Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007
શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (બાવાજી - પરમાર્થી)
કપુરા
સદ્ગુરુ કબીર સાહેબ ગુજરાતમાં એકવાર નહીં, પણ અનેકવાર આવ્યા હોવા જોઈએ. કબીર સાહેબ કાશીમાં પ્રગટ થયેલાં અને મોટા પણ ત્યાં જ થયેલા, તેથી તેમની ભાષા જૂની હિંદી ગણાય. કબીર સાહેબનું સાહિત્ય, ખાસ કરીને બીજક જૂની હિંદીમાં જ પ્રાપ્ત થાય છે. તે જૂની હિંદી ભાષામાં કેટલાક ગુજરાતી ભાષાના શબ્દો જેવા કે હીંડતે, જહિયા, તહિયા, હતા વગેરે બીજકની રચનામાંથી પ્રાપ્ત થાય છે. આ બધા શબ્દો આપણું સૌનું ધ્યાન ખેંચે છે. એક ભાષાના શબ્દો બીજી ભાષામાં ક્યારે પ્રવેશે? ગાઢ પરિચય વિના તે બની શકે નહીં. કબીર સાહેબ અનેકવાર ગુજરાતમાં આવ્યા હોવા જોઈએ અને ગુજરાતી પ્રજા સાથે ગાઢ સંબંધમાં આવ્યા હોવા જોઈએ. તો જ ગુજરાતી ભાષાના શબ્દો તેમની વાણીમાં સહેજે વાપરતા થઈ શકે.
ગુરુ રામાનંદના મુખ્ય બાર શિષ્યોમાં રૈદાસ, ભક્ત પીપાજી અને કબીર સાહેબનો સમાવેશ થાય છે. ભક્ત પીપાજી તો રાજવી કુટુંબમાં જન્મેલા. ગાંગરોનગઢના તેઓ મહારાજા હતા. સં. ૧૪૧૦થી સં. ૧૪૭૦ સુધીનો તેમનો સમય નિશ્ચિત થયેલો છે. સંત કવિ અનંતદાસ સં. ૧૬૪૫માં 'પીપા પરિચરિ' નામનું પુસ્તક લખ્યું છે અને તેમાં ગુરુ રામાનંદ સાથે રૈદાસ અને કબીર સાહેબે દ્વારકાની યાત્રા કરેલી તેનું વિગતવાર વર્ણન પ્રાપ્ત થાય છે. ગુરુ રામાનંદે પોતાનો દેહ કાશીમાં સં. ૧૪૬૭માં છોડી દીધેલો તેથી તે યાત્રા સં. ૧૪૬૦ની આસપાસ થઈ હોવી જોઈએ એવું વિદ્વાનો માને છે.
બીજું કબીરવડમાં જે શિલાલેખ પ્રાપ્ત થયો છે તેમાં કબીર સાહેબ સં. ૧૪૬૫માં કબીરવડના સ્થળે આવેલા તે હકીકત જણાવેલી છે. તદુપરાંત, સંત નાભદાસે સં. ૧૬૪૨માં 'ભક્તમાળ'ની રચના કરી છે અને તેમા તત્વા ને જીવાની ટેવ પૂરી કરવા કબીર સાહેબ કબીરવડ પધાર્યા હતા એ કથા વર્ણવેલી છે. આ તત્વા ને જીવા બે સગા ભાઈઓ હતા અને જાતે બ્રાહ્મણ હતા. તેઓ શુકલતીર્થમાં રહેતા હતા. તેમના પિતા સંત પ્રેમી હતા. નર્મદા પરિક્રમા કરનારા સાધુસંતો પહેલેથી જ શુકલતીર્થ ચતુર્માસ ગાળતા. મંદિરોમાં રહેવાન સગવડ થઈ જતી. તે સમયે તો સાધુઓ ટોળામાં રહેતા ને ફરતા. તત્વાજીવા પણ સંતોને વારંવાર પગે લાગતા. પરંતુ આ બધા સંતો ઘરની બહાર ગાંજો પીતા, દારૂ પીતા અને માંસાહાર પણ કરતા જણાયા ત્યારથી તત્વા અને જીવાએ બળવો પોકાર્યો 'આ બધાં સંતોને પગે લાગવાથી આપણને શો ફાયદો થાય?' તેથી તેમણે જાહેરમાં ટેક લીધી કે આપણે તો તેને જ પગે લાગીશું કે જેના ચરણામૃતથી આ વડની સૂકી ડાળી સજીવન બને !
