કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૪૯૭, પૃષ્ઠ-૨૫૮, રાગ-ધનાશ્રી
(સંદર્ભ : ‘કબીરપંથી શબ્દાવલી’ પૃષ્ઠ-૭૦૦/૪૮)
મિલ૧ ખેલો વિમલ૨ બસંત પ્યારે કંઠ સૌ
ખોલ અંધારી૩ કોઠરી, મિલ બૈઠો મહેલ એકંત - ટેક
ગગન મંડલ દીપક૪ ધરે, મહલ કરો ઉજિયાર
છેલ છબીલે કબ મિલો, મેરે જીવન પ્રાન આધાર - ૧
ગંગા૫ જમુન કે અંતરે, ચંદ્ર સૂર કે બીચ
અર્ધ ઉર્ધકે મધ્યમેં, જહાં મચી અગરજા કીચ - ૨
બિન પગ નિરત૬ હોત હૈ, બિન કર બાજે તાલ
બિન નૈનન છબિ દેખિયે, બિના સરવન ઝનકાર - ૩
જહાં સુરંગ૭ રંગ રહો, હિલ મિલ એક હિ ઠાંવ
ધર્મનિ ભેટે ભાવસોં, ગુરૂ૮ પાયે અપને નાવ - ૪
સમજૂતી
હે મન, તારી અજ્ઞાનની અંધારી ઓરડી ઉઘાડ અને શુદ્ધ બની જઈ મહેલના એકાંતમાં પ્રિયતમ સ્વામી એકલા બેઠેલા છે તેની સાથે વસંતનો આનંદ માણી લે ! - ટેક
ગગન મંડળમાં સૌ પ્રથમ જ્ઞાનનો દીવો સળગાવી લે એટલે ભગવાનના મહેલમાં અજવાળું થઈ જશે. મારા જીવનના આધાર પ્રાણ સમાન છેલ છબીલા પ્રિયતમને ક્યારે મળીશ એવી ઇતેજારી જગાડ ! - ૧
જ્યાં ગંગાનાડી ને જમનાનાડી એકમેકને આંતરે ત્યાં, સૂર્યનાડી ને ચંદ્રનાડીની વચમાં અરધ ને ઉરધની જ્યાં સંધિ થાય છે ત્યાં ત્રિકુટીના ધામમાં પ્રાણશક્તિ પ્રવેશ કરશે ત્યારે અનહદ આનંદનો અનુભવ થશે ! - ૨
તેવી અવસ્થામાં પગ વગર જ નૃત્ય થતું જણાશે, હાથ વિના જ તાલ અપાતા હશે, આંખ વગર જ બધું જોઈ શકાશે અને કાન વિના જ દિવ્ય નાદનો ધ્વનિ સંભળાયા કરશે. – ૩
હે મન, તે દૈવી રંગના રંગમાં અરસપરસ રંગાયને સ્થાન પ્રાપ્ત કરી લે ! ધર્મદાસ એવી જ રીતે ભાવથી ભેટ્યો છે અને પોતાના આત્માના સ્વરૂપને પામ્યો છે. – ૪
----------
૧. સ્વામી યુંગ્લાનંદ વિહારી સંપાદિત “કબીરપંથી શબ્દાવલી”માં બે સરખાં પદો મળ્યાં તેમનું આ એક પદ અહીં સમજાવ્યું છે. બીજું પદ પરિશિષ્ટ નં-૫ માં આપ્યું છે. જિજ્ઞાસુ વાચકે તે જોઈ લેવું.
૨. વિમલ એટલે પવિત્ર. મળ વિનાની, દોષ વગરની વસંત. વ્યવહારમાં લોકો વસંતનો આનંદ માણે છે. તે વસંત કુદરતી રીતે માત્ર બે માસ માટે આવે છે. તેવી વસંત દોષવાળી હોય છે. પ્રથમ દોષ તો જેવી વસંત આવે છે તેવી તે જતી પણ રહે છે. તેનું અસ્તિત્વતો કામચલાઉ જ હોય છે. વળી વસંતનો આનંદ માણનારા લોકો પણ કામના ને વાસનાથી રંગાયેલા હોય છે. તેમની રમતમાં તો વેરઝેરના ભાવો પણ ભળેલા હોય છે. તેથી વાસના રહિત મનને બનાવી વસંત ખેલવાની અહીં વાત કરી છે.
