Kabir Vishesh

Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007

ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ
માંડવી

આ સદીના એક પ્રખર તત્ત્વદૃષ્ટા ઓથો રજનીશજીના માટે 'કબીર એક આગ, એક ક્રાંતિ છે જે સદીઓના વીત્યા છતાં જીવંત છે.' આવું જ ગુજરાતમાં કબીરના પ્રભાવ વિષે દર્શાવવું હોય તો 'રામકબીર' ને આગળ ધરીને કહી શકાય કે આ એક એવી સામાજિક ક્રાંતિ છે કે સદીઓને વીંધીને વધુ ને વધુ દૃઢતાથી કાઠું કાઢતી જાય છે. આમ તો કબીરના તત્ત્વદર્શનને કેવળ અખા પરંપરાના સંતોએ જ નથી અપનાવ્યું. રવિ ભાણની પરંપરાથી માંડીને ઉદા ધર્મ અને રામ કબીરમાં પણ એ આખારિત થયું છે. તે જ રીતે કબીરના સંવેદનનાં તારનુ સ્પન્દન રવિસાહેબથી માંડી દાસી જીવણ સુધી ઝણઝણાતી ફેલાવી શક્યું છે અને એમનો આક્રોશ તથા વ્યંગ ભોજા ભગતના ચાબખાથી માંડી અખા તથા હાળેસાહેબનાં અનેક પદોમાં વીંઝણાં વીંઝતો રહ્યો છે. કબીર સમસ્ત ગુજરાતી સંત-ભક્તિ સાહિત્યના સાગરને આંદોલિત કરતા રહ્યા છે. એના ઉછાળ ભાવોના હોય કે આક્રોશના, એના તલસાટ વિયોગના હોય કે મિલનાતુરતાના - સર્વત્ર કબીરનું બિંબ ઝળકતું જોવા મળે જ !  જરૂર છે કેવળ દૃષ્ટિની !!

આમ તો કબીર વ્યવસાયે ભલે જુલાહા રહ્યા, એઓ કોરા 'જુલાહા' જ ન હતા. એ કેવળ સુતરના તાંતણાને વણી જાણનાર વણકર જ ન હતા. એમને તો હૃદયના અને મનના, ભાવનાના અને ચિંતનના, બહારના અને ભીતરના, તન અને મન આત્માના તાણાવાણાને વણી ગૂંથીને માનવ જીવનરૂપી વારસને દૃઢતા બક્ષી. એટલું જ નહિ તત્કાલીન મુસ્લિમ શાસનના હિંદુત્વ વિરોધી વલણને પરિણામે શિથિલ બનેલા સમાજ-વરગ્રના તાણાવાણાને પણ તાકાત બક્ષી તેમ જ એ તાણાને વાણાના વણાટમાં સુખમન યા સમન્વયના તારથી અવનવી ભાત ઉપસાવી. જેણે તત્કાલીન સમાજને નૂતન આત્મબળની અને પૂરક પ્રાણવાયુની અનેરી ભેટ ધરી.

કબીર ક્રાંતિના મૂળમાં છે રામ ! રામની ઉપાસના - નિર્ગુણ રામની ઉપાસના એ કબીરની અનુપમ ભેટ છે. નિર્ગુણ રામ, મૂર્તિ વિહીન રામ યા અમૂર્ત રામને ઉપાસ્ય બનાવી તેની આરાધનાની અનોખી પદ્ધતિની ભેટ ધરીને મંદિરના અને મૂર્તિના, રામના ને શ્યામના યજ્ઞના અને યાત્રાના ભેદભાવોથી પર જીવને શિવ બનવાની અનોખી પદ્ધતિની ભેટ આપી જે આજ પર્યન્ત ગુજરાતના ભક્તિ પ્રવાહમાં અંત:સાલેલા રૂપે, સરસ્વતીની પેઠે પ્રવાહમાન થતી રહેતી વરતાય છે.

આમ તો આ દેશમાં યુગોથી રામત્વની રમણીયતા સર્વત્ર વ્યાપ્ત છે. પરંતુ મધ્યકાલીન જડવાદિતામાં આ રામત્વ મૂર્તિમાં ઠરીને ઠિંગરાઈ ગયું. એ અવતારી રૂપ ધરી દિવ્યતાની એવા ઉન્નત શિખરે એવું જઈ વસ્યું કે સાધારણ જન એને આંબવાની હામ પણ ભીડી ન શક્યો. એ થીજી ગયેલા - ઠિંગરાઈ ગયેલા ભક્ત વત્સલ સ્વરૂપને જડમૂળથી ઝંઝોડીને ગંગાધરાની પેઠે મસ્તક પર ઝીલીને કબીરજીએ રામરસની ગંગાનું લોક-હૃદયની ધરા પર અવતરણ કરાવ્યું. પરિણામેં સામાન્યમાં સામાન્ય જનહૃદય પણ ભક્તિ અને નામસ્મરણમાં સ્ફુરણથી અંકુરિત થઈને લીલુંછમ બની ગયું.

