Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007
શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (બાવાજી - પરમાર્થી)
કપુરા
હા, સદ્ગુરુ કબીર સાહેબનાં પાવન પગલાં સુરતની ધરતી પર પડેલાં તેની ખાત્રી તે સમયની અને ત્યાર પછીની કેટલીક સાહિત્ય કૃતિઓ કરાવરાવે છે. સુરત આવવાનું આમંત્રણ સંત નિર્વાણ સાહેબે આપ્યું હતું. જ્યારે તેમણે નર્મદા-કિનારે જઈ સદ્ગુરુ કબીર સાહેબને આમંત્રણ આપ્યું ત્યારે તેઓ નિર્વાણ મહારાજ તરીકે જ ઓળખાતા હતા. આ સંત સમર્થ ને શક્તિશાળી હતા. આખા દક્ષિણ ગુજરાતમાં તેઓ પ્રતાપી મહાપુરુષ તરીકે ખ્યાતી પામ્યા હતા. તે અંગેની સૌ વિગતો 'મિરાતે સિકંદરી', 'ભારત મંડળનો ઇતિહાસ', 'સુરત માંડવીનું દેશી રાજ્ય', 'સુરતની તવારીખ', 'સુરત સોનાની મુરત', 'દક્ષિણ ગુજરાતનો ઇતિહાસ' વગેરે ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે.
સંત નિર્વાણ મહારાજ મૂળ રાજસ્થાનથી પધાર્યા હતા. તેમનું પહેલાનું નામ લક્ષ્મીદાસ હતું. તેમના ગુરુનું નામ કેશવદાસ હતું. ગુરુ કેશવદાસે લક્ષ્મીદાસને સુરત જવાની આજ્ઞા કરી ત્યારે 'જા, આજથી નિર્વાણ નામથી ઓળખાશે' 'તારો જયજયકાર થશે !' એવો આશીર્વાદ આપ્યો હતો. તે સમયે સમસ્ત ગુજરાત મુસલમાનોના હાથમાં આવી ગયું હતું. સુરતમાં ત્યારે નવાબ હતો. તે અને તેના અધિકારીઓ ક્રૂર ને ઘાતકી કાર્યો કરતા હતા. સાધુઓની હત્યા પણ થતી. તેઓ કોઈ સંતને કે સાધુને શહેરમાં આવવા દેતા નહીં. શહેરની ફરતે ભારે પહેરો રહેતો.
રાજસ્થાનથી આવનાર માટે ત્યારે એક જ માર્ગ હતો. બૌધાન પાસેથી ત્યારે તાપી નદી ઊતરી શકાતી, તેથી તે માર્ગે આગળ જતાં બારડોલી આવવું પડતું. ત્યાંથી સરભોણ ડુંગરી જવું પડતું. ત્યાં કેટલાક દિવસ સુધી સંત નિર્વાણ મહારાજે મુકામ કરેલો. નિર્વાણ મહારાજ જ્યાં ધ્યાનમગ્ન બની જતા તે સ્થાન સરભોણ ડુંગરી પાસે આજે પણ મોજૂદ છે. તેમની ગાદીના કેટલાક સાધુઓની સમાધી પણ તે સ્થાનમાં દશ્યમાન થાય છે. તે જાહેર રસ્તાની પાસે હોવાથી રસ્તેથી પસાર થતાં મુસાફરોને પણ સંત નિર્વાણનાં દર્શન કરવાનું મન થતું. તે સ્થાનની આસપાસ કણબી પાટીદારોની વસ્તી હતી. એકવાર ઘણા બધા યાત્રિકો ત્યાંથી પસાર થતા ત્યારે તે જગ્યાએ તેઓ રાતવાસો રહ્યા હતા અને સંત નિર્વાણ મહારાજનું આતિથ્ય પામ્યા હતા. એક નાની સરખી તપેલીમાં ભાત રાંધ્યો હતો તે બધા ત્યાં એકત્ર થયેલી જમાતને પીરસ્યો હતો છતાં તેમાંથી ભાત ઓછો થતો ન હતો તે સર્વ યાત્રિકોએ જોયું હતું. ત્યારથી સંત નિર્વાણ મહારાજનો ખૂબ પ્રચાર થવા પામ્યો હતો. આ સંત નિર્વાણ મહારાજના ભક્તોમાં કણબી પાટીદારોની સંખ્યા તેથી જ વધારે પ્રમાણમાં હતી.
