Articles


અથ શ્રી સોરંગી
શ્રી પદ્મનાભજી અધ્યારુજીના કીર્તન - ગુજરાતી ભાવાનુંવાદ (પૃષ્ઠ-૧૯૬)
સ્વામી જગદીશચંદ્ર યદુનાથ

વેદ પુરાણો શાસ્ત્રોએ માનવ સમાજના અગ્રેસર માર્ગદર્શકનું સ્થાન મેળવ્યું છે. અને માનવ જીવન ઉપર વેદોએ, વેદ આજ્ઞા કે શાસ્ત્ર આજ્ઞાનું વર્ચસ્વ જમાવ્યું છે. માટે આ બધા ગ્રંથોને સમજવા માટે આતુરતા રહે છે. પરંતુ આ બધાં વિદ્વત્તાવાળા ગ્રંથો દરેક વ્યક્તિ સમજી ન શકે. અને એવા લાચાર લોકો આ બધાં જ્ઞાનથી ભરપૂર ગ્રંથોને ભલે ન સમજી શકે છતાંય તેઓ સીધોને સરળ ભગવદ્ ભક્તિનો માર્ગ અનુસરીને સહેલાઈથી પોતાનું કલ્યાણ કરી શકે છે. વેદ પુરાણના કીર્તન દ્વારા અધ્યારુજી મહારાજે આવા અજ્ઞાની લોકોને અનુલક્ષીને ભગવાનની સમક્ષ, પ્રેમ ભક્તિવાળા ભોળા ભક્તોની ભક્તિની રજૂઆત કરે છે અને આ આત્માઓ તમારી કૃપાને પાત્ર છે એવું દર્શાવ્યું છે. સોરંગી એ પ્રેમ ભક્તિનો રંગ છે.

સોરંગીનાં પદમાં આવા ભક્તો જેઓ ભગવદ્‌ભક્તિમાં લાગેલા હોય, તેમની ભક્તિનું આલેખન કર્યું છે. વેદ પુરાણ શાસ્ત્રનો અભ્યાસ કરવા વિદ્યા પ્રાપ્ત કરવી પડે છે. પરંતુ વિદ્યાની દેવી સરસ્વતી ભલે કુંવારી કહેવાતી હોય પણ પોતાની જે જ્ઞાન આપવાની શક્તિ, જેની કૃપાથી (આ દેવી) ધરાવે છે, તે સ્વયં તેનો સ્વામી છે. માટે તેનો સ્વામી ભગવાન છે. માટે આ સરસ્વતીની આરાધના કરીને વિદ્યાઓને પ્રાપ્ત કરવાની મજૂરી કરવાની જરૂર ના પડે તેવો માર્ગ, ભગવાનની ભક્તિનો છે. ભક્તને આવી કોઈ વિદ્યા ભણવાની જરૂર પડતી નથી. તે તો સીધો ભગવદ્ કૃપાને પાત્ર જ બની જાય છે. ભગવાન તો ભોળા ભક્તો ઉપર રાજી થવાવાળા છે. ભગતને જે ભક્તિનો રંગ લાગ્યો હોય છે તે સોરંગી જેવો છે. સોરંગી તો ફક્કડ મોજીલો વ્યક્તિ હોય છે. તેને વિવિધ રંગો સાથે કાંઈ નિસ્બત નથી હોતી. તે તો સહજ પ્રેમમાં લીન થયેલો હોય છે. સફેદ રંગ, પીળો રંગ, લાલ રંગ, ભગવો રંગ જેવા રંગોના બાહ્ય દેખાવોની આ સોરંગી-ફક્કડ પુરુષને પરવા હોતી નથી. તે તો લહેરી, રંગીલોજન હોય છે.

