Kabir Vishesh

Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007

શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (બાવાજી - પરમાર્થી)
કપુરા

દરેક પંથવાળા પોતાના ગુરુ બીજા બધાં કરતા વિશેષ ને મહાન છે એવું સાબિત કરવા સતત પ્રયત્નશીલ હોય છે. કેટલાક કબીરપંથીઓ તરફથી કબીર સાહેબને વેદ વિરોધી ઠરાવવાનો સતત પ્રયત્ન કરવામાં આવે છે  ત્યારે આશ્ચર્ય થાય છે. તે દ્વારા કબીર સાહેબને સૌથી અનોખા ઠેરવી મિથ્યા ગૌરવમાં રાચે છે. તેઓ ખાસ કરીને નીચેની પંક્તિઓ ટાંકતા હોય છે :

જાકો મુનિવર તપ કરૈ, વેદ થકૈ ગુણ ગાય
સોઈ દેઉં સિખાપના, કહિ ન કોઈ પતિઆય

અર્થાત જે પરમાત્માને માટે મુનિવરો આકરી તપશ્ચર્યા કરે છે અને જેનાં ગુણ ગાતાં વેદો થાકી જાય છે તેણે હું સીધી રીતે સમજાવી દઉં છું, પણ તેમાં લોકોને વિશ્વાસ જ ક્યાં છે ?

એક શબ્દ ગુરુદેવકા, ટાકા અનંત વિચાર
થાકે મુનિવર પંડિતા, વેદ ન પાયા પાર !

અર્થાત જે પરમ તત્ત્વને કબીર સાહેબે એક જ શબ્દમાં સમજાવી દીધું તેનાં પર મોટા મોટા મુનિઓ ને પંડિતો અનંત પ્રકારે વિચાર કરી કરી થાકી જાય છે અને વેદો પણ જેનો પાર પામી શક્યા નથી !

વેદ નકલ હૈ જો કોઈ માનૈ, જો સમજે તો ભલો જામાનૈ

અર્થાત જો કોઈ વેદને સંસારની નકલ સમજે છે તે બરાબર સમજતો ન ગણાય કરણ કે મનુષ્યો વ એડની હિતકારી વાતને બરાબર સમજે છે.

ઉપરોક્ત એકે વચન સદગુરુ કબીર સાહેબને ખરેખર વેદ વિરોધી ઠેરવી શકે એમ નથી. 'યતો વાચો નિવર્તતે અપ્રાપ્ય મનસા સહ' એ વેદ વચનમાં સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે વૈખરી વાણી પરમ તત્ત્વનું વર્ણન કરવામાં પાછી પડે છે. તેથી નેતિ નેતિ કહીને વેદ તેનાં ગુણ ગાય છે. વેદ તેનો પાર ન પામે એમ કહેવાથી કબીર સાહેબ વેદ વિરોધી ઠરી શકે નહીં. વૈખરી વાણીને જે મર્યાદા છે તે એ શબ્દો દ્વારા અભિવ્યક્ત થઈ છે. વેદ માટેની  વિરોધની કોઈ લાગણી એમાં વ્યક્ત થતી જ નથી. સંસારમાં સારીનરસી બધી ચીજ હોય છે, તેમ વેદમાં પણ સારીનરસી બધી વાતો છે, તેથી તેને એટલે કે વેદને સંસારની નકલ માનનાર વેદને બરાબર સમજતો નથી એમ કહેવાય. જે વિવેકી પુરુષો છે તે વેદની ભલી વાતોને યોગ્ય રીતે સમજે છે તેથી તેવા પુરુષો વેદનને સંસારની નકલ કહેતા નથી. તેથી માત્ર વિવેકનો જ પ્રશ્ન અગત્યનો છે. ઉતાવળ કરીને ખોટું અર્થઘટન કરવાથી કબીર સાહેબને ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો છે તે બરાબર ન કહેવાય. જો કબીર સાહેબને વેદ વિરોધી માની લઈએ તો કબીરવાણીના ઘણા વચનો વેદમતને ટેકો આપનારા છે તે સૌ ખોટાં ઠરે તેનું શું ?  દા.ત.

