Articles


અથ શ્રી વેદ પુરાણ
શ્રી પદ્મનાભજી અધ્યારુજીના કીર્તન - ગુજરાતી ભાવાનુંવાદ (પૃષ્ઠ-૧૮૪)
સ્વામી જગદીશચંદ્ર યદુનાથ

અધ્યારુજી મહારાજે અઠ્ઠાવીશ કીર્તનોનાં જુદા જુદા નામ આપ્યાં છે. તેમણે ભક્તિમાર્ગ પર લક્ષ્ય દોર્યું છે. વેદો શાસ્ત્રો, પુરાણો વિગેરેનો સાર કાઢીને તેમણે આ કીર્તનોમાં રજૂઆત કરી છે. તેમાં શોક ભાવનનું કીર્તન;  ગરુડ પુરાણની ઉપર નજર કરે છે. અને ગરુડ પુરાણે બતાવેલી બીકને ભગવદ્ નામના બળથી હટાવી દેવાનું જણાવ્યું છે. માટે ભક્તને ગરુડ પ્રમાણે બતાવેલી વેદના ભોગવવી પડે તેમ નથી એવું તેમણે કહ્યું છે. શોક ભાવનનું શીર્ષક આપીને આ કીર્તન દ્વારા તેમણે ભક્તો માટે ક્યારેય પણ સંસાર ચક્રના દુઃખોથી શોક અનુભવવો પડતો નથી એવું દર્શાવ્યું છે.

અધ્યારુજી કહેવા માગે છે કે, તેઓ જે કંઈ કહે છે, તે બહુ જ વિચાર કરીને બધાં શાસ્ત્રોનો પૂરો અભ્યાસ કરીને, તેમાં બતાવેલાં તથ્યોને અનુલક્ષીને કહી રહ્યા છે. તેઓ મનસ્વીપણે બોલતા નથી, માટે આ કીર્તનને તેઓ વેદ પુરાણ એવા નામથી રજૂ કરે છે.

Uda Bhakt Samaj

Uda Bhakt - 740 Ved Puran

हरि हरि वेद पुराण स्मृति पटदर्शन, निघंट विचारी स्वामी जोइयु ए ||१||
हरि हरि एक ज सार सनातन लाधुं ए, चैतन हरि परब्रह्म तणुं ए ||२||

હે ભગવાન !  મેં તો વેદો પુરાણો સ્મૃતિઓ તથા ખટ દર્શનના ખટ શાસ્ત્રો વિગેરે દરેકે દરેક ધર્મ શાસ્ત્રનો અભ્યાસ કરીને, મનન કર્યું. તથા હે પ્રભુ !  વેદના શબ્દકોશ નિઘંટનું પણ મનન કર્યું છે. પરંતુ હે ભગવાન !  આ દરેકે દરેક શાસ્ત્રમાં આખરી નિર્ણય દર્શાવતું એક ચોક્કસ જે સત્ય પ્રાપ્ત થયું છે, તેમાં પરબ્રહ્મ પ્રભુ જ સર્વ સમર્થ છે તેવું જણાવ્યું છે.

અધ્યારુજીએ ખૂબ ઊંડો અભ્યાસ કરીને આ અભિપ્રાય આપ્યો છે. ભાગવત મહાત્મ્યમાં કહ્યું છે કે તે પ્રમાણે તેમણે મંતવ્ય આપ્યું છે.

न तापोर्भिर्न  वदैश्च न ज्ञानेनापि कर्मणा ||
हरिर्हि साध्यते भक्तया प्रमाणं तत्र गोपिका:  ||१८||     (ભાગવત મહાત્મ્ય અ-૨)

ભગવાન તપથી, વેદથી, જ્ઞાનથી કે કર્મથી વશ થતા નથી, પણ ભક્તિથી જ વશ થાય છે. ગોપીઓ તેના પૂરાવા રૂપ છે.

|| कवित ||
जीवन तो अल्प जामे जिव सोच मोच करे | करनो कछु चाहे तो कहा कहा कीजिए |
वेद अरु पुराण अरु शास्त्र न को अंत नाहे | वाणी बहु तेरी चित्त कहां दीजिए ||
काव्यकी कला अनेक छंद प्रबंधन को | राग तो रसिला रस कहां पीजिए |
लाखनकी और करोरनकी एक बात | जन्म जो सुधारे तो रामनाम लीजिए ||
जाने अनजाने जाने रामको उचारो नाम | ताके परिणाम हेतु ए तो काम हे चुको |
दंडको दंड यम दंड हुं को दंड भेद | मार्तंड मंडलके अखंड पद लै चूको ||

જિંદગી તો થોડી જ છે, તેમાં વળી જીવાત્મા ફીકર ચિંતા, દાવપેચ કરે છે પરંતુ જો તું કંઈ સારું કરવા ઈચ્છતો હોય તો શું શું કરવું જોઇએ તે વિચારી લે. વેદ અને પુરાણોનો તથા શાસ્ત્રોનો અંત આવે તેમ નથી, તથા ઉપદેશાત્મક વાત-વચનો તો ખૂબ જ છે તો આપણું ચિત ક્યાં ક્યાં લગાડી શકીશું ?  તથા પદરચનાઓની તો અનેક પ્રકારની કળાવાળા છંદો અને પ્રબંધો છે અને તે વળી અનેક જાતના રસાત્મક રસવાળા રાગો છે, તો કયા રસનું પાન કરીશું. માટે લાખો વાતોમાંથી એક જ તેમજ કરોડોમાંથી પણ એક જ મુદ્દાની વાત કહું કે, જો તમારે જન્મ સફળ કરવો હોય તો રામનું નામ લેજો. તમે સમજીને ને સમજ્યા વગર, અગર રામના નામનું રટણ કરો તો તેના પરિણામે જાણીને કે અજાણતાં લાભ મળશે તેને ચૂકશો નહિ, તો પછી તમે જે શિક્ષાઓમાં પણ કઠોર શિક્ષા એવી યમરાજના દંડની જે શિક્ષા છે, તેમાંથી બચીને સૂર્યમંડળમાં ગુપ્ત રહસ્યવાળા અખંડ પદ-ધામને પામી શકશો.

