Articles

નરસિંહ મહેતાનાં પદો’ માંથી સાભાર

નરસિંહનું પદ ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ ગાંધીજીને એટલું પ્રિય જણાયું હતું કે ભારતભરમાં તેમજ ભારતની બહાર પણ આ પદની પ્રસિદ્ધિ ઘણી થઈ છે. નરસિંહે આ પદમાં સંત પુરુષનાં, સાચા વૈષ્ણવનાં લક્ષણો વર્ણવ્યા છે. વૈષ્ણવનો અર્થ નરસિંહને વલ્લભાચાર્યજીએ સ્થાપેલા પુષ્ટિ-સંપ્રદાયનો વૈષ્ણવમાર્ગ અભિપ્રેત નથી. નરસિંહને કોઈ સંપ્રદાય સાથે ગમા-અણગમા રહ્યા નથી. છતાં આ પદમાં વૈષ્ણવજનનાં લક્ષણો ગાયાં છે તે સામાન્ય સંતના લક્ષણો સૂચવાયાં છે. સંતોની દષ્ટિ તો ધર્મ તથા સંપ્રદાયના સીમાડા વટાવીને દૂર દૂર પહોંચતી હોય છે. નરસિંહના આ પદમાં પણ ધર્મ સંપ્રદાયણી સંકુચિતતાનો સંદતર અભાવ છે. અહીં આલેખાયેલા વૈષ્ણવજનનાં લક્ષણો દેશકાળને અસર કર્યા વિના સર્વના હૃદયને સ્પર્શે છે. વૈષ્ણવજન એટલે આદર્શ સંત-પુરુષ. જેના દર્શનથી પણ અન્યનું જીવન ધન્ય થઈ જાય. આવાં સંતપુરુષ સાચી ઓળખ નરસિંહને છે. એનું પ્રથમ લક્ષણ તો છે બીજાની પીડાને જાણવી. કોઈના દુઃખને જાણવું એટલું જ પૂરતું નથી પણ એના જેવું સમસંવેદન અનુભવવું. બીજાનું દુઃખ પોતાનું જ છે એમ સમજવું. ધૂમકેતુ કહેતા કે માણસ પોતાની દષ્ટિ છોડીને બીજાની દષ્ટિને સમજતો થઈ જાય તો દુનિયાનું અડધું દુઃખ ઓછું થઈ જાય. બીજાની દષ્ટિને સારી રીતે સમજવી એટલે બીજાને દુઃખે ઓછું થઈ જાય. બીજાની દષ્ટિને સારી રીતે સમજવી એટલે બીજાને દુઃખે દુઃખી થવું. એના સુખદુઃખના ભાગીદાર થવું. રામકૃષ્ણ પરમહંસમાં કે જ્ઞાનદેવમાં બીજાને સમજવાની સારી શક્તિ હતી. કોઈ માણસને ફટકા પડતા હોય એવું દશ્ય રામકૃષ્ણ જુએ તો જાણે એમને પોતાને ફટકા પડતા હોય એવું દુઃખ તો અનુભવતા. બીજાના દુઃખને પોતાનું કરવાની આવી સમસંવેદનશીલતા સંતપુરુષમાં હોવી જોઈએ.

સંતનું બીજું લક્ષણ એ છે કે તે નિરાભિમાની હોવો જોઈએ. બીજા મનુષ્યો પર ગમે એટલા ઉપકાર કરે છતાં એનું અભિમાન એમને સ્પર્શતું નથી. સંત-પુરુષ નમ્ર અને નિરાભિમાની હોય છે. ગમે તેટલી સિદ્ધિઓ તેને મળે છતાં તેને મિથ્યાભિમાન હોતું નથી. પોતાની સિદ્ધિઓનિ જાહેરાતમાં એને રસ નથી. શુકદેવજી અપ્સરા રંભાથી ચલિત થયા વિના પોતાનું તપોબળ એને આપી દીધું તો, પણ એનો ગર્વ તેમણે નહોતો. બુદ્ધ ભગવાને અનેક વ્યક્તિઓનો ઉદ્ધાર કર્યો પણ તેમને કોઈપણ પ્રકારનું અભિમાન નહોતું.