કબીરે રામના રામત્વને વિરાટતાની સાથે વ્યાપકતા પ્રદાપ્ત કરી, તો ઊંચાઈની સાથે ઊંડાણ પણ બક્ષ્યું. રામને એક અનોખું, ઉદાર વ્યાપક છતાં સર્વપ્રિય એવું સ્વરૂપ સાંપડ્યું, જે સરળતાથી લોકહૈયે આવીને વસી ગયું. આમ છતાં કબીરજીને મન તો એ સ્વરૂપ વિશિષ્ટ જ રહ્યું. એમણે પોતે એ સંદર્ભે કહ્યું છે કે :

'રામહિં જાનેં, રામ પીછાણે,
બૂઝે વિરલા કોઈ'

કબીરજી જેવા કોઈ વિરલા જ આ રામત્વને પીછાણી શક્ય છે. રામ સંદર્ભે કબીરજીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે :

'દશરથસુત તિહું લોક બખાના
રામ નામકા મરમ હૈ આના'

દશરથપુત્ર રામનાં ત્રણે લોક-સ્વર્ગ, પૃથ્વી અને પાતાળમાં ભલે વખાણ થતાં, રામનામનો મર્મ તો અનેરો જ છે, ન્યારો જ છે, કંઈક અલગ જ છે.

આપણે મન રામનું સ્વરૂપ કેવું છે ?

એક ધાર્મિક, કર્તવ્યનિષ્ઠ, શૂરવીર, પરદુઃખભંજન, ન્યાયી, પરાક્રમી, સત્યનિષ્ઠ, નિઃસ્વાર્થી, પ્રેમાળ, પિતૃભક્ત, ગુરુભક્ત, દૃઢવ્રતી, નિષ્પક્ષપાતી, તેજસ્વી, કડક શાસ્તા, જીવનયજ્ઞના યજમાન, દૃઢનિશ્ચયી, ધીરગંભીર, મર્યાદા પુરુષોત્તમ !

રામનું આ સ્વરૂપ કબીરકાળ સુધી તો વાલ્મીકિ, કાલીદાસ તેમ જ ભવભૂતિના ભવ્ય વારસારૂપે ભેટ મળ્યું. એ ન્યાયે - રામની રૂપ માધુરી શ્રદ્ધા, વિનમ્રતા, શરણાગત અને સમર્પણની પ્રેરક છે તો ભવભૂતિનું 'વજાતદપિ કઠોરાણી, મૃદુનિ કુસુમાદપિ' આજે પણ આપણે મન માનવીય આદર્શની ઊંચાઈ છે.

એમના દેહ સૌંદર્યના માપદંડો ઉન્નત સ્કંધ, વિશાળ વક્ષ, આજનુભુજ તો અતીતની વાત બની ગયાં છે પરંતુ નીલ વર્ણ, કામદેવ સમી શોભા, શંખ જેવી ગ્રીવા, ઉન્નત લલાટ હજીયે આકર્ષણ જમાવી શકે એમ છે.

એમના ધર્મજ્ઞ, કૃતજ્ઞ, સત્યભાષી, દૃઢસંકલ્પ, જિતક્રોધ, ધૃતિ, મતિ, નીતિ, સુચિ, શારસજ્ઞ, ઇન્દ્રિયજેતા-ના આદર્શ આદ્યાપિપર્યન્ત સુગ્રાધ્ય છે. તો શારીરિક માનસિક બળનો સમન્વય; સાહસ, ધીરતા, દૃઢતા જેવાં મનોબળ; ઓજ પ્રતાપ, તેજ સમાં આત્મિક બળ; સત્ય, દાન, તપ, ત્યાગ જેવા ઉન્નત ગુણો - ટૂંકમાં સંસારના પર્વ ગુણોની પરાકાષ્ઠા એટલે રામ !  સૌ આદર્શોનું સત્ત્વનું સદગુણોનું ગુરુશિખર એટલે રામ !

કબીરજી રામના આ લોક પ્રચલિત રૂપથી કંઈ અજાણ ન હતા ! પરંતુ એઓ તો મૂળે જ ક્રાંતદષ્ટા !  એમની દષ્ટિ 'એક્સ રે' સમી જ નહિ પણ 'લેસર' કિરણો સમી પારગામી !  એ તો અદભુત સંત. જોકે સાચા સંત તો અદભુત જ હોવાના. પરંતુ કબીર તો સહુ અદભુતોમાં પણ અદભુત !  અજોડ અને અદ્વિતીય !  ભક્તમાલમાં નાભા દાસજીએ કબીરજી અંગે યથાર્થ જ લખ્યું છે કે -

'આરૂઢ દેખી હવૈ જગત,
પરમુખ દેખી નહીં તની.'

કબીરે પોતે જે તે સ્થિતિમાં આરૂઢ થઈને જે જોયું, જે અનુભવ્યું તે જ કહ્યું. પારકાના મુખે કહેવાયેલી વાતો એમણે દોહરાવી નથી. એઓ તો પંડિતોને પણ સાફ સુણાવે છે કે -

'તૂ કહતા કાગદકી લેખી,
મૈં કહતા આંખિનકી દેખી !'