સોરંગી એ શું છે તે જાણીએ - સોરંગી એક પ્રકારની વનસ્પતિ છે. જેના રંગથી સાધુ લોકો પોતાના વસ્ત્રો રંગે છે. સોરંગી એક પ્રકારની વનસ્પતિ છે, તેનું ઝાડ થાય છે. નર અને માદા ફૂલનાં ઝાડ જુદાં જુદાં હોય છે. ભારતમાં પશ્ચિમ ઘાટ, કાનડાથી કોંકણમાં તે પુષ્કળ થાય છે. ફૂલની કાચી કળીઓ નાગકેસરને નામે વેચાય છે. પરંતુ તેમાં નાગકેસર જેવા બહું ઓછા ગ્રાહી ગુણો છે. પૂર્ણ પણે ખીલે તે પહેલાંની કળીઓ; મીઠા સ્વાદની હોય છે અને તે તાજગી આપે છે. મહા કે ફાગણ માસમાં ફૂલો આવે છે, ત્યારે જંગલમાં તેની સુગંધ સર્વત્ર પ્રસરી રહે છે. ફોલ્યા વગરની કળીઓ સૂકવી રંગ બનાવવા માટે પરદેશ જાય છે. આ કળીઓને રંગ; રેશમ, મલમલ વગેરે ઊંચી જાતના કપડાં રંગવાના કામમાં આવે છે. રંગ લાલ બને છે. દવા અને ધૂપેલ તેલમાં સુગંધ લાવવા માટે પણ આ ફૂલો વપરાય છે. આ ઝાડ કડવું છે તેનું લાકડું ઈમારતમાં વપરાય છે. ભેખ ધારીઓ વસ્ત્રોને રંગવા આ ઉત્તમ પ્રકારના રંગને પસંદ કરવા ઈચ્છે છે. જ્યારે સંસારીઓ શુભ અવસર પર ઉત્તમ પ્રકારના વસ્ત્રો પરિધાન કરીને ભક્તિના રસનો આનંદ લેવાનો લહાવો માને છે. કૃષ્ણ જન્મનો ઉત્સવ મનાવતા વ્રજવાસીઓએ સોરંગી ચીર પહેર્યા છે. એવું નરસિંહ મહેતાએ ધોળમાં ગાયું છે.

जीरे आभ्रण सघलां पहेरियां | भले पहेर्या रे सोरंगी चीर || रंग लीला भरी ||

પ્રેમભક્તિના રંગ ઉત્સાહથી જેનાં હૈયાં ભરેલાં હતાં તે બધા વ્રજવાસી નરનારીઓએ આભૂષણો પહેર્યાં છે અને ભલાં સુંદર સોરંગી જેવા ઉત્તમ રંગવાળાં વસ્ત્રો પહેર્યાં છે. (‘ઉદા ધર્મ પંચરત્ન માલા’ આવૃત્તિ-૪ પા.૩૯૫-૬)

સાધુઓ, ભેખધારીઓ અને સંસારીઓના વસ્ત્રોને ધારણ કરવાની રીત ભાતો માં બહુ ફરક છે. વેષધારીઓ લોકોને દેખાડવા લાલ પીળાં સફેદ ભગવાં વિગેરે વસ્ત્રો પહેરે છે. તેઓના મનમાં સાચી ભક્તિ હોતી નથી, પણ પાખંડ હોય છે. જ્યારે સંસારી લોકોમાં સાચી ભક્તિનો ઉમંગ હોય છે, પણ આવા પાખંડી વેષધારીઓ ભોળા સંસારીઓને ઠગે છે માટે સોરંગના પદમાં ભોળી ભક્તિથી ભગવાનના ભજન કીર્તન ગાય છે, એવું અધ્યારુજી લખે છે.

Uda Bhakt Samaj

जीरे सरस्वता स्वामीने विनवुं | अने मागुं एक पसायुं दे |
जीरे भोली भक्तिये गाइशुं | तुं कोटि ब्रह्मांडनो रायो दे ||१|| सोरंगीआ ||

અધ્યારુજી મહારાજ પવિત્ર અને ભોળા પ્રેમી, દિલથી ભગવાનનો વિવેક પૂર્વક સ્વીકાર કરવા “જીરે” શબ્દથી રાગના આલાપથી ભગવાનને સંબોધીને કહે છે, “જીરે, મહારાજ, વાણીની દેવી સરસ્વતીના સ્વામી, પરમાત્મા તમને વિનંતી કરું છું. અને એક તમારી કૃપા પોકારીને માગું છું.” જીરે મહારાજ !  નિર્દોષ ભક્તિ ભાવથી તમારા ગુણગાન ગાઈશું કે તમે કરોડો બ્રહ્માંડોના રાજા છો એવો પોકાર કરીશું. તમે એવા સોરંગીઆ અને સુંદર છો.

जीरे सोरंगे श्रीहरि धाईए | आराहिये गोकुल काहान दे ||
जीरे हरजी परब्रह्म जे परब्रह्म | गुरुआ तमारां नाम दे ||२|| सोरंगीआ ||

પ્રેમોલ્લાસથી ભગવાનની ભક્તિ કરીએ અને ગોકુળના કૃષ્ણની આરાધનામાં લાગવા દો. પરમેશ્વર ભગવાન પરબ્રહ્મને જયકાર હજો તમારાં ભગવદ્ નામ અતિ મહાન છે, તેને પોકારીએ એવા તમે સુંદર છે.

जीरे संसारगागर दोहेलो | अति ऊंडोने अपार दे ||
जीरे रामनाम कर बेलडी | ऊतरिये पेले पार दे ||३|| सोरंगीआ ||

ખરે જ સંસારરૂપી સાગર દુષ્કાર છે, તે અતિશય ઊંડો અને પાર વગરનો છે. અરે તમે રામના નામની ભક્તિરૂપી નૌકાનો સાથ કરો એ રીતે આપણે જ ભવસાગરના સામા કિનારે પાર ઉતરીશું એવો એ સુંદર છે.