हरि हरि पाछला जन्म तणा दुःख कां विसरो | गर्भने घरे लेई तुं कां थयो ए ||३||
हरि हरि कर्म तजि हरिनुं ध्यान मा छांडेस | अहर्निश अनुसरो क्षणुं घडी ए ||४||

હે ભગવાન !  ઓ જીવ, તને પાછળના જન્મોમાં જે દુઃખ પડેલું તે કેમ ભૂલી ગયો ?  અને ગર્ભવાસમાં પડવાની દશા લઈને કેમ પેદા થયો ?  હે ભગવાન !  ઓ જીવ, તું પ્રભુના સ્મરણ ચિંતનને છોડતો નહિ અને રાત દિવસ, ક્ષણે ક્ષણે અને પળે પળે તેને અનુસરીને ચાલજે.

हरि हरि धंधे वाहियो कालमां निगमों | काज छे ते सीधुं नथी ए ||५||
हरि हरि जन्म मरण सुखे दुःखे वाहियो | काज सीधा विना जुग भमे ए ||६||

હે ભગવાન !  આ જીવ સંસારની મોહમાયાના કામકાજમાં પડી ગયો અને કાળના માર્ગે જવા લાગ્યો અને માનવ જન્મથી જે ભક્તિ સત્કર્મ કરવાનું હતું તે થઈ શક્યું નથી. હે ભગવાન !  આ જીવ જન્મમરણના સુખ-દુઃખની પીડામાં પડી ગયો પણ તેને જે ભગવદ્ ભક્તિનું કાર્ય કરવાનું છે, તે કર્યા વગર જગતમાં ભમ્યા કરવું પડશે.

हरि हरि काज सीधु नथी काम उपर नथी | काज सीधा विना घर नथी ए ||७||
हरि हरि देह धरे ते आतमा लोभीए रे | देह विना परमातमा ए ||८||

હે ભગવાન !  જીવાત્માથી ભગવદ્ ભક્તિનું કાર્ય પાર પડ્યું નથી અને ભક્તિના કાર્ય ઉપર તે લાગ્યો નથી, તેથી તેનાથી જો ભક્તિનું કાર્ય પાર નહિ પડે તો ભક્તિના કાર્ય વગર તેને ભગવદ્ ધામની પ્રાપ્તિ થશે નહીં. હે  ભગવાન !  જે જીવ દેહ ધારણ કરે છે, તેને આત્મા છે એવું કહીશું. અને જો દેહ ધારણ નહીં કરવો પડે તો તે પરમાત્મા સ્વરૂપ થઈ જશે.

हरि हरि मूरत विना परमात्मा धाईए रे | अवर परपंच कीजे नहि ए ||९||
हरि हरि ते परमातमाथी सहु ऊपजे | अंते तेणे वली सहु आथमे ए ||१०||

હે ભગવાન !  કોઈ પણ પ્રકારની આકાંક્ષાથી સગુણ આકાર વગરના ભગવાનની જ ભક્તિ કરવી. પરંતુ મોહમાયાનું ઈતર છળ-કપટ રાખી ભક્તિ કરશો નહિ. હે ભગવાન ! આવા તે નિર્ગુણ નિરાકારી ભગવાનથી જ આ બધું પેદા થાય છે, અને છેવટે વળી પાછું બધું જ તેમાં સમાઈ જાય છે.

हरि हरि साथी भूल्यो वन एकलो रुवे ए | साथी दीठा वण न विसमे ए ||११||
हरि हरि जननी विछोहु जेम बालक रुवे ए | जननी पाम्या वण निवृत नथी ए ||१२||

હે ભગવાન !  સંસારમાં એકલા જ આવનાર અને એકલા જ જનાર જીવની સાથે રહીને તેને માર્ગદર્શન આપનાર તેનો સાથીદાર, સદ્‌ગુરુ કે ભગવાન છે. પણ તેને જો તે ભૂલી જાય તો સંસારરૂપી વનમાં એકલો પડી જવાથી એકલો જ દુઃખથી આક્રંદ કરે છે પણ તેના સાથી સદ્‌ગુરુ કે ભગવાનને પ્રાપ્ત કર્યા વગર તેનાં દુઃખનું નિવારણ થશે નહિ, હે ભગવાન !  જેમ નાનું બાળક પોતાની માતાથી છૂટું પડી જવાથી ઝૂરી મરીને રુદન કરે છે. અને જેમ તેની માતાને મેળવ્યા વગર છાનું રહેતું નથી તેમ આ જીવને સદ્‌ગુરુ સંત ભગવાન મળ્યા વગર તેનું દુઃખ મટશે નહિ.

જીવણજી મહારાજે સાખીમાં આપનો સાથી કોણ તે કહ્યું છે.

एकाएकी महासुखी | दूजा सद्‌गुरु बेल ||
त्रीजा रघुपति जिवणा | नामे करवी कल ||८||

જીવણજી મહારાજ કહે છે, તદ્દન શાંત નિર્જન એકલાને એકલા જ કોઈપણ સંગી વગર અસંગી રહેનાર અત્યંત સુખી હોય છે અને તેવા વ્યક્તિ માટે તેનો બીજો સાથી જોડીદાર સદ્‌ગુરુ હોય છે અને ત્રીજો જોડીદાર ભગવાન રામ હોય છે તેવા વ્યક્તિએ ભગવદ્ નામ સ્મરણથી મોજ મજા કરવી.

