કબીર શબ્દ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
વીસમી સદીના પારંભમાં કબીર સાહેબને સમજવા માટેના પ્રામાણિક ગ્રંથો તરીકે “કબીર ગ્રંથાવલી”, “કબીર વચનાવલી” અને “ગુરુ ગ્રંથ સાહેબની” ગણના થતી હતી. “કબીર બીજક” ગ્રંથને સાંપ્રદાયિકતાનું લેબલ લાગેલું હોવાથી તેને અપ્રામાણિક માની લેવામાં આવ્યો હતો. બાબુ શ્યામસુંદરદાસે “કબીર ગ્રંથાવલી”ને સંશોધિત કરીને ઈ.સ. ૧૯૨૫માં પ્રગટ કર્યા પછી બીજકની ઉપેક્ષા સારા પ્રમાણમાં થઈ હતી. બીજકને વેદતુલ્ય ગણી કબીર પંથીઓ તેનો નિત્ય પાઠ કરતા હોય તેથી પ્રામાણિકતા અને દાર્શનિકતા ઓછી થતી નથી તે હવે તો સમજવા લાગ્યું છે. વીસમી સદીના અંત તરફ જેમજેમ જગત ઘસડાતું જાય છે તેમ તેમ બીજકને શિરે ચઢેલો સાંપ્રદાયિકતાનો શાપ દૂર થતો જાય છે એ એક અતિશય આનંદની ઘટના છે. ડૉ. શુકદેવસિંહના સંશોધનાત્મક નિષ્કર્ષ પછી અત્યાર સુધી ગણાયેલા સૌ માન્ય ગ્રંથો કરતાં વધુ પ્રામાણિક ને દાર્શનિક ગ્રંથ તરીકેની બીજકની ગણના થવા લાગી છે. તેથી મેં પણ આ લઘુ ગ્રંથને બીજકના શબ્દ પ્રકરણને આધારે જ તૈયાર કરવા પ્રયત્ન કર્યો છે.
બીજકના શબ્દ પ્રકરણમાં કબીર સાહેબનાં વ્યક્તિત્વનાં વિવિધ પાંસાઓનાં દર્શન થાય છે. તેઓ જ્યારે હિન્દુ-મુસલમાનોની એકતાની ભૂમિકા પૂરી પાડતા જણાય છે ત્યારે તેમના પ્રગતિશીલને ક્રાંતિકારી માનસનું દર્શન થાય છે. હિન્દુ-મુસલમાનોની અંધ માન્યતાઓ અને કુરિવાજો પર પ્રહાર કરે છે ત્યારે તેમની સામાજિક સુધારાવાદી વિધાયક દૃષ્ટિનો પૂરો પરિચય થઈ જાય છે. માનવમાત્ર એક છે એવું પૂરવાર કરવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓ માનવધર્મના પ્રખર પ્રવર્તક હતા એવો સ્પષ્ટ ખ્યાલ આવે છે. તેમના આત્મવાદી વલણમાં તેમની વ્યવહારુ વેદાંતી તરીકેની છાપ સહેજે ઉપસી આવતી જણાય છે.
તેઓ હિન્દુઓને ઠપકારે છે તેથી તેઓ હિન્દુ ન હતા એમ કેવી રીતે માની શકાય ? તેઓ મુસલમાન જ હતા એવું પણ કેવી રીતે કાહી શકાય ? તેઓ મુસલમાનોને ઠપકારે છે તેથી તેઓ બ્રાહ્મણ જ હતા એવું કેવી રીતે માની શકાય ? ખરેખર તો તેઓ નાતજાતના ભેદોથી પર હતા. તેઓ સાચા માનવ હતા. તેમની ઉદાર, વિશાળ ને વિધાયક દૃષ્ટિને કારણે તેઓ મહાન જરૂર હતા. તેઓ ભક્ત હતા, છતાં સાચા જ્ઞાની હતા. તેઓ દયાળુ હતા, છતાં સત્યને પુરવાર કરવામાં પ્રખર ને પ્રચંડ હતા. હિન્દુઓ શા માટે તેમણે સાચા વૈષ્ણવ તરીકે પૂજે છે, મુસલમાનો શા માટે પોતાના પીર માને ચ છે અને કબીર પંથીઓ શા માટે તેમને અવતાર ગણે છે તેની ઝાંખી શબ્દ પ્રકરણમાં થયા વિના રહતી નથી.
