Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007
જયંત પાઠક
સુરત
અબ હમ જાના હો હરિ બાજી હો ખેલ,
ડંક બજાય દેખાય તમાશા, બુહરિ સો લેત સકેલ.
હરિ બાજી સુર નાર મુનિ જંહ ડે, માયા ચેટક લાયા.
ઘર મેં ડારિ સબન ભરમાયા, હૃદયે જ્ઞાન ન આયા.
બાજી ઝૂંઠ બાજીગર સાંચા, સાધુન કી મતિ ઐસી.
કહ કબીર જિન જૈસી સમજી, તાકી ગતિ ભઈ તૈસી.
(કબીર વચનાવલી)
મધ્યકાલીન ભારતીય કવિતા મુખ્યત્વે ભક્તિ અને જ્ઞાન એમ બે ધારાઓમાં વહેતી જણાય છે. તત્વ વિચારની આ બે મુખ્ય ધારોઓમાં બીજી અનેક નાની સરવાણીઓ ભરેલી છે. આપણા સંત કવિઓ કિંવા કવિ સંતોએ એમની લોકપરિચિત વાણીમાં ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગના આચાર-વિચારને સરળતાથી રજૂ કરીને આપણા તત્વનિરૂપણના, સામાન્યજન માટે દુર્લભ અને દુર્બોધ એવા ગ્રંથોના સારને સુલભ અને સુબોધ કરી આપ્યો છે ને એમ વેદ ઉપનિષદાદિની સનાતન વિચારધારાને લોકચિત્તમાં વહેતી રાખી છે. નરસિંહ ને મીરાં, કબીર ને સુરદાસ, ચંડીદાસ, ચૈતન્ય ને વિદ્યાપતિ સૌ એ રીતે આપની સંસ્કૃતિ યાત્રામાં પરમાર્થનું પાથેય પૂરું પાડનારા પથપ્રદર્શક કવિઓ છે, ઋષિઓ છે.
જ્ઞાનમાર્ગી ધારામાં પોતાની સહજ સૂઝથી અખો ભગત કહે છે તેવી ‘આતમની સૂઝ’થી આત્મા-પરમાત્મા, જીવ, જગતને માયાના સ્વરૂપનું યથાર્થને સાક્ષાત્ જ્ઞાન કરાવનારા કવિઓમાં કબીરનું સ્થાન અનન્ય છે. અનન્ય એટલા માટે કે આ કવિ માત્ર દાર્શનિક રીતે જીવન, જગત, બ્રહ્મ આદિનું માત્ર જ્ઞાન જ આપતા નથી, કોઈ ધન્ય ક્ષણે એને થયેલી અનુભૂતિને પણ વર્ણવે છે. કબીરે તત્વને માત્ર જાણ્યું જ નથી, હસ્તામલકવત્ જોયું છે, અનુભવ્યું છે. આવી અનુભૂતિની કવિતાને આપણે ત્રીજા નેત્રની પ્રસાદી કહીએ છીએ. સંસારીઓને સામાન્ય રેતે જે છે, પણ દેખાતું નથી તેનું અર્થાત્ આત્મતત્વનું અભિજ્ઞાન કરાવતી કબીરની કવિતા આપની કવિતાનો જ નહીં, આપની દર્શન પરંપરાનો પણ અમૂલ્ય વારસો ધરાવે છે. સામાન્ય લોકજીવનના સંદર્ભમાં જેને અંધકારયુગ કહેવામાં આવે છે તેમાં કબીર જેવા કવિઓ જ્યોતિર્ધરો બની રહ્યા છે. ઐહિક જીવનના એ વિનિપાતના કાળમાં પ્રજા હૃદયને ભાવિની આશાઓનું આશ્વાસન સંપડાવીને તેને જીવાડનારા હતા.
જ્ઞાનમાર્ગી કવિઓની કવિતાનો એક મહત્વનો વિષય શાંકર વેદાન્તની વિચારધારા રહ્યો છે. અનેક કવિઓએ આ વિચારને કવિતામાં વિવિધ રીતે નિરૂપ્યો છે, તેનાં ટીકા-વિવરણ કર્યા છે, અર્થઘટનો આપ્યાં છે. શાંકર વેદાન્તનો પાયાનો સિદ્ધાંત તે બ્રહ્મ સત્યં, જગન્મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, એટલે કે તત્વત: નથી. પણ એનું આ ‘નથીપણું’ અનુભવવું સહેલું નથી, કારણ કે એનો હોવાનો આભાસ આપણા જીવપણા સાથે જ આવિર્ભાવ પામ્યો છે. ‘જગન્મિથ્યા’ સૂત્રનું વિવરણ કરતાં કહેવાયું કે જેમ સ્વપ્નમાં દશ્યો દેખાય, ક્રિયાઓ થાય, ઘટનાઓ ઘટે, ભાવો અનુભવાય તે બધું જાગી જતાં અસત્ એટલે કે જૂઠું સમજાય તેમ જગત પણ જગતથી અલગ થતાં મિથ્યા જણાય, ભાસ લાગે, આવું ભાન, આવી જાગૃતિ જીવ માટે સહેલી નથી, બલકે લગભગ અશક્ય છે. તો જગત અને બ્રહ્મ, જીવ અને ઈશ્વર વચ્ચે આવરણરૂપ તત્વ છે તે શું છે ? તત્વજ્ઞાનીનો જવાબ છે : માયા. બ્રહ્મભાવની અનુભૂતિમાં માયા જ અવોધરૂપ છે. આ માયા શું છે ? એ જીવના જીવપણામાં નિહિત એવું તત્વ છે. એનો અજ્ઞાન કહો કે અવિદ્યા કહો. જીવ માટે એ કોઈ બહારથી વળગેલો બાહ્ય પદાર્થ નથી કે એને ખંખેરીને દૂર કરી શકાય. જીવની કહેતાં આપણા સૌની બ્રહ્મભાવની અનુભૂતિ આડેની આ જ મોટી મુશ્કેલી છે, સમસ્યા છે. બ્રહ્મભાવ પામવાના આપણા માર્ગમાં જાણે ઈશ્વરે જ આ આડશ નિર્માણ ન કરી હોય !
