Kabir Vishesh
Articles on Kabir Saheb compiled by Govind Bhakta
Published by Shree Ramkabir Mandir Trust, Surat.
May 2007
ધીરુભાઈ પ્ર. ભક્ત
McAllen, TX, USA
મનુષ્ય માત્ર પ્રકૃતિની માયામાં એટલો બધો મોહ પામ્યો છે કે જેમ ભમરો કમળની ફૂલની સુગંધમાં એટલો બધો મશગૂલ બને છે કે તેને સાંજ પડી સૂરજ આથમી જવાનો સમય થયા છતાં ફૂલની વાસ લેવાનું છોડતો નથી અને અંતે તેનું મૃત્યુ થાય છે. તેવી જ રીતે મનુષ્ય પણ વિષય વાસના, સુખ, વૈભવ ભોગવવામાં વધુ ને વધુ મેળવવાનો મોહ તથા લોભ લાગતા પોતાનો મોટા ભાગનો સમય તે પ્રાપ્તિમાં જ વ્યતિત કરે છે. સંત કબીરસાહેબની એક સુંદર સાખીમાં કહ્યું છે :
મન મરે માયા મરે મર મર જાત શરીર
આશા તૃષ્ણા ના મરે કહ ગયે દાસ કબીર
મનુષ્યને ખૂબ જ આશા તૃષ્ણા હોય છે અને તેથી તેને ગમે તેટલું મળે પણ સંતોષ થતો નથી. પોતે મૃત્યુ પામવાનો હોય છતાં પણ તેની આશા તૃષ્ણા ડુંગર જેવી હોય છે અને આ જન્મ ખોટી રીતે વેડફાઈ જાય છે.
મોક્ષ માર્ગી સદગુરુ રમુજીલાલ મહારાજે વ્યાસ શુકસવાંદમાં એક ભજનમાં ગાયું છે કે :
માનવી જીવનમાં રાખ ઓછી આશ ... ટેક
આશા જન્મે ત્યાં વસે નિરાશા, આશામાં ઊંડા નિશ્વાસ
આશા એ મોહને બંધનનું મૂળ છે, આશા ભીડે ગળે ફાંસ
આશાના તારે બાંધેલો માનવી, સદા કરે વિશ્વમાં વાસ,
આશાનો માર્યો, તાર્યો તરેના, પરમ તજી થાય નર્ક વાસ
આશાનો કીડો ફોરે છે કાળજાં, પાપ મગ્ન રાખે ઉદાસ,
પાપ-પુણ્ય ધર્મા-ધર્મ, મીથ્યામાની સર્જે એ ઘોર વિનાસ ... માનવી
આશા ન રહે તો તૃષ્ણાને સ્થાન ક્યાં ? પામે વૈરાગ્ય વિકાસ,
અનાશક્ત ગૃહસ્થી ત્યાગી યોગી, સમ રે મોક્ષ લક્ષ્યે ઉત્સાહ ...
પરમહંસ કા પિંજર પુરાયો ? તજી ઉડ્ડયન આકાશ.
વ્યાસ પરોક્ષ મોક્ષ પંથે પ્રયાણ કર, ત્યાં સુખ શાશ્વત નિવાસ.
(વ્યાસ શુક સંવાદમાંથી)
લોખંડની બેડીઓ તોડવી શક્ય બને પરંતુ મનુષ્ય એક વખત આશારૂપી કોમળ સ્નેહના તારથી બંધાયા પછી રેશમના કોસેટાની માફક અનેક તારથી બંધાયે જ જાય છે. આ જગત શિકાર અને શિકારીથી ભરપૂર છે. જન્મ લેનારને કાળ નાશ કરે છે. કાળને મહાકાળ અને મહાકાળને નાશ કરવા કાળાતિત સમર્થ છે. આમ દરેક એકબીજાનું ભક્ષ્ય બને છે.
કબીર સાહેબે પણ ગાયું છે કે :
‘સાધો યહ મુરદેકા ગામ’
પીર મરે પયગમ્બર મરગૌ, મર ગૌ જિન્દા યોગી,
રાજા મરે ગૌ પરજા મરે ગૌ, મર ગૌ વૈદ્ય ઔર રોગી,
ચંદા મરી હૈ સૂરજ મરિ હૈ, મરિ હૈ ધરનિ આકાશ,
ચૌદહ ભુવન કે ચૌધરિ મરિ હૈ, ઈન હું કી ક્યા આશા,
નવી ભી મરે ગૌ દશભી મરે ગૌ, મરે ગૌ સહસ અઠાસી,
તૈતિસ કોટિ દેવતા મરિ ગૌ, મરી હાલ કી ફાંસી,
નામ અનામ રહત હૈ નિતહી, દુજા તત્વ ન હોઈ,
કહ હિં કબીર સુનો ભાઈ સાધો, ભટક મરો મત કોઈ.
કબીરસાહેબ કહે છે કે જગતમાં બધું જ નાશવંત છે. આજે નહિ તો કાલે નાશ નિશ્ચિત છે, જે તત્વ નામ કે અનામથી પર છે. ક્ષર છે કે અક્ષરથી જે પર છે તેનો જ તું વિચાર કર, તેની પ્રાપ્તિ એ જ તારું ધ્યેય હોવું જોઈએ અને તે જ મોક્ષ પદ છે.
(લેખકના મેગેઝીન ‘જ્યોત’માંથી સાભાર)
Add comment