૩. અંધારી કોઠરી એટલે મનની અંધારી ઓરડી. મન કામ-ક્રોધ-લોભ આદિ દુર્ભાવોથી સીમામાં બંધાયેલું રહે છે. તે પોતે શક્તિશાળી હોવા છતાં શક્તિ વગરનું હોય તે રીતે બંધનમાં રહે છે. તેવી અવસ્થામાં તેની અંદર પરમાત્માનો પ્રતિનિધિ આત્મા રહે છે તેની જીવને પણ વિસ્મૃતિ થતી હોય છે. ક્યારેક સ્મૃતિ થાય તો વીજળીની માફક ઝબકીને પાછી શાંત પણ બની જતી હોય છે. તે વિસ્મૃતિની અવસ્થા અહીં અંધારી ઓરડીના પ્રતીકથી વ્યક્ત કરી છે. મતલબ કે આત્માની બૌદ્ધિક પ્રતીતિ પણ થવી જરૂરી છે. તો ધીમે ધીમે મનની ઓરડી ઉઘડે. તો જ જીવને અનુભવીને સાંભળવાની ઈચ્છા થાય તેમ જ સદ્ગ્રંથોને વાંચીને પરિચય મેળવવાની પણ ઝંખના જાગે. બંધ ઓરડીમાં વિકાસની કોઈ શક્યતા નથી હોતી !
૪. ‘દીપક ધરે’ એટલે ગગન મંડળમાં દીવો તો સળગતો જ હોય છે. તેના તેજથી જીવને આગળના પ્રદેશની પ્રતીતિ થયા કરતી હોય છે. કુંડલિની શક્તિ જ્યાં સુધી સૂતેલી હોય ત્યાં સુધી ગગન મંડળના અજવાળાનો ખ્યાલ ન આવે. તે શક્તિ જાગે અને ઉર્ધ્વમુખી થઈને પિંડના છ ચક્રોને ભેદતી ઉપર આવે ત્યારે ગગન મંડળના પ્રકાશનો ખ્યાલ આવે. એટલે ત્યાં સુધીની સાધના કરવી આવશ્યક બની જાય છે. તેવી સાધના વિના દર્શનની ભૂખ કે તરસ જાગે નહીં.
૫. ‘ગંગા જમુનાકે અંતરે’, ‘ચંદ્ર સૂર કે બીચ’, ‘અરધ ઉરધકી સંધિમેં’ એક અવસ્થાનું સૂચન કરનારા શબ્દસમૂહો છે. ઈડા નાડી ને પિંગલા નાડી તે જ ચંદ્રનાડી ને સૂર્યનાડી તથા ગંગા અને જમુના. અહીં સુષુમ્ણા નાડીમાં પ્રાણશક્તિ નિરુદ્ધ થયા પછી પ્રવેશ કરે છે તે અવસ્થાનું આલેખન થયું છે. આ સુષુમ્ણા નાડી ગંગા-જમુનાનિ વચ્ચે, ચંદ્ર ને સૂર્યની વચ્ચે તથા અર્ધ ને ઉર્ધની મધ્યમાં આવેલી છે. તે સુષુમ્ણા નાડીમાં પ્રાણને મનનો લય થાય તે શુદ્ધ અવસ્થા દર્શાવવાનો અહીં પ્રયત્ન થયો છે.
इडा पिंगलयो मध्ये शून्यं चैवानिलं ग्रसेत | (ह.प्र. ४/४४)
અર્થાત્ શૂન્ય એટલે સુષુમ્ણા નાડીમાં પ્રાણ પ્રવેશે ત્યારે સુષુમ્ણા તે પ્રાણવાયુને ગ્રસી જાય છે એટલે કે પ્રાણને સ્થિર કરી દે છે.
૬. નિરત એટલે નૃત્ય. મનની ઊંચી અવસ્થા થાય એટલે કે મન ઉન્મન બને ત્યારે આનંદની સહજ અવસ્થામાં થતા અનુભવનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. પરમાત્માના પ્રદેશમાં પ્રવેશનારને તેવી અનુભૂતિ થાય છે.
૭. સુરંગ એટેલ દૈવી રંગ. દુન્યવી રંગ કામચલાઉ ગણાય. તે ધોવાય શકે. તે દૂર કરી શકાય પણ જે દૈવી રંગ છે તે સનાતન હોવાથી કાયમનો ગણાય. તેનો નાશ થાય નહીં.
૮. ‘ગુરૂ પાયે અપને નાવ’ એટલે આત્માએ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી. ગુરૂ શબ્દ દ્વારા આત્મા સમજવો. ઉપનિષદ્નું વચન છે કે आत्मा वै गुरु: | આત્મા તે જ ગુરૂ.
* ધર્મનિ એટલે ધર્મદાસ. જેણે કબીરપંથની સ્થાપના કરેલી તે સંત. આ પદ તેમને નામે મળી આવ્યું છે. નાદબ્રહ્મમાં કબીરસાહેબને નામે આ પદ બોલે છે. એટલે આ પદ એ દૃષ્ટિએ વિવાદાસ્પદ ગણાય.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૪૯૭ : મન ખેલો વિમલ વસંત (રાગ - ધનાશ્રી)
2. કબીર સુધા - વિમલ વસંત - શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
Add comment