Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૪૯૯, પૃષ્ઠ-૨૫૯, રાગ-વસંત ધનાશ્રી
(સંદર્ભ :  ‘કબીરપંથી શબ્દાવલી’, પૃષ્ઠ-૭૦૨/૪)

કરિ સુમરન સુરંગ હોરી ખેલિયે હો
જ્ઞાન પિચકારી ધ્યાન કેસર ભરી, યા વિધિ મનકો લહિયે હો  - ટેક

પાંચ સખી મિલિ ઉઠિ ઉઠિ ધાવે, ઇનકી લુકર બચઈયે હો
કામ ક્રોધ અરુ લોભ મોહ સબ અબીર ગુલાલ ઉડઈયે હો  - ૧

બાજત તાલ મૃદંગ ઝાંઝિ ડફ, અનહદ નાદ બજઈયે હો
સુરતિ નિરતિ ઔર રાગરાગિની, અનચિત ચિત સો ગઈયે હો  - ૨

ચોવા ચંદન અરુ અગરજા, રસકી કીચ મચઈયે હો
કહૈ કબીર તબ સાધ કહાવૈ, ગુરૂસે ફગુવા પઈયે હો  - ૩

સમજૂતી
હે જીવ, પ્રભુ સ્મરણના પાકા રંગોનું દ્રાવણ બનાવ અને અંદર ધ્યાન રૂપી કેશર ઘોળ !  ને પછી જ્ઞાન રૂપી પિચકારી ભરીને હોળી ખેલ તો મન તારા હાથમાં જરૂર આવશે.  – ટેક

પાંચ ઇન્દ્રિયો રૂપી તારી સખીઓ બહિર્મુખ થઈ ભાગ્યા કરતી હોય છે તેને પણ એની સંગતમાં બચાવી લે ! કામ, ક્રોધ, લોભ ને મોહ જેવા પ્રતિકૂળ બળોને પણ અનૂકૂળ કરી આનંદના અબીલ ગુલાલ ઉડાડ !  - ૧

પછી તો તારા ગગન મંડળમાં મૃદંગ, ઝાંઝ, ડફ જેવા અનેક વિધ વાજિંત્રો વાગવા માંડશે અને અનાહત નાદનું ગુંજન ચાલુ થશે. ચિત્તની વૃત્તિઓને એવી નિવૃત્તિમય બનાવી દે કે ચિત્ત અચિત્ત થઈ જાય અને પ્રભુ મિલનના રાગો ગાવા લાગે !  - ૨

હૃદયના પ્રેમના ચંદનને અગરજા જેવા સુગંધિત પદાર્થોનો ઉપયોગ કરી ત્યાં હરિરસની ધૂમ મચી જવી જોઈએ !  કબીર કહે છે કે જે પ્રભુ સાથે એવી રીતે હોળી ખેલીને પ્રેમનો ફાગ પ્રાપ્ત કરે છે તે જ સાચો સાધુ કહેવાય !  - ૩

----------

૧.  જ્ઞાન સૌ પ્રથમ માહિતીના રૂપમાં પ્રાપ્ત થાય છે. પછી તે માહિતી અનુસાર અમલ થાય ત્યારે તે જ્ઞાનનું સ્વરૂપ ધારણ કરે. તેને આપણે અનુભવનું જ્ઞાન કહીએ છીએ. આ સૃષ્ટિનો કર્તા કોણ ?  આ સૃષ્ટિ કેવી રીતે નિર્માણ પામી ?  પ્રકૃતિ એટલે શું ?  વગેરે પ્રશ્નો પર વિચાર કરનાર સૌ પ્રથમ માહિતગાર થવા પ્રયત્ન કરશે. પછી તે અનુભવની દુનિયામાં પ્રવેશ કરશે. અનુભવની દુનિયામાં તેને જે અનુભવો થશે તે જ સત્ય જ્ઞાન કહેવાશે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અનુભવી જ્ઞાની પુરૂષ કહેવાય, જ્યારે અર્જુન બિનઅનુભવી. અર્જુન તો સૌ પ્રથમ શ્રીકૃષ્ણના અનુભવોને સાંભળે અને પ્રશ્નો પૂછી માહિતી પ્રાપ્ત કરે છે. પછી તેને જે ભાન થાય છે તે જ્ઞાનનું પ્રથમ સ્વરૂપ ગણાય. ચિંતન, મનન ને નિદિધ્યાસનની પ્રક્રિયા જ્ઞાનની પિચકારી શબ્દો દ્વારા સૂચિત થાય છે એમ સમજવું.