સીધી ને સ્પષ્ટ વાત !  જરા પણ ઉધાર નહિ કે ઊછીનું નહિ. જાત અનુભવનું સીધું સચોટ નિરૂપણ. આત્માનુભવની કસોટીએ કસાઈને જે સોનું ઠર્યું તે જ વાણીમાં વણીને લોકોને વહેંચ્યું. પરિણામે એના પર દેશની કે પ્રદેશની માટી ચઢવા ન પામી કે કાળનાં પડ એને ઢાંકવા ન પામ્યાં. દેશ અને કાળની આરપાર સદા પ્રફુલ્લ, સદાયે તગતગતી, સદાય તરવરતી તેજ તર્ગર વાણી !  એમની દરેક વાત અનોખી, પ્રત્યેક વાણી અનૂઠી !  આજ કારણે એમના રામનો મર્મ પણ અનેરો જ હોય ને !

કબીરના રામ અવતારી રામ નથી. કબીરના રામ એટલે અદ્વેત, વિશિષ્ટાદ્વેત, નાથોના શૂન્યવાદ કે યોગના નિરંજનવાદની સીમામાં ન બંધાનાર 'પરમ તત્ત્વ !'  વાદોના કોઈ પણ વાડા કે વર્તુળમાં ન બંધાય એવા સ્વાનુભૂત 'રામ !' અને વળી આ રામનું સ્વરૂપ પણ કેવું ?

કબીર પોતે હતાં બહુશ્રુત. કાશી જેવી પાવન નગરીમાં ઊછર્યા. ત્યાં અનેક ધર્મપુરુષોને સંગ માણ્યો. આંખ-કાન-મન ખુલ્લાં રાખીને જીવનદષ્ટિ કેળવી. જેટલું ગળે ઊતર્યું તેને ભાવજગતમાં સંઘર્યું. સ્વાનુભૂતિએ રૂપ અને આકાર ઘડ્યા. એમાં જનસાધારણની આશા, આકાંક્ષા અને અપેક્ષાઓના રંગો ભળ્યા. પરિણામે એમના રામ બન્યા અનોખા !

કબીરના રામ અવતારી રામ નથી એની યાદ અપાવતાં એઓ ફરીફરીને કહે છે કે :

'ના  દસરથ ઘર ઔતરી બાબા,
ના લંકાકા રાવ સતાવા !'

એ રામ તો પરમ ચૈતન્ય પચાર્ય છે. ભલે એ દશરથના ઘરે અવતર્યા ન હોય, લંકાપતિને ભલે સતાવ્યા ન હોય પરંતુ એ પરબ્રહ્મથી અલગ પણ નથી. એ અનંત નામરૂપધારી છે છતાં નામ કે રૂપથી રહિત છે. સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત હોવા છતાં એ તેનાથી અલિપ્ત છે. એ વર્ણરહિત છે છતાં ઘટઘટમાં સમાયેલા છે. પિંડ અને બ્રહ્માંડમાં એમનો જ પ્રકાશ છે છતાં એઓ તેનાથી પણ અળગા છે. એના નથી આદિ કે અંત, એ નથી નિર્ગુણ કે નથી સગુણ. એ તો અલખ નિરંજન, શૂન્યથી પણ અલગ એવા એ રામ તો રામ જ છે, નિરૂપણ છે. ભલા એમને કોની સાથે સરખાવવા ?   હારીથાકીને કબીરજી કહે છે :

'બહુ વિચાર કહી દેખિયા,
કોઈ ન સારિખ રામ.'

આવા રામની ગતિ તો અવિગત ગતિ છે. એને સમજવી મુશ્કેલ છે તો એનું વર્ણન તો વળી ઓર મુશ્કેલ ! એ ઇન્દ્રિયગમ્ય નથી, અગમ્ય છે તેમ છતાં ભાવગમ્ય તો અવશ્ય છે. એ નિર્ગુણ છે, નિરાકાર છે, પરમતત્ત્વ છે, કોઈ મૂર્તિમાં સમાઈ શકે એવા નથી. એ તો ઘટ ઘટ વ્યાપી, જડચેતન વ્યાપી, લોક પરલોક ત્રિલોક વ્યાપી છે. એ ત્રિગુણાતીત છે. દ્વેત, અદ્વૈત વિલક્ષણા છે, ભાવ-અભાવથી વિમુક્ત છે. અલખ, અગોચર, અગમ્ય છે તેમ છતાં ભાવગમ્ય અવશ્ય છે.

કબીરના રામ એટલે આતમરામ. એમનું આત્મવાદી વલણ લગભગ સર્વત્ર વ્યક્ત થતું જણાય છે. એ જ સર્જનહાર છે એવી પ્રતીતિ થતાં એઓ સ્પષ્ટપણે ગાય છે કે :

'મારું મન માન્યું રમતાં રામસું
ભજી લો ને સર્જન હારજી.'

