Articles

શબ્દ પારખુ
‘નાદબ્રહ્મ’ પદ-૨
ભાવાર્થ – આશાબેન એમ. ભક્ત

Kabir Swarotsav Group (San Antonio)

અનહદ શિંગી નિશદિન બાજે, સદા રહે ઉનમૂન કે સાજે; 
સુરત શબ્દમેં રહે સમાય, કહે કબીર ગુલતાન કહાય ... ૧
આપણી અંદર, હૃદયમાં જે અનહદ નાદ ધડકન (ૐકાર) સ્વરૂપે નિત્ય નિરંતર ચાલ્યા કરે છે તે વાજીંત્રની ધૂનમાં મનને નિરંતર જોડાયેલુ રાખવામાં આવે તો સતત મનની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થાય, અને શ્રી કબીર સાહેબ કહે છે તો જીવન “ગુલતાન” બને... ધન્ય બને.

બહુત દિનકા સુતા જાગા, ખોલ કમાડ નામ સે લાગા; 
ધન સતગુરુ જેણે યુક્તિ બતાયી, કહે કબીર સબ વિપત્ત મિટાઈ ... ૨
મોહ નિદ્રામાં ઘણાં લાંબા સમયથી સુતા હતાં પણ એ અંધકારનાં, મોહનાં પડદા ખોલીને નામમરણમાં લાગી જવાનો માર્ગ શ્રી સદ્‌ગુરૂ, જ્ઞાનવડે આપણને બતાવે છે અને જીવ જ્યારે નામસ્મરણમાં સત્યપથે જોડાઈ છે ત્યારે જીવની બધી જ વિપત્ત મટી જાય છે.

ઘટમેં ભયા નામકા હેલા, ભૂલ ગયા શબ ખેલમ ખેલા;
આ માયા કી કાટિ ફાઁસી, ખેત ગઈ, મિટી ચોર્યાશી ... ૩ 
જીવ જ્યારે એ અનહદ નાદ નામસ્મરણમાં ચિત્તને જોડે છે ત્યારે એ નામસ્વરૂપથી આપણું મન સ્વસ્થ બની આ જગતનાં વ્યાપારને, સ્થિરતા પામી સ્થિતપ્રજ્ઞ રહી જોવા માંડે છે એટલે શ્રી કબીર સાહેબ કહે છે, જીવની ભટકણ ...મનનું લક્ષચોર્યાસીમાં અટવાવાનું બંધ થાય છે.

સ્વામી સબ સંસારસે ન્યારા, શું કહીએ સાહેબ કા પ્યારા;
આશા તજ કે રહે નિરાશા, કહે કબીર જબ દેખ તમાશા ... ૪
સમસ્ત સૃષ્ટિમાં સ્વામી શ્રી પરમપુરૂષ પરમાત્મા વિષે તો વર્ણન કરતાં શબ્દ ઓછા પડે તો એવા પ્રિયને મળવાની, પામવાની આશા-ઈચ્છા કરવાને બદલે નિરાશાની ગર્ભમાં રહે એને માટે શ્રી કબીર સાહેબ કહે છે કે તો ત્યાં તમાશા જ બાકી રહે છે.

હાથ ઠીકરા ગલેમે કંથા, નિર્ગુણ હો કર પકડે પંથા;  
જ્ઞાન ચિરાગે ઘટમે જુપી, કહે કબીર સો મુકત સ્વરૂપી ... પ
હાથમાં કમંડળ અને ગળામાં કંથા પહેરીને મનને પરમાત્માનાં નિર્ગુણ સ્વરૂપમાં લીન કરી પરમના માર્ગને શોધીને વિચરણ કરવા લાગે છે. જ્ઞાનનો પરમ પ્રકાશ પોતાના તન મનમાં પ્રગટાવે છે તો શ્રી કબીર સાહેબ કહે છે કે આવા જીવ મુક્ત સ્વરૂપ બની જાય છે. મુક્તિ એમને માટે સહજ છે.

ફાટા તૂટા કંથા પહેરે, મનષા મમતા ઘટમેં ઘેરે;
જમકી ચોકી માન બડાઈ, કહે કબીર સબ દિયા ઉઠાઈ ... ૬
ફાટેલા, તૂટેલા વસ્ત્રો પહેરે, વેશ ત્યાગીનો રાખે પણ (ઘટમાં) મન-અંતરમાં તો ઈચ્છાઓનો પાર નથી હોતો. મોહ, માયા, મમતાથી ઘેરાયેલું મન, માન અને મોટાઈની માયામાં રમતુ રહે છે તો શ્રી કબીર સાહેબ કહે છે કે તો બધુ જ નાશ પામે છે... સત્યનો નાશ... થાય જ થાય.