ચારિ વેદ કૈંડા કિયો, નિરંકાર કિયો રાછ
બિનૈ કબીરા ચૂનરી, નન્હી બાંઘલ બાછ.

આ પંક્તિઓમાં સદગુરુ કબીર સાહેબે નિર્ગુણ નિરાકારની ભક્તિરૂપી ચૂંદડી તૈયાર કરવા માટે વેદનો આધાર સ્વીકાર્યો છે. કૈંડા એટલે કપડું તંગ રહે તે માટે બંને તરફ બાંધવામાં આવતી દાંડી. રાછ એટલે દોરી. બાછ એટલે વાંસનો કટકો.

જો ચૂંદડી ઘટ્ટ રીતે તૈયાર કરવી હોય તો બંને તરફ દાંડીથી તેણે વળગાડવામાં આવે છે. નિરાકારથી દોરીથી તેને બાંધી દઈ જેમ જેમ જરૂર જણાય તેમ તેમ તેને ખેંચવામાં આવે છે. જેથી વણાટ ઘટ્ટ થઈ શકે. કબીર સાહેબે વણકારના ધંધાની પરિભાષા વાપરીને વેદમતનો વિરોધ નથી કર્યો, પણ વેદમતની પુષ્ટિ કરી છે.

સાહેબ સોં સબ હોત હે બંદે તે કછુ નાહિ
રાઈ તે પરબત કરે પરબત રાઈ માંહિ

સૃષ્ટિ, સ્થિતિ ણે પ્રલય એક પરાત્પર બ્રહ્મને કારણે જ થાય છે. એ વેદમત અહીં કાવ્યમય રીતે વ્યક્ત થયો છે તેની કોણ ના કહી શકશે ?  એક પરમાત્મા જ સર્વ સમર્થ છે. માનવ તેની આગળ સાવ અલ્પ એક બાળક સમાન છે. પરમાત્માની અનંત શક્તિ ધરે તે કરી શકે. જળની જગ્યાએ સ્થળ પણ કરી શકે અને સ્થળની જગ્યાએ જળ કરી શકે. એક કણમાંથી મોટો પર્વત પણ કરી દે અને એક મોટા પર્વતને એક કણમાં ફેરવી શકે. તેની આગળ શું અશક્ય છે ?

સબ ગવૈ અનુમાનસે અપને, તવ ગતિ લિખિ ન જાવે
કહે કબીર કિરપા કરી જનપર, જ્યોં હેં ત્યોં સમજાવે.

અથાર્ત હેં પ્રભુ ! જગતના તમામ ધર્મો અને તેના અનુયાયીઓ પોત પોતાની મતિ અનુસાર અનુમાન કરીને આપનું વર્ણન કરે છે. પરંતુ ખરેખર તો તમે અવર્ણનીય છો !  તમારી પાસે મન કે વાણી તો પહોંચી શકતા જ નથી. તેથી હેં પ્રભુ !  તમે અમારા પર કૃપા કારો અને તમે જેવા હોય તેવા અમારી સમક્ષ પ્રગટ થઈ અમને તમારા દર્શન કરાવી દો. સદગુરુ કબીર સાહેબની આ વિનમ્ર માંગણી પણ વેદમતને જ પુષ્ટિ આપનારી છે -

નાયમાત્મા પ્રવચનેન લભ્ય: ન મેધયા ન બહુના શ્રુતેન      
યમેવૈષ વૃણૂતે તેન લભ્ય: તસ્યૈષહત્મા વિવૃણુતે તનુસ્વામ