हरि हरि जल विना माछली टालवले अति घणुं | उदक पाम्या वण सुख नथी ए ||१३||
हरि हरि एक परमातमा सुं रहे आतमा ए | एटले काज सीधु सही ए ||१४||

હે ભગવાન !  જળ  વગર જેમ માછલી અત્યંત ટળવળે છે અને તે જળને મેળવ્યા વગર સુખી નથી એમ હે ભગવાન ! જો આત્મા ભગવાનને માટે આતુર રહે તો તેના કલ્યાણનું કાર્ય પાર પડી જાય છે.

हरि हरि ब्रह्म ज बोले ब्रह्म ज सांभले | ब्रह्म देखे ने परब्रह्म जपे ए ||१५||
हरि हरि वासुदेव परमातमा परब्रह्म | विष्णु नारायण एक तुं ए ||१६||

હે ભગવાન ! જગતમાં ભગવદ્ તત્વ રૂપે તમે જ બોલી રહ્યા છો અને તમે જ સાંભળો છો, વળી તમે જ ભગવદ્ તત્વ રૂપે જુઓ છો અને પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ ભજન કરો છો. હે ભગવાન ! તમે જ જગતમાં એક માત્ર વાસુદેવ પરમાત્મા, પરબ્રહ્મ વિગેરે નામોવાળા ભગવાન વિષ્ણુનારાયણ છો.

ब्रह्मणैवजिघ्रतिब्रह्मणैव पश्यति ब्रह्मणैवश्रुणोति इति श्रुते: |
બ્રહ્મ ભગવાન જ સુગંધ લે છે, બ્રહ્મ જ જુએ છે અને બ્રહ્મ જ સાંભળે છે એવું શ્રુતિ કહે છે.

हरि हरि जिव अजाण कां ए धंधे वाहियो | पोते अधिक ओछुं नहि ए ||१७||
हरि हरि परब्रह्म आवशे जे जम राख्या ए | ते तम रहोने परब्रह्म जपो ए ||१८||

હે ભગવાન !  હે જીવ !  તું સાચું સમજ્યા વગર આ માયાના કામકાજમાં કેમ લાગી ગયો છે ?  તું પોતે તમારા કરતાં કંઈ વધારે કે ઓછું પ્રાપ્ત કરી શકવાનો નથી. હે ભગવાન !  એટલા માટે ભગવાને આવિષ્કારથી પ્રગટ રીતે જેમ આપણને રાખ્યા હોય, તો પ્રમાણે તેવી રીતે, રહીને ભગવાનનું ભજન કરો.

हरि हरि समरथ सबल सनातन सार ए | पार नहि जस गुण तणो ए ||१९||
हरि हरि परब्रह्म नामनी उपराजण साची ए | ते विना प्राण सिदाय घणुं ए ||२०||

હે ભગવાન !  જગતમાં આખરી સર્વશક્તિમાન એવું જે તત્વ છે કે જેના ગુણોની પ્રશંસાનો અંત આવે તેમ નથી. હે ભગવાન !  જગતમાં ભગવદ્ નામની પ્રાપ્તિ એ જ સાચી છે, તેના વગર તો આ જીવ ઘણો જ રિબાઈને દુઃખી થાય છે.

ઉપાર્જનને લગતું ઉપજન (લવ) નામના અંગમાં કબીરજી કહે છે.

नाम ना जानै गामका | पीछे भागा जाय ||
काल्हि जु कांटा भांगसी | पहिले क्यों ण खुराय ||१||

દાસ કબીરજી કહે છે, જે ભગવાનના પરમધામના સ્થળનું નામ જાણતો નથી અને બીજા કોઈની પાછળ લાગેલો રહે છે, તેને કામાદિ રૂપી કાંટા બરાડા પડાવે છે અને ચીરી નાખશે , માટે પહેલેથી જ સાચા વિચારો કેમ ના કરવા ?

हरि हरि आप कुबुधे नवुं नव कीजिए | परब्रह्म लोभ ना भोपि ए ||२१||
हरि हरि लोभ लोपे होये धणी वहुणो ए | तेह तणी गत हवे कोण हशे ए ||२२||

હે ભગવાન !  હે જીવ !  તું તારી ખરાબ લુચ્ચાઈવાળી બુદ્ધિથી નવાં કર્મના બંધનો કરીશ નહીં. અને જો ભક્તિ કરીશ તો ભગવાને તને પાલન પોષણ કરીને શરણે રાખવાનું જે વચન આપ્યું છે, તેમના કોલની અવજ્ઞા કરીશ નહીં. હે ભગવાન !  જો તે તમારા આદેશનું ઉલ્લંઘન કરશે તો તે ધણી વગરના ઢોર જેવો અનાથ થઈ જશે. તો પછી તેની કેવી દુર્દશા થશે.

हरि हरि धणी मुके तेहनुं आवश लोपे ए | अवर मारग तेहने गत नथी ए ||२३||
हरि हरि धणी ए साचो तेहनुं आवश साचुं ए | अवर कूडुं सरव वणसतु ए ||२४||

હે ભગવાન !  જે કોઈ ભગવાનની ભક્તિ છોડી દે તો તેને માટે, તેને અંગીકાર કરવા માટે ભગવાનને જાહેર કરેલો કોલ પણ લુપ્ત થઈ જશે. અને બીજા અવળા માર્ગે જવાથી તેની સદ્‌ગતિ થશે નહિ. હે ભગવાન !  જેની ભગવદ્ ભક્તિ સાચી હશે તેને અંગીકાર કરવાનું ભગવાનનું વચન પણ સાચું થશે. બાકી તે સિવાયનું ખરાબ કપટ કરશે તો તે બધું જ નાશ પામશે.