મનરાજા સિર્ગુણમેં ભીંજે, જૈસે બકરી ખટકી કો દીજે; 
નિર્ગુણ છે તે લાજે મરહી, કહે કબીરા ભ્રમ કૈસે તરહી ... ૭ 
આપણું મન છે તે સગુણ અને નિર્ગુણ બંનેમાં જ અટવાયેલુ રહે છે ... સગુણનાં ધ્યાનમાં એની લગનમાં આપણી હાલત આપણે જ આપણાં હાથે બકરી જેવી બિચારી કરી દીધી... નિર્ગુણને સમજીને સ્વીકારાતું જ નથી અને આ બંનેનાં ભ્રમમાં આપણી વિચારધારા અટવાતી રહે છે. આ ભ્રમમાંથી કેમ કરી મુક્ત થવાય ?  એવી વાત શ્રી કબીર સાહેબ કહે છે.

ફાંસી લિયે હાથમેં માયા, જેમ વાઘણ બકરી કો ખાયા; 
પડા પડામેં આપે રોય, કહે કબીર ઐસા દુ:ખ હોય ... ૮
માયાનું જોર ખૂબ જ રહે છે અને એ માયા વાઘણ જેવી સબળ છે જે આપણને ફસાવી કાઢે છે. અને એ માયાની અંદર આપણે જાણે અજાણે ફસાયા જ કરીએ છીએ અને શ્રી કબીર સાહેબ કહે છે કે આ જ દુઃખ છે.

માયા કા જોરાવર ફંદા, વામે ઉગરા કોઈ એક બંદા; 
શ્વાસો શ્વાસ સુમરણમેં લાગા, કહે કબીર સંશય સબ ભાગા ... ૯ 
માયાનું બળ અમાપ છે, એટલો તો જોરાવાર કૂંદો (ગાળિયો) આપણાં સૌના ગળામાં ફસાયો છે. એમાંથી કોઈ એક જ છટકીને ઉગરી જાય છે. અને કોણ ઉગરી જાય આ માયાનાં વમળમાંથી જેનો શ્વાસોશ્વાસ પરમના સુમિરનમાં જોડાઈ જાય તેના મનનો અંધકાર, અજ્ઞાનનો નાશ થાય છે એમ શ્રી કબીર સાહેબ કહે છે.

જૈસે સર્પનદિયે કુંડાલા, કોઈ બચે કોઈ દેગે ટાલા; 
કહે કબીર કુંડાલા પેલે, નિર્ભય હોય જગતમેં ખેલે ...    ૧૦
અહીં શ્રી કબીર સાહેબ કહે છે કે માયાની તુલના જેમ સાપણ કુંડાળુ મારીને બેઠી હોય અને એ માયાનાં વમળમાંથી કોઈ સબળ જ એને કૂદાવી જઈ શકે. આ વમળને જે કૂદી જાય, પાર કરી જાય તેજ નિર્ભય બનીને આ જગતમાં ફરી શકે ...

સબ સંસાર કુંડાલા માંહી, જૈસે સર્પણ, ધર ધર ખાઈ;
કહે કબીર કોઈ બાહર આયે, તાકો માયા નહીં સંતાપે ... ૧૧
શ્રી કબીર સાહેબ કહે છે કે આખો સંસાર આ માયાનાં કુંડાળામાં ફસાયેલો રહે છે, માયારૂપી  સાપ દરેક ઘટને – પ્રત્યેક માનવને ડસી રહે છે પણ જે જીવ જાગ્રત રહે, કુંડાળામાંથી નીકળી જાય તો પછી એને માયા સતાવતી નથી ...

વણજ કહે ઔર ઊંચા બોલે, મનમેં ફૂલ્યા ફૂલ્યા ડોલે;
માગ જાચ કે કરે રસોઈ, કહે કબીર નફા ન હોઈ ...    ૧૨
વાણીથી ઠાલુ બોલે... ખૂબ જે બોલ્યા કરે અને પોતાનાં જ્ઞાનની બડાઈમાં ખૂબ જ ઉંચી ચાલે ફૂલ્યા ફૂલ્યા રહે, દેખાવ માટે વેશ ધારણ કરી ભિક્ષા માંગી જીવન ગુજારે પણ શ્રી કબીર સાહેબ કહે છે આનાથી એને કોઈ ફાયદો થતો નથી.

બહુત તુજસે જગત પ્રમોદે, અપના ઘટકો નાંહી શોધે; 
અંધા સે મન કરહી પર્ચે, કહે કબીર ભ્રમ કૈસે ટળશે ... ૧૩
જ્ઞાનની બડાઈ, વળી વાણીની કલાથી જગતને જે ખૂબ રાજી કરી લે છે, લોકોને સંમોહિત કરી લે છે પણ પોતાની અંદર રહેલાં પરમને શોધતો નથી, ઓળખતો નથી અને જે પોતે જ આંધળો છે તેની પાસે શું કાગળ લખાવી શકાય ?  ભ્રમણામાંથી માનવ કેમ નીકળી શકે ?  એવુ શ્રી કબીર સાહેબ કહે છે.