जीरे कोटि ब्रह्मांड भांजे धडे | ते कंडिये कयम माय दे ||
जीरे कोने चढावुं फूलपातरी | जेहने चौद भुवन मुख मांहे दे ||४|| सोरंगीआ ||

જીરે, જે કોરોડો બ્રહ્માંડોનો વિનાશ કરે અને સર્જન કરે એવો સમર્થ છે, તે ટોપલામાં કેવી રીતે સમાય ?  (વાસુદેવની ટોપલી કે ગર્ભવાસ ઈત્યાદિમાં તે કેવી રીતે સમાય ?), અરે જેના મુખમાં ચૌદ ભુવનો, સમગ્ર જગત સમાયેલું છે એવા વિશાળ ભગવાન છે તો હું કોને કેવી રીતે ફૂલ પણ ચઢાવીને તેનું પૂજન કરું.

जीरे आतमविद्या जाणीने | गुण तारूणीमें राचुं दे ||
जीरे कोटि ब्रह्मांड व्यापी रह्यो | ते केवल ब्रह्म अवाच दे ||५|| सोरंगीआ ||

પરમાત્મ તત્વ દરેક આત્મામાં રહેલું છે, તેના વિષે જાણકારી મેળવીને જાણીશું કે આ ભગવદ્ તત્વના લક્ષણની યુવાન સ્ત્રી રૂપી પ્રેમ ભક્તિમાં રાચી મોજથી બિરાજે જે એવા સદ્‌ગુણ આ તરુણ સ્ત્રી રૂપી ભક્તિને અર્પે છે આ ભગવદ્ તત્વવાળા ભગવાન તો કરોડો બ્રહ્માંડોમાં વ્યાપી રહેલા છે તેથી તે શુદ્ધ બ્રહ્મવાણીથી વર્ણવી ન શકાય તેવા અવાચ્ય છે.

जीरे भक्त वछल भणी ओलगो | वली एम करसो काण दे ||
जीरे सेवो गर्भ संकष्ट दुःख टाले | ऐ निश्चे मन आणो दे ||६|| सोरंगीआ ||

અરે તમે ભગવાન ! જે ભક્ત માટે પ્રેમ રાખનારા છો, તેની સેવા ચાકરી ભક્તિ તરફ લાગી જાવ, વળી આ રીતે તમે તમારી બગડેલી બાજીને વિલાપ-અરજ કરીને સંભાળી લેશો. જે ભગવાનની સેવા ચાકરી ભક્તિ કરશે તો તેના ગર્ભવાસનાં દુઃખોને ભગવાન દૂર કરશે, એવો દૃઢ વિશ્વાસ મનમાં રાખજો.

जीरे अम्बरीष राजा छलपाडे | तारे समर्या देवमुरारि दे ||
जीरे मुनिराजा बेहु बोल पालवा | अवतरिया दशवार दे ||७|| सोरंगीआ ||

અરે ! જ્યારે દુર્વાસા ઋષિએ અંબરીષ રાજાનું વ્રત ભંગ કરવા કપટ કર્યું ત્યારે અંબરીષે ભગવાનનું સ્મરણ કરીને ભક્તિ ટકાવી રાખી. અરે આ દુર્વાસા મુનિએ અંબરીષને, “મૃત્યુલોકમાં એક હજાર વાર અવતરજો” એવો શાપ આપ્યો ત્યારે અંબરીષે ભગવાનને કહ્યું કે, તમારા જનને જન્મ મરણ ના હોય. આમ મુનિ દુર્વાસા અને અંબરીષ એ બંનેના વચનોને પૂરા કરવા ભગવાને પોતે જ દશવાર અવતાર ધારણ કર્યા.

जीरे शफरी रूप धर्युं श्यामलवरण | उदधि गाह्यो लीलां दे ||
जीरे ततक्षण पंचायण कर ग्रहियो | वेद वाला हेलां दे ||८|| सोरंगीआ ||

અરે !  શ્યામવર્ણના ભગવાને મત્સ્ય માછલીનું રૂપ ધારણ કરીને સમુદ્રમાં તેમની ક્રીડા આદરીને હયગ્રીવ દૈત્યને મારીને શંખાસુરના શરીરનો બનેલો પાંચજન્ય શંખ હાથમાં ધારણ કરીને, તેની પાસેથી વેદ પાછા મેળવીને રમત માત્રમાં બ્રહ્માજીને આપ્યા હતા.