મનની ગતિ અનેરી હોય છે. એ આશા તૃષ્ણામાં અટકી જાય છે અને આપણા પર મનનું શાસન ચાલતું જણાય છે. આ 'કાયાનગર'નો વસવાટ મનની આશા પાર તકે છે. એ નગરને સોળ ખાઈ, દસ દરવાજા અને બાવન કીંગારા છે. ત્રણસોને સાઠ દોરાથી એના કોટ ચણાયેલા છે. આ ગઢ ઉપર રાજા રામનું રાજ છે. શરીર પર મન શાસન ચલાવતું રહે ત્યાં સુધી પ્રભુપરાયણ થવાનું નથી. મન રામમાં માની જાય, રામના રંગે આંતરબાહ્ય રંગાઈ જાય. રામ રંગે અંગેઅંગ રંગાય જાય ત્યારે રામની અલખની લેહ લાગી જાય અને રામનું રાજ સર્વત્ર છવાઈ જાય.

તત્ત્વદષ્ટા કબીરે અત્યંત ભાવસભર હૈયે, ભક્તિભાવથી ભીંજાઈને, રામરંગથી નીંગળતા હૃદયે રામની ઉપાસના કરી અને જે તત્ત્વ સાંપડ્યું તે રજૂ કરતાં ઉપ્દેશ્યું કે :

રામ સુમર, રામ સુમર, રામ સુમર ભાઈ  
રામનામ સુમરન, બિના બૂડત ભવ માંહી

એમણે જણાવ્યું કે રામનામમાં એવી તાકાત છે કે બીજા કોઈ સાધનને અપનાવાવની જરૂર જ ન રહે.

રામ નામ જબ લીયો મનતે રામનામ જબ લીયો
જોગ જજ્ઞ જપ તપ વ્રત તીરથ, સકળ સમર્પણ કિયો

આમ તો શાસ્ત્રમાં ઈશ્વર પ્રાપ્તિના અનેક માર્ગો છે. જેવા કે યોગ, યજ્ઞ, તપ, વ્રત, તીર્થયાત્રા વગેરે. એ સઘળા માર્ગોનું લક્ષ્ય પણ એક જ છે. પરંતુ જો મનથી, મનનથી, મનને પૂરેપૂરો રંગીને રામનામ લેવાય તો અન્ય પર્ગો અપનાવવાની જરૂર જ નથી રહેતી. કબીરના માટે તો -

કહે કબીર સોઈ જન ઉગર્યા
જિન સમર્યા શ્રી રઘુરાઈ !

જેણે અંતરથી રામને સ્મર્યા તેનો જન્મ સફળ !  તે તો પાર જ ઊતરી ગયા અને જનમ-જનમના ફેરામાંથી ઊગરી ગયા માનજો.

નામસ્મરણ કરતાં જાઓ તેમ તેમ આંતરવિકારો સમતા જાય છે, આંતરમળ ઠરતો જાય, હૃદય નિર્મળ થતું જાય અને નિર્મળા હૈયાંને પછી 'લોલીન' થતાં વાર કેવી ?

રામનામ તો ત્રિલોકનું સાર તત્ત્વ છે. એ તો એવું અજોડ સાધન છે જે સકળ મળોને જ નષ્ટ નથી કરાતું, અંતરને માંજી માંજીને ઊજળું બનાવી દે છે અને જ્યાં રામનામ જ ઝળહળતું હોય ત્યાં વળી ભય કેવો ? સઘળા ભય નિર્મૂળ થઈ જાય, સમગ્ર વિકારો નિર્વિકાર બની જાય, સંપૂર્ણ વાસનાઓ નષ્ટ થઈ અંતર નિર્વસન રહી જાય !  આથી કબીરજી ક્યારેક આશ્વસ્ત સ્વરે સમજાવે છે કે :

રામ ભજન સે કુશળ પડી.

તો ક્યારેક એની મહિમા વર્ણવતાં કહે છે :

રાજા રામ જપોં મેરે ભાઈ
જાકેં ચૌદ લોક બડાઈ

કબીરજીના મતે જનમ જનમના ફેરા ટાળવાનું ઉત્તમ સાધન એટલે નામજાપ ભવસાગર તરવાની એકમાત્ર નૌકા એટલે રામનામ, સૌ તત્ત્વોનું સારતત્ત્વ એટલે રામનામ -

રામનામ તત્ત્વસાર જગતમેં
ભજી લો વારંવાર

રામનામમાં અપાર અને અગાધ શક્તિ સમાયેલી છે. રામ તો કરુણા સાગર છે. નાનકડી સેવાને અને અંતરના સમર્પણને અનેક ઘણા ભાવથી સ્વીકારીને તેણે મેરુ સમાન માની લે છે.

સેવા અલપ મેરુ સમ માનૈ
કરુણાસિંધુ અયોધ્યા નાયક

સનકાદિ પણ રામનામ જપીને અમર થઈ ગયા. આવા ઓ રામનામની ભેટ સ્વયં કબીર કહે છે તેમ કૃપાથી જ મળે -

કહૈ કબીર કિરપા કરી મોંયે
દીનાનાથ દિયો

'ભક્તમાલ'માં નાભાદસજી પણ નામ-સ્મરણની શ્રેષ્ઠતા વર્ણવતા કહે છે :

નામ મહાનિધિ મંત્ર, નામ હી સેવા પૂજા
જપ તપ તીરથ નામ, નામ બિના ઔર ન દૂજા

અનેક કસોટીઓ પર કસી કસીને કબીરજી તો સ્પષ્ટપણે કહે છે કે :

પરખત પરખત પરખિયા, રામનામ તત્ત્વસાર

આમ છતાં રામનામન પોપટિયા જાપથી કંઈ જ ન વળે !  ભલેને પંડિતો અજામિલને અંત ઘડીએ પુત્ર 'નારાયણ'નું નામ બોલ્યા માત્રથી મુક્તિ મળ્યાની વાત કરતા હોય !  એ કદી શક્ય જ નથી.

