહમયી પ્રકૃતિ થકી સંકટ ના વામે.'
                 (સરળગીતા અ. ૯,૧૩,૧૪)

આ રીતે બહિર્મુખ અવસ્થામાં પ્રકૃતિના મોહમયી સ્વરૂપનાં દર્શન થાય છે. તે અવસ્થાને સંતો મૂઢદશા કહે છે. તે દશામાં મન તો દુર્ભાવોથી ભરેલું હોય છે અને મેલું પણ થયેલું હોય છે. તેથી જ્ઞાનની દશામાં જે ફળ મળે તે અજ્ઞાનની દશામાં ન મળે તે સમજી શકાય તેવી વાત છે. તે દશામાં ઇન્દ્રિયો રૂપી પાંચ વૃક્ષો પ્રતિકૂળ પણ લાગે છે. તે વૃક્ષોને ફળફૂલ આવતા જણાતાં નથી. પરંતુ જ્યારે મન અંતર્મુખ બંને છે ત્યારે આ વૃક્ષોમાં ક્રાંતિ આવી જાય છે. મોટો ફેરફાર થઈ જાય છે. તેને ફૂલ ફૂટે છે, ને ફળ પણ આવવા લાગે છે. તેથી કબીરસાહેબે કહ્યું છે કે -

પાંચ વૃક્ષ ઊંધે ભયે સૂંધે,
પોર વાસના જાગી !

'ઊંધે ભયે સૂંધે' એટલે જે પ્રતિકૂળ જણાતા હતા તે અનૂકુળ જાણવા લાગે છે. પોપ એટલે પુષ્પ, ફળ, પુષ્પનું અપભ્રંશરૂપ પુહુપ બન્યું ને પછી 'ઉનો ઓ' બની જવાથી પોપ શબ્દ બન્યો. મતલબ કે જે વૃક્ષોને ફળફૂલ આવતાં ન હતાં તે ફળદાયી બને છે. લક્ષ્યસિદ્ધિ માટે એકદમ અનુકૂળ પરિસ્થિતિનું સર્જન થઈ ગયું એવો ભાવ છે. આ પ્રકૃતિરૂપી માલની અથવા તો માલણ જીવને અંતર્મુખ બની ગયા પછી ધીમે ધીમે અનુકૂળ બની જાય છે. આ માલણ તો પરમાત્માની શક્તિનું જ એક રૂપ છે. જે પરમાત્મા તરફ જવા પ્રયત્નશીલ બને છે. તેને પરમાત્માની કૃપા થયા પછી આ પ્રકૃતિરૂપી માલણ એકદમ અનુકૂળ બની જાય છે. શાસ્ત્રો પણ કહે છે કે પરમાત્માનું શરણું લેનાર જીવને માયા વશ બની જાય છે. આ રીતે જીવ મહેનત કરીને નિત્ય વસંતનાં પ્રદેશમાં પ્રવેશ પામે છે. માટે કહ્યું -

'જલ બીન કૂપ, ભોમ બિન વાડી, અરધ ઉરધ બીચ ક્યારી,
યહાં કે ફૂલ વહાં વધાવે, સો માલની પિયુ પ્યારી !'         