हरि हरि अणछतां उपजे छतां वणसे ए | तेह तणो बोले स्वामी नर्क छे ए ||२५||
हरि हरि जेह सदाय छे सरजेने फेडे ए |  तेह मूकीने कोण सेवीस ए ||२६||

હે ભગવાન ! જીવને ગુપ્ત રીતે લાચારીથી ફરજીયાત પેદા થવું પડે છે છતાં પણ તે નાશ પામે છે. માટે હે પ્રભુ !  તેને માટે તો નરક જ ભોગવવું પડશે એવું ફરમાન કરવામાં આવ્યું છે. હે ભગવાન ! તું સર્જનહાર નિત્ય છે, કાયમ સૃષ્ટિમાં સર્જન કરે છે અને તેનો નાશ કરે છે. હે જીવ !  એવા સમર્થ ભગવાનની ભક્તિ પડતી મૂકીને તું કોની ભક્તિ કરીશ.

हरि हरि धंधे रे वाहियो बाप विसारियो | तो कोण नर्कथी ताने काढसे ए ||२७||
हरि हरि दरशन सेवीस धरम संभालीस | अजल सेवा विना वणससे ए ||२८||

હે ભગવાન !  ઓ જીવ !  તું માયાના કાર્યમાં લાગી ગયો અને સર્જનહાર ભગવાનને ભૂલી ગયો તો પછી તને આ સંસારના ગંદા નરક માંથી કોણ બચાવશે ?  હે ભગવાન !  હે જીવ !  ભલે તું ગમે તેવા આધ્યાત્મિક દર્શનશાસ્ત્રોને અનુસરીશ કે તદ્દઅનુસાર ધાર્મિક ક્રિયાઓને પાળીશ તો પણ ભગવાનની અચળ એક નિષ્ઠાવાળી ભક્તિ વગર તે બધી પ્રતિક્રિયા દ્વારા પ્રાપ્તિઓનો નાશ થશે.

हरि हरि अनेक प्रकारे तु प्राण आगे हवो | हजु कसुं कोड तुने वली ए ||२९||
हरि हरि अमृत पाम्यो प्रमादे कां ढोले ए | अवर रस नथी कांई हरि समो ए ||३०||

હે ભગવાન !  હે જીવ !  તું અનેક પ્રકારના જીવાત્માના રૂપે આગળ ઉપર પેદા થયો હતો. અને વળી હજુ પણ શું તારી એવા જીવાત્મા બનવાની ભાવના રહી ગઈ છે ?  હે ભગવાન ?  હે જીવ !  તને માનવ જન્મથી ભગવદ્ ભક્તિ રૂપી અમૃત રસનું પાન કરવાનો અવસર મળ્યો છે. ત્યારે તું શા માટે આળસ રાખીને આ ભક્તિરૂપી રસામૃતને ઢોળી નાખે છે ?  આવો ભક્તિનો હરિ રસ જેવો બીજો કોઈ પણ રસ તેના જેવો ઉત્તમ નથી.

हरि हरि काज कारणे मणि हाथथी कां निगमे | थोडले सुखे बहु सुख कां तजे ए ||३१||
हरि हरि गर्व मा करेस तुं पृथ्वीपति राजिया | रंक मा खीजेस तुं दालद्रीआ ए ||३२||

હે ભગવાન !  હે જીવ ! કાચ જેવી મામુલી ચીજ જેવી મિથ્યા માયાને મેળવવા માટે રત્નમણિ જેવી ભારે કિંમતી ભક્તિ કરવાને બદલે શા માટે તું તારા હાથમાં આવેલી કિંમતી ભક્તિરૂપી ચીજને ગુમાવે છે ?  વિષયોના ક્ષણિક સુખને માટે ભગવદ્ પ્રાપ્તિ જેવા અત્યંત સુખને શા માટે ત્યજી દે છે ?  હે ભગવાન !  અરે ઓ રાજા !  પૃથ્વીના રાજા હોવાનું અભિમાન કરીશ નહિ. અને તું તો ભક્તિરૂપી ધન વગરનો કંગાળ છે માટે ધન-દોલત વગરના નમ્ર ભક્તો પર ચિડ ના કરીશ.

અગ્રદાસે કુંડળીમાં લખ્યું છે (હ.લિ.ગ્ર. ૫ -પા-૧૯૪)

बात बुरी रे पाहुणा घी दे आण्यो तेल | पहर तीसरो वित्यो | हरि भजवेकी वेर तहां तुं रह गयो रीतो | काम क्रोध मद लोभसु तेरो मन भायो | हरि भक्ति किनी नहि मानु भूखो खायो | अगर कहे ऐसी भई वही गयो हांसी खेल | बात बूरी रे पाहुणा | घी दे आण्यो तेल |

અગ્રદાસ કહે છે, અરે ઓ મહેમાન ! ભક્તિરૂપી તું ઘીના બદલામાં કર્મકાંડ રૂપી તેલ લઈ આવ્યો હોય તેવી એક અનિચ્છનીય એવી ખરાબ હકીકત બની ગઈ છે કે આયુષ્યનો ત્રીજો ભાગ પસાર થઈ ગયો છે. આવો સુંદર ભગવદ્ ભક્તિ કરવાનો વખત હતો. તેમાં તું બાકાત રહી ગયો. અને કામ, ક્રોધ, મદ, લોભ જેવા વિષયોમાં તેં તારું મન લગાડ્યું. તેં ભગવદ્ ભક્તિ કરી નહીં. માટે જાણે તેં ઘી વગર લૂખું ભોજન ખાધું હોય તેવું થયું. આમ તારી જિંદગી માયામાં હાંસીના ખેલમાં પસાર થઈ ગઈ છે. ઓ મુશાફર મહેમાન !  આવી એક અનિચ્છનીય ખરાબ હકીકત બની ગઈ છે કે તું ભક્તિ રૂપી ઘીના બદલે માયા રૂપી તેલ લઈ આવ્યો હોય તેવી ભૂંડી હાલત થઈ.

પૃથ્વી પતિને લગતી ઉક્તિ છે.

श्री सीतापत सारंगपत | पृथ्वीपत जुगपत ||
सुरपत नागपत | सबकी पत रघुपत ||१||

રામ જ લક્ષ્મીપતિ છે, નારાયણ છે, સીતાપતિ રામ છે, તેમજ પૃથ્વીપતિ રજાઓ તથા જગતપતિ ભગવાન તથા સુરપતિ દેવોના પતિ ઇંદ્ર કે નાગપતિ સર્વ-સેનાપતિ વિગેરે જે કહો તે બધાના પતિ; રઘુવંશના રાજા રામ જ છે.

हरि हरि हरसद केरी पखना पाणीनी पेर | रुधिर साटे अहां उदक छे ए ||३३||
हरि हरि जागदानादिके राज प्राप्त होय | धर्म खूटेने वली दुःख सहे ए ||३४||

હે ભગવાન !  યમસદનના માર્ગે જતાં પ્રચંડ સૂર્યની ગરમી તથા તેનાથી ગરમ બનેલી ધરતીને લીધે ક્ષુધા અને તૃષા વાળો જીવ જ્યારે પાણી પીવા ઈચ્છે છે, ત્યારે તે માર્ગ પર હરિ સિદ્ધ માતાએ પાણીની પરબ માંડી હોય છે. પણ તે પાણીના બદલે જેટલું પાણી માગો તેટલું જ બદલામાં લોહી આપો તો જ પાણી આપે છે. તેવી જ રીતે, હે ભગવાન !  યજ્ઞ યાગાદિક દ્વારા રાજપાટ કે ઇંદ્રાસન પ્રાપ્ત કરીએ તો તેવી જ બૂરી દશા આ રીતે મેળવેલા રાજ્યના રાજાઓની થાય છે. કેમ કે, જ્યારે તેમનું પુણ્ય પૂરું થાય છે, ત્યારે તેમણે વાળી પાછી નરક જેવી વેદના વેઠવી પડે છે.

ભગવદ્‌ગીતામાં અધ્યાય ૯, શ્લોક ૨૧માં કહ્યું છે :

ते तं भुवत्वा स्वर्गलोकं विशाले क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति |

તે જીવ; વિશાળ સર્વગલોક ના સુખો ભોગવી, પુણ્ય ખૂટે છે ત્યારે મનુષ્ય લોકને પામે છે.

हरि हरि पृथ्वीपति तणुं सुख धनपति तणुं सुख | सूक्ष्म जिव तणुं सुख समतोल छे ए ||३५||
हरि हरि आप आपणे मन जे सुख माने ए | नर्क संपूर्ण स्वामी तहां छे ए ||३६||

હે ભગવાન ! રાજાઓનું રજવાડી સુખ કે શ્રીમંતોના વૈભવનું સુખ તેમજ નાના બારીક જીવ જંતુઓ પણ તેમના પ્રમાણમાં જે સુખ અનુભવે છે, તે બધી જ જાતના સુખો એક સરખાં જ છે. કેમ કે હે ભગવાન !  જે કોઈ પણ જીવ પોતે પોતાના મનથી જેને સુખ સમજે છે, તે સુખ નરક સમાન જ છે. ભલેને પછી તે સુખ સ્વચ્છ કે મળ જેવી ગંદકીમાંથી મળતું હોય પણ આવા જીવોને માટે તો તેમના મનમાં નર્ક જેવી ભાવના રહેતી નથી.

कबीर जाका मन जहां बसे | ताका तहां विसराम ||
भावे माया मोहमें | भावे आतमराम ||१||

દાસ કબીરજી કહે છે, જેનું મન જેમાં ચોંટી ગયું હોય જેના મનમાં જે ઠસી ગયું હોય, તેને તેમાં જ આનંદ મળે છે. પછી ભલેને તેનું મન માયામાં કે મોહમાં લાગ્યું હોય કે પછી પરમાત્મામાં હોય.

कबीर जो जाको गुण जानता | सो ताको गुन लेत ||
कोयल आम ही खात है | काग लिंबोरी लेत ||२||

દાસ કબીરજી કહે છે, જે જેના ખાસ ગુણોને જાણતો હોય તે તેના ગુણોનો લાભ લે છે. કોયલ ફક્ત કેરી જ ખાય છે, જ્યારે કાગડો લિંબોળી ખાય છે.

विष्टा कीडो नर्क वखाणे | जेने जेमां फाव्युं ||
पोते पोतानु ऊंचु रखे | जगमां चाल्युं आव्युं ||
होय बादलुं सहि | सोनुं कहेतां वार ज नहीं होय ||

છાણનો કીડો મળને જ વખાણે છે, માટે જેણે જે વસ્તુમાં ફાવતું આવે તેના જ વખાણ કરે છે. દરેક જણ પોતે પોતાની જ પસંદગીને સારી દેખાડવા પ્રયાસ કરે છે એવી નીતિ જગતમાં ચાલતી આવી છે. કસબના તારનું ગૂંચળું (બાદલું) હોય; કસબી સાદી હોય તેને તેનો માલિક સોનું છે સોનાની છે એવું કહેવામાં વાર ન લગાડે.