પાળેલો પોપટ પાંજરામાં ભલે 'સીતારામ' 'સીતારામ' રટતો રહે, અને વનમાં છૂટો મૂકી જુઓ એ તો પાંજરાના બંધનની પેઠે જ 'સીતારામ'નાં બંધનમાંથી મુક્તિની પાંખ ફફડાવીને એના સાથી બંધુઓ જેવા જ ઉલ્લાસના અવાજો કાઢતો ફરવાનો !

ભલો 'ખાંડ' કહ્યા માત્રથી મોં મીઠું મધ જેવું થતું ભાળ્યું છે ? 'અગ્નિ'ના નામ માત્રથી પગ દઝાતા સાંભળ્યા છે ?  'જળ'નું નામ લીધા માત્રથી કદી તરસ છીપાતી અનુભવી છે ખરી ?    'ભોજન' કહ્યા માત્રથી જો ભૂખ ભાગી જતી હોય તો તો દુનિયા તરી જાય !

તે જ રીતે 'રામ' કહ્યા માત્રથી કોઈની સદગતિ થતી નથી. રામનામ તો સમજીને લેવાનું હોય, મનને વિશુદ્ધ બનાવીને લેવાનું હોય. અંતરના મળને, અંદરના અનિષ્ટને ખંખેરીને લેવાનું હોય. કબીરજી સ્પષ્ટપણે ચેતવે છે કે :

'બિન દેખુ બિનુ અરસ પરસ બિનુ, નામ લિયે કા હોઈ
ધન કે કહે ધનિક જો હોઈ, નિર્ધન રહે ન કોઈ
સાચી પ્રીતિ વિષય માયા સે, હરિ ભગતન કી હાંસી
કહહિ કબીર એક રામ ભજન બિનુ બાંધે જમપુર જાંસી.'

ખરેખર તો રામરસ જ મુક્તિ દાતા છે. રામરસ એટલે રામભક્તિનો રસ. એ રસ પીવો હોય તો સંસાર સુખનું વળગણ ત્યજવું પડે, સ્વર્ગ સુખની પણ કામના ત્યજવી પડે. સદગુરુ પાસે જઈ, સદગુરુની આજ્ઞા મુજબ જીવન ઢાળવું પડે. પ્રેમમય હૈયાથી સ્વરૂપ પીછાણી લઈએ ત્યારે જ રામરસનું પાન કરવા મળે. અને આ રામરસ તો પાર ઉતારી દે એવો અમીરસ છે.

તે સબ તિરે રામ રસ સ્વાદી
કહૈ કબીર બૂડે બકવાદી

આ 'રામરસ' પીવા માટે રામની રંગે રંગાઈ જવું પડે. આપણે 'પિંજરાના સુવા' છીએ. લીલાં અટાક શીમળાનાં ફળની રાતદિવસ માવજત કરી કરીને હરખપદુડા થયા કરીએ છીએ. પણ કદીક એ ફળને ચાંચ વાગી જાય ને ફળ ફાટી જાય છે ત્યારે રૂના મુલાયલ રેસા હવામાં ઊડી ઊડીને ગાયબ થઈ જાય છે ને આપણી ચાંચમાં રસનો છાંટોય નથી આવતો ત્યારે નિરાશાને પાર રહેતો નથી -

સેમર સુવના સેઈયા, ઢૂંઢુકી આસ
ઢેંઢી કૂટી ચટાક દઈ, સુવના ચલા નિરાસ

તો પછી આપણે લીલા ચટાક ફળની જ માવજતમાં મસ્ત રહેવું છે કે 'રામરસ'ને માણવો છે ?  પસંદ અપની અપની !

કેમ કે આ 'રામરસ' રસ્તામાં પડેલો નથી. રમતત્ત્વને પામવાનું કામ સહેલું નથી. રામની ભક્તિ, રામની સાધના તો ખાંડાની ધાર પર ચાલવા સમાન છે. એ કાયરનું કામ નથી. માથા સાટે મળે એ દોહ્યલી ચીજ છે. કબીરજી એને માટે મરજીવા થવાને નોતરે છે. કહે છે :

ભગતિ દુહેલી રામ કી, નહિ કાયરકા કામ
સીસ ઉતારૈ હાથિ કરિ, સો લેસી હરિ નામ

કબીર આથી જ રામને આંખોમાં આંખો પરોવીને એને ભીતરમાં રોમ રોમમાં સમાવી લઈને રામમય બની જવાનો ઉપદેશે છે.

