Kabir Vishesh

Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007

ડૉ. નલિની પી. ગીલીટવાળા

ભારત દેશમાં અનેક સંત પુરુષો થઈ ગયા. તેમાં ધ્રુવના તારા સમ અવિચલ સ્થાન જેમનું છે, તેવા  સંત પંદરમી સદીમાં થઈ ગયા. તેઓ તત્વજ્ઞાની, સ્વયંસિદ્ધ, સનાતન સત્યના સાક્ષાત્ પ્રતીકરૂપ છે. ભારતીય સંસ્કૃતિને જેમની વાણીએ તેજોમય કરી છે તેવા સંત કબીરજીનાં જીવન અને કવનની થોડી ઝાંખી કરી આપણા જીવનને ઝળાંહળાં કરીએ.

કબીરસાહેબનું જીવન :

ઉચ્ચશ્રેણીના ભક્તોમાં જેમનું નામ ખૂબ આદર અને શ્રદ્ધા સાથે લેવાય છે તેવા કબીરજીના જન્મ સંદર્ભે અનેક લોકવાયકા સાંભળવા મળે છે. કહેવાય છે કે જગદગુરુ રામાનંદ સ્વામીના આશીર્વાદથી એક વિધવા બ્રાહ્મણીના ગર્ભથી સંત કબીર જન્મ્યા હતા. લજ્જાની મારી તે બ્રાહ્મણી સ્ત્રીએ નવજાત શીશુને લહરતારા તળાવમાં કમળ ઉપર મૂકી જતી રહી. નીરુ નામના એક જુલાહાએ બાળકને પોતાના ઘરે લાવી તેનું પાલન-પોષણ કર્યું. આ બાળક 'કબીર' કહેવાયું. કેટલાક કબીરપંથી લોકોની માન્યતા પ્રમાણે કબીરનો જન્મ કાશીમાં લહરતારા તળાવમાં કમળના પુષ્પ પર બાળ સ્વરૂપે થયો હતો. જ્યારે એક પ્રાચીન ગ્રંથમાં લખ્યું છે કે પ્રતીચિ નામના દેવાંગનાના ગર્ભથી ભક્તરાજ પ્રહલાદ જ કબીરનાં રૂપમાં સવંત ૧૪૫૫ના જેઠ સુદ પૂનમના દિવસે જન્મ્યા હતા. પ્રતીચિએ લહરતારા તળાવમાં કમળના પાંદડા ઉપર તે બાળકને તરતો મૂકી દીધો હતો. જ્યાં સુધી નીરુ-નીમા નામના વણકર દંપતી આવીને તે બાળકને લઈ ગયા ત્યાં સુધી પ્રતીચિ તેની રક્ષા કરતી રહી. આ બધી વાતોમાં કોણે પ્રમાણિત કે અપ્રમાણિત કહેવી તેની ચર્ચામાં ન પાડતા એટલું નિર્વિવાદ છે કે કબીરસાહેબનો જન્મ - તેમનું પ્રાકટ્ય લહરતારામાં કમળપત્ર ઉપર થયું.

કબીર-રામાનંદજીનો મેળાપ :

સદગુરુ કબીરસાહેબ પોતાનસ્વયંસિદ્ધ વાણી હિન્દુ-મુસ્લિમ એકતાનો પ્રચાર કરી માનવજાતની એકતાનો ઉપદેશ કાશી શહેરમાં આપતા હતા. કબીરસાહેબની કીર્તિ કાશીમાં તથા આજુબાજુના વિસ્તારમાં ખૂબ પ્રસરવા લાગી. સ્વાર્થી પંડિતો કબીરસાહેબની મહત્તા સહન ન કરી સ હક્યા.  તેમનો વિરદ્ધ, ખોટો પ્રચાર કરવા લાગ્યા. કબીરસાહેબે વિચાર્યું કે ભક્તિની મર્યાદા સ્થાપિત કરવા માટે અને અન્ય ધર્મના પ્રચાર માટે સામાજિક પ્રણાલિકા મુજબ ગુરુ કરવા જોઈએ. તે સમયે સ્વામી રામાનંદજી સમસ્ત ભારતખંડમાં મહાન સંત પુરુષ હતા, તેથી તેમને ગ ઉરુ કરવાનું નક્કી કર્યું. એક દિવસ વહેલી પરોઢે કબીરસાહેબ ગંગાનદીના કિનારે ઘાટના એક પગથિયા પાર સૂઈ ગયા. રામાનંદ સ્વામી દરરોજ સવારે ચાર વાગે ગંગાઘાટ પાર સ્નાન કરવા આવતા હતા. તે દિવસે સ્વામીજી ઘાટ ઊતરતા હતા ત્યાં અંધારાને લીધે તેમનો પગ કબીરજી પર પડતાં જ તેઓ 'રામ રામ' એમ બોલી ઉઠ્યા. કબીરજીએ તેને ગુરુમુખે મળેલો દિશામંત્ર માની લીધો અને રામાનંદજીને પોતાના ગુરુ બનાવી દીધાં. આ પ્રમાણે સ્વામી રામાનંદજી તથા કબીરસાહેબનો પરિચય થયો.