जीरे कूर्मरूप धर्युं नारायण | मंदर पृष्ठे धरियो दे ||
सुर असुर बेहु संघ करीने | नाग नेतरुं करियो दे ||९||सोरंगीआ ||

અરે નારાયણ ભગવાને તે કાચબાનું રૂપ ધર્યું અને કાચબાના રૂપથી મંદરાચળને તેમની પીઠ પર ધારણ કર્યો. અને દેવો તથા દાનવોને ભેગા કરીને વાસુકિ નાગનું નેતરું કરીને સમુદ્ર મંથન કર્યું.

जीरे योषितरूप धर्युं जनार्दन | अमृत कलश कर धरियो दे ||
जीरे असुर वंची हरिये देवने पायुं | सुर कारज सर्व सरियां दे ||१०|| सोरंगीआ ||

ભક્તોનાં માટે માયાનો નાશ કરનાર ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરીને સમુદ્રમંથનથી અમૃતના કુંભને હાથમાં ધારણ કરીને રાક્ષસોને છેતરીને દેવોને અમૃત પીવડાવ્યું. અને આમ દેવોના કલ્યાણનું કાય પાર પડ્યું.

जीरे वराहरुपे डाढाग्रे साही | वसुधा कीधी ठाम दे ||
जीरे देव तणो हरिये उपद्रव टाल्यो | दैत्यनां भाग्यां हाड दे ||११|| सोरंगीआ ||

અરે !  ભૂંડ વરાહના રૂપથી જલમાં ડૂબેલી પૃથ્વીને દાઢની અણી ઉપર ધારણ કરીને, પૃથ્વીને બહાર કાઢી અને યોગ્ય રીતે સ્થિર કરી. અને પૃથ્વીને જળમાં ડૂબાડી દેનારા રાક્ષસ હિરણ્યાક્ષને ખૂબ મારીને, મારી નાખીને દેવોને નડતો ત્રાસ મટાડ્યો.

जीरे नरसिहं रुपे नहोर वीडार्यो | मार्यो दानवराय दे ||
जीरे स्थंभ फोडी हरि आविया | भक्त कार्यों पसायो दे ||१२|| सोरंगीआ ||

અરે !  ભગવાને નરસિંહના રૂપથી હિરણ્યશિપુને નખથી ફાડી નાખ્યો. આમ આ રાક્ષસોના રાજાનો મારી નાખ્યો. લોખંડના તપાવેલા થાંભલાને ફાડી નાખીને તેમાંથી નરસિંહરૂપે પ્રગટ થઇને ભક્ત પ્રહ્લાદની ઉપર કૃપા કરે હતી.

जीरे वामन बलि पाताल निवासों | टाल्यो इन्द्रनो राग दे ||
जीरे विश्वरूप तहां किधुं स्वामी | पुष्ठे धरियो पाग दे ||१३|| सोरंगीआ ||

અરે !  ભગવાને, વામન રૂપે બલિરાજાને પાતાલમાં રહેવાનું ઠામ અપાયું અને તેનો ઇન્દ્રનું પદ મેળવવાનો મોહ દૂર કર્યો. ભગવાન વામને નિશ્વરૂપ વિરાટ રૂપ ધારણ કરીને બલિની પીઠ પર પગ મૂકીને તેને પાતાળમાં ધકેલી દીધો.

जीरे परशुरामे क्षत्रिपत मोडो | जोडो वाडव लोक दे ||
जीरे ऋषिवरनो अपराध वाछोड्यो | टाल्यो पितानो शोक दे ||१४|| सोरंगीआ ||

અરે !  પરશુરામ રૂપે ભગવાને ક્ષત્રિય રાજાઓનો સંહાર કર્યો અને બ્રાહ્મણોને પૃથ્વીનું રાજ્ય દાનમાં આપ્યું. પરશુરામના પિતા જમદગ્નિ ઋષિને સહસ્રાર્જુને મારી નાખેલા તે ગુનાના દુઃખને તેમણે આ રીતે પૃથ્વીને નક્ષત્રી કરીને મટાડ્યું.

जीरे दशरथ मुनिवर शाप सीधारुं | सरियां सघलां काम दे ||
जीरे जगन करी राये पुत्र मागिया |  तहां अवतरिया श्रीराम दे ||१५|| सोरंगीआ ||

અરે !  મોટા મુનિ જેવાં શ્રવણના મા-બાપે દશરથને દીધેલા શાપને પાર પાડવા, ભગવાને દશરથને ઘેર જન્મ લીધો. તેથી દશરથનું અપુત્રપણું મટાડવાનું તેમજ દેવોને રાક્ષસોના ત્રાસમાંથી બચાવવાનાં તથા ભક્તોને દર્શન દેવા વિગેરે બધાં કાર્યો પાર પડ્યાં. રાજા દશરથે પુત્ર માટે યજ્ઞ કરીને પુત્રની માગણી કરી, તેથી તેમને ત્યાં ભગવાન શ્રી રામે અવતાર લીધો.