સંતપુરુષનો કોઈ શત્રુ હોતો નથી. સૌ કોઈનું તે અભિવાદન કરે છે. બધાં એને સ્વજન-મિત્ર સમજે છે એ ગુણદર્શી હોય છે એને કોઈની નિંદામાં રસ નથી હોતો. વસિષ્ઠનાં પુત્રોને વિશ્વામિત્રે સંહાર કર્યો છતાં વસિષ્ઠ વિશ્વામિત્રના તપોબળનો આદર કરતા રહ્યા. સંતપુરુષ સ્તુતિનિંદાથી પર હોય છે. દુર્યોધન યુધિષ્ઠિરની નિંદા કરતો હતો તેમ છતાં યુધિષ્ઠિર કંઈ જ બોલતા ન હતા. ઊલટું એની યુદ્ધ-કુશળતાની પ્રશંસા કરતા હતા. મન, વાણી અને કર્મથી આવા સંતો નિશ્ચલ રહી શકે છે. સદાચારના પાલનમાં તે મન, વાણી અને કર્મથી વિશુદ્ધ રહી શકે છે. આવા સંતપુરુષની માતાને પણ ધન્યવાદ ઘટે છે. આવો સંત માનવી સૃષ્ટિમાં અમૂલ્ય સંપત્તિરૂપ છે. સદાચારમાં તેનું જરાપણ સ્ખલન થતું નથી મનમાં ખરાબ વિચાર આવતા નથી. આવાં સંતને જન્મ આપીને સૃષ્ટિ ઉપર કલ્યાણ કરવા બદલ એને જનેતાને પણ ધન્યવાદ ઘટે છે. સંતના સંસ્કાર આપનાર જનની પણ વિશ્વવંદ્ય જ ગણાય.

સંતપુરુષ સમાન દષ્ટિવાળો છે એને મારા-તારાના ભેદભાવ હોતા નથી. એ તો બધાંનું સમાનભાવે હીત ઈચ્છે છે. જગતના અલ્પમાં અલ્પ મતિવાળા માનવી સુધી એની સંવેદના વિસ્તાર થયો હોય છે. નરસિંહ કહે છે : ‘પક્ષપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદષ્ટિને સર્વ સમાન.’ સમદષ્ટિનો ભાવ નરસિંહના જીવનને સમજવાની ગુરુકિલ્લી છે. ચાંદનીની શીતળ છાયા તો સરોવરમાં ય પડે અને ખાબોચિયામાં પણ ઝિલાય. બધે ઠેકાણે એનું પ્રતિબિંબ ઝિલાય. સંતપુરુષની દષ્ટિનો પ્રેમભાવ પણ એવો જ સમાન હોય છે. સંતપુરુષે તૃષ્ણાનો ત્યાગ કર્યો હોય છે. જગતમાં પ્રત્યેકને ત્રણ પ્રકારની એષણા સામાન્ય-પણે હોય છે જ :  પુત્રેષણા, વિત્તેષણા અને લોકેષણા. આ  ત્રણે એષણાઓ છોડવી મુશ્કેલ છે. તેથી સંતપુરુષ આ બધાંથી પર રહેવાનો પ્રયત્ન કરે છે, સંસારના સંબંધોની માયા-મમતા અને તજી દીધી હોય છે. પરસ્ત્રીને એ માતા સમાન ગણે છે. વિષયવાસનાનો એને સ્પર્શ થતો નથી. જેમ અર્જુનને ઉર્વશી જેવી અપ્સરા ચલિત કરી શકી ન હોતી એમ સંતોના ચિત્તને સંસારની વાસનાઓ ચલિત કરી શક્તિ નથી. વાસનારહિત મન એ સંતોનું લક્ષણ છે.