બીજી એક વાત પણ જાણીતી છે કે મુસલમાન કબીરપંથીઓની માન્યતા મુજબ કબીર જન્મથી જ મુસલમાન હતા. કબીરજીએ પ્રસિદ્ધ સૂફી મુસલમાન ફકીર શેખ ટકાની પાસેથી દીક્ષા લીધી હતી. આ બધી વાતોથી સિદ્ધ થાય છે કે કબીરજી હિન્દુ-મુસલમાનનો ભેદભાવ મિટાવી હિન્દુ ભક્તો અને મુસ્લિમ ફકીરોનો સત્સંગ કર્યા કરતા. તેઓ પાસેથી જે કંઈ પ્રાપ્ત થાય તે હૃદયંગમ કરતા.

એક લોકવાયકા એવી પણ છે કે કબીરને એક પુત્ર અને એક પુત્રી હતા. પત્રનું નામ 'કમાલ' અને પુત્રીનું નામ 'કમાલી' હતું. તેમની પત્નીનું નામ 'લોઈ' બતાવવામાં આવ્યું છે. આ નાનકડા પરિવારનું ભરણ-પોષણ કરવા કબીરજીને કઠોર પરિશ્રમ કરવો પડતો. ઘરમાં સાધુ-સંતોણી આવન-જાવન ઘણી રહેતી એટલે ક્યારેક તેઓને માત્ર હવા ફાકવાનો વખત પણ આવતો. જ્યારે અન્ય ગ્રંથોમાં 'કમાલ', 'કમાલી' અને 'લાઈ'ને તેમના શિષ્યો દર્શાવ્યા છે. કબીરસાહેબણી સ્વયંવાણી નિજ પ્રમાણરૂપી છે કે તેઓ આદિ બ્રહ્મચારી, સિદ્ધ અને માયાની રહિત સત્યપુરુષ છે.

કબીરજીનું નિર્વાણ :

કબીરજી સમાજમાં રહેલા દંભ, અંધશ્રદ્ધા, કુરિવાજો, ન્યાત-જાત, ધર્મ વગેરેનાં વેરઝેરના તેઓ સખત વિરોધી હતા. એક સમયે એવી પ્રબળ માન્યતા હતી કે કાશીમાં મૃત્યુ થાય તો માનવીને સ્વર્ગ મળે અને મગહરમાં મૃત્યુ થાય તો ગધેડાનો અવતાર મળે અને તેથી જ કબીરસાહેબે અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવા કાશી છોડી મગહરમાં જઈને વસ્યા અને ત્યાં પોતાનો દેહત્યાગ કર્યો. બીજી એક લોકવાયકા છે કે વૃદ્ધાવસ્થામાં કાશીના લોકોએ કબીરજીનું કાશીમાં રહેવું મુસ્કેલ કર્યું હતું. કબીરજી ઉપર યશ અને કીર્તિની એટલી બધી વૃષ્ટિ થતી હતી કે કબીરજી તેનાથી તંગ આવી જઈ મગહર જતા રહ્યા. ૧૧૯ વર્ષની ઉંમરે મગહરમાં તેમણે દેહત્યાગ કર્યો.

 કબીરજીએ તેમના અંત સમયે બધા શિષ્યોને મગહરમાં બોલાવી લીધા. 'મારા મૃત્યુ બાદ કલહ કરશો નહીં' આટલું કહી કબીરજી કુરીરમાં જઈ પોતાના હાથની વણેલી ચાદર ઓઢી સૂઈ ગયા. આત્મા પરમાત્મા સાથે વિલીન થઈ ગયો. કબીરજીનું નિર્વાણ થયું ત્યારે હિન્દુ અને મુસ્લિમ શિષ્યો વચ્ચે અંતિમ વિધિ અંગે ઝઘડો થયો. ત્યારે આકાશવાણી થઈ કે :  'ભાઈઓ ઝાઘડશો નહીં, હું સતલોકમાંથી આવ્યો છું અને સતલોકમાં જાઉં છું' જ્યારે તેમના મૃતદેહ પરથી ચાદર હટાવી તો ત્યાં ફૂલોનો ઢગલો હતો. હિન્દુ-મુસલમાનોઓ ફૂલ અને ચાદર પણ અડધા અડધા વહેંચી લીધા. કબીરજીએ અંતિમ બોધ આ રીતે આપ્યો કે માનવીએ ફૂલ જેવા રહવું જોઈએ.