जीरे रामचंद्र अवतार ज लीधो | अने कीधां वसुधा काज दे ||
जीरे सीता कारण रावण मार्यो | आप्युं विभीषण राज दे ||१६|| सोरंगीआ ||

અરે !  ભગવાન રામચંદ્રે અવતાર ધારણ કર્યો અને ધરતી પરથી અસુરોનો ભાર દૂર કરવો વિગેરે કાર્યો કર્યા. સીતાને છોડાવવાના નિમિત્તે રાવણને મારી નાખ્યો અને વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું.

जीरे लक्ष्मण सीता सहित सनातन | अयोध्या केरूं राज्य दे ||
जीरे पुष्प विमान बेसी परमेश्वर | सरियां सघलां काज दे ||१७|| सोरंगीआ ||

અરે !  રામે, લક્ષ્મણ અને સીતાજીની સાથે અયોધ્યાનું શાશ્વત રાજ કર્યું. ભગવાન રામ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા આવ્યા. અને રાવણને મારી વિભીષણને રાજ્ય આપ્યું, સીતાને છોડાવી વિગેરે બધાં કાર્યો પાર પડ્યાં.

जीरे रामरुपे व्यापी रह्यो | अने जे जुओ ते जाणो दे ||
जीरे गर्भ संकष्ट दुःख टाले | सबली जेहनी आण दे ||१८|| सोरंगीआ ||

અરે !  ભગવાન, તમે સર્વવ્યાપી રામ રૂપે છો અને તમે સૃષ્ટિમાં જે કંઈ પણ વસ્તુ જોશો, તેમાં રામરૂપનો જ વસે છે એવું જાણજો. તમે જોજો આ રામ જ તમારા માટે જનમ મરણના ગર્ભવાસના કષ્ટોને દૂર કરશે એવી તેમની ભક્તિમાં પ્રબળ સત્તા છે.

जीरे वेद वडे तुने आणिये | अने वेद न लहे तारो पार दे ||
जीरे रामरुपे व्यापी रह्यो | ते भक्त जन साधार दे ||१९|| सोरंगीआ ||

અરે !  વેદ શાસ્ત્રો પુરાણો દ્વારા તમારા માહાત્મ્યને જાણીએ છીએ પણ આ વેદો પણ તમે કેવા છો તેનો પૂરો નિર્ણય કરી શકતા નથી. માટે “નેતિ નેતિ” કહીને તમે આવા નહિ, આવા નહિ, એવું કહે છે તમે સૃષ્ટિમાં રામ રૂપે વ્યાપીને રહો છો. એવા તમે ભક્તજનોના કલ્યાણ માટે તેમની સાથે આધારરૂપ છો સહાયક છો.

जीरे नंद गोप घेर अवतर्या | अने गोकुल कीधुं ठाम दे ||
जीरे बार वन गिरि गौ चारवा | अवतर्या गोविंद राम दे ||२०|| सोरंगीआ ||

અરે !  ગોવાળિયા નંદની ઘેર તમે અવતાર ધારણ કર્યો. અને ગોકુળમાં તમે નિવાસ કર્યો, એવા તમે કૃષ્ણ-રામ તરીકે બાર વનો અને ગોવર્ધન પર્વત પર ગાયો ચારવા અવતાર લીધો.

નોંધ : ચિત્રકૂટ પર ગોવાળોને ગાયો ચરાવતા જોઈને રામને ગાયો ચરાવવાની ગૌસેવા કરવાનો અવસર ન મળ્યો તેનો વસવસો હતો, માટે બીજા કૃષ્ણ અવતારે તેમણે ગાયોની સેવા કરવાની ઈચ્છા પૂરી કરી.

जीरे कांने कुंडल झळहळे | अने उर गुंजाफल हार दे ||
जीरे मोरपींछ मुगट शिर धरियो | कहांनड रूप अपार दे ||२१|| सोरंगीआ ||

અરે !  ભગવાન કૃષ્ણના કાન પર કુંડલો ઝળક્યા કરે છે અને તેમની છાતી પર ચણોઠીઓનો હાર છે તથા માથે મોરના પીંછનો મુગટ ધારણ કર્યો છે. આવું કૃષ્ણનું પાર વગરનું સુંદર રૂપ છે.

जीरे कहानुडो गोवालियो | अने वन गौ चारवा जाय दे ||
जीरे जमे ने जमाडे जमतो | ब्रह्मादिकने वाहे दे ||२२|| सोरंगीआ ||

અરે !  આ ગોવાળ કૃષ્ણ વનમાં ગાયો ચારવા જાય છે ત્યાં તે ગોપ બાળકોને કર વડે ભાથું જમાડે છે અને પોતે પણ જમે છે. અને બ્રહ્મા વિગેરેને આશ્ચર્ય પમાડે છે. અને બ્રહ્માને તેમની પ્રસાદી લેવાની ઈચ્છા થઈ પણ તેને છેતરીને પ્રસાદી લેવા દીધી નહીં.