તે સ્થળેથી સંત સુરત તરફ આવ્યા ત્યારે પણ સાથે કણબી પાટીદારોનો સંઘ આવ્યો હતો. સિપાહીનો પહેરો હતો એટલે સંત નિર્વાણ મહારાજ સિવાય તમામ કણબી પાટીદારોનાં શહેરમાં પ્રવેશી શકેલો. સંતને તો શહેરમાં જવા જ દેતા નહોતા. છતાં પોતાની યૌગિક શક્તિ વડે તેઓ સિપાહીઓને અભાન બનાવી શહેરમાં પ્રવેશેલા અને સંઘની સાથે ભળી ગયેલા. આજે જ્યાં રઘનાથપુરામાં ચોથિયા શેરી આવેલી છે ત્યાં તે સમયે નવાબનું થાણું હતું. એટલે ત્યાં મુકામ કરવા માટે તેમણે સંઘને વિદાય આપી હતી. ત્યારે પછી નવાબે તો તેમની ખૂબ જ આકરી કસોટી કરી હતી. પરંતુ તમામ પ્રકારની કસોટીમાંથી તેઓ પસાર થઈ ગયા હતા અને નવાબને ચમત્કારોથી મહાત કરી દીધો હતો. આ રીતે સમસ્ત સુરત શહેરમાં તેમની બોલબાલા થઈ હતી. નવાબની શક્તિ કામ આવી ન હતી. નવાબ પણ છેવટે નમી પડ્યો હતો અને તેમણે શહેરમાં આશ્રમ બાંધવા માટે જગ્યા આપી હતી તેનો દસ્તાવેજી કરાર આજે પણ પ્રાપ્ત થઈ શક્યો છે. વળી સુરતના નવાબને ચેતવ્યાનો સમય ભાટના ગ્રંથોમાંથી વિ.સં. ૧૫૩૭માં મળી આવે છે. એ જ પ્રમાણે સુરતના લોક કવિ દુલારામની 'નિર્વાણચરિત્ર પ્રકાશ'ની નોંધ પણ તેની સાથે મળતી આવે છે. 'સુરત સોનાની મુરત' ગ્રંથમાં પણ સંત નિર્વાણ મહારાજ સુરતમાં સં. ૧૫૩૭માં આવ્યા હતા તેવો ઉલ્લેખ છે.
કબીરવડની ઘટનાનો પડઘો આખા ભારતદેશમાં પડ્યો હતો. સંત નિર્વાણ મહારાજને પણ વાત જાણીને આનંદ થયો હતો, તેથી કબીર સાહેબનાં દર્શન કરવા તેઓ પણ નર્મદા નદીને કિનારે જાય છે. સદ્ગુરુ કબીર સાહેબે જ્ઞાનીજી મહારાજને દીક્ષા સં. ૧૪૬૬માં આપી હતી એવું કહેવાય છે. ત્યાર પછી કે તે સમયની આસપાસ સંત નિર્વાણ મહારાજ નર્મદાકિનારે સદ્ગુરુ કબીર સાહેબનાં દર્શને આવ્યા હોવા જોઈએ.
બંને સમર્થ ને મહાન શક્તિશાળી ખૂબ જ પ્રતાપી મહા પુરુષો હતા એટલે તેઓ ખૂબ જ પ્રેમથી એકમેકને ભેટ્યા હતા અને એકમેકનો આત્મિક પરિચય ખૂબ જ ગાઢ બની જવા પામ્યો હતો.