કબીરસાહેબનું કવન :

કબીરસાહેબનું જીવન જેટલું સાદું અને સરળ હતું તેટલું જ તેમની વૈચારિક સૃષ્ટિ ખૂબ જ ઉત્કૃષ્ટ હતી. કબીરસાહેબે સમાજ અને ધર્મમાં રહેલાં દૂષણો સામે સરળ અને સહજ ઉદાહરણ ધરાવતા પદો-છંદો-ચોપાઈઓ રચીને લોકોને બોધ આપ્યો છે.

કબીરજીની વાણી તરીકે ત્રણ ગ્રંથો પ્રસિદ્ધ છે.
(૧) કબીર બીજક ગ્રંથ (૨) કબીર સાખી ગ્રંથ (૩) કબીર શબ્દાવલિ.

કબીર બીજક ગ્રંથમાં કબીરજીની રહસ્યમય વાણી છે. બીજકને શૈલી ગૂઢ છે. આમાં ભારોભાર તત્વજ્ઞાન સમાયેલું છે. માત્ર બુદ્ધિશાળી અને જ્ઞાનમાર્ગીઓને જ આ ગ્રંથમાં સમજાય  તેવો છે. 'બીજક બતાવે વિત્તકો, જો વિત્ત ગુપ્તા હોય' આમ આ ગ્રંથ દ્વારા સાધક મોક્ષ ધનના ખજાના સુધી પહોંચી શકે છે.

સદગુરુ કબીરજીએ સાખી ગ્રંથમાં સામાજિક સમસ્યાઓનું નીકરણ વિશિષ્ટ શૈલીમાં કર્યું છે. આપના જીવનમાં રોજબરોજના બનતા પ્રસંગોને લઈને લોકોને બોધ આપ્યો છે. ભજનવાણી તેમજ સાખીને માધ્યમ બનાવી સમાજના દૂષણો જેવાં કે વ્યાસન, માંસાહાર, પરસ્ત્રીગમન, નિંદા-કુથલી, રાગ-દ્વેષથી દૂર રહેવા સમાજને જાગૃત કર્યા છે.

શબ્દાવલિ ભક્તિરસથી ભરપૂર છે. સગુણને બદલે નિર્ગુણ ઉપાસના તરફ લોકોને વળ્યા છે. બાહ્યાડંબર, કર્મકાંડ તેમજ અંધશ્રદ્ધાના અંધકાર સામે ભક્તિની જ્યોત તેમણે પ્રજ્વલિત કરી છે.

કબીરજી પરમાત્માને માતા, પિતા, મિત્ર અને પતિના રૂપમાં જોતાં હતા. ક્યારેક કહેતા 'હરિ મોર પિઉ, મૈં રામકુ બહુરિયા' અને ક્યારેક કહેતા 'હરિ જનની, મૈં બાલક લોરા' તેમની વાણીમાં ભગવાન સાથેનો મધુર પ્રગાઢ સંબંધ જણાય છે.

વિશ્વની સમગ્ર પ્રજાને ધર્મનાભેદભાવ મિટાવી માત્ર માનવી બનવાની શીખ આપતા તેઓ કહે છે :

હિંદુ કહો તો મૈં નહીં, મુસલમાન ભી નાહીં,
પાંચ તત્વકા પુતલા, ગેબી ખેલે માંહિ.

કબીરસાહેબે લોકોને અહિંસાનો રહ અપનાવવા ઉપદેશ આપ્યો હતો. અહિંસાના ઉપદેશ દ્વારા હિંદુ-મુસલમાન પરસ્પર વિરુદ્ધ જાતિઓમાં હૃદયો પોતાના તરફ આકર્ષ્યા હતા. અહિંસા વડે સિકંદર જેવાં મહાન મુસલમાન રાજા અને શેખતકી જેવાં ધર્મચુસ્ત મુસલમાન ગુરુએ પોતાના મસ્તકો કબીરસાહેબનાં ચરણોમાં ઝુકાવ્યા હતાં.

(કબીરવાણી : જાન્યુઆરી, ૦૫)

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,386
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,674
pdf-2અનંત સૂર | Anant Soor 9,380
pdf-3Amar Varso | અમર વારસો 7,524
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,287