કબીર સ્વયં તો રામની સાથે જાત જાતના રિશ્તા બાંધતા ફરે છે. ક્યારેક પોતાને રામના 'કુતિયા' જણાવી 'મુતિયા' નામ ધારણ કરે છે અને ગળે રામની 'જેવડી' (રસ્સી) હોવાથી રામ જ્યાં ખેંચે ત્યાં જતા હોવાની સંપૂર્ણ શરણાગતિના અને સમર્પણના ભાવ દર્શાવે છે તો કોઈક ભાવવિહવળ પળે આત્માને રામની 'દુલ્હન' બનાવીને આત્મા-પરમાત્મા વચ્ચે દાંપત્યની રેશમ ડોર ગૂંથી દે છે. જો કે એઓ સ્પષ્ટપણે કહે છે કે વાસનાના પંકથી પાકેલ હૃદયમાં રામ ક્યારેય ન આવે. વિષયવાસના દીપકમાં તો પતિંગાની પેઠે એ જલી જ જાય છે. વિષયરસ, લોભ, લાલચ, મોહ, દ્વેષ, ઈર્ષા, અસૂયા, એ બધાં ડૂબવાનાં માધ્યમો છે. આ અપાર ભવસાગરને તરી જવાની તંબુડી તો રામનામ જ અને પાર ઊતરી જવાની નેમ હોય તો રામનામની નૌકા જ પકડવી પડે.

કબીરના રામ ભલે સ્થૂળ દેહધારી ન હોય, ભલે એ મૂર્તિરૂપથી રૂપાયિત ન હોય, એમનામાં ભરપૂર ગુણ અને અપાર સામર્થ્ય છે. એઓ અંતર્યામી, શરણાગત વત્સલ અને કરુણાનિધાન છે. એમને પામવા અંતરના પ્રેમને વિયોગની ભઠ્ઠીમાં જલાવવો પડે. વિરહની આગમાં જલી તપીને જ એ અગ્નિપથની યાત્રા શક્ય બને. કબીરનું હૈયું, કબીરનાં તનબદન, એમનાં રોમરોમ બચેનીથી તડપીતલસીને રામને ઝંખે છે. નથી એને દિવસે ચેન પડતું કે નથી રાત્રે કળ વળતી નથી ધૂપમાં હૂંફ કે નથી છાયામાં શીતળતા -

કબીર બિછુ ડૈ રામ સોં,
ના સુખ ધૂપ ન છાંહિ

કબીરનો વિરહ એ લૌકિક જુદાઈ નથી, એ તો આધ્યાત્મિક અલગાવ છે, આત્માને પરમાત્માથી વિ-યોગ વિયુક્તપણું છે. લૌકિક વિરહ તો કાજળ આંજીને સિંદૂરને સાજનાં કામણ કરીને પતિનો રાગ જીતી લઈ શકે પણ અહીં કેવા સાજ ને વળી કોણે કાજ ?

કબીરા રેખ સિંદૂર કી, કાજલ દિયા ન જાય
નૈન રમઈયા રમિ રહા, દૂજા કહાં સમાય

આવું છે અહીં તાદાત્મ્ય !  આવી છે તદાકારતા, એકાકારિતા, રામમયતા !  એને માટે તો અંગોઅંગનું, રોમરોમનું, રામમય થવું જરૂરી છે. ઇન્દ્રિયો અંતર્મુખી થાય, રોમરોમ 'પીવ, પીવ' કરે, તનને મન રામરંગે રંગાઈ, રસાઈને રામરંગી બની જાય ત્યારે 'રામ રસાયણ' યા 'રામ રતન' પ્રાપ્ત થાય. અને એકવાર આ રત્ન લાધી ગયું તો 'અમોલક' વસ્તુ જ નહિ 'જનમ જનમની પુંજી' મળી ગઈ સમજો. એ રતન મળતાં મન રામમય બનીને રામમાં જ લય પામી જાય છે. અને એ પછી રામની જે કૃપા અવતરે તો ભલભલા જડ પથ્થરો પણ પાર !

કબીરની મૂંઝવણ પાર ઊતરવાની નથી. એ તો રામમયતામાં રાચતાં છતાં અનોખો મૂંઝારો અનુભવે છે. એ છે -

'મેરા મન સુમિરે રામકું,
મેરા મન રામહિ આહિ
અબ મન રામહિ દવૈ રહા,
સીસ વવાવૌં કાહિ

એ તો રામનામ રટતાં રટતાં રામમય જ નહિ પ્રત્યક્ષ રામ જ બની ગયા. ભલા, હવે કોની આગળ શિર ઝુકાવવું ?  કોણે શરણે જવું ?  કોણે સમર્પિત થવું ?

આવી લય દશા, આવું રામત્વ, આવી રામમયતા રામના હૈયાને પણ સ્પર્શ્યા વિના રહે ખરી ?  જ્યારે એમના 'રોમ રોમ પીઉ પીઉ કરી ઊઠ્યાં' જ્યારે રોમ રોમમાં સમજ સ્પંદન કરી રહ્યા હોય જ્યારે શ્વાસે શ્વાસે રામ રામના અજપા જાપ જપાતા રહ્યા હોય ત્યારે ભલા રામનું હૃદય પણ ઝાલ્યું રહે ખરું ?