સત્તાનો દોર મુસલમાનોના હાથમાં હતો. છતાં ઇસ્લામ ધર્મના પાયામાં રહેલી ત્રુટિઓ બતાવવામાં તેઓ પાછળ પડયા નથી. શેખતકી જેવા મુસ્લિમ ધર્મ ગુરુઓને તેમણે જોરદાર રીતે પડકાર્યા છે. રાજ્ય સત્તા સામે નિર્ભીક રીતે તેઓ ખડા રહ્યા હતા તે કહીકત કેવી રીતે ભૂલી શકાય ? તેમનું એવું અપ્રિતમ આત્મબળ સત્તાને નમાવી શક્યું હતું. તેથી લોકોના હૃદયમાં દૈવી પુરુષ તરીકે સ્થાન પામ્યા હતા. અદના માણસ પર સત્તાધીશો તરફથી થતા અત્યાચારો ને જોરજુલમોનો સામનો કરવાની ખુમારી લોકહૃદયમાં તેમણે પ્રગટાવી હતી. તેમની આ સત્વશીલતાનો પ્રભાવ મહાત્મા ગાંધીજી પર પડ્યો હતો એવું ડૉ. પીતાંબર દત્ત વડથ્વાલનું અનુમાન (“ગાંધી ઔર કબીર” ગ્રંથમાં) તેથ્યવાળું લાગે છે.
જગદગુરુ શંકરાચાર્ય પછી સૌથી વધારે તેજસ્વી ને પ્રભાવી સંત મહાપુરુષ તરીકે કોઈ લોકાદર પામ્યું હોય તો તે છે સદગુરુ કબીર સાહેબ. ધર્મ ને સંસ્કૃતિની સુરક્ષાનું કાર્ય બંને મહાપુરુષોના હાથે નક્કર રીતે થયું છે એ માટે સંસ્કૃત ભાષા શંકરાચાર્યનું માધ્યમ બની તો લોકભાષા કબીર સાહેબનું. શાસ્ત્રાર્થમાં સૌને પરાસ્ત કારી શંકરાચાર્યે પોતાનો પ્રભાવ પાથર્યો હતો. વેદમતનો પ્રચાર કારી ચારે દિશામાં મઠોની સ્થાપના કરી હતી. જ્ઞાનની પ્રકાંડ પંડિત તરીકે તેમણે લોકચાહના પ્રાપ્ત કરી હતી.
પરંતુ સમય જતા સંસ્કૃત ભાષાનું પ્રભુત્વ લોપ થવા લાગ્યું હતું. પરદેશી સત્તાઓનું, ખાસ કરી ઈસ્લામ ધર્મી રાજાઓનું આક્રમણ એ માટે મહત્વનું કારણ ગણી શકાય. જોકે પરદેશી પ્રજાઓના આ પહેલાં પણ અનેક આક્રમણો થયાં હતાં. શક, હુણ ગૂર્જર, મોંગોલ જેવી પ્રજા આક્રમણ કરીને જ ભારતમાં આવી હતી. છતાં અહીંની મૂળપ્રજા સાથે તે એકરૂપ થઈ શકી હતી. પરંતુ મધ્યકાળ દરમ્યાન ઈસ્લામધર્મી પ્રજાઓનાં જે આક્રમણો થયાં ને તે પ્રજા ભારતમાં આવીને વસી તે કટ્ટર સ્વભાવની હોવાથી એકરૂપ થઈ શકી જ નહીં. બલકે અહીંની પ્રજા પર જોર જુલમ કરી ઈસ્લામધર્મના અંગિકાર માટે કેર વરતાવતી રહી. બીજી બાજુ દલિતપીડિત વર્ગ ઊંચ ગણાતા લોકોથી પીસાતો જતો હતો અને અવગણના પામી અપમાનિત થતો જતો હતો. સંસ્કૃત ભાષા બ્રાહ્મણો પૂરતી જ જીવતી રહી હતી. પરિણામે નિરક્ષરતાનું પ્રમાણ ખૂબ જ વધી જવા પામ્યું હતું. તેથી મધ્યકાલમાં ભારે અંધકાર છવાયો. ધર્મમાં વિકૃતિ વધી ગઈ. ઊંચ-નીચ ને જાતજાતના ભેદોથી સામાજ જીવન છિન્નભિન્ન બની જવા પામ્યું હતું. બ્રાહ્મણોનું જ વર્ચસ્વ વધે તેવું ધર્મના બહાના હેઠળ થવા લાગ્યું હતું. દલિત પીડિત વર્ગનો એક ભાગ ઈસ્લામ ધર્મની હૂંફ મળતા લલચાયો ને ધર્મ પરિવર્તનનું ચક્ર જોર પકડતું ગયું. તેવે સમયે કબીર સાહેબે ઝળહળતા સૂર્યની જેમ પ્રકાશી લોકોના હૃદયમાંથી અંધકાર દૂર કરવા પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. શંકરાચાર્યની માફક તેમને મઠ, મંદિર ને મસ્જિદની આવશ્યકતા લેશ પણ લાગી નહિ કારણ કે તેમનું સમગ્ર આંદોલન લોકાભિમુખ હતું. સામાન્ય જન સમૂહની વચ્ચે વસીને તેમને લોકોનાં દુઃખદર્દને બરાબર પિછાણ્યાં હતાં. જુદી જુદી ભાષાઓના શબ્દો તેમની પૂર્વી જબાનમાં સહેજે ચલણી બની ગયેલા આજે આપણે અનુભવીએ છીએ તે તેમની લોકાભિમુખતાનો સબળ પૂરાવો છે. તેમનું લોકસંપર્કનું એ કાર્ય દાદ માંગી લે તેવું ગણાય.
દલિત પીડિતોને તો તેઓ કેવી રીતે ભૂલી શકે ? તેઓ પોતે નીચ ગણાતા પરિવારમાં પોષણ પામી મોટા થયેલા. કારમી ગરીબાઈની મુસીબતોનો તેમણે સંપૂર્ણ ખ્યાલ હતો. તેથી વાસ્તવિક યથાર્થતાનું એ ભાન તેમની વાણીમાં દર્દની માત્રાને વધારી દે છે. તેમની વેધક દલીલો પાછળ પણ કોઈ ધબકતા દર્દની છાયા ગૂઢ રીતે પથરાયેલી જણાય છે. તેથી તેમની વાતો સૌ કોઈને હૃદય સ્પર્શી જણાતી. તેમની વાણી હિન્દુ ને મુસલમાન બંને વર્ગોમાં પ્રભાવક અસર જન્માવી ચૂકી હતી. અકબર બાદશાહના દરબારમાં રત્નસમાન ગણાતા અબુલ ફઝલે “આઈ ને અકબારી” ઈ. સ. ૧૫૯૮માં લખેલી તેમાં તેણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે કબીર સાહેબ હિન્દુ મુસલમાન બંને વર્ગોમાં પ્રેમાદાર પામ્યા હતા.