જમાના ચાલ્યા ગયા તો પણ ગધેડાએ સાકરને કડવી કહી; ઘૂવડને સૂર્ય  ગમ્યો જ નહીં, રુકિમણીનાં કુટુંબીઓ, રુકિમણીનો ભાઈના વારસો હજી (નેફા પ્રદેશમાં) છે. તેઓ શ્રી કૃષ્ણની કથા સાંભળીને અનેક ખોટા તર્ક કરે છે. નેફાના લોકો શ્રીકૃષ્ણે રુકિમણીના ભાઈ રુકમીના વાળ કાપી નાખેલા તેની યાદમાં આજે પણ માથાના વાળ કાપેલા રાખીને ફરે છે.

मनकी मानी हार है, मनकी मानी जीत –

મને મનમાં હારી ગયો છું એવું લાગતું હોય તેને માટે હાર છે. અને જેણે હું જીતી ગયો છું એવું માની લીધું હોય તો તેને માટે તે જીત લાગે છે.

अच्छिष्टं शिवनिर्माल्यं वमनं शवकर्पट ||
काकविष्ठासमुत्पन्ना: पग्चतेडतिपिवत्रका: ||१||

વાછરડાનું એઠું દૂધ, શિવ નિર્માલ્ય, મધમાખી અને ભમરા બધા ફૂલોને સૂંઘે છે તેમ છતાંય તે તથા મરેલા મૃગની છાલનું વસ્ત્ર તેમજ કાગડાની ચરકમાંથી ઉત્પન્ન થતો પીપળો આં પાંચેયને અતિ પવિત્ર માને છે.
દોહો:

मृतक चिर, जूठनि वचन | काक विष्टा अरु मित्र ||
शिव निरमाल्य आदि दे | ये सब वस्तु पवित्र ||२||

મરેલા મૃગની છાલનું વસ્ત્ર, વાછરડાએ સ્તનપાન કરેલું દૂધ, કાગડાની વિષ્ટાથી ઉગેલો પીપળો તથા ગાઢ અને પ્રેમાળ સબંધવાળી વ્યક્તિ, તથા શિવ નિર્માલ્ય વિગેરે બધી વસ્તુઓ પવિત્ર માને છે.

वायसके विष्टा ते पवित्र जानि पीपरको | मृतककी चीर मृग-छाल जग जानिये |
शंभु निर्माल्य गंगा जानो त्योंही जूठन है | वच्छ को सरस क्षीर-फेन उर आनिये ||
माछी ते महक है उछार सुनो जानै जग | इनमें न दोष यह निश्चै ग्रन्थ बानिये |
ऐसे ही प्रगट काहु कुल मैं जु साधु होइ | सदा है स्वरूप शुद्ध पूज्य मन मानिये ||

કાગડાની ચરકમાંથી ઉત્પન્ન થતો પીપળો માણસ માટે તો શું દેવતા માટે પણ પૂજ્યતમ છે.

काक विष्ठा समुत्पन्नो अश्वत्थं पोच्य्ते बूधे: दैवैरपि नरैर्वापि पूज्य एव न संशय: |     (પદ્મપુરાણ)

મરેલા હરણનું ચામડું સદાય પવિત્ર છે. વાછરડાનું એઠું દૂધ; સદાય પવિત્ર છે. શિવનિર્માલ્ય શ્રી ગંગાજી જેણે જેને જહનું ઋષિ પી ગયેલા અને જાંઘમાંથી બહાર કાઢેલી એવી એંઠી હોવા છતાંય સદા પરમ પાવની છે. મધમાખી અને ભમરા બધા ફૂલોને સૂંધે છે. તેમ છતાં તે સદાય પવિત્ર છે. તેનું અત્તર ભગવાનને ચડે છે. એ જ રીતે વૈષ્ણવ કોઈ પણ જ્ઞાતિ જાતિમાં ઉત્પન્ન થયો કેમ ન હોય, છતાંય તે પૂજ્યતમ છે.

પુનિયાદમાં જેણે બ્રાહ્મણ બનાવેલો તે પીપળો સૂકાઈ ગયો. તેથી નવા પીપળાને વિધિ કરીને બ્રાહ્મણ બનાવ્યો. આ રીતે પીપળાને દોરા વીંટીને પૂજવા લાયક બ્રાહ્મણ બનાવી શકે છે. આ બ્રાહ્મણો, પીપળાને પણ બ્રાહ્મણ બનાવી શકે છે. પણ ઇસ્કોન સંસ્થાને સ્થાપક પ્રભુપાદ સ્વામીએ અમેરિકનોને પરમ કૃષ્ણ ભક્ત બ્રાહ્મણો બનાવ્યા છે, છતાં આપણા બ્રાહ્મણો, તેમને બ્રાહ્મણ તરીકે સ્વીકારવા તૈયાર નથી. અરે હિંદુ તરીકે પણ સ્વીકારવા તૈયાર નથી કબીરે કહ્યું છે.