जीरे जमुना जल झंपलावियुं | अने चढा कदमने डाल दे ||
जीरे फेण उपर हरि नाचिया | नाले नाथियो काली दे ||२३|| सोरंगीआ ||

અરે !  ભગવાન કૃષ્ણે કદમની ડાળ પર ચઢીને જમુનાના જળમાં ભૂસકો માર્યો અને કાળીનાગની હજાર ફેણો પર નાચીને તેને કમળની દાંડીથી નાથ્યો.

जीरे पहेरण पीत पटोलडी | अने ओढण नवरंग चीर दे ||
जीरे नाग पलाणी हरि आविया | ते गुरुओ जादव वीर दे ||२४|| सोरंगीआ ||

અરે !  ભાગવાન કૃષ્ણનું પહેરવાનું વસ્ત્ર પીળું રેશમી પીતાંબર છે એવા ભગવાન કૃષ્ણ કાલીનાગની ઉપર સવારી કરીને તેને નાથી અને આવ્યા, એવા તે યાદવોમાં મહાન શક્તિશાળી છે.

जीरे गोकुल शिंगु वाहियुं | वृंदावन वाहो वंश दे ||
जीरे मात पिताना बंधन छोड्या | कहाने मार्यो कंस दे ||२५|| सोरंगीआ ||

અરે !  ભગવાન કૃષ્ણે ગોકુળમાં શિંગ વગાડીને ગાયો ચારી તથા વૃંદાવનમાં આવીને બંસી વગાડી હતી. તેમણે માતાપિતા દેવકી અને વસુદેવજીને કંસના કેદખાનાના બંધનમાંથી છોડાવ્યા હતા અને આ કૃષ્ણે મામા કંસને મારી નાખ્યો હતો.

जीरे अनंत चाल्यो अगियार वरीसो | करी रामनी बेल दे ||
जीरे विद्यापाठ करावी पांडे | तेअ वडावी गेल दे ||२६|| सोरंगीआ ||

અરે !  આં અગિયાર વર્ષના ભગવાન બલરામની સાથે સાંદીપનિ ઋષિને ઘરે ભણવા ચાલ્યા, ત્યાં આ અભણ ઋષિને ભગવાને વિદ્વાન બનાવીને તેમની પાસેથી વિદ્યાભ્યાસ કર્યો. આમ આ ઋષિને રમતમાં વિદ્યાદાતા ગુરુપણાની મોટાઈની કીર્તિ આપી.

जीरे विवाह कारण शिशुपाल निवार्यो | अने परण्या राणी आठ दे ||
जीरे वली अनेक विविध पेरे स्त्री वर्या | तो बेटा साठी लाख दे ||२७|| सोरंगीआ ||

અરે !  ભગવાન કૃષ્ણે રુકિમણીની સાથે લગ્ન કરવા માટે શિશુપાલને મારીને દૂર કર્યો. અને અષ્ટ પટરાણીઓ સાથે પરણ્યા તેમજ જુદી જુદી રીતે બીજી અનેક સોળ હજાર જેટલી સ્ત્રીઓને પરણ્યા. અને તેમને સાઠ લાખ પુત્રો થયા.

जीरे शोणितपुर हरि आविया | कांई जुधे जीत्यो हरस्वामी दे ||
जीरे बाणासुरना बाहु छेदिया | ओखा अनिरुद्ध पामी दे ||२८|| सोरंगीआ ||

અરે !  ભગવાન શ્રી કૃષ્ણ તેમના પુત્ર અનિરુદ્ધને સહસ્રાર્જુન રાક્ષસની કેદમાંથી છોડાવવા તેની શોણિતપુર નામની નગરીમાં આવ્યા. અને શિવજી તથા શિવજીના આ ભક્તને યુદ્ધમાં જીતી લીધો. અને બાણાસુરના હજાર હાથ હતા તે કાપી નાખ્યા. આમ પોતાની પુત્રી ઓખાને સહસ્રાર્જુને અનિરુદ્ધ સાથે પરણાવી આમ અનિરુદ્ધ ઓખાને પામ્યો.

શોણિતપુર :
૧.  હિમાલયમાં કાકડાગઢથી ૩ માઈલ દૂર ગુપ્તકાશી છે. કાકડાગઢને કંડુચંડી પણ કહે છે, ત્યાંથી એક માઈલ દૂર શોણિતપુર જવાનો રસ્તો-સડક છે. ત્યાંથી શોણિતપુર ત્રણ માઈલ છે. એ શોણિતપુર બાણાસુરની નગરી છે. ત્યાં ગઢ છે, તેમાં અનિરુદ્ધ, બાણાસુર અને પંચમુખી મહાદેવની મૂર્તિઓ છે.