કબીરવાણી સાથે સેંટજ્હોનનાં લખાણનું સામ્ય જી. એચ. વેસ્ટકોટને જણાયું તેથી તેમણે ‘Kabir and Kabir Panth’ (પૃ. ૫૨) કબીર સાહેબ પાર ઈસાઈ ધર્મના પ્રભાવની અસર વિષે નોંધ કરી છે. સેંટજ્હોન સાથેના એક સરખા અનુભવો હોય શકે છે, પરંતુ ઈસાઈ ધર્મના પ્રભાવની અસર કબીર સાહેબ પાર થઈ છે તે એક નિરાધાર કથન ગણાય. અંગ્રેજોનું આગમન તો બહુ પાછળથી થયું છે. કબીર સાહેબને તે પહેલા કોઈ ઈસાઈ પાદરી મળ્યો હોય એવો પણ પૂરાવો પ્રાપ્ત થયો નથી. એ સિવાય અન્ય કોઈ ઐતિહાસક પ્રમાણ પણ પ્રાપ્ત થયું નથી કે જેથી એવું કહી શકાય. કબીર સાહેબ પરદેશ ભ્રમણશીલ હતા પરંતુ ભરત દેશમાં જ, પરદેશમાં નહિ. અથવા તો કબીર સાહેબે કોઈ ગ્રંથ વાંચીને અસર ઝીલી હોય તેમ કહેવું પણ યોગ્ય નથી. કારણ કે કબીર સાહેબને વાંચતા લખતા આવડતું જ ન હતું એવું વિદ્વાનોએ તો સાબિત કર્યું છે ! એથી ઊલટું એમ જરૂર કહી શકાય કે કબીર સાહેબનો પ્રભાવ પાશ્ચાત્ય વિદ્વાનો પર ૧૮મી સદીથી પડયો હતો. ઈ.સ. ૧૭૫૮માં સૌ પ્રથમ “જ્ઞાનસાગર” ગ્રંથનો અનુવાદ ઈટાલિયન ભાષામાં પાદ્રે માર્કોઠેલા ટોમ્બા નામના પાદરીએ પ્રભાવિત થઈને કર્યો હતો. ત્યારે પછી પશ્ચિમનાં મોટા મોટા વિદ્વાનોનું ધ્યાન કબીર સાહેબ તરફ આકર્ષાયેલું આપણે જોઈએ છીએ. તેથી આજે તો કહી શકાય એમ છે કે પશ્ચિમમાં કબીર સાહેબ પર જેટલા ગ્રંથો લખાયા છે તેટલા બીજા કોઈ સાહિત્યકાર પર લખાયા નથી !
બીજકમાં શબ્દનો પરિચય કાવ્યના એક પ્રકાર તરીકે થાય છે. તેથી શબ્દ એટલે પદ એમ કહી શકાય. જોકે યોગના પારીભાષિક શબ્દ તરીકે તેનો અર્થ ક્રિયા, ગતિ કે સ્પંદ થાય છે. સર્વને ગતિ આપનાર બ્રહ્મ કે આદ્યાશક્તિ માટે પણ શબ્દનો ઉપયોગ થાય છે. ‘શબ્દ-બાણ’ જેવો પ્રયોગ પણ કબીરવાણીમાંથી પ્રાપ્ત થાય છે. ગુરુ દ્વારા શિષ્યને આપવામાં આવતો દીક્ષા મંત્ર એવો તેનો અર્થ કરવો પડે. ભર્તુહરિ જેવા વિદ્વાન યોગી પુરુષ ચૈતન્યના અર્થમાં શબ્દનો ઉપયોગ કરતા જણાય છે :
अनादि निधन ब्रह्म राब्द्त्वं यद्क्षरम् |
विवतंतेडर्थभावेन प्रक्रिया जगतो चट: || (વાક્યપદીય ૧-૧)
અર્થાત્ બ્રહ્મનો નથી આદિ, નથી કોઈ અંત. તે તો અક્ષર સ્વરૂપ છે. તેથી તે શબ્દતત્વ કહેવાય છે. તે જ શબ્દ વ્યવહારમાં અર્થ કે વિષયના રૂપમાં પ્રગટ થાય છે. માટે તો તે સમગ્ર સૃષ્ટિનું મૂળ છે. આ દૃષ્ટિએ કબીર સાહેબે કાવ્યના એક પ્રકાર તરીકે શબ્દને પ્રયોજ્યો છે તે ઉચિત લાગે છે.