અર્થાત આત્માની પ્રાપ્તિ કેવળ શાસ્ત્રોના અભ્યાસી, તીવ્ર મેઘા બુદ્ધિ શક્તિથી કે વિશેષ પાંડિત્યથી થતી નથી. એ તો પરમાત્મા જેના પર પોતાની પસંદગી ઊતરે છે તેના પર તેની પૂરેપૂરી કૃપા ઊતરે છે અને તેને જ પરમાત્માનાં યથાર્થ દર્શન થઈ જાય છે. કબીર સાહેબ પણ તે જ સંદર્ભમાં ઉપરોક્ત પંક્તિ દ્વારા પરમાત્માની કૃપા લોકો પર વરસે તે માટે વિનમ્ર પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના પરમાત્માનાં દર્શન કરવા માટે જ તો છે. !

લાલી મેરે લાલકી જિત દેખોં તિત લોલ
લાલી દેખનમૈં ગઈ મૈં ભી હો ગઈ લાલ !

અહીં લાલ એટલે પોતાનો વ્હાલો પ્રિયતમ. વ્હાલો પ્રિયતમ પણ પરમાત્મા સિવાય બીજું કોણ હોય શકે ? પ્રિયતમનું અપ્રિતમ સૌંદર્ય જોવા જતાં જીવ - પ્રિયતમ - અપાર સૌંદર્યમાં એકરૂપ થઈ જાય છે તે અદ્વૈતનો અનુભવ ઉપરોક્ત પંક્તિમાં સદગુરુ કબીરસાહેબે બહુ સરસ ને સચોટ રીતે વ્યક્ત કર્યો છે. શું વેદમતથી તે વિરોધી ગણાય ખરો ? ભારતની સમજુ કોઈ પણ વ્યક્તિ એકી અવાજે કહેશે કે ના ભાઈ, આ તો વેદમતનો સ્પષ્ટ ટેકો જ આપે છે. વિરોધની ગંધ આવતી નથી !  પરમાત્માને પ્રિયતમ માનીને પ્રીતિ કરવી જોઇએ એ વિચારસરણી શુકલ યજુર્વેદમાં વ્યક્ત થઈ છે -

પ્રિયાણાં ત્વં પ્રિયપતિં હવામહે !
                                          (શું. ય. ૨૩/૧૯)

પ્રેમ લક્ષણ ભક્તિનું મૂળ વેદમાં છે જ. ઋગ્વેદમાં વળી થોડી જુદી જુદી  રીતે તે વ્યક્ત થયું છે :

ઓહમ ગાવ ઇવ ગ્રામમ યુયુધિરિવશ્વા
વાક્ષેવ વત્સં સુમના દુહાના
પતિરિવ જાયાં અભિનોન્યે તું ધર્તા
દિવિ સવિતા વિશ્વાનર: 
                                           (ઋ.૧૦/૧૪૯/૪)

એનું ગુજરાતી કવિતામાં આ  રીતે ભાષાંતર થઈ શકે -

ગાય જાયે જેમ કોઢે દોડી વત્સની પાસ,
યુદ્ધ પત્યા પછી ઘરભણી શૂરવીર જાયે ખાસ !
પત્નીને મળવા પતિ વિલંબ વિના જેમ જાય,
સુખના સાગર સમા પ્રભુ ભક્ત સંગ જોડાય !

અર્થાત કોઢમાં બાંધેલ વાછરડા પાસે ગાય જેમ દોડતી જાય, યુદ્ધના અંતે શૂરવીર જેમ ઘર તરફ ખૂબ ઉતાવળે જાય, બહાર ગયેલો પતિ જેમ પત્નીને મળવા ખૂબ અધીરો થઈ જાય તેમ પ્રેમભક્તિ કરતા પાસે જવા સુખના સાગર જેવા પ્રભુ ખૂબ ઉતાવળા થઈ જાય છે !  વેદની આ પંક્તિઓ કબીરસાહેબમાં કેટલી સહજ રીતે વ્યક્ત થાય છે :  'હરિ મોર પીવ મૈં રામકી બહુરીયાં' અર્થાત પ્રભુ મારા પિયુજી છે તે હું પ્રભુની પ્રિયા છું. એથી પણ સરસ અભિવ્યક્તિ આ પંક્તિમાં થઈ છે :

જલ ઉપજી જલહી સોં નેહા રટત પિચાસમ,
મૈં ઠાડિબિરહિન મગ જોઉં પ્રિયતમ તુમરિ આસ.

