કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
માયા મોહ મોહિત કીન્હા, તાતે જ્ઞાન રતન હરિ લીન્હા - ૧
જીવન ઐસો સપના જૈસો, જીવન સપન સમાના
સબ્દ ગુરુ ઉપદેશ દીન્હૌ, છાંડ પરમ નિધાના - ૨
જોતિ દેખી પતંગ હુલસૈ, પસુ ના પેખૈ આગી
કાલ ફાંસ નલ મુગુધ ન ચેતૈ, કનક કામિની લાગી - ૩
સેખ સૈયદ કિતેબ નિરખૈ, સુપ્રિતિ શાસ્ત્ર બિચારી
સતગુરુ ઉપદેશ બિનુ તૈ, જાનિકે જિવ હિ મારી - ૪
કરુ બિચાર વિકાર પરિહરુ, દરન તારન સોય
કહંહિ કબીર ભગવન્ત ભજુ નલ, દુતિયા અવર ન કોય - ૫
સમજૂતી
માયાએ મોહની જાળ ફેલાવી સૌને મોહિત કરી દીધા છે અને જ્ઞાનરૂપી રત્ન હરી લીધું છે. - ૧
હે જીવ, જીવન સપના જેવું સમજ ! ખરેખર તો જીવન સ્વપ્ન સમાન છે. તને સદ્દગુરુએ સાર શબ્દનો ઉપદેશ આપેલો તે પરમ નિધિને તેં છોડી દીધો. - ૨
પતંગિયા પ્રકાશ જોઈને આનંદથી નાચવા લાગે છે. (બુદ્ધિ વગરના) પશુ અગ્નિને અગ્નિ તરીકે જોતો નથી. મોહથી મુગ્ધ બનેલો મનુષ્ય તેવી જ રીતે કનક કામિનીની લગનીમાં કાળની ફાંસીમાં ફસાય જાય છે પણ ચેતતો નથી. - ૩
મુસલમાનોમાં શેખ અને સૈયદ, કુરાન જેવા ગ્રંથોને માત્ર જોયા કરે છે. તેવી જ રીતે હિન્દુઓમાં શાસ્ત્રી લોકો સ્મૃતિ જેવા શાસ્ત્ર ગ્રંથો પર વિચાર કર્યા કરે છે. સદ્દગુરુના ઉપદેશ વિના તેઓ જાણીબૂઝીને જીવનો વધ કરતા હોય છે. - ૪
હે જીવ, વિચાર કર અને હૃદયપૂર્વક સર્વ વિકારોને દૂર કર તો તું મહાન ગણાશે. તું તરી શકશે અને બીજાને તારી પણ શકશે. કબીર કહે છે કે હે મનુષ્ય, તું ભગવાનનું ભજન કર એ સિવાય બીજો કોઈ ઓવારો નથી. - ૫
ટિપ્પણી
“સેખ સૈયદ .... જિવ હિ મારી” - માયાની ચર્ચા કરતા કરતા પણ કબીર સાહેબ પોતાના યુગના સળગતા પ્રશ્નને ભૂલતા નથી. એટલું જ નહિ પણ ધર્મના બહાના હેઠળ કરવામાં આવતી જીવહિંસાની નિરર્થકતા પણ બતાવતા જ રહે છે.
Add comment