દુનિયા છે તે બકબક મુઆ, જો લલનીમેં પકડા સુવા;
ઉપર પાવ તળે મુંડી, કહે કબીર સંસારી ભૂંડી ... ૧૪
અહીં શ્રી કબીર સાહેબ કહે છે કે આ દુનિયા ઠાલો ઠાલો ખૂબ બકવાસ કરે... ગોઠણપટ્ટી કરે નામની જેમ કે પીંજરામાં પાળેલો પોપટ... ઉંધા માથે પીંજરામાં હિંચકો ખાયા કરે એમ જ માનવ પણ સંસારમાં ઉંધો જ લટક્યા કરે છે.

રાત દિવસ મિલી, જ્ઞાન પુકારે, મન ઈન્દ્રિ કો નાંહી મારે;
કહે કબીર સુનો નર લોઈ, કાગા હંસા જૈસા હોઈ ... ૧૫
આપણે આપણને થોડુંક જ્ઞાન મળે તો એને ગાઈ વગાડીને જ્ઞાનનું પ્રદર્શન કરવામાં પાછા પડતાં નથી. બહારનાં દેખાવમાં આપણે આપણાં મન અને ઈન્દ્રિયોને વશમાં રાખવાનું ભૂલી જઈએ છીએ. અહીં શ્રી કબીર સાહેબ કહે છે કે હે સ્ત્રી અને પુરૂષ, તમે સાંભળો. કાગડો છે તે વળી કેમ કરી હંસ થાય ???

કઠણ ધારણા હંસ કી ભાઈ, જ્યાં નટણી કો વરત ચઢાઈ; 
વરત ચઢે ઔર તન મન સાધે, કહે કબીર વાગીશ આરાધે ... ૧૬
અહીં શ્રી કબીર સાહેબ કહે છે કે જેમ સરકસમાં નર્તકી દોરી ઉપર બેલેન્સ રાખી તન-મનને કાબૂમાં રાખીને સડસડાટ ચાલી જાય છે તે જ રીતે માનવ સરસ્વતીનાં આરાધનથી મોટો તો દેખાઈ પણ મનથી અંતરથી હંસ થવુ કઠિન છે.

સુરત નુરત સે નકણી ખેલે, તન સંભાળી આગે પગ મૂકે; 
ઐસી ધારણા નામ જો આયે, કહે કબીર સો હંસ કહાવે ... ૧૭
જેમ નર્તકી પોતાનાં શરીરને અને મનને એક સંપૂર્ણ રીતે તાલમય રાખી આગળ વધે છે તે જ રીતે માનવ પૂર્ણપણે અંદર અને બહારનાં જગતમાં એક શ્રદ્ધા-વિશ્વાસનો પ્રચંડ ધારણા ધારીને સંસારમાં રહે તો હંસ બનવામાં.. સ્થિરતારૂપી વિવેક પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવતી નથી.

અંતર લગી કો બુદ્ધિ તારી, દશે દિશા સુરત ગઈ ફાટી; 
ચોકખું ચિત્ત માયા દિન વીત્યા, કહે કબીર એમ રહ ગયા રિકતા ... ૧૮
જ્યારે આપણું મન-બુદ્ધિ-ચિત્ત અંતરનાં નાદ સાથે એકરૂપ થઇ જાય ત્યારે દશે દિશામાં ફર્યા કરતું આપણું મન ચોક્ખુ થઈ જાય, શુદ્ધ થઈને બધા વ્યાપારમાંથી શાંત થઇ જાય. એકલુ રહી જાય એવુ શ્રી કબીર સાહેબ કહે છે.

જણ સુરતા અબ કહાં સુએ, ટાલાટુલીમેં દિન ખુએ; 
અનેક છોડ એક કો ધાવે, કહે કબીર નિર્ભય હો જાયે ... ૧૯
આપણી પાસે આરામનો... સુતા રહેવાનો... આળસમાં વીતાવી નાંખવા માટે આ અમય નથી... અને અનેક વ્યાધિઓમાં વ્યાપારોમાં અટવાવાનો સમય પણ નથી. માટે અનેક પંથોને છોડી એકનું જ ધ્યાન કર... જ્યારે એક (પરમ) નું ધ્યાન માનવ કરે ત્યારે તે નિર્ભય બની જાય એવુ અહીં શ્રી કબીર સાહેબ કહે છે.