મહારાજ નીરબાનસે ભેટ્યા સંત કબીર
સ્થૂળ દો એક પ્રાન થે, અભેદ સંત શરીર.
અર્થાત્ સ્થૂળ શરીર ભલે બંનેના જુદાં જુદાં હતાં છતાં તેમનો જાણે એક જ પ્રાણ હતો એવી રીતે અભેદભાવે બંને ભેટ્યા હતા. એવી એકતાને અનુભવ કર્યા પછી તરત જ નિર્વાણ મહારાજે કબીર સાહેબને આમંત્રણ પાઠવ્યું હતું.
સાહેબ બડે દયાનિધિ, રખો સંતનકો ટેક
પ્રેમે એક દિન આઈઓ, લિખો નિરબાન વિવેક.
અર્થાત્ હે સાહેબ, આપ તો દયાના દરિયા છો ! અમારા જેવા સંતની ટેક નિભાવવા અમારા રહેઠાણમાં એકવાર તો પધારવાની કૃપા કરજો ! નિર્વાણની આટલી માંગણી જરૂર લક્ષમાં લેજો !
આમંત્રણ માન આપી સદ્ગુરુ કબીર સાહેબ સુરત શહેરમાં સં. ૧૪૬૭માં પધાર્યા હોવા જોઈએ. સં.૧૪૬૫માં કબીરવડની ઘટના માટે તેઓ આવ્યા હતા તે નિશ્ચિત વાતને ધ્યાનમાં રાખીએ તો તેઓ ગુજરતામાં બે થી ત્રણ વર્ષ સુધી ફર્યાં હશે એવું અનુમાન કરી શકાય. સુરતના લોકકવિ દુલારામ નોંધે છે :
અટલ નાતા સંતકા બચન હિત ગુરુપીર
પ્રેમે આયે નીરબાન ઘર સાહેબ સંત કબીર.
અર્થાત્ સંતનો સંબંધ કાયમનો હોય છે અને વચન પણ અવિચલ હોય છે. સંત નિર્વાણ મહારાજના ધામમાં તેથી જ કબીર સાહેબ પ્રેમપૂર્વક પધાર્યા. નિર્વાણ મહારાજના અખાડામાં ત્યારે ધૂન મચી હતી. આનંદનો કોઈ પાર રહ્યો ન હતો. ત્યાં ઉપસ્થિત જનસમૂહમાં જોકે દિવ્ય દષ્ટિવાળા એકાદ બે જ હતાં. તેમાં મઘા તેલીનું નામ ગણાવી શકાય. નિર્વાણ મહારાજને કૃપાથી તેને દિવ્યદષ્ટિ પ્રાપ્ત થઈ હતી. તેણે કબીરસાહેબની અનંત શક્તિને પારખી લીધી હતી. નિવાર્ણ મહારાજ તો ખરેખરા પરમાનંદમાં મગ્ન બની ગયા હતાં. બીજાઓને તો આશ્ચર્ય થતું હતું. તેઓ નિર્વાણ મહારાજને સગુણવાદી માનતા હતા, જ્યારે કબીર સાહેબને તેઓ નિર્ગુણવાદી સમજતા હતા. સગુણ બ્રહ્મના પૂજારી નિર્ગુણ બ્રહ્મના ગાયકને કેવી રીતે ભેટે તે તેઓને આશ્ચર્યકારક લાગતું હતું. સગુણ નિર્ગુણનો ભેદ સામાન્ય જનસમાજને આ રીતે બે મહાન સમર્થ સંતોના મિલનના મહત્વને સમજવામાં દીવાલરૂપ બની ગયો હતો. તેથી ત્યાં ચડભડાટ જરૂર થયો હશે તેથી સંત નિર્વાણ મહારાજે પોતે એક પદ રચ્યું હતું.
કબીરાસે કૈસે દિલ લુભાયો ?
સાધુ, તેરે દિલમેં અચરજ આયો !
