Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

સરગુણકી સેવા કરો, નિર્ગુણ કા કરું  જ્ઞાન
નિરગુણ સરગુણ કે પરે, તહૈં હમારા ધ્યાન

સગુણની સેવા કરો અને સાથે સાથે પ્રભુના નિર્ગુણ તત્વના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરો. આપણું ધ્યાન તો નિર્ગુણ ને સગુણથી પર જે પરમ તત્વ છે તેમાં લાગેલું છે.

નોંધ :  કબીર સાહેબ ખંડનાત્મક અથવા તો નિષેધાત્મક દષ્ટિથી પરમાત્માના સ્વરૂપને સમજાવતા નથી. તેમના હૃદયમાં તો સામાન્ય માણસ જ રહ્યો છે. તેથી તેને નિરાશ ન કરતાં તેઓ તેની સામાન્ય કક્ષાને ધ્યાનમાં રાખીને આ સાખીમાં માર્ગદર્શન આપે છે. સામાન્ય માણસનું મન સાકાર ને સગુણને જ સ્વાભાવિક રીતે યાદ કરે છે. મન કાંઈ પણ સાંભળીને તરત જ તેનું રૂપ યાદ કરે છે. મનમાં ચોક્કસ પ્રકારનો આકાર ઉદ્‌ભવે છે. મનની આ ખાસિયત કબીર સાહેબ જાણતા હતા તેથી તેમણે પ્રથમ કક્ષાએ સગુણની સેવા કરો એમ જ કહ્યું. તેમના મનમાં સગુણ એટલે જીવતી જાગતી મૂર્તિઓ; તે મૂર્તિઓ પ્રભુનો જ એક ભાગ છે એ દષ્ટિ હમેશાં ધ્યાનમાં રાખવાની તેમણે આ અગાઉ સલાહ આપી છે. બીજા એક પદમાં એમણે સ્પષ્ટ કહ્યું છે :

કા પાનો પાહન કે પૂજે કંદ મૂલ ફરહારા,
કહાં નેમ તીરથબ્રત કિન્હેં જો નહિ તત્વ બિચારા.

અર્થાત્ - પથ્થરને પૂજવાથી શું વળશે ?  કંદમૂળ ને ફળનો આહાર માત્ર કરવાથી શો લાભ થશે ?  તીરથ, વ્રત કે નિયમપાળવાથી કેવળ શું પ્રાપ્ત થશે ?  જો આત્મતત્વનું ચિંતન નહિ કરો તો આ બધી તમામ ક્રિયાઓ વ્યર્થ જ સમજવી. આ દષ્ટિએ કબીર સાહેબ અહીં સગુણની સેવા કરવાનો ઉપદેશ આપે છે. સેવા કરતી વખતે ને પહેલાં મનમાં આત્મતત્વનું ચિંતન કરવું જરૂરી છે. એટલે કે આત્મતત્વ સર્વત્ર વ્યાપક છે ને તેના વિના આ જગત શબ જેવું લાગે છે. તેના વડે જ બધું જીવંત લાગે છે. આ પ્રકારે ચિંતન થયા કરવું જરૂરી છે. એ પ્રમાણે જો મહેનત કરવામાં આવે તો એક દિવસ ભગવાનનું જે વિરાટ નિર્ગુણ સ્વરૂપ છે તેનો પરિચય કોઈ ધન્ય પળે થઈ જાય. અખંડ ને અખિલ સ્વરૂપને જ દષ્ટિ સમક્ષ રાખીને મહેનત કરવી જરૂરી છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 14,023
pdf-1અનંત સૂર | Anant Soor 10,692
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,468
pdf-3Amar Varso | અમર વારસો 8,080
pdf-4A Handwritten Bhajan Book from 1937 7,168