ઈ.સ. ૧૯૮૭માં ફેબ્રુઆરી માસમાં કબીરવાણી સમજવા માટે કુલ પાંચ પુસ્તકો તૈયાર કરી આપવા મેં ભક્ત સમાજને વચન આપ્યું હતું તે આધારે ત્રીજો લઘુ ગ્રંથ પ્રભુ કૃપાથી પ્રકાશિત કરી શકાયો છે, તે જણાવતા આનંદ થાય છે. કબીર સાહેબના સિદ્ધાંતો, માન્યતાઓ અને વિશેષતાઓ સામાન્ય માણસ સરળ રીતે સમજી શકે તે દૃષ્ટિ મેં આ ગ્રંથ તૈયાર કરવા પાછળ રાખી છે. ભાષા, પાઠનિર્ધારણ જેવા જટિલ પ્રશ્નો તરફ ખાસ લાક્ષ આપ્યું નથી. વળી વધારામાં સમયનો આભાવ અને સ્થળ સંકોચની મર્યાદા પણ ખરી. છતાં વિશ્વવિદ્યાલય વારાણસીનાં કબીર વાડમયના પ્રકાશનથી મને આ અંગે ઘણી મદદ મળી છે તે સાભાર જાહેર કરું છું.
આ ગ્રંથ તૈયાર કરવામાં મેં નીચેના ગ્રંથોનો આધાર લીધો છે તે સાભાર જણાવતાં આનંદ અનુભવું છું :
(૧) કબીર ગ્રંથાવલી, ડૉ. માતાપ્રસાદગુપ્ત
(૨) કબીર ગ્રંથાવલી, ડૉ. પુષ્પાલસિંહ
(૩) સંત કબીર, ડૉ. પારસનાથ તિવારી
(૪) સંત કબીર, ડૉ. રામકુમાર વર્મા
(૫) કબીર, આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી
(૬) કબીર વાડમય ખંડ-૨, ડૉ. જયદેવસિંહ તથા ડૉ. વાસુદેવસિંહ
(૭) કબીર કાવ્યકોશ, ડૉ. વાસુદેવસિંહ
(૮) કબીર કી વિચાર ધારા, ડૉ. ગોવિંદ ત્રિગુણાયત
(૯) કબીર બીજક, સ્વામી હનુમાનપ્રસાદ
(૧૦) કબીર બીજક, સ્વામી બ્રહ્મલીન મુનિ
(૧૧) કબીર બીજક, ડૉ. શુકદેવસિંહ
(૧૨) કબીર બીજક (ભા-૧), અભિલાષ સાહેબ
(૧૩) કબીર દર્શન, અભિલાષ સાહેબ
રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર આપણા પ્રસિદ્ધ સાહિત્યકાર અને મૂર્ધન્ય વિવેચક મુ. શ્રી. ડૉ. રમણલાલ જોશીએ પોતે અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં પોતાનો કીમતી સમય આ લઘુગ્રંથની મૂલ્ય વધારનારી યાશોદાયી તેમજ ઉપયોગી પ્રસ્તાવના લખી આપી તે મારા જીવનનું સદ્દભાગ્ય સમજું છું. તેમના તરફથી સમાજને અવારનવાર માર્ગદર્શન મળ્યા કરશે એવી અપેક્ષા જરૂર રાખીએ. વળી છાપકામમાં હમેશ મદદરૂપ થનાર મારા પ્રિય મિત્રશ્રી નટુભાઈ પટેલનો કયા શબ્દોમાં આભાર માનું ?
શ્રી રામકબીર ભક્ત સમજે આ ગ્રંથશ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદ્દગુરુ કબીર સાહેબને ફરી વાંચી વિચારી સમજવા સ્વાધ્યાયની સોનેરી તક આપી તેથી સમાજનો હું ઋણી છું.
અંતે શ્રી સરસ્વતીબહેન ધીરુભાઈ દેસાઈએ ટ્રસ્ટના પુસ્તક પ્રકાશન કાર્યને મોટી રકમનું દાન આપી ખૂબ વેગીલું બનાવ્યું છે તે કેમ ભૂલી જવાય ? તેમના જેવા સજ્જનોથી જ આવી પ્રવૃત્તિઓ જીવંત રહી શકે છે તેની સાભાર નોંધ લઈ આનંદથી લાગણી અનુભવું છું.
ઈશ્વરભાઈ પ્ર. પટેલ
કપુરા-૩૯૪૬૫૫
જી. સુરત
તા. ૧૦ જુલાઈ ૧૯૯૧
Add comment