Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

માયા તજી તો ક્યા ભયા, માન તજા નહિ જાય
માન બડે મુનિવર ગલે, માન સબન કો ખાય !

માત્ર માયા છોડવાથી શું વળે ?  અભિમાન તો છોડતું નથી. આ અભિમાન તો મોટા મોટા મુનિવરોને પણ ગળી ગયું છે !  એ તો સૌને ખાઈ જાય છે !

નોંધ :  માત્ર વેશપલટો કરીને સન્યાસી થઈ જવાતું નથી. સન્યાસ એટલે સમ્યક પ્રકારનો ત્યાગ. સાચો ત્યાગ તે જ સન્યાસ. સંસારની માયા છોડવા માટે સંસાર છોડીને વનમાં જનારા ભૂલને માર્ગ જતાં હોય છે. ખરેખર સંસારથી દૂર ચાલ્યા જવાથી પણ શું ?  મનમાં તો સંસાર ભરેલો જ હોય છે. છતાં મનમાંથી સંસાર દૂર કરનારા પણ સાચા ત્યાગી ન કહેવાય. તેમના મનમાં અભિમાન તો હોય જ છે. જ્યાં સુધી અભિમાન હોય ત્યાં સુધી સાચો ત્યાગ થઈ શકતો નથી. નિરભિમાનપણું જ આધ્યાત્મિકતાની ટોચ છે. મોટા મોટા મંદિરો બાંધવા કે સંપ્રદાયોની ગાદીઓ સ્થાપવા પાછળ મહંતોના અભિમાન જ પ્રગટ થાય છે. આ રીતે તેવા મહંતો ત્યાગી બનેલા હોવા છતાં ભોગી જ બની જતા હોય છે. આ દષ્ટિએ અભિમાન તેમને ગળી જાય છે.