जाति न पूछी साधुकी | पूछि लेहु ज्ञान ||
मोल करो तरवारका | पडा रहन दो म्यान ||१||

દાસ કબીરજી કહે છે, સંતની નાત જાત પૂછવી નહીં પણ તેમનામાં રહેલી જાણકારી પૂછી લેવી. તલવાર કેવી છે તેની પરીક્ષા કરવી પણ તેના મ્યાનને કેવું છે તે તપાસવું નહીં.
પદ્રાપુરાણ કહે છે:
ભગવદ્ વિગ્રહની ઉત્પત્તિનું કારણ ભક્ત વૈષ્ણવોની ઉત્પત્તિ અને તેની માતૃયોનિની પરીક્ષા કરવી એ ત્રણેને પંડિતજનો તુચ્છ અર્થાત્ મહાપાપ માને છે.

हरि हरि परब्रह्म पद सुखे जे जई बेठा ए | इन्द्रपद लगी ते नव आमडे ए ||३७||
हरि हरि मनना मनोरथ छांडीने हरि भजो | विगत किटेने सहु एक होय ए ||३८||

હે ભગવાન ! પરબ્રહ્મ પદની અવસ્થામાં જેઓ પહોંચીને સ્થિર થયા છે, તેઓ ઇન્દ્રની કક્ષા સુધી જવાના મોહથી લલચાઈને મેલા થતા નથી. હે ભગવાન !  હે ભાઈઓ ! તમે તમારા મનમાંથી સંકલ્પો, ઈચ્છાઓને છોડીને ભગવાનની ભક્તિ કરો. તો તમે પરમાત્મા સાથેની જુદાઈને દૂર કરીને એક રૂપ થશો.

हरि हरि भाषा न जाणुं ने छंद ण जाणुं ए | एक जाणुं स्वामी मांडण हार ए ||३९||
हरि हरि तम वडे जाणुं ने तम वडे जीवुं ए | तम वडे छोडवुं स्वामी चार खाण ए ||४०||

હે ભગવાન !  ભક્તિ કવિ અભિવ્યક્ત કરે છે કે, હું તો કેવા કાવ્ય શાસ્ત્ર કે કાવ્યવૃત્તથી તમારી આરાધના કરવી એ જાણતો નથી. પરંતુ હે પ્રભુ !  હું તો એટલું જ જાણું છું કે, તમે જ સૃષ્ટિના એક માત્ર સર્જનહાર છો. હે ભગવાન !  હું તો તમારી કૃપાથી જ કંઈક જાણું છું અને તમારી ભક્તિના આધારથી જ જીવું છું !  અને હે પ્રભુ !  તમારી ભક્તિથી જ ભવસાગરની ચાર ખાણોનાં બંધનથી મુક્ત થઈશ.

आव्हाहनं न जानामि न जानामि तवार्चनम् | पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर ||

હે પ્રભુ ! હું તમને કેવી રીતે આવાહન આપવું તે જાણતો નથી. તેમજ તમને ચંદન લગાડીને કેવી રીતે પૂજવા તે પણ જાણતો નથી. તથા તમારી આરાધના કેવી રીતે કરવી તે પણ જાણતો નથી. માટે મને ક્ષમા કરશો.

मंत्रहीन कियाहिनं जनार्दन | यत्पूजितं मया देव परिपूर्ण तदस्तु ते ||

હે જનાર્દન !  દીનનાં દુઃખ હરનારા પ્રભુ !  મંત્ર બોલવામાં, ક્રિયા કરવામાં, ભક્તિ કરવામાં તથા પૂજા કરવામાં મારી જે કાંઈ ખામી રહી હોય તે (આપની કૃપા વડે) પૂર્ણ થાઓ.

मूर्खो वढति विष्णाय धीरो वढति विष्णवे | उभयोस्तु शुभं पुण्यं भावग्राही जनार्दन: |

મૂર્ખ કહે છે, વિષ્ણાય નમ:  (ખરી રીતે વિષ્ણુ શબ્દનું ચોથી વિભક્તિનું રૂપ  વિષ્ણવે થાય છે મૂર્ખ “રામાય” અને “ગણેશાય” ની પેઠે અનુમાનથી “વિષ્ણાય” બોલીને જ ભગવાનને નમસ્કાર કરે છે, અને વિદ્વાન “વિષ્ણવે નમઃ” કહે છે. પરંતુ પરિણામમાં એ બન્નેનું ફળ સમાન છે, કેમ કે ભગવાન જનાર્દન તો ભાવગ્રાહી છે.

ભક્ત ત્રિકમભાઈ ગોરધન ભાઈ - કુંડલીમાં કહે છે,

भाषा न जानुं छंद ना न जानुं | जानु एक मांडणहार |
सद्‌गुरु संत प्रतापथी | नीडर वचन अपार ||
नीडर वचन अपार | प्रेरणा प्रभुनी थातां |
जुठ्ठु न तल भार | कहेतो नथी बगासां खातां ||
त्रिकम अनुभवसार | गुरुगम घटमां ऊम्यो भानु |
जानु एक मांडणहार | भाषा न जानुं छंद ना जानु ||

ત્રિકમદાસ કહે છે, હું કાવ્યશાસ્ત્ર કે કાવ્યવૃત્તથી પદ રચના કરવાની કળા જાણતો નથી. પરંતુ સૃષ્ટિના સર્જક પ્રભુની કૃપાને જાણું છું. સદ્‌ગુરુ અને સંતોના પ્રભાવથી હું ડર્યા વગર પાર વિનાની વાણી, વાતો કહું છું. પ્રભુની પ્રેરણા થવાથી હું આવી અપાર વાણી કોઈથી ડર્યા વગર કહું છું. તેમાં જરા જેટલું પણ ખોટું નથી. હું કંઈ બેભાન અવસ્થામાં આવું કહ્યા કરતો નથી. પણ હું મારા અનુભવને અનુસરીને સાચા તથ્યને કહું છું. મારા અંતરમાં ગુરુ દ્વારા મળેલા જ્ઞાનનો સૂર્યોદય થયો છે, માટે હું તો માત્ર સૃષ્ટિના સર્જનહાર એક ભગવાનને જ જાણું છું. બાકી હું ભાષાકીય આંટીઘૂંટી કે ચાતુર્ય કે કાવ્યકળાને જાણતો નથી.

