Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નરહરિ લાગી દવ બિનુ ઈંધન, મિલે ન બુઝાવન હારા
મૈં જાનો તોહી સો વ્યપૈ, જરત સકલ સંસારા  - ૧

પાનીમાંહ અગિનિકો અંકુર, મિલે ન બુઝાવન પાની
એક ન જરૈ જરૈ નૌ નારી, જુગતિ કાહુ ન જાની  - ૨

સહર જરૈ પહરુ સુખ સોવૈ, કહૈ કુસલ ઘર મેરા
પુરિયા જરૈ વસ્તુ નિજ ઉબરૈ, વિકલ રામ રંગ તેરા  - ૩

કુબજા પુરુષ ગલે એક લાગા, પૂજિ ન મનકી સરધા
કરત બિચાર જન્મ ગૌ ખીસૈ, ઈ તન રહત અસાધા  - ૪

જાનિ બૂઝી જો કપટ કરત હૈ, તેહિ અસમંદ ન કોઈ
કહંહિ કબીર તેહિ મૂઢ કો,  ભલા કવનબિધિ હોઈ  - ૫

સમજૂતી

હે ભગવાન !  ઈંધણ વિના દવ લાગ્યો છે, એને હોલવનાર કોઈ જ નથી !  મને એવી ખબર હતી કે તું જ સકલ જગતમાં વ્યાપ્ત છે (પરંતુ તારાથી પણ વધુ તો કામક્રોધાદિનો અગ્નિ સંસારમાં વ્યાપ્ત જણાય છે) તેથી તે સળગી રહ્યો છે.  - ૧

(વિષય સુખ રૂપી) પાણીમાં (કામક્રોધાદિ રૂપી) અગ્નિનો અંકુર ગુપ્તપણે રહેલો હોય છે તેને હોલવનાર જ્ઞાનરૂપી પાણી હજી સુધી મળ્યું નથી. માત્ર એકલું મન જ સળગતું નથી પણ એની સાથે સંકળાયેલી નવ નાડીઓ પણ જલ્યા કરતી હોય છે. એને શાંત કરવાની યુક્તિ કોઈએ પણ જાણી નથી.  - ૨

(સંસારરૂપી) આખું શહેર સળગી રહ્યું છે અને (જીવ રૂપી) પહેરેગીર (શરીર રૂપી) ઘરમાં સુખેથી સૂઈને કહી રહ્યો છે કે મારું ઘર તો સુરક્ષિત છે !  (કાગળની કોથળી જેવું) આ શરીર બળી રહ્યું હોય અને અંદર રહેલો જીવ બચી જાય એવું બની શકે ખરું ?  ખરેખર, તારી ચાલચલગતથી આતમરામ તો વ્યાકુળ છે.  - ૩

નપુંસક પતિ સ્ત્રીને ગાલે લગાવીને ગાઢ આલિંગન આપે તો પણ સ્ત્રીના મનની ઈચ્છા તૃપ્ત થઈ શક્તિ નથી. વિચાર કરતા કરતા જ મનુષ્ય જન્મનો સમય પૂરો થઈ ગયો અને શરીરથી મુક્તિ મેળવી શક્યો નહીં !  - ૪

જે જાણી બૂઝીની કપટ કરે છે તેના જેવો હીનબુદ્ધિનો કોઈ બીજો માણસ નથી. કબીર કહે છે કે મૂર્ખ માણસને ભલા કઈ વિધિ બચાવી શકે ?  - ૫