૨.  બલિરાજા પાતાળમાં જવાથી તેના પુત્ર બાણાસુરે શોણિતપુર વસાવ્યું, અને પોતાની નગરી સ્થાપીને દૈત્યોની સાથે ત્યાં રહેવા લાગ્યો. બલિરાજાના સો પુત્રોમાં બાણાસુર સૌથી મોટો હતો. બાણાસુરના તાંડવનૃત્યથી શિવ પ્રસન્ન થયા અને તેઓ એની નગરીમાં રહેવા લાગ્યા.

૩.  અને ઉષા નામની કન્યા હતી. ઉષાને સ્વપ્નમાં અનિરુદ્ધ મળે છે અને અનિરુદ્ધનું હરણ કરે છે,  વિગેરે કથા ભાગવતના દસમાં સ્કંધના અધ્યાય ૬૨ માં છે. કેદારનાથના પંડાઓ શોણિતપુરના હોય છે.

વિશેષ: મહેસાણા જિલ્લામાં શુણોક નામનું ગામ છે. પાટણથી કોઠામાં જતાં રસ્તામાં આવે છે, તેને ત્યાંના લોકો શોણિતપુર તરીકે ઓળખાવે છે. ત્યાં ઓખાનું મંદિર પણ છે. હું આ શુણોકમાં બે વાર ગયો છું.

जीरे नरनारायण रथ चढी आव्या | विश्व रूप तेणी वार दे ||
जीरे पांडव तणो हरिये उपद्रव टाल्यो || मारी क्षौणी अदार दे ||२९| सोरंगीआ ||

અરે !  કુરુક્ષેત્રમાં નર-અર્જુન અને નારાયણ શ્રી કૃષ્ણ રથ પર ચઢીને યુદ્ધ માટે આવ્યા ત્યારે અર્જુનને સંશય થયો. ત્યારે તે દૂર કરવા ભગવાને તેને ભગવાનના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. યુદ્ધમાં અઢાર ક્ષૌણી સૈન્યને મારીને પાંડવોને પડતા ત્રાસને ભગવાને દૂર કર્યો.

जीरे बुद्ध रुपे हरि ध्यान विचारे | अने जोग मारग लीधो दे ||
जीरे कलंकी रुपे दुष्ट निवारवा || अखे आयुध कर धर्या दे ||३०|| सोरंगीआ ||

બુદ્ધના રૂપે અવતારમાં ભગવાને ધ્યાનથી જ કલ્યાણ કરવાનું વિચાર્યું અને યોગમાર્ગને ધારણ કર્યો. કલંકી રૂપના અવતારમાં દુષ્ટોનો દૂર કરવા માટે ભગવાન અક્ષય શસ્ત્રોને હાથમાં ધારણ કરશે.

जीरे दशे अवतारे धाईए | अने भागवत चोवीस दे ||
जीरे गर्भ संकष्ट दुःख टाले | परमपुरुष जगदीश दे ||३१|| सोरंगीआ ||

અરે !  આપણે તો ભગવાનના મુખ્ય દશ અવતારોથી તેમનું ચિંતન કરીએ છીએ અને ભાગવતમાં તો ભગવાનના ચોવીસ અવતાર ગણાવ્યા છે. પરંતુ જગતનો ધણી જે પરમાત્મા છે, તેની જ ભક્તિ કરો, તેથી તે તમારા ગર્ભ ધારણ કરવાના જન્મ-મરણનાં દુઃખને દૂર કરશે.

जीरे एसो अवनीश्वर धाईये | अने अकल असंभव जेह दे ||
जीरे जोगेश्वर मन दुलहो | तुं ब्रह्मादिक छे जेह दे ||३२|| सोरंगीआ ||

અરે ! એવા સૃષ્ટિના પતિની ભક્તિ કરો કે જે કળી ન શકાય તેવો અને જેને સમજવો અશક્ય છે. આ ભગવાન તો મહાદેવજીના અંતઃકરણમાં પરમેશ્વર તરીકે પામી શકાતા નથી અને બ્રહ્મા વિગેરેના અંતઃકરણમાં પણ તેવાજ અપ્રાપ્ય છે.

जीरे गोविंदना गुण गाइए | वली विविध पेरे ध्यान दे ||
जीरे कृपानाथ कृ़पा करे | तो जागे आतम ज्ञान दे ||३३|| सोरंगीआ ||

અરે ! ભગવાન કૃષ્ણનું ભજન કીર્તન કરીએ, તેમજ જુદી જુદી રીતે તેમની ભક્તિ કરીએ. જો આ કૃપાળુ ભગવાન કૃપા કરે તો આપણને આપણા કલ્યાણ વિષે ભક્તિ કરવાની રીત જાણવા મળે એવી બુદ્ધિ પ્રદાન કરે.