સંતપુરુષ સત્ય નિષ્ઠ હોય છે. એ હંમેશાં સાચું જ બોલે છે. એની વાણી દ્વારા અસત્ય સાંભળવા મળતું નથી. એટલું જ નહીં, એની વાણી અતૃપ્ત જીવોને શાતા આપનારી હોય છે એની ઈન્દ્રિયો પણ સત્યપાલનની વૃત્તિને જ વશવર્તે છે. પાપ કરવા એ કદાચ તૈયાર થાય તો પણ એનો સ્વભાવ જ એને અટકાવે છે. ગમે તેમ બકવાટ કરવાની કે દૂધ-દહીં બંનેમાં પગ રાખવાની સ્વાર્થી મનોવૃત્તિ એની હોતી નથી. તે વિવેકી હોવા છતાં સત્યભાષી હોય છે. એક નિર્દોષ બાળક જેવી સત્યપરાયણના એનામાં હોય છે. બીજાનું ધન ગ્રહણ કરવાની એની કશી વૃત્તિ હોતી નથી. તેનો વ્યવહાર ચોકખો અને પારદર્શક હોય છે. બીજાનું પડાવી લેવાની વૃત્તિ તેનામાં હોતી નથી. પોતાની મહેનત દ્વારા જ કમાવું અને ખપપૂરતું કમાવું એ એને ઈષ્ટ હોય છે. સંતની સેવા પણ સાચી હોય છે. એ સમય-શક્તિ-ધન સર્વત્રનો કરકસરયુક્ત પ્રયોગ કરે છે. નસિરુદીન જેવો રાજા રાજ્યના એક પણ પૈસાનો ઉપયોગ પોતાના અંગત ખર્ચ માટે કરતો નહોતો. રાત્રે રાજ્યના કાર્ય માટે વાપરતો હોય એ મીણબત્તી પોતાનું અંગત કામકાજ શરૂ થતા હોલવી નાંખતો. આવો સૂક્ષ્મ વિવેક માત્ર સંતપુરુષોમાં જ હોય છે.

વૈષ્ણવ-જન કહેવતો સંત સંસારના તમામ આકર્ષણોથી પર હોય છે. તે સંસારમાં જળકમળવત્ રહે છે. રાજા જનકની જેમ પોતાનો મહેલ ભડકે બળતો હોય છતાં વિવશ ન થાય. એના મનમાં દૃઢ વૈરાગ્યનો ભાવ હોય છે. વૈરાગ્ય હોય તો જ ત્યાગ ટકી શકે. સાંસારિક વિષયોન ઉપયોગમાં એની આસક્તિ હોતી નથી. કારણ કે એનું ચિત્ત હંમેશા ઈશ્વરમાં જ તલ્લીન રહે છે. જીવાત્મા અને પરમાત્માની રાસલીલાનું સંગીત તેની વાણીમાંથી સ્ફુરે છે. એનું હૃદય નાચી ઉઠે છે. ઈશ્વરમાં તે તદાકાર થઈ જાય છે. ઉર્વશી પ્રેમવસ્થામાં લક્ષ્મીનો ભાગ ભજવવા ગઈ પરંતુ તેનો પ્રેમ પુરુરવામાં હતો તેથી તેનાથી પુરુરવાનું જ સ્મરણ થયું. ગોપીનો પ્રેમ કૃષ્ણમાં હતો તેથી ગોપીઓ માખણ વેચવા નીકળી ત્યારે તે કહાવે લાગી, ‘હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો’ આવી રીતે સંતપુરુષ ઈશ્વર સ્મરણમાં તલ્લીન હોય છે. એની વૃત્તિઓ સંસાર પ્રત્યે અભિમુખ હોતી નથી આવા ઈશ્વરપરાયણ સંતમાં બધા જ તીર્થો વાસ કરીને રહેલા હોય છે. તેનું મન એજ સાચું તીરથ છે. ‘મન ચંગા તો કથરોટમાં ગંગા’ એનું મન પવિત્ર છે તો તેને તીર્થયાત્રાએ જવાની જરૂર નથી. તેના મનમાં કોઈ દુઃખતી ઈચ્છા નથી. તેને કશાનો લોભ નથી. એનામાં કોઈ લોલુપતા નથી. નચિકેતાના પિતા બ્રાહ્મણોને વસૂકી ગયેલી ગયો દાનમાં આપતા હતા તે બરાબર ન હતું અને નચિકેતાને તે ઉચિત ન લાગ્યું તેથી તે પોતાનું જીવન અર્પણ કરવા તૈયાર થઈ ગયા. સંતમાં છળકપટને સ્થાન હોતું નથી. આવા પુરુષની વાણીમાં સ્પષ્ટતા હોય છે. કોઈ દ્વિધા હોતી નથી. જેવું કહે છે તેવું જે તેનું આચરણ હોય છે. વાણી અને વર્તન બંને સુસંગત હોય છે. પોતાને માટે એક નિયમ અને બીજાને માટે બીજો નિયમ એવું તેનામાં હોતું નથી. આવું નિષ્કપટ વ્યક્તિત્વ સંભવું મુશ્કેલ છે. કામ અને ક્રોધ ઉપર તેણે વિજય મળવ્યો હોય છે. નરકના દ્વારની તેની ઉપર અસર થતી નથી. એનામાં પ્રપંચ હોતો નથી. કામ અને ક્રોધને જીત્યા એટલે ખરેખર સંસાર જીત્યો એમ કહી શકાય. આવા સંતનું દર્શન અત્યંત પાવનકારી હોય છે. આવા સંતના દર્શનથી આપણી ઈકોતેર પેઢી તરી જાય તેવું પુણ્ય મળે છે. સંત તો પારસમણિ જેવા છે. પારસમણિને લોખંડનો સ્પર્શ થાય તો તે સોનું બાની જાય છે. તેમ સંતનો સત્સંગ થતાં દુર્જન સજ્જન બની જાય છે. વાલ્મીકિ લૂંટારા હતા પણ નારદના ઉપદેશથી વાલ્મીકિ ઋષિ બની ગયા. આવા સંત પુરુષોનું દર્શન પણ પાવનકારી હોય છે.

