કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૫૦૬, પૃષ્ઠ-૨૬૩, રાગ-ધમાર
(સંદર્ભ : ‘કબીરપંથી શબ્દાવલી’, પૃષ્ઠ-૭૦૨/૧)
નિત મંગલ૧ હોરી ખેલિયે હો, હો મેરે સંતો૨, નિત હી બસંત નિત ફાગ - ટેક
દયા ધરમકી કેશર ઘોરો, પ્રેમ પ્રીતિ૩ પિચકારી
ભાવ ભગતિ સોં ભરી સતગુરુ કો, સુફલ જનમ નરનારી - ૧
છિમા અબીર ચરચ ચિત ચંદન, સુમરન૪ ધ્યાન ધુમારિ
જ્ઞાન ગુલાલ અગર કસ્તૂરી, ઉમંગિ ઉમંગિ રંગ ડારિ - ૨
ચરણામૃત પ્રસાદ ચરણરજ, અપને શીશ ચઢાય
લોકલાજ૫ કુલ કાનિ મેટિકે, નિર્ભય નિશાન બજાય - ૩
કથા કીર્તન મગ્ન મહોછબ૬, કરિ સંતનકી ભીર
કબહૂં ના કારજ બિગડ હૈ તેરો, સત સત કહૈ કબીર - ૪
સમજૂતી
હે મારા પ્યારા સંતજનો, આત્મકલ્યાણ થાય તેવી રીતે જ હંમેશા હોળી ખેલો ! - ટેક
હે નરનારીઓ પ્રેમની પિચકારીને દયા ને ધર્મ રૂપી કેસર ઘોળેલા દ્વાવણથી ભરી દઈ ભક્તિભાવપૂર્વક સદ્ગુરુ સાથે હોળી ખેલો તો આ માનવ જન્મ સફળ થઈ જાય ! - ૧
ક્ષમા રૂપી અબીલ, જ્ઞાન રૂપી ગુલાલ, અગરજા અને કસ્તૂરી વડે ચિત્તરૂપી ચંદનને સ્મરણ તથા ધ્યાનમાં એવું મસ્તાન બનાવી દો કે હરખમાં ને હરખમાં પ્રભુનો પાકો રંગ તેને લાગી જાય. – ૨
ચરણામૃતની પ્રસાદી પ્રાપ્ત કરી સદ્ગુરૂના ચરણની રજ માથે ચઢાવો ! લોકલાજને બાજુએ મૂકી નિર્ભયતાથી કલ્યાણના પંથે વિજય પ્રાપ્ત કરો ! - ૩
સંતોના શરણમાં રહી આ જીવનને મંગલ મહોત્સવ સમાન બનાવી દેશો તો કદી પણ હે જીવ, તારું કાર્ય બગડશે નહીં એવું દાસ કબીર અનુભવથી સાચું કહે છે. – ૪
----------
૧. મંગલ એટલે કલ્યાણકારી. હોળી ખેલવું એટલે આનંદથી જીવન ધન્ય કરવું. નિત શબ્દ ધ્યાનમાં લઈશું તો જ તે અર્થ ધ્વનિ પકડી શકાશે. અહીં હંમેશા આનંદથી જીવવાનો આદેશ છે. મતલબ કે શાશ્વત આનંદથી જીવવું જોઈએ. બે માર્ગો છે : શ્રેય ને પ્રેય. શ્રેયને માર્ગે જ શાશ્વત આનંદ પ્રાપ્ત થાય. પ્રેયનો માર્ગ ભોગનો માર્ગ ગણાય એટલે સુખ મળે, પણ ક્ષણિક જ ! એ માર્ગે થોડુંક સુખ ને વધારે દુઃખ મળે. આ બંને માર્ગનો આધાર મન ગણાય. પ્રેયને માર્ગે જનારો મનને કેળવીને શ્રેયને માર્ગે પ્રયાણ કરી શકે તેથી મનની કેળવણી અનિવાર્ય ગણાય.