અથાર્ત પાણીમાં જન્મીને પાણીથી પ્રેમ હોવા છતાં હેં પ્રીતમ !  હું તરસે મરતી પાણી માટે પકાર કરી રહી છું. ઊભી ઊભી હું વિજોગણ તમારી વાટ જોયા કરું છું કેમ કે હે નાથ !  મને કેવળ તમારા જ મિલનની ઝંખના છે. એવી તો અનેક પંક્તિઓ છે, જે કબીર સાહેબ વેદમતને જ ટેકો આપે છે એવું પુરવાર કરી શકે.

ભગવાનને પતિ-પ્રિયતમને બદલે માતા-પિતાના રૂપે પણ ભક્તથી ભજી શકાય એવો વેદમત છે : 

ત્વં ત્રાતા તરણે | ચેત્યો ભૂ: પિતા માતા સદમીન્માનુષાણામ
                                                                         (ઋગ્વેદ ૬/૧/૫)

અર્થાત હેં તારણહાર ભગવાન, ત્રણે તાપથી તમે જ સાચું રક્ષણ કરો છો તેથી તમે મનુષ્યમાત્રનાં માતા-પિતા છો !

સદગુરુ કબીર સાહેબ પણ એ જ ભાવથી વેદમતની પુષ્ટિ કરતા હોય તેમ ગાય છે -

નિરગુન હૈ સો પિતા હમારો, સિરગુન હૈ મહતારી
કિસકો વંદુ, કિસકો નિંદુ, દોનો પલડા ભારી.

અર્થાત પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ અમારા પિતા સમાન છે અને સગુણ સ્વરૂપ અમારી માતા સમાન છે. અમે બંને સ્વરૂપોને વંદન કરીએ છીએ. અમે એકની નિંદા કરી શકીએ નહીં. બંને વિના આમારું અસ્તિત્વ શક્ય બનતું જ નથી. કબીર સાહેબના આવા શાસ્ત્ર સંમત વિધાયક વિચારોને વેદ વિરોધી કેવી રીતે ઠેરવી શકાય ?  આ સૃષ્ટિનો સર્જક ઈશ્વર, પરાત્પર બ્રહ્મ, પરમાત્મા, કબીરસાહેબ કહે છે કે બીજે ક્યાં નહિ પણ પ્રત્યેકનાં હૈયે છુપાયેલો છે ત્યારે આપણને તરત શ્રીમદ ભાગવદ ગીતાના અઢારમાં અધ્યાયનો શ્લોક યાદ આવે છે -

ઈશ્વર: સર્વભૂતાનામ હદદેશે અર્જુન તિષ્ઠતિ
ભ્રાયમન સર્વભૂતાનિ યંત્રારૂઠાનિ માયયા

અર્થાત સરળગીતામાં સદગુરુ યોગેશ્વરજીએ તેનું આ પ્રમાણે ગુજરાતી ભાષાંતર કર્યું છે -

ઈશ્વર સૌના હૃદયમાં અર્જન વાસ કરે
તેના બળથી કર્મ સૌ સંસાર કરે.