રામના પ્રેમની વર્ષા વરસી ઊઠી, અંતરતમ ભીના ભેજથી ભીંજાઈ ગયાં અને સમસ્ત આંતરસૃષ્ટિ ફ્ણગાઈ, ફાલીને હરિયાળી બની ગઈ, પ્રણયનાં કુણાં મુલાયમ અંકુર રોમરોમમાં ફણગી ઊઠ્યાં. આતમચૂંદડી પ્રેમરસથી નીંગળી ને તરબોળ બની ગઈ અને પછી તો આત્મા સાથે રામનો દિવ્ય વિવાહ રચાયો ત્યારે આત્મામાં સુરાવલિ ગુંજી -

દુલહિન ગાવહું મંગલાચાર
હમ ધરી આયે રાજા રામ ભરતાર

એક અવિનાશી પુરુષની પ્રાપ્તિ ! અસીમ સાથે એકાકાર !  હવે ભલા સીમા કે મર્યાદા ક્યાં રહી ?  બુંદે સાથે સમુદ્રના મિલનની સમુદ્રનાં બુંદને વિલયની એ ક્ષણની કયા શબ્દમાં વર્ણવવી ?  જાણે ગૂંગાએ મીઠાઈ ખાધી. એ બિચારો મધુરપને શી રીતે વર્ણવે ?  મધુરપે તો એના અંગે અંગને રોમાંચિત કરી દીધાં !  એના હોઠોમાં કે ગાલ પર જ નહિ, આંખોમાં અને અંગોમાં પણ માધુર્ય રેલાવી દે જે જોનારને પણ સ્પર્શી જાય -

અવિગત અકથ અનુપમ દેખ્યા,
કહતાં કહ્યાં ન જાઈ !
સૈન કરે મન હી મન રહ સૈં
ગૂંગૈ જાનિ મીઠાઈ

આ કબીર રામ એટલે પિંડે પિંડમાં વ્યાપેલા બ્રહ્મ !  રોમે રોમમાં રમી રહેલા રામ !  અંગે અંગમાં જીવંતતા રેડતું પ્રાણતત્ત્વ !  અણુએ અણુમાં આંદોલિત થતું અમર તત્ત્વ !

રામકબીરના રામ ભલે આથી અલગ હોઈ શકે ખરા ?

'રામ કબીર'ના પ્રવર્તક કબીર-શિષ્ય જ્ઞાનીજી છે. સ્વામી બ્રહ્મલીનજીન મતે દર્શન કરાવનાર કબીર છે. એ પરથી 'રામકબીર' શબ્દ પ્રયોજાયો. 'રામકબીર' સંપ્રદાયના આમ સ્થાપક જ્ઞાનીજી બન્યા, એના મુખ્ય પ્રવર્તક બન્યા પદ્માનંદજી અને રવિસાહેબે સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત કાનમમાં એને દૃઢ કર્યો જ્યારે ઉદાપંથ શાખા પ્રવર્તક જીવણજી મહારાજે કાનમ ઉપરાંત દક્ષિણ ગુજારતાના પાટીદારોમાં એને સ્થિરતા બક્ષી.

'રામકબીર' શબ્દ રામ અને કબીરનો અભેદ દર્શાવે છે. સ્વયં કબીરજીએ કહ્યું કે -

'રામકબીરા એક ભયે હૈં, કોઈ ન સકે પિછાની.'

આમાં આત્મા-પરમાત્માના ઐક્યનો નિર્દેશ છે. જીવણજી એને વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે કે -

કોઈ બરાબર જીવણા, ભગતરાજ રણધીર
કાશીવાસી કબીરજી, સરજુતીર રઘુવીર

રામ આત્મસ્વરૂપ છે તો કબીરજી પ્રેમ સ્વરૂપ છે. એક નિર્ગુણ છે તો બીજા સગુણા રામ રૂપરેખ વિહીન આદિપુરુષ છે. એમણે જ કળિયુગમાં કબીરનું શરીર ધારણ કર્યું એટલું જ નહિ જગતને તારવા માટે એમને શ્રીરામનું નામ લીધું. અન્યથા કબીરજીનામાં જ સાક્ષાત ભગવાન રામનું ધામ હતું. જ્ઞાનીજી પણ આવા જ ભાવને વ્યક્ત કરતાં કહે છે :

'જ્ઞાની જૈસા રામ હૈ, તૈસા હી ગુરુ જોય.'

આજ આધારે રામકબીર નામ પડ્યું અને ઉભયના સમન્વયથી તો કળિયુગ પણ પ્રકાશવંતો બની રહ્યો -

'રામકબીરા હો રહા, કલિયુગમેં પ્રકાશ.'

આ સંપ્રદાયમાં રામ અને કૃષ્ણના અવતારોને વિરોધ નથી. એમના જીવન અને કર્યોનાં ગુણગાન ગવાય છે પરંતુ રામ કે કૃષ્ણની મૂર્તિની પૂજા થતી નથી. નિષેધોની યાદી અહીં ખાસ્સી લાંબી છે પરંતુ અને સમજ્યા વિના સંપ્રદાયને કે સંપ્રદાયના રામને સમજી શકાય નહિ. આ સંપ્રદાયની નિષેધ સૂચિ એક રીતે એની માન્યતાનાં ઊંડાણ અને ઉદારતાનાં પરિચાયક છે. એમાં - 'તપ નહિ, તીર્થ નહિ, વ્રત નહિ, યોગ નહિ, ધ્યાન નહિ, મૌન નહિ, અર્ઘ્ય નહિ, અધ્યાપન નહિ, હોમ નહિ, આરાધના નહિ, શ્રદ્ધા નહિ, બ્રાહ્મણ નહિ, ગ્રહશાંતિ નહિ, વિધિ નહિ, કર્મકાંડ હાનિ, ગ્રહ-જાપ નહિ.' તો પછી છે શું ?