૨.  ધ્યાન કોણ કરે ?  સ્મરણ કોણ કરે ?  શરીરમાં રહેલું મન ધ્યાન ને સ્મરણ કરે તે સમજી શકાશે. સ્મરણ ને ધ્યાન દ્વારા મનને સારી ટેવો પડે છે. મનમાં કામના, વાસના, કામ-ક્રોધ આદિ રહે છે તે વિચારો રૂપે જ. ખરેખર તો તે વિચારો જ છે. એટલે મન વિચારોથી દૂષિત થયેલું હોય છે. તેથી તે અશુદ્ધ ગણાય. તે અશુદ્ધિ ધોવા માટે સ્મરણ ઉત્તમ ઉપાય ગણાય. ધ્યાન તેમાં સહયોગી બનીને મનની પ્રસન્નતા વધારતું જાય છે. મન પ્રસન્ન બને તો પ્રભુચિંતન પણ સારું થઈ શકે. આ રીતે મનમાં ધીમે ધીમે પરિવર્તન આવતું જાય. સ્મરણ ધ્યાન ને જ્ઞાન દ્વારા તેનો ચંચળ સ્વભાવ સદંતર બદલાય જાય છે એટલે કે તે સંયમિત બને છે. કહેવાય છે કે રંગને પાકો કરવા કેસરનો ઉપયોગ થઈ શકે. ધ્યાનથી સ્મરણ પાકું બને. જુદા જુદા વિચારોના કાચા રંગે રંગાયેલું મન પ્રભુ સ્મરણના પાકા રંગે ધોઈ પણ શકાય ને પાકા રંગે રંગી પણ શકાય.

૩.  મન રહે છે શરીરમાં પણ તેનો સ્વભાવ છે બહાર ભટકવાનો. સુખ, ચેન, શાંતિ, આનંદ વગેરે બહાર ભટકવાથી જ મળશે એવી આશામાં તે ઇન્દ્રિયોને પણ બહેકાવી દે છે. પરિણામે સૌ ઇન્દ્રિયો પણ વિષયોમાં જ રમમાણ રહે છે. તેથી મન જો કાબૂમાં આવી જાય તો સહેજે તેની સત્તામાં રહેલા ઇન્દ્રિયો, કામક્રોધાદિ દુર્ભાવો પર પણ કાબૂ આવી જાય છે.

૪.  અનહદ નાદ ગમે તેને સંભળાતો નથી. જે પ્રાણ અને મનને સંયમિત કરી શકે તેને એક ચોક્કસ અવસ્થામાં જ સંભળાય છે. શક્તિ ચક્રોને વેધતી ત્રિકુટીમાં આવે ત્યારે પરમ આનંદની અવસ્થામાં તે સંભળાય છે. કબીરસાહેબે તેનું વર્ણન આ પ્રમાણે કર્યું છે :

આંખ, કાન મુખ બંદ કરાઓ, અનહદ ઝિંગા શબ્દ સુનાઓ
દોનો તિલ ઈકતાર મિલાઓ, તબ દેખો ગુલજારા હૈ     (‘કબીર વચનાવલી’ પૃષ્ઠ-૨૨૦)

અર્થાત્ ધ્યાનમાં બેસી બે ભ્રમરોની વચ્ચે આજ્ઞાચક્રમાં મન સ્થિર કરો તો પરમ આનંદનો અનુભવ થતાં અનાહત નાદ સંભળાશે.

૫.  પ્રભુસ્મરણ કરનારી ચિત્તવૃત્તિ તે સુરતિ. તેને સર્વથા સંસારના વિચારોમાંથી નિવૃત્ત કરી આત્મલીન કરવામાં આવે તો તે નિરતિ.

૬.  બહિર્મુખ મન અંતર્મુખ બને તો તેને એક દિવસ અમન કરી શકાય. ચિત્તને અચિત્ત કે અનચિત કરી શકાય. ચંચળ ચિત્તને બદલે સ્થિર ચિત્ત કરવું તે અનચિત. ચિત્ત આત્મામાં સ્થિર બને એટલે તે શુદ્ધ ને પવિત્ર ગણાય. તેવા પવિત્ર મનનો મહિમા કબીરસાહેબે આ રીતે ગાયો છે :

મન મેરો નિર્મલ ભયો જૈસે ગંગા નીર
પાછે પાછે હરિ ફિરે કહત કબીર કબીર

૭.  જે સાધના કરે તે સાધુ. જેને કોઈ સિદ્ધ કરવું હોય તેણે સાધના કરવી જ પડે. મનને અંતર્મુખ કરવું, સ્મરણમાં લીન રહેવું, ધ્યાનમાં મસ્ત બનવું અને સદાયે પરમાત્માનું ચિંતન, મનન ને નિદિધ્યાસન કરવું તેને જ સાધના કહેવાય. સાધના કરનાર એક દિવસ પોતાના સ્વરૂપને પામે એટલે ધન્ય બને. આત્મકલ્યાણના તે કાર્યને જ ફાગ માનવો. તે દ્વારા તેને પરમ સુખની પ્રાપ્તિ થાય તે જ ફાગ.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૪૯૯ : મન કરી સુમરણ કો રંગ (રાગ - ધનાશ્રી)

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,485
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,714
pdf-2અનંત સૂર | Anant Soor 9,471
pdf-3Amar Varso | અમર વારસો 7,574
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,372