વાંકા ગઢ જો વેગે લીજે, પીછે નાંહી પ્યાલા ઝીલે; 
સન્મુખ ઝુઝે એહી શૂરા, કહે કબીર સાહેબ કા પુરા ... ૨૦
ચિત્તના સઘળા ઉતાર-ચઢાવ તીવ્ર વેગોને ઝીલીને જે સ્થિર રહે... પાછો નથી પડતો તે જીવ સાચા અર્થમાં શૂરો છે. એનું પાત્ર... એનું ચિત્ત-મન પૂર્ણપણે પરમનું જ બની રહે છે એવુ અહીં શ્રી કબીર સાહેબ કહે છે.

સાર શબ્દ પ્યાલા ઝીલે, નિર્ભય હોઈ જગતમેં ખેલે; 
કહે કબીર સંશય ક્યા કીજે, નામ પ્યાલા ભર ભર પીજે ...    ૨૧
જગતનો સાર સ્વરૂપ પરમાત્માનું નામ પોતાની અંદર રાખીને નિર્ભય થઇને આ જગતમાં વિચરણ કરે છે. સંશય-શંકાનો તો સવાલ જ નથી. જ્યારે નામ આપણી અંદર સ્થિર થાય તો એ નામરૂપી-શબ્દરૂપી અમૃત આપણી અંદર જ પ્રાપ્ત થાય છે. પ્રેમ પ્યાલાથી આપણે દૂર નથી એવુ શ્રી કબીર સાહેબ કહે છે.

આઠે પહોર જો નામ પુકારે, ઘટ કા વૈરી ચુન ચુન મારે; 
અગમ પંથકી રાહ બુહારે, કહે કબીર નહીં જમકે સારે ... ૨૨
જેનું મન આઠે પ્રહર – નિત્ય નિરંતર “નામ” ની અંદર લીન-મસ્ત રહે અને આપણી અંદર રહેલા શત્રુઓને – કામ-ક્રોધ-અહંકાર-લોભ-  રૂપી અનેક વેરીઓને ઓળખીને એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરે અને વળી સાથે જે સત્યપથ - અગમ પંથ - પરમના પંથે જે પ્રયાણ કરે છે તેને, શ્રી કબીર સાહેબ કહે છે કે યમનો માર પડતો નથી.

મુખસે વચન કહે નહીં ખારા, હિંદુ તુર્ક દોનોં સે ન્યારા; 
ઉજ્જડ કેડા લીજે ભાઈ, કહે કબીર ખત્તા ન ખાઈ ...    ૨૩
જેનાં મુખમાંથી હંમેશા મીઠી વાણી જ વહે છે, કડવા-ખારા-તીખા વેણ નીકળતા નથી... વળી... હિંદુ-મુસ્લીમ જાતિવાદમાં જેનું મન અટકતું નથી અને એક સીધો માર્ગ જે પકડી રાખે છે – સ્થિરતારૂપી માર્ગ પકડનાર ક્યારેય પસ્તાતો નથી એવુ શ્રી કબીર સાહેબ કહે છે.

દુંદ વાદસે ન્યારા રહેના, નિશદિન સાહેબ કહેના;
કહે કબીર સમજ કર દેખો, અન્ય વિશેષ નાંહી લેખો ... ૨૪
જેનું મન વાદ-વિવાદથી પર રહે છે... આઠે પ્રહર રાત-દિવસ જેનું મન પરમાત્માની અંદર જ સ્થિર રહે અને આ સમજ આ ભાવ એક સરખો રહે તેનાં માટે બીજુ કાંઈ વિશેષ રહેતું નથી એવુ શ્રી કબીર સાહેબ કહે છે.

શૂન્ય શિખરમેં તાડી લાગી, સુરતી સુરત ધબડકે જાગી;
કહે કબીર પ્યાસે લાગી, દિલકી દુર્મતિ સબ ભાગી ... ૨૫
જેમનાં અંતરની સુરતા-સ્મૃતિ જાગી જાય છે... જેઓ સતત જાગ્રત રહે છે, જેમનું મન શૂન્ય શિખરમાં જ રમતું રહે છે... અહીં “શૂન્ય શિખર” એ શબ્દ જ્ઞાનની પરાકાષ્ઠા છે... સંપૂર્ણ જીજીવિષા વિહિન મન - ઈચ્છારહિત મન - રાગદ્વેષરહિત મન, નિર્મળ શુદ્ધ પારદર્શી વિશુદ્ધ મન એ જ “શૂન્ય શિખર”, એજ નિર્વાણ, એજ મોક્ષ. આવી મનની દશા જેની થઇ જાય ત્યારે શ્રી કબીર સાહેબ કહે છે કે હૃદયમાંથી સર્વભાવ-દૂર્મતી દૂર થાય અને પરમની સાથે જીવ જોડાઈ રહે.

॥ રામકબીર ॥

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,485
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,714
pdf-2અનંત સૂર | Anant Soor 9,471
pdf-3Amar Varso | અમર વારસો 7,574
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,372