Kabir Vishesh

Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007

શ્રી વિનોબા ભાવે

મારા ઉપર કબીરનાં જે વિચારોની, જે વચનોની અસર પડી છે, એવાં કેટલાંક વચનો આજે તમને સંભળાવું અને એ વચનોનો થોડાક અર્થ પણ સમજાવું.

ગુરુ ગુડ દિયા મીઠા

ગોળ ખાતાં ડરવું ન જોઈએ. ખાંડ ખાતાં ડરવું જોઈએ. આજકાલ વિજ્ઞાનીઓ ખાંડને 'વ્હાઈટ પોઈઝન' - સફેદ ઝેર કહે છે. તેને બદલે ગોળ સારો. ગોળ હોય છે બહુ મીઠો !

ગુરુ ગુડ દિયા મીઠા. કહે કબીર મૈં પૂરા પાયા

કેવો અનુભવ થયો ?  તો કહે, 'અબ ઘટ સાહિબ દીઠા.' ઘટઘટમાં ભગવાન વિરાજમાન છે એમ જોયું. 'ખલક મેં ખાલિક, મેં ખલક.'  ખલક યાને સૃષ્ટિ. સૃષ્ટિમાં ભગવાન છે અને ભગવાનમાં સૃષ્ટિ છે. 'સબ ઘટ રહ્યા સમાઈ.'  સહુ ઘટમાં સાહેબ સમાયા છે. આવો ગોળ ગુરુએ માને આપ્યો અને મેં તે ખાઈ લીધો.

ગુરુએ ગોળ દીધો, એ જ વાત છે તે શંકરાચાર્યની છે. શંકરાચાર્યે કહ્યું છે :  ત્રણ પ્રકારના દર્શન થાય છે. પહેલું દર્શન છે, ગોળ મીઠો હોય છે, એમ સાંભળ્યું. જોયું-બોયું નથી, કેવળ સાંભળ્યું છે. બીજું છે, ગુરુએ બતાવ્યું કે જુઓ, ગોળ કેટલો મીઠો છે !  એટલે કે ગોળ જોઈ લીધો, ખાયો-બાયો નહીં.  ગુરુએ માત્ર બતાવ્યો તે જોયો. ત્રીજું છે, 'ગુડ ભક્ષણજં સુખમ્'. એટલે કે ગોળ ખાઈ લીધો.

પહેલા ગોળ મીઠો હોય છે, એમ સાંભળ્યું તેણે કહે છે શાસ્ત્રપ્રતીતિ. વેદ વગેરે વાંચી લીધા. ભગવાન કેવો છે ?  વેદમાં લખ્યું છે તેવો. વેદ વાંચી લીધા એટલે  શાસ્ત્રપ્રતિતી થઈ ગઈ. પછી ગુરુ મહારાજ આવ્યા. 'આ જો ગોળ' - એમ ગુરુએ બતાવ્યું અને બતાવીને ગુરુજી ચાલ્યા ગયા, તો ગુરુ-પ્રતીતિ થઈ ગઈ. પછી ગોળ ખાધો. ગોળની મીઠાશને જાતઅનુભવ થયો, તો આત્મપ્રતીતિ થઈ ગઈ. આ રીતે ત્રણ પ્રકારના પ્રતીતિ શંકરાચાર્યે સમજાવી છે તેનો જ ઉપયોગ કબીરે આમાં કર્યો.  બહુ જ સુંદર છે !

ગુરુ ગુડ દિયા મીઠા.
કહે કબીર મૈં પૂરા પાયા.
અબ ઘટ સાહિબ દીઠા.

બીજું વચન છે,

ઝીની  ઝીની બિની ચરરીયા
સો ચાદર સુર નર મુનિ ઓઢી
ઓઢીકે મૈલી કીની ચદરિયા
દાસ કબીર જતનસે ઓઢી
જ્યોંકી ત્યોં ધરી દીની ચદરિયા

કબીર વણકર હતા. કપડું વણતાં વણતાં એ કહે છે - દેવોએ, માનવોએ, ઘણાએ આ દેહરૂપી ચાદર ઓઢી. કબીરે શું કર્યું ?  આખરે જ્યારે મરી ગયા, ત્યારે ચાદર જેવી પહેલાં હતી એવી જ રહી હતી. ફાટીબાટી નહોતી. તેના પર ડાઘ પણ નહોતા પડ્યા. જેવી હતી તેવી પાછી પહોંચાડી દીધી. શું તમે લોકો પહોંચાડશો જેવી ને તેવી પોતાની ચાદર ?  ડાઘ ન પડવો જોઈએ, ફાટવી ન જોઈએ. આ જે કહ્યું કે જેવી ચાદર મળેલી, નિર્મળ મળેલી, તેવી જ પાછી સોંપી દીધી, એટલે કે બાળક જન્મ્યું ત્યારે જેવું નિર્મળ હતું તેવા જ નિર્મળ ઠેઠ સુધી રહીને કબીર ચાલ્યા ગયા હતા.

ત્રીજું વચન છે,

પાની બાઢો નાવમેં ઘરમેં બાઢો દામ
દોનોં હાથ ઉલીચિયે યહી સયાનો કામ

આના ઉપર તો મેં કેટલાંયે વ્યાખ્યાન આપ્યાં છે !  ભૂદાન - ગ્રામદાનની વાત કરતાં આનો મને ઘણો ઉપયોગ થયો છે. બેઉ હાથે જમીન દાનમાં દો, 'યહી સયાનો કામ' એમ હું ગામડે ગામડે કહેતો હતો.

