Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

ચાર ભુજા  ભજનમેં ભૂલિ પરે સબ સંત
કબિરા સુમરે તાસુકો જાકે ભુજા અનંત

ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપની ભક્તિમાં બધાં સંતો ભૂલા પડ્યા છે. પરંતુ કબીર તો તેનું જ સ્મરણ કરે છે કે જેને અનંત હાથ છે.

નોંધ :  ભગવાનનું ચાર હાથવાળું જે સ્વરૂપ છે તે સગુણ બ્રહ્મનું છે. સગુણ બ્રહ્મ પરાત્પર પરમાત્માનો જ એક ભાગ છે. તે કાંઈ અખિલ રૂપ નથી. છતાં અજ્ઞાનતાથી ઘણા તે જ એક અખંડ ને અખિલ ખંડ છે એમ માનીને સકામ ભક્તિ કરે છે.  ગીતા પણ એવા માનવને યાદ કરીને નાવમાં અધ્યાયમાં જણાવે છે કે

મનુષ્ય રૂપે હું રહ્યો એમ મૂઢ જાણે,
વિરાટ મારા રૂપને ના કદિ પરમાણે.

તેવા અજ્ઞાની-મૂઢ લોકોનો પરિચય આપતા આગળ જણાવ્યું છે કે

મૂઢ જનોનાં કર્મ ને વિચાર મેલા હોય,
સ્વભાવ હલકો તેમનો, સંસારે રત હોય.

તો પરમાત્માનું અખંડ, અખિલ સ્વરૂપ કેવું તો જણાવ્યું છે કે

વાયુ વહેનારો બધે રહે વ્યોમમાં જેમ,
ચરાચર રહે મુજ મહીં સમજી લેજે એમ.

આકાશ અનંત ને વિરાટ ગણાય છે. તેનું માપ જ થઈ શકતું નથી. તેનું સ્વરૂપ નિર્ગુણ ને નિરાકાર જ ગણાય. છતાં તેને સ્થૂળ આંખ જોવા પ્રયત્ન કરે છે એટલે તે સાકાર પણ ગણાય. પરંતુ સ્થૂળ આંખમાં આકાશનું અખિલ સ્વરૂપ તો દેખાતું નથી. આકાશના એકાદ અંશનું જ તે દર્શન કરી શકે છે. તેથી તે સ્વરૂપ કાંઈ સર્વ નથી. પરમાત્મા પણ એવા જ છે. જે રીતે આકાશમાં પવન રહીને નિત્ય સંસારે કર્યાં કરે છે તેમ પરમાત્મામાં સમગ્ર સૃષ્ટિનાં જડ ચેતન પદાર્થોમાં રહે છે ને પોતપોતાની રીતે ગતિશીલ રહ્યા કરે છે. પરમાત્માની અખિલ સ્વરૂપને જ ધ્યાનમાં મહાપુરૂષો પોતાના અનુભવનો વાતો કરે છે. કબીર સાહેબ પણ અહીં આંશિક સ્વરૂપને મહત્વ આપતા નથી પણ અખિલ ને અખંડ જે સ્વરૂપ છે તેને જ મહત્વ આપે છે. આપણને પ્રસિદ્ધ શ્લોક યાદ કરાવે છે :

नमोडस्त्वनन्ताय सहस्त्रमूर्तय सहस्त्र पादाक्षिशिरोरुबाहवे  |
सहस्त्रनाम्ने पुरुषाय शास्व्ते सहस्त्रकोटीयुगधारिणे नम  ||

અર્થાત્ : હજારો સ્વરૂપવાળા, હજારો પગવાળા, હજારો આંખોવાળા, હજારો માથાવાળા, હજારો સાથળવાળા, હજારો હથોવાળા, હજારો નામવાળા, હજારોને કરોડો યુગોને ધારણ કરવાવાળા અંતવિનાના શાશ્વત એવા પરમ પુરૂષને નમસ્કાર હો !

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,196
pdf-1અનંત સૂર | Anant Soor 10,970
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,537
pdf-3Amar Varso | અમર વારસો 8,136
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,262