કબીરાસે ગુરુ કૈસે નાતા, નિર્ગુનકે ગીત ગાયો
હમતો સીરગુણ રામકે પ્યારે, યહી ભેદ દુઃખદાયો.
અર્થાત્ નિર્વાણને કબીરનું આકર્ષણ કેવી રીતે થયું તે બાબતે સંતોમાં મોટું આશ્ચર્ય છે ! એક બાજુ કબીર તો નિર્ગુણવાદી ને બીજી બાજુ નિર્વાણ તો સગુણવાદી એ દેખીતો ભેદ બધાના દુઃખનું કારણ બની ગયો !
ખરેખર સંત હૃદયમાં આવો ભેદ હોતો નથી. મનની ભૂમિકા પર એવા ભેદો કામ કરતા જરૂર જણાય પણ જેઓ મનથી પર થઈ જાય છે તેઓને ભેદ ઓગળી જવાથી અભેદનો જ અનુભવ થાય છે. કબીર સાહેબના મિલનથી નિર્વાણ મહારાજની દશા એવી થઈ હતી. સામાન્ય લોકો મનની ભૂમિકાને વટાવી શકતા નથી. તેઓ ભેદથી પીડાતા હોય છે અને સાચું દર્શન પણ કરી શકતા નથી. જ્યાં પ્રેમનું સામ્રાજ્ય હોય ત્યાં ભેદ રહે જ કેવી રીતે ? બંને સંતો પ્રેમાધીન હતા. પ્રેમથી આકર્ષાયેલા ને પ્રેમથી જ ભેટેલા. સગુણ-નિર્ગુણના ભેદથી તેઓ એકદમ પર હતા. તેથી નિર્વાણ મહારાજે ખુલાસો કરતા લખ્યું -
ભેદા ભેદ ચતુરાઈ છાંડે, સંતસે મેરી સગાયો
ચરણ કમળ ચાહું સંતકા પ્રેમસે રહુ લપટાયો
અર્થાત્ બુદ્ધિની ચાતુરી ભેદ ને અભેદની ચર્ચા કર્યા કરે પણ મારામાં તે ચતુરાઈ હતી જ નહીં ! હું તો ખરેખર સંત સાથે એકરૂપ થઈ ગયો છું અને તેમનામાં રહેલ ભગવત સવરૂપનાં ચરણકમળને વંદન કર્યા કરું છું. હું તો પ્રેમથી એકરૂપ બની ગયો છું ! તેથી અંતે નિર્વાણ મહારાજ એ પદમાં વિનંતિ કરતા કહે છે :
સાહેબ મોરે દિલમેં બસો આદિ અદલ કબીર
ન્યારે મત નિરબાનસે પ્રગટ રહો ગુરુ પીર.
અર્થાત્ હે સાહેબ કબીર, તમે મારા દિલમાં સદૈવ વસજો ! તમે જ આદિ ને અચળ છો ! આ નિવાર્ણથી કદી પણ અલગ થશો નહીં ! તમે સાક્ષાત પ્રગટ ભગવાન છો !
નિર્વાણ મહારાજની પ્રાર્થનામાં કબીર સાહેબમાં રહેલ ભગવત સ્વરૂપનો આપણને પણ પરિચય થાય છે. નિર્વાણ મહારાજ પોતે નિર્ગુણવાદીમાં સગુણ બ્રહ્મના કેવી સુંદર રીતે દર્શન કરી શકાય તેનો પણ ખ્યાલ કરવા જેવો છે. તેથી જ વિદાય વખતે કબીર સાહેબે નિર્ગુણ મહારાજને નિર્ગુણ સાહેબ તરીકે સંબોધ્યા હતા અને તે જ દિવસથી નિર્ગુણ મહારાજ નિર્ગુણ સાહેબ તરીકે ખ્યાતિ પામ્યા હતા. બંને મહાન સમર્થ સંતોના મિલનની ફલશ્રુતિ એવી જ હોય તેમાં આશ્ચર્ય શું ?
Add comment