Kabir Shabda Sudha

કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

માયા મહાઠગિનિ હમ જાની
તિરગુણ ફાંસ લિયે કર બૈઠે, બોલૈ મધુરી બાની  - ૧

કેસવ કે કમલા હોય બૈઠી, સિવકે ભવન ભવાની
પંડા કે મૂરતિ હોય બૈઠિ, તીરથહૂમેં પાની  - ૨

જોગી કે જોગની કે હોય બૈઠી, રાજા કે ઘર રાની
કાહૂ કે હીરા હોય બૈઠી, કાહૂ કે કૌડી કાની  - ૩

ભગતાકે ભગતિનિ હોય બૈઠી, બ્રહ્મા કે બ્રહ્માની
કહંહિ કબીર સુનહુ સો સંતો, ઈસભ અકથ કહાની  - ૪

સમજૂતી

અમે માયાને મહાન છેતરનારી સ્ત્રી તરીકે બરાબર ઓળખી લીધી છે. તે સત્વ, રજ ને તમની ત્રિગુણી ફાંસી હાથમાં લઈને લટક લટક ફરતી રહે છે, ને મધુર મધુર બોલતી રહે છે.  - ૧

તે માયા તો સાક્ષાત્ વિષ્ણુને ત્યા લક્ષ્મીના સ્વરૂપે, શિવજીના નિવાસમાં પાર્વતી સ્વરૂપે, પંડાને  ઘરે મૂરતિના સ્વરૂપે અને તીર્થોમાં પવિત્ર પાણી થઈને રહી છે.  - ૨

તેવી જ રીતે તે જોગીના ઘરે જોગણી થઈને અને રાજાના ઘરે રાણી થઈને બેઠી છે. વળી કોઈના ઘરમાં તે કિમતી હીરા માણેક થઈને બેઠી છે તો કોઈના ઘરે ફૂટી કોડીના રૂપે ગરીબ થઈને બેઠી છે.  - ૩

ભક્તોના ઘરે ભક્તાણી થઈને બ્રહ્માને ત્યાં બ્રહ્માણી થઈને તે તો બેઠી હોય છે. કબીર કહે છે કે સંતજનો, તમે સાંભળો - માયાની આ બધી જ ન કહી શકાય તેવી કથા છે.  - ૪