૨. ટેકની પંક્તિમાં સંતોને સંબોધન છે તો ત્યાર પછીની પ્રથમ ટૂંકમાં નરનારીને સંબોધન છે. તેથી ‘સંતો’ શબ્દ વિચાર માંગી લેશે. નાદબ્રહ્મના પદમાં ‘હો મેરે પ્યારે’ સંબોધન કદાચ વધુ ઉચિત પણ લાગે, જો કે સંત શબ્દ સામાન્ય જનસમાજમાં સાવ સામાન્ય અર્થ માટે પણ વપરાતો આવ્યો છે. આસ્તિક લોકોને લક્ષમાં રાખી કદાચ ‘સંતો’ સંબોધન કર્યું હશે. દયા, ધર્મ, પ્રેમ, ક્ષમા આદિ શબ્દો આસ્તિક લોકોનું સૂચન કરે છે. તેવા લોકો પોતાનો જન્મ સફળ બનાવી શકે તેવા હેતુથી સંબોધન થયું હોય તો આશ્ચર્ય નહીં. છેલ્લી પંક્તિમાં “સંતનકી ભીર” શબ્દ સાચા સંતોની યાદ અપાવે છે કે જેમણે નિત્ય વસંત ખેલી હોય છે અને પોતાનું જીવન સફળ બનાવ્યું હોય છે. ટેકની પંક્તિમાં જેમણે નિત્ય વસંત નથી ખેલી તેવા સંતોને યાદ કર્યા છે ને તેમને નિત્ય વસંત ખેલશો તો જ જીવન સફળ થશે એવો ઉપદેશ આપ્યો છે.
૩. ‘પ્રેમ પ્રીતિ’ શબ્દ પ્રયોગ ધ્યાન ખેંચે છે. ‘પ્રેમ’ ને ‘પ્રીતિ’ એક જ અર્થવાળા શબ્દો ગણાય. કબીરવાણીમાં આવો પ્રયોગ નહિવત્ જણાય છે. તેથી ‘પ્રીતિ’ શબ્દને બદલે બીજો કોઈ શબ્દ હોવા સંભવ છે. ‘પ્રેમ પ્રીતિ’ ને બદલે ‘પ્રેમ કીનિ’ શબ્દ પણ હોય શકે.
૪. ‘સુમરન ધ્યાન ધુમારિ’ એટલે સ્મરણ તથા ધ્યાન દ્વારા મનને મસ્ત કરી દેવું. આ પદમાં ‘પ્રેમની પિચકારી’ શબ્દ દ્વારા ભક્તિના સાધનની વાત કરવામાં આવી છે. આ પદમાં યોગને દર્શાવનારો ‘ધ્યાન’ સિવાય બીજો કોઈ શબ્દ વપરાયો નથી. જ્ઞાન શબ્દનો ઉલ્લેખ છે, તે જ્ઞાનમય ભક્તિને દર્શાવનારો ગણાય. જ્ઞાન વિના ભક્તિ પાંગળી ગણાય. જ્ઞાનથી ભક્તિ બળવાન બને છે. અહીં ગુલાલ, અગરજાને કસ્તૂરી રૂપી જ્ઞાન કહ્યું છે. કસ્તૂરી આત્મતત્વ માટે વપરાય છે. આત્માનું અનુસંધાન કરાવે તેવી જ્ઞાનમય ભક્તિનો મહિમા ગાવા માટે સ્મરણ ને ધ્યાન દ્વારા મનને મસ્ત કરવા કહ્યું છે.
૫. આધ્યાત્મિક માર્ગે આગળ વધવું હોય તો લોકલાજ એ પહેલું અડચણ ગણાય, તેને પાર કરવું જ પડે. ઘણા માણસો ગુરૂ કરે પણ તેની સેવા કરવા માટે સંકોચ અનુભવે. લોકો તેની ટીકા કરશે તેવી તેને બ્હીક હોય છે. પરંતુ શ્રીકૃષ્ણ અર્જુનને સમજાવે છે તે અત્રે યાદ કરવાની જરૂર છે :
અનુભવવાળો હોય જે, જ્ઞાની તેમજ હોય,
તેને નમતાં સેવતાં પૂછ પ્રશ્ન તું કોય
જ્ઞાન તને તે આપશે તેથી મોહ જશે
જગ આખું મુજમાં પછી જોશે આત્મ વિશે. (સરળ ગીતા અ.-૪)
૬. વાર તહેવારે ઉત્સવોના બહાને લોકોને કથાને કીર્તન દ્વારા જ્ઞાનમય ભક્તિનો રંગ લગાડી શકાય તે વ્યવહારિક સત્યનો અહીં ઉલ્લેખ છે. સામાન્ય લોકોને તત્વજ્ઞાનની કે વિજ્ઞાનની વાતો એકદમ ન રુચે. પણ કથા તો ગમે જ. ભજન-કીર્તન પણ ગમે જ. તેથી તે દ્વારા લોકોને એક ભૂમિકા પર એકત્ર કરી જ્ઞાનમય ભક્તિની વાત ધીમે ધીમે સમજાવી સકાય તે કબીરસાહેબે અહીં યાદ કર્યું લાગે છે.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૫૦૬ : નિત મંગલ હોરી ખેલિયે હો (રાગ - ધમાર)
Add comment