એવા જ ભાવથી કબીરસાહેબ પણ કહે છે -

રિદય ઝરુખે બૈઠકે સબકા મુજરા લેત
જૈસી જિસકી ચાકરી તૈસા તિસકો દેત

કબીરવાણી એક દર્શનશાસ્ત્રીની માફક નિજી અનુભવના આધારે સનાતન સત્યની સરસ રીતે માંડણી કરે છે અને સાધકને સદષ્ટાંત તેની સમજણ આપી ભ્રામક ખ્યાલોનું જોરદાર રીતે નિરસન કરે છે. કબીરવાણીના અભ્યાસીને કબીર સાહેબ શાસ્ત્રવાણીની અવગણના કરતા કદી જણાતા નથી બલકે કોઈક  વાર શાસ્ત્રવાણીમાં રહેલી દુર્બોધતા સરળ પણ બનાવી દેતા હોય છે. તેથી કબીર સાહેબે કહ્યું છે :

બેદ કિતાબ કીન કીન્હ જૂઠા
જૂઠા જો ન વિચારૈ
                                     (ક.વ.પૃ.૩૪૪)

અર્થાત વેદ અને કુરાનને કોણે જૂઠા કહ્યા ?  જૂઠા તો તે છે જે ઈશ્વરનો બરાબર  વિચાર નથી કરતા. વિવેકી પુરુષો જીવનું હિત શેમાં રહેલું છે તે બરાબર સમજતા હોય છે. તે લોકોના મનમાં કોઈ ગ્રંથિ નથી હોતી. ખરેખર તો મનની ગ્રંથિઓનું ભેદન થાય ત્યારે જ તો  વિવેક જ્ઞાન જાગતું હોય છે. ગ્રંથિથી પીડાતા લોકો સારુંનરસું શું તે બરાબર યોગ્ય સમયે પારખી શકતા નથી. તેઓ ક્યારેક સારાને નરસું ગણી લેતા હોય છે અને ક્યારેક નરસાને સારું ગણી ગોટાળો કરતા હોય છે. તેથી પંક્તિઓનો અર્થ વિવેકી પુરુષો ખૂબ જ સાવધાનીપૂર્વક કરતા હોય છે ણે તેઓ અનુભવી પુરુષોના વચનોને શાસ્ત્ર સંમત ગણી તેને ટેકો આપતા હોય છે.

'ત્રૈગુણ્યા વિષયા વેદા' કે 'વેદવાદરતા:' જેવા શબ્દો શ્રીમદ ભગવદગીતામાં શ્રીકૃષ્ણે વાપર્યા છે તેથી શ્રીકૃષ્ણને શું વેદ વિરોધી કહી શકાશે ?  બલકે વેદના જ્ઞાનકાંડનો સાચો અર્થ કે જે વિસરાઈ ગયો હતો તેને તે દ્વારા તેઓ પ્રદર્શિત કરે છે એમ કહેવું વધારે યોગ્ય ગણાય. વેદના ક્રિયાકાંડને જ વળગી રહેનારાને માટે તેઓ 'વેદવાદરતા:' શબ્દ પ્રયોજે છે. વેદનો વિષય માત્ર ત્રિગુણમયી સૃષ્ટિનું વર્ણન કરવાનો નથી, પણ એ ત્રણ ગુણો પર વિજય પ્રાપ્ત કરી જીવ પોતાના શરીરમાં રહેલા આત્મ દેવને કેવી રીતે જાણી શકે અને શરીરની બહાર રહેલા પરાત્પર સર્વ વ્યાપક પરમ તત્ત્વનો સાક્ષાત્કાર પણ કરી શકે તે જણાવવાનો પણ છે. અલબત્ત તે  બધી ગૂઢ વાતો માર્મિક રીતે જણાવે તેથી તેનો અર્થધ્વનિ પકડવામાં બુદ્ધિ જરૂર કસવી પડે છે. સદગુરુ કબીર સાહેબની રીતો પણ તેવી જ છે. માત્ર બે લીટીમાં ઘણું બધું કહી દેવાની ત્રેવડ તેમનામાં હતી તેથી તેમની ભાષા બધાંને સમજ ન પડે સ્વાભાવિક છે. બાકી શ્રીકૃષ્ણ ભગવાનની માફક તેઓ પણ વેદવિરોધી ન હતા એટલું સૌએ સમજી લેવાની જરૂર છે.