'યહાં' ને 'વહાં' જુદી જુદી અવસ્થાનું સૂચન કરે છે. 'વહાં દ્વારા' મનની ઊંચી અવસ્થા કે પ્રભુરૂપી આત્માની એને તેની માયાના ઉત્કૃષ્ટ સ્વરૂપની ત્યાં ઝાંખી થાય છે. તેવી ઝાંખી થવાની જ નિત્ય વસંતની અનુભૂતિ થાય છે. 'યહાં' દ્વારા પાર્થિવ દશાનું સૂચન છે કે જેમાં ક્ષણભંગુરતા ને પરિવર્તનશીલતાનો કાયમ અનુભવ થાય છે. 'ફૂલ' એ કર્મસંસ્કારોના અસ્તિત્વનું પ્રતીક છે. કર્મસંસ્કારોની આહૂતિ અપાઈ જાય પછી જ સાધક આત્મામાં સ્થિર બની શકે છે. આત્મામાં સ્થિર બનવાથી દૈવી આનંદની પ્રાપ્તિ થાય છે, તેને અઘટ વસંત દ્વારા વર્ણવી. 'સો માલની' એટલે જ માયારૂપી માલણ અથવા પ્રકૃતિરૂપી માલની કે જે સાધનની શરૂઆતમાં સાધકને સાથ આપતી ન હતી. તે તેનું નિકૃષ્ટ સ્વરૂપ હતું. તે અવસ્થામાં સાધકને ખૂબ મથાવે છે. કંઠે પ્રાણ આવી જાય તેવો અનુભવ કરાવે છે. પરંતુ સાધક ગુરુ ચિંધ્યા માર્ગે પ્રાણની વિશિષ્ટ પ્રકારની ઉગ્ર ઉપાસના કરે છે, ત્યારે આ માલણનું જોર ઓછું થવા લાગે છે. સાધક મનની ઊંચી અવસ્થા પ્રાપ્ત કરે છે, ત્યારે તે  જ માલણ તેને અનુકૂળ જણાવા લાગે છે. તે માલણને ખાતરી થઈ જાય છે કે આ તો મારા પ્રભુનો પ્યારો બંદો છે. પ્રભુ પોતે તેનું મિલન ઇચ્છે છે, તેથી તે માલણ પોતાનું સ્વરૂપ બદલી નાંખે છે. સાધકની દાસી થઈને જાણે કે તે સેવા કરવા મંડી પડે છે. આ તેનું ઉત્કૃષ્ટ સ્વરૂપ થયું. તે અવસ્થામાં માયારૂપી માલણ સાધકના અંત:કરણમાં ખૂણેખાંચરે પડી રહેલા રહ્યાસહ્યા કર્મસંસ્કારોની છેવટની આહુતિ આપી દે છે. પરમાત્માની કૃપા થાય ત્યારે આ રીતે બેવડો લાભ સાધકને થાય છે. ગીતા પણ આ અવસ્થાનું સૂચન બીજા અધ્યાયમાં આ પ્રમાણે કરે છે :

વિષયો જે ના ભોગવે તેના  વિષય છૂટે
રહ્યોસહ્યો પણ સ્વાદ તો પ્રભુ પામે તૂટે !
                 (સરળ ગીતા - અ. ૨)