નરસિંહે જે સંતના લક્ષણો વર્ણવ્યાં છે એ લક્ષણો સામાન્ય છે. દરેક યુગને, દરકે ધર્મને લાગુ પડે છે. ખ્રિસ્તી કે મુસ્લિમ સંતોમાં પણ આવા ગુણો આપણને જોવા મળે છે. ગીતામાં પણ બારમાં અધ્યાયમાં જે ભક્તનાં લક્ષણો શ્રી કૃષ્ણે વર્ણવ્યા છે તે લક્ષણોની સાથે આ લક્ષણોનું સામ્ય છે. આ કાવ્યમાં પ્રાસાદિક્તા લય અને રણકાર છે. ‘રામનામ શું તાળી રે લાગી’ એ થનગનાંટ નરસિંહનો જ હોઈ શકે; બીજાનો નહીં. દયારામે ‘વૈષ્ણવ નથી થયો તું રે’ કાવ્ય લખ્યું છે. જેની ઉપર નરસિંહના આ પદની છાપ જોવા મળે છે. નરસિંહની સંતપુરુષ વિશેની અપેક્ષાઓ અચૂક અને શાશ્વાત છે. સંતપુરુષ સર્વત્ર સર્વ કાળ આવો જ હોય છે. નરસિંહની વાણીમાં અનુભૂતિનો નિષ્કર્મ છે. પંદરસો વર્ષ પછી ગાંધીજી જેવા સંતને નરસિંહની વાણી સ્પર્શી ગાઈ અને ચિત્તમાં આદર્શ છબી અંકિત કરી દીધી. સંતોની વાણીની બલિહારી છે. નરસિંહે જે વૈષ્ણવજનનાં લક્ષણો બતાવ્યા છે, તેનું હાર્દ પૂરેપૂરું સમજવું જોઈએ. જે અનુ હાર્દ સમજતો નથી તેને તેનાથી પોપટની માફક રટણ કરી જવાથી કંઈ ફાયદો થતો નથી. ગુરુ દ્વારા નામકરણ પામ્યો, દીક્ષા લીધી; પણ તેનાથી કંઈ જ ફાયદો નથી. નામની ઉપલબ્ધિથી રામની ઉપલબ્ધિ થઈ ગાઈ એમ માની લેવાનું કોઈ જા કારણ નથી. વૈષ્ણવજનમાંથી વૈષ્ણવતા જતી રહી પછી કશું જ રહેતું નથી. વૈષ્ણવતા એ જ અગત્યની છે.

