Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અછૈ પુરૂષ ઇક પેડ હૈ નિરંજન વાકો ડાર
તિરદેવા સાખા ભયે પાત ભયા સંસાર

અક્ષય (અછૈ) પુરૂષ પરમાત્મા રૂપી એક વૃક્ષ છે. નિરંજન રૂપી તેની એક ડાળ છે. ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ) આ ડાળની જ ઉપશાખાઓ થઇને આ સમગ્ર સંસાર એનાં પાંદડાં થયાં.

નોંધ :  કબીર સાહેબ પરમાત્મ તત્વનો પરિચય આપણને કરાવી રહ્યા છે. સામાન્ય માણસને સમજાવવા માટે સામાન્ય માણસને પરિચિત હોય તેવું જ પ્રતીક પસંદ કરીને સરળ રીતે કબીર સાહેબ સમજાવી રહ્યા છે. વૃક્ષ એટલે ઝાડ. ઝાડ સૌને પરિચિત. કબીર સાહેબ પરમાત્માને ઝાડ સાથે સરખાવે છે. શ્વેતાશ્વતર ઉપનિષદ્‌ના ત્રીજા પ્રકરણના નવમાં શ્લોકમાં પણ પૂર્ણ પુરૂષ પરમાત્માને વૃક્ષની જ ઉપમા આપી છે.

यस्मात् परम् नापरमस्ति किंचित्
यस्मान्नाणीयो न ज्यायोडस्ति फश्चित  |
वृक्ष इव स्तब्धो दिवि तिष्ठत्येक :
तेनेदं पूर्णाम पुरुषेण सर्वम्  ||

જેનું ગુજરાતી આ પ્રમાણે થઈ શકે - જેનાથી કોઈ શ્રેષ્ઠ નથી, ભિન્ન નથી, વિશાળ નથી, સૂક્ષ્મ નથી : સ્વેચ્છાથી જે વૃક્ષની માફક એકલ ને અચળ રહે છે તેનાથી જ આ સમગ્ર બ્રહ્માંડ ભર્યું ભર્યું લાગે છે.

પરમાત્મા એક ને અચળ છે ઝાડની માફક. એકમાંથી અનેકની લીલા પ્રગટી ઉઠી એ વેદવાણી સાથે કબીર સાહેબ સંમત છે જ. કબીર સાહેબ ઝાડની મોટી ડાળીને “નિરંજન” કહે છે. નિરંજન એટલે નિર્ગુણ. બીજી ઉપશાખાઓને ત્રણે દેવો સાથે જોડી દીધી.  બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ સગુણ ને સાકાર પરમાત્માનાં સ્વરૂપો છે. સંસારને પાંદડા સાથે સરખાવીને કબીર સાહેબે સંસારની પરિવર્તનશીલતાને વ્યક્ત કરી છે. સંસાર આજે છે તેવો કાલે રહેવાનો નથી ને પરમ દિવસે તો વળી બદલાઈ જ જવાનો છે. ઋતુએ ઋતુએ પાંદડા ખરી પડે છે. નવા પાંદડા આવે છે ને ફરીથી હર્યું ભર્યું લાગે છે. આ રીતે સગુણ રૂપ, નિર્ગુણ રૂપ ને સંસારનું ફેરફાર પામતું સ્વરૂપ બધાં જ વૃક્ષોનાં અંગો જ છે. વૃક્ષના જ એક ભાગ તરીકે તેની શોભા છે. પાંદડા વિના જેમ વૃક્ષની શોભા નથી તેમ સંસાર વિના પરમાત્માની પણ બોલબાલા નથી. દરેક અંગ પરમાત્માથી જુદું નથી છતાં માનવી મન તેને ભિન્ન સમજીને જીવવા પ્રયત્ન કરે છે તે તેની મૂઢતા છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,129
pdf-1અનંત સૂર | Anant Soor 10,894
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,513
pdf-3Amar Varso | અમર વારસો 8,113
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,219