ચોથું વચન છે,

સહજ સમાધિ ભલી રે સાધો
સહજ સમાધ ભલી
આંખ ન મુંદૌ કાન ન રૂંધૌ
ખૂલે નૈન પહિચાનૌં
હંસિ હંસિ સુંદર રૂપ નિહારૌં

કેટલું સુંદર છે સામે બેઠેલા લલ્લુદાસનું રૂપ !  ત્યાં ગોવિંદન્ સિંહ જેવો દેખાય છે, કેટલો સુંદર !  બાબાજીની દાઢી કેટલી સુંદર સાફ દેખાય છે !  બહેનો કેવી સુંદર છે !  ઝાડ કેવા સુંદર છે !  'ખુલે નૈન પહચાનૌ' ! બરાબર યાદ રાખો, સૃષ્ટિમાં જે કાંઈ દેખાય છે, તે ભાગવત્ સ્વરૂપ છે એવી ભાવના સેવવાની કોશિશ કારો.

પાંચમું છે,

ઘટ ઘટમેં વહ સાંઈ રમતા
કટુક વચન મત બોલ રે
તોહે રામ મિલેંગે

કટુક વચન નહીં બોલવું એટલું પૂરતું નથી. 'ઘટ ઘટમેં વહ સાંઈ રમતા' એવી ભાવનાથી કોઈનું દિલ ન દૂભવવું જોઈએ. એટલા વાસ્તે કડવું ન બોલ. બાકી 'કડવું ન બોલવું' એ  વાત તો મોટા મોટા રાજકારણીઓ પણ કહેતા હોય છે. તેઓ મીઠું મીઠું જ બોલે છે !  વાટાઘાટ કરતી વખતે ભારે મીઠી જીભે  વાત કરશે, અને બીજી બાજુ લશ્કરની તૈયારી કરતા રહેશે !  એટલે માત્ર 'કટુ ન બોલવું' એટલું પર્યાપ્ત નથી. દરેકમાં ભગવાન વિરાજમાન છે, તેને લગીરે તકલીફ આપવી બરાબર નથી એમ સમજીને કટુ વચન નહીં બોલવું.

જો ઘર ફૂંકે અપના, ચલો હમારે સાથ

આ છે છઠ્ઠું વચન, આમારી સાથે ચાલવું હશે તો ઘર પણ જાળવીશું, માતાપિતાને પણ સાચવીશું, એ બનશે નહીં, બધું છોડીને આવવું પડશે.

પછી સાતમું -

સાજન કે  ઘર જાના હોગા
મિટ્ટી ઓઢાવન મિટ્ટી બિછાવન
મિટ્ટી મેં મિલ જાના હોગા

કેટલું સુંદર છે !  ભગવાનને મળવા જેવું છે. તેને માટે શું કરવું પડશે ?  મિટ્ટી બિછાવન, મિટ્ટી બિછાવન, મિટ્ટી મેં મિલ જાના હોગા.'  ઉત્તમ શૃંગાર કરી લો. તમારો પ્રિયતમ છે ભગવાન !  તેને મળવા જવું છે. માટી ઓઢવી પડશે, માટી બિછાવી પડશે, મરવું પડશે - પણ આનંદપૂર્વક, દુઃખપૂર્વક નહીં.

આઠમું વચન, જે મને પ્રિય છે -

કહે કબીર સુનો મેરે ગુનિયા
આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા

નહીં તો આસક્તિ રહે છે. 'ઘર ઘર' (મૃત્યુ વખતે ગળામાં થતો આ જાતનો અવાજ) થઈ રહી છે, પણ 'ઘર' છૂટતું નથી. મરતી વખતે પણ ઘર-ઘર ! બધું છોડવું પડશે. આસક્તિ છોડવી પડશે.

હવે નંબર નવ,

કારો કાગજ કાલી સ્યાહી
લિખત પઢત વાકો પઢવા દે
તૂ તો રામ સુમર જગ લડવા દે

આ હું ઘણાને સંભળાવતો રહું છું. પણ મને એક જણે કહ્યું કે અમારું બધું શિક્ષણ પૂરું થઈ જાય તે પછી જ અમને આ સંભળાવજો. જેમ કે મેં હજારો ગ્રંથ વાંચી નાખ્યા, પંદર-વીસ ગ્રંથ લખ્યા, હવે હું આનંદપૂર્વક કબીરનું આ ભજન ગાઉં છું. એટલે તે કહે કે આ બધું થઈ ગયા બાદ અમને આ ભજન સંભળાવજો, આરંભમાં નહીં સંભળાવતા.

તાત્પર્ય કે કબીર અભણ હતા. લખતાં-વાંચતાં એમને આવડતું નહોતું. કબીર ૧૨૦ વરસ જીવ્યા અને જેવી ને તેવી પોતાની ચાદર પાછી સોંપી દીધી.

આ નવ રત્ન છે, જે કબીરનાં વચનોમાંથી મેં ચૂંટી લીધાં છે.

('ભૂમિપુત્ર') (સૌજન્ય : અખંડ આનંદ : સપ્ટેમ્બર '૦૧)

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 11,454
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,303
pdf-2અનંત સૂર | Anant Soor 8,889
pdf-3Amar Varso | અમર વારસો 7,249
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,492