हरि हरि आश्रमे दर्शने वर्णे जे भोलव्या | तुं विना सहु ए रडवडा ए ||४१||
हरि हरि ताहरे आवशे सबल कर्म छे | भागतो अंध चीहे नहि ए ||४२||

હે ભગવાન !  વેદ શાસ્ત્રોએ માનવ સમાજને ચાર પ્રકારના આશ્રમના નામથી કે ખટ દર્શનના નામથી તેમજ ચાર પ્રકારના વર્ણના નામથી બધાને ભ્રમમાં નાખીને છેતર્યા છે. પરંતુ તમારી પ્રતીતિ થયા વગર એ બધા વર્ણધર્મના અભિમાની લોકો રખડી ગયા છે. હે ભગવાન !  હે ભાઈ !  તારા આવા ગર્વના આવિષ્કારથી તો તને જોરદાર કર્મબંધન લાગે છે પરંતુ તું વર્ણાશ્રમના અભિમાનથી મદાંધ થવાથી આવું કર્મ તને લાગવા છતાંય તું ડરતો નથી.

भक्ति पीआरी रामकी | जो कर जाने कोय ||
जो कोई करे तो हरि मिले | बरण विवर्जित होय ||१||

ભક્તિ કરતાં આવડે તો રામની ભક્તિ ઉત્તમ છે. જો કોઈ તે ભક્તિ; જાતિ-વર્ણ વેગેરેથી રહિત બનીને કરે તો તેને ભગવત્ પ્રાપ્તિ થાય છે. અને વર્ણા શ્રમથી રહિત છે.

શુકદેવજીનો સંવાદ વ્યાસ સાથે થયો તેમાં શુકદેવ કહે છે,

आश्रम धरम करम नहीं छूटे | वेद पुराण जगत वित लूटे ||
विद्या मुक्ति करे जे व्यासा | तो तुम क्युं बंधे मोहकी पासा ||१||

વ્યાસજીને છોડીને તેમનો પુત્ર શુકદેવ જતો રહેતો હતો તેની સાથે સંવાદ કરે છે ત્યારે વ્યાસજીને શુકદેવ કહે છે, હે પિતાજી !  તમે જાણો છો કે વર્ણાશ્રમના ધર્મથી કર્મબંધન છૂટી શકતાં નથી અને વળી વેદ પુરાણના શાસ્ત્રો તો જગતના લોકોની ભક્તિરૂપી મિલ્કતને લૂંટી લે છે. હે વ્યાસજી !  ભક્તિની સાચી સમાજ હોય તો જ મુક્તિ મળી શકે છે. તો પછી તમે શા માટે આશ્રમ ધર્મના કર્મના મોહના બંધનમાં પડ્યા છો ?  અને મારા પ્રત્યે હું તમારો પુત્ર છું એવી પિતાની વાસના રાખો છો ?

हरि हरि कर्म भोगवी पछी दुःख सहे आतमा | तुं न लाजे रे ताहरा मणी ए ||४३||
हरि हरि अणछतो भगत विनति करे स्वामीजी | आतमा फेडीने अलगो शुं करे ए ||४४||

હે ભગવાન !  આત્માને પોતાના કર્મોને ભોગવ્યા પછી ભવબંધનના દુઃખને સહન કરવું પડે છે. હે આત્મા !  તારા ભલા માટે કહું છું, તને આવું દુઃખ સહન કરવું પડે છે, તો પણ તને શરમ આવતી નથી. (દુઃખ સહે તો લાજે નહિ કડવું-૧) હે ભગવાન !  હે પ્રભુ !  આ મારો જેવો પામર ભક્ત તમને વિનંતિ કરીને કહે છે કે, તમે આ આત્માને ટાળીને, તમારાથી અળગો કરીને આવું શા માટે કરો છો ?

 

|| ઈતિ શ્રી વેદપુરાણ સંપૂર્ણ ||

પૂ. યાદુનાથે વેદ પુરાણનો સાર નીચે પ્રમાણે લખ્યો છે.
૧.  ધંધાની અંદર પ્રભુને ભૂલી જઈ પોતાનું આયુષ્ય વ્યર્થ ગુમાવ્યું અને જ્યાં સુધી આત્માએ પોતાનું ખરું કાર્ય કર્યું નથી, ત્યાં સુધી તે પરમેશ્વરને મોઢું બતાવતાં શરમાય છે. અને તેને જન્મ-મરણ પણ ધારણ કરવા પડે છે.

૨.  પ્રભુને પ્રકૃતિનો સ્વામી માનીને અર્થાત્ તે પંચતત્વ આદિથી પર છે એમ માનીને ભજવો જોઇએ, એના માટે બીજા કુતર્કો ન કરો.

૩.  પરબ્રહ્મ પદના સુખને જેણે મેળવ્યું છે, તે ઇંદ્રના સુખ તરફ પણ લલચાતો નથી.

૪.  જે પુરુષો વિવિધ પ્રકારના ધર્મોમાં, આશ્રમ ધર્મમાં ભોળવાઈ ગયેલા છે, તે બધા તમારા(પ્રભુ) સિવાય રળવળી ગયેલા છે.

Related Link(s):
1. હરિ હરિ વેદ પુરાણ (નાદબ્રહ્મ પદ-૭૪૦) - Audio, Video, English transliteration