પ્રભુ એટલે આત્મતત્ત્વ. આત્મદર્શન થઈ જાય પછી સાધકને જરાપણ પાર્થિવ જગતનું આકર્ષણ થતું નથી. કારણ કે તે અવસ્થામાં કર્મબીજ બળીને ભસ્મીભૂત થઈ ગયાં હોય છે !  'અરધ ઉરધ' ગતિશીલ પ્રાણની સંજ્ઞા છે, તે દ્વારા પ્રાણોપાસના સાધકે કરી છે તેનું સૂચન છે. શા માટે પ્રાણની જ ઉપાસના સાધક કરે છે, તે પણ ટૂંકમાં સમજી લઈએ. આ શરીરની પ્રકૃતિનાં આઠ અંગો છે. પાંચ અંગો પંચમહાભૂતનાં છે અને ત્રણ અંગો અંત:કરણનાં છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ એ પંચમહાભૂત. ચિત્ત, બુદ્ધિ ને અહંકાર એ અંત:કરણ. આ આઠે અંગોનો મૂળ આધાર પ્રાણ છે. શરીરમાં ચૈતન્ય શક્તિ પ્રાણનો આધાર લઈને જ ચમકે છે. શરીરની રચના થઇ ત્યારે પ્રાણમાંથી જ પંચમહાભૂતનાં તત્ત્વો છૂટાં પડ્યાં હતાં, અને ઇન્દ્રિયોનું સ્વરૂપ ધારણ કરીને શરીરના સંચાલનમાં સહભાગી બનવા સાકાર બન્યાં હતાં. તેથી શરીરની શુદ્ધિ સાધવા માટે અંત:કરણની શુદ્ધિ કરવા માટે સાધકે આધારભૂત ગણાતા પ્રાણની ઉપાસના કરવી પડે છે. સાધક ખૂબ મહેનત કરીને પંચમહાભૂતની અને અંત:કરણની શુદ્ધિ સાધે છે, પ્રકૃતિનાં આઠે અંગો જ્યારે શુદ્ધ બને છે. અસલ સ્વરૂપે રહેવા પામતાં નથી. પૃથ્વી તત્ત્વ પૃથ્વી ન રહે તેમ જળ તત્ત્વ ન રહે ! પૃથ્વીનો સ્વભાવ જડ છે !  પરંતુ જડતા અથવા તો જેને આપણે પશુતા પણ કહીએ છીએ તે જો નાશ પામે તો પૃથ્વી તત્ત્વની શુદ્ધિ થયેલી ગણાય. તે શુદ્ધ અવસ્થામાં પૃથ્વી તત્ત્વ પ્રાણમાં વિલીન થઈ જાય છે. તે જ રીતે જળ તત્ત્વની શુદ્ધિ થાય છે ત્યારે અંત:કરણમાં પ્રેમનો પ્રાદુર્ભાવ થાય છે. જળનો સ્વભાવ નીચાણમાં વહેવામાં હતો, તે પ્રેમના પ્રાદુર્ભાવથી પલટાઈ જાય છે. પ્રેમ હંમેશ ઊંચે ગતિ કરે છે તેથી જળની શુદ્ધિ થયેલી ગણાય. અગ્નિની શુદ્ધિ થાય ત્યારે પ્રજ્ઞા અથવા બુદ્ધિ સ્થિર બને છે, વાયુની શુદ્ધિ થાય ત્યારે પ્રાણ પોતે સમતા ધારણ કરે છે. આકાશની શુદ્ધિ થાય ત્યારે સાધક નિવારણ બની જાય છે. તેને પોતાના અસલ સ્વરૂપના દર્શન થાય છે. શુદ્ધિ એટલે સંપૂર્ણ સાત્ત્વિકતા, આત્મદર્શન માટેની યોગ્યતા. જ્યારે જ્યારે તત્ત્વો શુદ્ધ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે ત્યારે તે પ્રાણમાં જ  વિલીન બને છે, એવો મહાપુરુષોનો અનુભવ છે. તે અવસ્થામાં પ્રાણને ઉત્થાન પામેલો ગણવામાં આવે છે. કારણ કે પ્રાણની ગતિ આત્મા તરફ થતી રહેતી હોવાથી અથવા તો ઉર્ધ્વગામીપણું સિદ્ધ બનવાથી તે પ્રાણની ઊંચી દશા કહેવાય છે. પ્રાણની તે સામ્યાવસ્થા ઉત્તમ અવસ્થા ગણાય. યોગીઓ તેને નિત્યકુંભક પણ કહે છે. આ રીતે 'અરધ ઉરધ' બીચ ક્યારી શબ્દો દ્વારા ઉત્થાન પામેલા પ્રાણીની ઊંચી અવસ્થાનું સૂચન આપણે વિસ્તારથી સમજ્યા. પાણી વિનાના કૂવાને ભૂમિ વિનાની વાડી દ્વારા જળ તત્ત્વ ને પૃથ્વી તત્ત્વની શુદ્ધિ સૂચવવામાં આવી છે. તે બંને તત્ત્વો પ્રાણમાં વિલીન બની જાય છે. જળ તત્ત્વ ને પૃથ્વી તત્ત્વની અશુદ્ધિ જ પાર્થિવ જગતના આકર્ષણ માટે કારણભૂત છે. આ સ્થિતિ મીરાં જુદા જ શબ્દોમાં વર્ણવે છે.