આકાશમાં મોટી મોટી મેઘગર્જનાઓ થાય છે પણ વરસાદ વરસતા નથી ત્યાં સુધી ધરતી કઈ રીતે તૃપ્ત થાય ?  જગતની વેદના કે ભૂખ ક્યાંથી મટે ?  વૈષ્ણવ થયા પણ વૈષ્ણવીપણું ન મળ્યું; તો ફાયદો ક્યાંથી ?  પકવાનની વાત કરવાથી ભૂખ મટતી નથી. મિષ્ટાનની વાતો કરવાથી મિષ્ટાનનો સ્વાદ આવતો નથી.  વૈષ્ણવના બાહ્ય આચારથી ભગવાનની પ્રાપ્તિ થતી નથી. ઈશ્વરની માત્ર વાતો જ કર્યા કરીએ તો ઇશ્વર આપણાથી ઘણો દૂર છે.

માણસને લાગે છે કે હું હવે વૈષ્ણવ થયો, હરિજન થયો. ભક્ત તરીકે પંકાયો-એનાથી કંઈ જ ફાયદો થતો નથી. એ તો નીચલી કક્ષા છે તેનાથી પણ આગળ વધવાનું છે. અનુભૂતિમાં જ્યાં સુધી કશું ઊતર્યું નથી ત્યાં સુધી બધું જ નકામું છે. જીવવું છે કાગડાની રીતે અને સ્પર્ધા હંસની કરવી છે એ શક્ય બને નહીં. જીવનમાં આચાર વૈષ્ણવના નથી ત્યાં સુધી કશો જ ફાયદો નથી. બાહ્ય આડંબર નકામો છે. જેમ બહારનો આડંબર વધતો જાય છે તેમ ઈશ્વર દૂર થતા જાય છે. બ્રહ્મ જે અગણિત છે તેને ગણિતના આંકડાથી માપવાનો પ્રયત્ન કરીએ તો તે કઈ રીતે શક્ય છે ?  અસીમ છે તેને સીમિત કઈ રીતે કરી શકાય ? અગણિતનો હિસાબ ગણિતમાં કરવાની ચેષ્ઠા એ પરિમત બુદ્ધિનું પરિણામ છે. વૈષ્ણવપદ ધારણ કરનારે હાથમાં માળા ધારણ કરી છે પણ, જો એના ભાવ દુષ્ટ છે તો તેનાથી કશો જ ફાયદો થવાનો નથી, જે માણસ સંસારના રાગદ્વેષથી પૂર્ણ છે તેને ઈશ્વર મળવાના નથી.

વૈષ્ણવ નામધારી ભક્તથી ખરો ભક્ત જુદો છે. એનું મન તો નિરાકારમાં વિગલિત થઈ ગયું હોય છે. આ સંસાર પોતાનાથી ભિન્ન છે એ તેને સમજાઈ ગયું હોય છે. આ સંસાર આભાસરૂપ છે, એ તેને સમજાઈ ગયું હોય છે. ખરો ભક્તને કે જ્ઞાનીને, ખરા વૈષ્ણવને નરસિંહ મને છે. એના ચરણવંદન કરે છે. વૈષ્ણવ-જનનાં આદર્શ લક્ષણો નરસિંહના આ પદમાં સચોટ અને સુપેરે વ્યક્ત થયા છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 12,036
pdf-1Traditional Bhajans of Bhakta Samaj 9,529
pdf-2અનંત સૂર | Anant Soor 9,141
pdf-3Amar Varso | અમર વારસો 7,403
pdf-4A Handwritten Bhajan Book from 1937 5,860