કબીરજીએ એમના આ પદમાં માયાને બાજીગરનો ખેલ કહી છે. આ બાજીગરને હરિ, ઈશ્વર પોતે જ ખુદ ઈશ્વરે જ માયારૂપી આ ખેલ માંડ્યો છે ને એને લીધે જ સત્યજ્ઞાન એટલે કે બ્રહ્મ જ સત્ય છે ને જગત મિથ્યા છે એ જ્ઞાન થતું નથી. પણ પછી આ સંત કવિ કહે છે કે સંતજનો સમજી જાય છે કે આ ખેલ ખોટો છે ને ખેલાડી (ઈશ્વર) જ સાચો છે. કબીરજીનું આ વિધાન જરા વધારે ધ્યાનથી સમજવા જેવું છે. આ સંસાર ખોટો છે ને પરમાત્મા જ સત્ય છે એવું અનુભવવા માત્ર જ્ઞાની થવું જ પૂરતું નથી, સંત થવું આવશ્યક બલકે અનિવાર્ય છે. શાસ્ત્રજ્ઞાનથી વસ્તુ સમજાય, પણ તેની અનુભૂતિ ભાગ્યે જ થાય. આવી અનુભૂતિ માટે તો આપણામાં સંતપણું એટલે કે સંસાર પ્રતિની ઉદાસીનતા ને ઈશ્વરાભિમુખતા જરૂરી છે. પદની અંતની પંક્તિ પણ અત્યંત અર્થગર્ભ છે. કબીરજી કહે છે કે પ્રભુની આ અટપટી બાજીને જે જેવી રીતે સમજે છે તેવી તેની ગતિ થાય છે. અહીં આપણને જ્ઞાની કવિ અખો યાદ આવે છે. માયાનું વર્ણન કરતાં એક ઠેકાણે એ એવી મતલબનું કહે છે કે માયા તો બહુ કુશળ નદી છે, એની ચાલ બહુ અટપટી છે. એ તો ભગવાન બનીને પણ આવે. તમને લાગે કે તમને ભગવાન મળ્યા, પણ હોય ત્યારે માયા ! માયા છે એવું જાણીએ છતાં માયામાં પુરાયેલા રહીએ એવું બને. એટલે જ તો જીવનમુક્ત થવા માટે સંતપણું જોઈએ, આત્માની જાગૃતિ જોઈએ, સૂઝ જોઈએ, પેલો કવિ કહે છે તેમ ‘સૂઝ વિના અંધારું’ માયાને જાણીને તેથી જ નહીં, એનો તિરસ્કાર કરીએ તો જ બ્રહ્મભાવ અનુભવાય.
કબીરજીના આ પદના આરંભના બોલ જ જાણે બ્રહ્મને કે હરિને ઓળખ્યાની પ્રતીતિના બુલંદ ઘોષ જેવા છે. આખું પદ બાજીગર (મદારી)ના કલ્પનનો આશ્રય લઈને રચાયું છે. કબીરને અખા જેવા કવિઓની ખૂબ જ એ છે કે અધ્યાત્મ જેવા ગહન ને અટપટા વિષયને તેઓ લોક્પરિચિત, ઘરેલું કલ્પનોને દષ્ટાંતો દ્વારા સામાન્યજનની ચેતનાઓ અવગત કરાવે છે. આમ કરતાં તેઓ સંસારનો સંસારના અનુભવનો, એ અનુભવમાંથી થયેલા બોધનો પણ એમની કવિતાના ભાવકને આસ્વાદ કરાવે છે જે તત્વવિચારથી સ્વતંત્ર રીતે પણ સંસારી માટે આસ્વાદ બની રહે છે.
જ્ઞાન સમાગમ પ્રેમ સુખ, દયા ભક્તિ વિશ્વાસ
ગુરુ સેવા તે પાઈયેં, સદગુરુ ચરન નિવાસ
Add comment