'સંસાર સાગર સૂક ગયો હૈ,
ફિકર નહીં અબ તરન નકી.'

સંસાર તરફની આસક્તિ હતી તે પરમાત્માની કૃપા થઈ ત્યારે મનમાંથી આપોઆપ સુકાઈ ગઈ !  મનમાંથી સંસારમયતાનો ગર્ભ જ નાશ પામે તો તરવાની આવશ્યકતા ક્યાં રહે ?  માયારૂપી માલણ જ્યારે અનુકૂળ થઈ જાય છે ત્યારે આવો ચમત્કાર થાય છે.

કર્મ સંસ્કારનો સમૂળગો નાશ થવો તે નાની સૂની ઘટના થોડી ગણાય ?  સંસારરૂપી સાગર સુકાઈ જવાની આ ક્રિયા અત્યંત ગૂઢ છે. તેથી જ આ માલણને 'અકલ માલની' તરીકે કબીર સાહેબ ઓળખાવે છે. તે અનુકૂળ હોય ત્યારે મોટો ચમત્કાર કરે છે. પ્રતિકૂળ હોય ત્યારે મૂઢતાને દુઃખનો પારાવાર છલકાવી દે છે. સાધકને અજાયબીઓનો પોતાના શરીરમાં અનુભવ થાય છે તે પણ તેને જ કારણે !  વળી આત્મદર્શનની શક્યતા પણ તેને કારણે જ નિર્માણ થાય છે. જ્યાં સુધી પોતાની અસ્મિતાની યાદ રહે છે ત્યાં સુધી તે સવિકલ્પ  સમાધિની દશા ગણાય છે. અનુભૂતિઓ તે જ દશામાં થાય છે. પરંતુ ચિત્ત જ્યારે અથવા તો મન પણ અમન બનવા માંડે છે ત્યારે દશામાં ફેરફાર થઈ જાય છે. મન પોતે પોતાની લાક્ષણિકતા છોડીને આત્મામાં લીન બની જાય છે, ત્યારે નિર્વિકલ્પ સમાધિની દશામાં સાધક પ્રવેશ કરે છે. સાધકને કશી પણ યાદ રહેતું નથી. શરીરનું ભાન જ રહેતું નથી, માત્ર ચૈતન્ય અને તેની શક્તિ તેની સંભાળ રાખતાં હોય છે. તે આત્મલીનની અવસ્થા ગણાય. ત્યારે અહંકાર શૂન્ય બની જાય છે. સવિકલ્પ સમાધી દશા સુધી અહંકારનું ગુરુત્વાકર્ષણ કામયાબ નીવડે છે. પરંતુ નિર્વિકલ્પ દશામાં અહંકાર શૂન્યતાની સ્થિતિ પેદા થાય છે. તેથી તે દશાને 'શૂન શિખર' પણ કહેવામાં આવે છે. તે અવસ્થામાં અદ્વૈતની સિદ્ધિ થાય છે. 'મનધીર' એટલે સ્થિર થઈ ગયેલું મન જ આત્મદર્શન કરી શકે તેવું સૂચન છે. તે અવસ્થામાં નિત્યવસંતનો અનુપમ દૈવી આનંદ સાધક પ્રાપ્ત કરે છે. આવી ઊંચી અવસ્થા પર કાયમનો મુકામ કરનાર સંત બહુ ઓછા હોય છે. આપણા સદગુરુ તેમાંના એક છે. આ પદનો તેનો પુરાવો છે.

Related Link(s):
1. અઘટ વસંત ઘટત નહિ કબહું (રાગ - સગુણ વસંત)

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,260
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,606
pdf-2અનંત સૂર | Anant Soor 9,256
pdf-3Amar Varso | અમર વારસો 7,455
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,083