એમાં માત્ર ચાર વ્રતો સૂચવ્યા છે :
(૧) રામનામ  (૨) ગુરુસેવા  (૩) પ્રાર્થના અને  (૪) સત્સંગ.

અહીં નામરૂપની ભક્તિનો મહિમા છે. કબીરનો આત્મા રામરૂપ હતો જ્યારે, કબીર સ્વયં પ્રેમરૂપ હતા. એક વિશ્વનું પાલન કરે છે જ્યારે બીજું શરીર ગુણગાન યા ભજન માટેનું છે. એક ભક્તની ભીડ ભાંગનાર છે તો બીજા ભક્તરાજ છે. સરયુતટ વાસી રામ એ જ કશીવાસી કબીર છે. શુદ્ધાચાર સંપ્રદાયનો પાયો છે. પર્વો, ઉત્સવો, કાંડોને ભજન ભક્તિથી ધ્વનિત કરીને, ભક્તિ રસની છોળો ઉછાળીને પ્રસંગોની રસમય ઉજવણી એ સંપ્રદાયની પ્રવૃત્તિ છે. કર્મકાંડના આધાર વિના સીધા 'હરિફળ'ની પ્રાપ્તિનો કૂદકો એ 'ઉદા' નામની સાર્થકતા છે. અહીં રામ અને કબીર ઈશ્વર અને સદગુરુ વચ્ચે આમ અભેદ સ્થપાઈ જાય છે.

નામસ્મરણ 'રામકબીર'નું કરોડરજ્જુ છે. સંપ્રદાયના એક જાણીતા સંત ધનરાજ અધ્વર્યુ નામ મહિમાને પરમાનંદ દાતા જ નહિ, પરમધામવાસીની 'નિશ્ચલવાસની' સાધના ગણાવે છે. એમની દષ્ટિએ 'રામ તે  અધિક રામકર નામા' જ નહિ. રામનામ લેનાર ભક્ત તો રામથીયે અદકેરો ગણાય.

અહીં નામ જ મંત્ર મહાનિધિ છે, નામ જ સેવા પૂજા છે, નામ જ જપ તપ તીરથ છે, નામ જ સર્વસ્વ છે :  'નામ બિન ઔર ન દૂજા' રામનામ જ તત્ત્વસાર છે. અહીં તો વૈષ્ણવો જેવી જ "અનીન" (અનન્ય, અજોડ) ભક્તિ છે અને આવી ભક્તિ કરનાર અનીન ભક્ત તો ન્યારો જ હોવાનો કેમ કે એ તો પતિવ્રતાની પેઠે એક "રામ"ને જ આરાધવાનો.

જીવણજી વર્ણવે છે કે બ્રહ્મનું મૂળ રૂપ નિર્ગુણ જ છે પરંતુ આ સઘળો ત્રિગુણ  વિસ્તાર એમનો જ છે. અને એ સર્વે ગુણો એમને જ સેવે છે. કોઈ સાકારને સેવે છે તો કોઈ નિરાકારને પરંતુ -

હમારે એ વ્રત જીવણા, જે સીતાપતિ કો નામ
પરંતુ એમને મન રામ અને કૃષ્ણમાં અભેદ છે
રઘુપતિ યદુપતિ જીવણા, દોય હમારે રામ.

આથી રામકબીરમાં કૃષ્ણના ઉમેરણની જરૂર ન પડી.

આમ રામકબીરનાં રામ ઘટઘટ વ્યાપી આતમરામ છે એને 'રામ' યા 'કૃષ્ણ' ગમે તે નામ આપો એ એક જ છે. રામ સત્યપુરુષ છે. કબીર રામના અવતાર છે છતાં અહીં મૂર્તિ નથી. અહીં હિંડોલા અવશ્ય ગવાય છે પણ કોઈ મૂર્તિ ઝૂલાવતી નથી. અહીં આરતી થતી કે કરાતી નથી પણ ગવાય છે અવશ્ય !  અહીં રામ પરબ્રહ્મ છે નિર્ગુણ સગુણથી પર છે પરંતુ તેમની લીલાના ગાનહોંશ અને જોશથી દેવદેવી વચ્ચે જુદાઈ નથી. દેવદેવીના નામની ખેંચતાણ નથી. પરમ તત્ત્વની એકતા જ સર્વોપરિ છે અને તેથી દૃઢ માન્યતા છે કે

'सर्वदेव नमस्कार परब्रह्म प्रति गुच्छति'

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,259
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,605
pdf-2અનંત સૂર | Anant Soor 9,255
pdf-3Amar Varso | અમર વારસો 7,454
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,082