કબીરમાં મને એક સાથે ભક્તિ અને ક્રાંતિના સહઅસ્તિત્વમાં દર્શન થાય છે. ખંડન અને મંડનના સમન્વિત પ્રસ્થાપન વગર કોઈ સમાજ સાચી આધ્યાત્મિકતા જાળવી ન શકે. કબીરના જીવનદર્શનમાં ખંડન અને મંડનનો સુમેળ આબાદ પ્રગટ થયો છે. પંદરમી સદીમાં ભારતમાં ધર્મને નામે જે શિથિલાચાર મુલ્લા-મહંતોએ ચલાવ્યો તેની સામે કબીરે બગાવત કરી. તેને હું કબીરક્રાંતિ કહું છું. ક્રાંતિમાં ખંડનનું તત્વ વિશેષ હોય છે. કબીર ખંડન કરીને અટકી નથી ગયા. ભક્તિના મૂળ તત્વને એમણે પોતાના જીવન દ્વારા પરિશુદ્ધ કર્યું અને અનેક પદો, સાખીઓ અને ભજનો દ્વારા લોકો સુધી પહોંચાડ્યું. આવું થયું તેમાં મંડનનું તત્વ જોવા મળે છે. ખંડન અને મંડનનો આવો અદ્ભુત સમન્વય કબીરને બીજા અનેક સંતોથી જુદા પાડે છે અને ખૂબ જ ઊંચા આસને બેસાડે છે. હું કબીરક્રાંતિનો આશક છું અને કબીરનાં ભજનો મને ભીનાશથી ભરી દે છે. કબીરક્રાંતિમાં મને તણખા દેખાય છે અને કબીરભક્તિમાં મને ઝાકળબિંદુનો સંસ્પર્શ થતો જણાય છે. આ છે મારા કબીરપ્રેમનું રહસ્ય.
શ્રી ઈશ્વરભાઈ પટેલે ‘કબીર ભજન સુધા’ પુસ્તક લખીને બહુ મોટી સેવા કરી છે. તેઓએ લાંબા સંશોધન અને પર્યટનને અંતે કબીરનાં પદોનું સંકલન, સંપાદન અને શુદ્ધિકરણ કર્યું છે. પાને પાને જે ફૂટનોટ એમણે લખી છે તેનાથી પુસ્તકની ગુણવત્તામાં ઉમેરો થયો છે. એમણે આ પુસ્તક પ્રગટ કરીને થોડાક તપને અંતે સિદ્ધ કર્યું છે કે તેઓ કબીર અંગે યોગ્ય અધિકારી લેખક છે. ભક્ત પાટીદારો કબીરના રંગે રંગાયેલા છે તેથી મને એમના પ્રત્યે થોડોક ખાનગી પક્ષપાત છે. શ્રી ઈશ્વરભાઈએ આવું સુંદર પુસ્તક લખીને મારો પક્ષપાત વધારી મૂક્યો છે. હું એમને આવા સુંદર કાર્ય બદલ અભિનંદન આપું છું. એમના પરિવારના સંપર્કમાં હું વર્ષો પહેલાં આવેલો. એમના ભાઈ કપુરાના સદ્ગત વિઠ્ઠલભાઈ સાથેની મારી મૈત્રી ભીની હતી.
કબીર પછી પાંચ સદીઓ વીતી તોય આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા, વહેમ અને ધતિંગ ઓછાં થવાનું નામ નથી લેતાં. ભલભલા ભણેલા માણસો અંધશ્રદ્ધામાં અટવાતા જોવા મળે છે. આવું બને ત્યારે અચૂક કબીરનું પાવનકારી સ્મરણ થાય છે. આ પુસ્તક પ્રત્યેક ગુજરાતી પરિવારમાં પહોંચે એમ બની શકે તો કહેવાતી ધર્મજડતા ટળે અને સ્વચ્છ ભક્તિભાવનો ઉદય થાય. ફરી શ્રી ઈશ્વરભાઈને આવા સુંદર પ્રદાન બદલ અભિનંદન આપું છું અને પરદેશોમાં વસેલા ભારતીય કબીરભક્તોને કબીરક્રાંતિનો મર્મ પામવાની પ્રેરણા આપવામાં આ પુસ્તક ઉપયોગી થશે એવી શુભેચ્છા પાઠવું છું.
- ડૉ. ગુણવંત શાહ, ટહુકો
વડોદરા - ૩૯૦ ૦૨૦
તા. ૨૩-૫-૧૯૯૬
Add comment