તત્વાજીવાની આ જાહેરાતથી સંતસમાજ ખળભળી ઊઠ્યો હતો, કારણ કે શુકલતીર્થ તે સમયે યાત્રાનું ધામ ગણાતું હતું. ત્યાં વર્ષમાં ઘણી વાર મેળા ભરાતા. કહેવાય છે કે મેળામાં વેપાર કરવા અફઘાનિસ્તાનથી પણ વેપારી લોકો આવતાં. ઘણા બધા લોકોની અવરજવર મેળામાં થતી. તેથી તત્વાજીવાની ટેકનો પ્રચાર સારા પ્રમાણમાં થઈ શકેલો. સંતસમાજ ચિંતાતુર થઈ ગયેલો. ખરેખર સાચા સંતોનો અભય હતો. ટોળામાં એકાદ જણ સાત્ત્વિક જીવન જીવતો હશે. સમર્થ ને શક્તિશાળી સંતો ભાગ્યે જ જોવા મળતા તેથી સંતોની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. એવા સંતો તો હતા જ નહીં જેના પગો ધોઈને વડની સૂકી ડાળીને પાણી સીંચવામાં આવે તો તે ડાળી સજીવન થઇને પીલવાઈ ઊઠે. સંતો એક થયા ને પ્રશ્નનું નિકારણ કેવી રીતે કરવું તેનો વિચાર કરવા લાગ્યા. નહીં તો સંતને સમાજ સંઘરશે નહીં અને પોષણ મળતું બંધ થઈ જશે એવી લાગણી સંતસમાજમાં પ્રવર્તી હતી. ઉત્તર ભારતમાંથી આવેલી એક સંત મંડળીએ કાશીમાં કબીરદાસ નામે એક સમર્થ સંત રહે છે એવી માહિતી આપી એટલે સંતોનું બનેલું એક પંચ કાશીમાં જાય છે ને કબીર સાહેબને સાચી હકીકતથી વાકેફ કરવામાં આવે છે. સદ્ગુરુ કબીર સાહેબે તત્વાજીવાની ટેક પૂરી કરવા ને સંતોની લાજ રાખવા ગુજરાત આવવાનું નિમંત્રણ સ્વીકાર્યું હતું. આ બધી કહીકત તે સમયના સાહિત્ય કૃતિઓમાંથી આપણને પ્રાપ્ત થાય છે.
કબીર સાહેબ સૌ પ્રથમ પાટણમાં આવ્યા હતા. પાટણમાં એક આંબાવાડિયું હતું તેમાં પદ્મનાભજી નામે એક સંત રહેતા હતા. તે આંબાવાડિયાંમાં પદ્મનાભજીને સદ્ગુરુ કબીર સાહેબને રાતવાસો રાખેલા. કબીર સાહેબથી પ્રભાવિત થઈ તેઓ શિષ્ય બની ગયેલા. પદ્મનાભજીના શિષ્યોમાં લોચનદાસ અને ધનરાજ પંડ્યા ઘણા વિદ્વાન ગણાતા હતા. તેઓ થકી ગુજરાત-સૌરાષ્ટ્રમાં કબીર સાહેબનો પ્રચાર સારી રીતે થયેલો. કબીર સાહેબ જ્યાં જ્યાં રાતવાસો કરતા ત્યાં ત્યાં સત્સંગ થતો અને કબીર સાહેબનો પ્રભાવ પણ પથરાતો જતો. આ રીતે સં. ૧૪૬૫માં તેઓ શુકલતીર્થ પહોંચેલા. કહેવાય છે કે મેળાને કારણે ભારતભરમાં તત્વાજીવાની ટેકનો પ્રચાર થયેલો એટલે જ્યારે કબીર સાહેબ શુકલતીર્થમાં આવ્યા હતા ત્યારે ઘણી મોટી મેદની એકત્ર થઈ હતી. તેમાં જ્ઞાનીજી મહારાજ પણ હાજર હતા.
લોચનદાસે તો સુરતમાં આશ્રમ સ્થાપ્યો હતો. આશ્રમની તે પરંપરામાં ત્રીજી પેઢીએ માણેકદાસ નામે સંત કવિ થઈ ગયા. તેમણે જે સાહિત્ય લખ્યું તેમાં તત્વાને જીવાની ટેકની કથા પણ પ્રાપ્ત થાય છે. દા.ત.
ધન્ય ભક્તિ લખાનિયે તત્વા જીવાકી ટેક
આંગનમેં એક વૃક્ષ થે, સાધુ આયે અનેક
સાધુ આયે અનેક, ચરણામૃત સીંચવાયે
ઉરમેં બડો વિશ્વાસ, સચ્ચે સંતજબ આયે
માણેક મંગલ ગાવરી, સંત કબીર જબ આયે
તત્ત્વા જીવા કે અંગના સુંકે વટવૃક્ષ જીવાયે.
* * *
સૂકે વૃક્ષ નીલે હુવે, ઘટા છાઈ ઘનઘોર
મૂલ ગયે પાતાલમેં, શાખા ફેલે ચહુઓર
શાખા ફેલે ચહુઓર, સંત પ્રભાવ દિખલાયે
સોહી સુખે કાઠ, કબીર વટ કહેલાયે
તત્વા જીવાકી ટેકકો સાહેબ કબીર નિભાય
કબીર વટકી છાંયમેં માણિકદાસ લુભાય.