जीरे चतुर्मुज प्रागंण पीतांबर | मस्तक मुगट सोहे दे ||
जीरे लक्ष्मी सहित क्रीडा करे | तहां वैष्णवना मन मोहे दे ||३४|| सोरंगीआ ||

અરે ! ચાર ભૂજાવાળા વિષ્ણુ જે પીતાંબરધારી છે તે આપણા અંતરના આંગણામાં આવ્યા છે, તેમના મસ્તક પર મુગટ શોભાયમાન થઈ રહ્યો છે. એવા ભગવાન નારાયણ લક્ષ્મીજીની સાથે લીલા કરે છે ત્યાં વૈષ્ણવ ભક્તોનાં મન તેમના પ્રત્યે આસક્ત થઈ ગયા છે.

जीरे अमूरत राजा ध्याईए | अने रूप अरुपे जाणो दे ||
जीरे वेद मारग अनुसरो | भक्ति भाव मन आणो दे ||३५|| सोरंगीआ ||

અરે ! આકાર વગરના ભગવાનની ભક્તિ કરીએ. અને તેમને સગુણ સાકાર તથા નિર્ગુણ નિરાકારવાળા પણ સમજજો. સાચી સમજની રીત વાળા, ઉત્તમ માર્ગ પ્રમાણે વર્તન કરીને તમે પ્રેમ ભક્તિ કરવાની ભાવનાને તમારા મનમાં લાવો.

जीरे तुलसी केरे पांडदे | पूतनानो रिपु पूजो दे ||
जीरे मोह मत्सर मद परहरी ने | आतमज्ञाने बूजो दे ||३६|| सोरंगीआ ||

અરે ! પૂતનાના દુશ્મન શ્રી કૃષ્ણની તમે તુલસીના પત્રથી સેવા પૂજા કરો. અને તમારામાંથી મોહ, મત્સર, મદના, વિકારોને છોડી દઇને તમે નિર્દોષ-સહજ ભાવથી તે ભગવાનને સદ્‌બુદ્ધિથી સમજો.

जीरे लक्ष्मी सहित हरि सेविये | अने सेवु लीला विलास दे ||
जीरे मन वांछित फल पूरवे | ते राजा श्री अविनाश दे ||३७|| सोरंगीआ ||

અરે ! જેમની સાથે લક્ષ્મીજી પણ રહેલાં હોય તેવા સ્વરૂપવાળા ભગવાનની તમે ભક્તિ કરો અને જેઓ લક્ષ્મીજી સાથે ક્રીડા કરતા હોય તેવા ભગવાનની સેવા ભક્તિ કરો. અરે આપણા મનની ઈચ્છાઓને આ ભગવાન પૂરી પાડે છે. આવા તે શ્રી ભગવાન અવિનાશી અમર છે.

 

|| ઇતિ શ્રી સોરંગી સંપૂર્ણ ||

પૂ, યદુનાથે સોરંગીનો સાર નીચે લખ્યો છે.
૧.  પ્રભુ અનંત અને અથાહ છે. જે કોટ બ્રહ્માંડનો કર્તા છે, તે કરંડિયામાં શી રીતે સમાઈ શકે ?  તેની કઈ રીતે પ્રાર્થના થઈ શકે ?  તેને કંઈ પ્રભુ વિદ્યા વડે જાણી શકું ?

૨.  પ્રભુ ભક્ત વત્સલ છે અને ભક્તને દુઃખ પડતાં એની સહાયતાને માટે ધાઈ આવે છે એમાં શંકા જેવું નથી. એ પ્રભુની ભક્તિથી ગર્ભમાં દુઃખો ટળશે, એ નિશ્ચય મનમાં રાખી મૂકો.

૩.  પ્રભુ ૧૧ વર્ષની ઉંમરે સાંદીપનિ મુનિને ત્યાં વિદ્યા અભ્યાસને માટે આવ્યા. અને આ અભણઋષિને વિદ્વાન બનાવી તેમની પાસેથી વિદ્યાભ્યાસ કર્યો.

૪.  મન વાંછિત ફલ પ્રભુ સિવાય કંઈ હોય શકે જ નહિ.

Related Link(s):
1. જીરે સરસ્વત સ્વામીને વિનવું રે (નાદબ્રહ્મ પદ-૭૪૧) - Audio, Video, English transliteration

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,292
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,627
pdf-2અનંત સૂર | Anant Soor 9,296
pdf-3Amar Varso | અમર વારસો 7,473
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,170