સાવ સૂકી મરી ગયેલી વડની ડાળી તત્વા ને જીવાએ રોપેલી તે કબીર સાહેબના ચરણામૃતથી કેવી રીતે સજીવન થઈ ને તેમાંથી આ મહાન વડ આજે ઉદ્ભવ્યો એ વાત વિજ્ઞાનમાં કોણ સાચી માને ? કબીરવડની આ ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવીને હું પણ કૉલેજમાં જાણતો ત્યારે રાચતો હતો. છતાં એ ઘટનાઇતિહાસની સત્ય હકીકત છે તેની જાણ મને પાછળથી થઈ. જેમ જેમ મને અભ્યાસમાં ઊંડે ઊતરવાની તક મળી તેમ તેમ મને ખાતરી થતી ગઈ કે કબીરવડની ઘટના કેવળ કલ્પના નથી પણ એક તદ્દન સાચી વાત છે. મારું ધ્યાન રંગ અવધૂતની બાવનીએ દોર્યું હતું. રંગ અવધૂત મહારાજ આપણા જમાનાના એક સમર્થ સિદ્ધ સંત તરીકે પ્રખ્યાત છે. તેમણે લખેલી બાવનીમાં એક પંક્તિ આવે છે: 'સૂકા કાષ્ઠને આણ્યા પત્ર'. આ લીટી પર મારું મન વિચાર કરવા લાગ્યું હતું. ડૉ. અધ્વર્યુ એક બુદ્ધિજીવી તેમના શિષ્ય ગણાતા હતા. બાવની અંગે તેમની સાથે ચર્ચા કરી ત્યારે ખબર પડી કે આ ઘટના દેશમુખના બગીચામાં બની હતી. તે વખતે લગભગ ત્રીસ જેટલા બુદ્ધિજીવીઓ હાજર રહી સાક્ષી બન્યા હતા. રંગ અવધૂત મહારાજ સાથે ત્રીસ જણાનો સંઘ મહારાષ્ટ્રની યાત્રા કરી રહ્યો હતો. ત્યારે દેશમુખ નામે એક મરાઠી બ્રાહ્મ રંગ અવધૂત મહારાજને પોતાના સ્થાનમાં આવવાનું ખાસ નિમંત્રણ આપે છે. તેનું ઘર એક બગીચામાં હતું. તે બગીચો તેનો પોતાનો હતો. તેમાં એક ઔદુંબર તેના દાદાએ એક સંતના હાથે રોપેલ તે ઝાડ સાઠસિત્તેર વર્ષ પછી સાવ સુકાઈ ગયું હતું. તેણે કાપવું કે નહીં તેની રાહ જોવામાં સમય વીતી રહ્યો હતો. રંગ અવધૂત મહારાજ તે બગીચામાં તે જ ઝાડ પાસે જઈને ઊભા રહે છે અને પોતાનું પાણીથી ભરેલું પાત્ર ઝાડના મૂળ પાસે ઠાલવી દે છે ત્યારે તરત જ તે ઝાડને નવાં પાંદડાંઓ ફૂટ્યા હતાં. આ વાત વીસમી સદીમાં બને છે અને તાના સાક્ષી બુદ્ધિજીવીઓ જ છે. તો પછી છ સદી પહેલાં પણ કબીરવડની ઘટના ન બની હોય તેમ કેવી રીતે કહી શકાય ?
ત્રીજું, કબીરવડની ઘટના પછી પણ કબીર સાહેબ ગુજરાતમાં આવ્યા હતા. આગળ આપણે જોઈ ગયા કે જે સમયે કબીરવડની ઘટના બની તે સમયે જ્ઞાનીજી મહારાજ પણ હાજર હતા. આ જ્ઞાનીજી મહારાજ કબીરસાહેબના પ્રભાવ હેઠળ શિષ્ય બની જાય છે અને બાર વર્ષ સુધી મધ્ય પ્રદેશના જંગલોમાં ઉગ્ર તપશ્ચર્યા કરે છે. ત્યારે પછી તેઓ કબીર સાહેબની સહાયથી પંદરમી સદીના અંતે એક સર્વ ધર્મ પરિષદ - ભારતભરના સંતોનું એક મોટું સંમેલન બોલાવે છે. તેનો તમામ ખર્ચ મણિપુરના રાજા ભોગવે છે. આ બધી હકીકત પણ તે સમયના સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે.
આ રીતે કબીર સાહેબ ગુજરાતમાં એકવાર નહીં, પણ અનેકવાર આવ્યા હતા તેની ખાતરી આપણને થાય છે.
Add comment