Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

જેમ ‘ગુરૂ ગ્રંથ સાહિબ’ શીખોમાં અતિ પવિત્ર ગણાય છે તેમ ‘નાદબ્રહ્મ’ ગુજરાતના શ્રી રામકબીર સંપ્રદાયમાં અતિ પવિત્ર ગણાય છે. જ્ઞાનપૂજક હોય તે ગ્રંથોને સદ્‌ગ્રંથોનું સ્વરૂપ આપે અને આદરપૂર્વક તેમાં રહેલ જ્ઞાનનું વારંવાર સ્મરણ પણ કરે. જેમ શીખો ‘ગ્રંથ સાહિબ’ નો વારંવાર પાઠ કરે છે તેમ શ્રી રામકબીર સંપ્રદાયના સભ્યો પણ વાર તહેવારે ‘નાદબ્રહ્મ’ નાં ભજનો ગાતાં હોય છે. જોકે ‘ગુરૂ ગ્રંથ સાહિબ’ ની પવિત્રતા શીખો જેટલી જાળવી શક્યા છે તેટલી ‘નાદબ્રહ્મ’ ની પવિત્રતા શ્રી રામકબીર સંપ્રદાયમાં આજે જાળવી શક્યા નથી તે તો સમયની જ બલિહારી ગણાય. એમ જોવા જઇએ તો બંને પવિત્ર ગ્રંથના ઇતિહાસમાં મોટો તફાવત પણ રહેલો છે. ‘ગુરૂ ગ્રંથ સાહિબ’ નો ઉદ્‌ભવ ઈ.સ. ૧૬૦૪ માં ગુરૂ અર્જુનદેવના શુભ હસ્તે થયેલો. તેમાં જુદા જુદા સંતકવિઓનાં પદોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ‘નાદબ્રહ્મ’ માં એ જ રીતે અનેક સંતકવિઓનાં પદોનો સમાવેશ કરવામાં તો આવ્યો જ છે, પરંતુ તે કાર્ય ગુરૂ અર્જુનદેવ જેવા પ્રતિભાશાળી પવિત્ર ધર્મગુરુના હાથે નથી થયું. વળી તે કાર્ય છેક હમણાં જ એટલે કે નજીકના ભૂતકાળમાં જ કરવામાં આવ્યું હતું. તેની પહેલી આવૃત્તિ ઈ.સ. ૧૯૫૮ માં બહાર પડી ત્યારે તેનું નામ પણ જુદું જ હતું. ‘શ્રી રામકબીર ભજન સંગ્રહ’ એવું નામ આપવામાં આવ્યું હતું. ‘નાદબ્રહ્મ’ તો તેની બીજી આવૃત્તિનું નામ છે. છતાં તેનું મહત્વ તેથી ઓછું થઈ જતું નથી. જ્ઞાનપૂજકને મન તો ‘શબ્દ’ બ્રહ્મસ્વરૂપ જ છે. તેથી તે તો તેની પવિત્રતાનો મહિમા કરશે જ. ‘નાદબ્રહ્મ’ માં સંગ્રહિત થયેલાં પદો છેલ્લાં ચારસો વર્ષથી શ્રી રામકબીર સંપ્રદાયમાં સારાં નરસાં પ્રસંગે ધાર્મિક વિધિ તરીકે ગવાતાં આવ્યાં છે. આ સંપ્રદાયમાં બ્રાહ્મણોની જરૂર પડતી નથી. કારણ કે સંપ્રદાયમાં ક્રિયાકાંડનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જો કાંઈ ક્રિયાકાંડ કરવો જરૂરી લાગે તો તે ભજનો દ્વારા જ  થાય. આ રીતે ભજનો જ વિધિ ગણાતી હોવાથી તે સૌ પદો વંશપરંપરાગત કંઠસ્થ જ રહેતાં. ભણતરનું પ્રમાણ પણ નહિવત્ હતું એટલે હસ્તલિખિત ગ્રંથ પણ ભાગ્યે જ તૈયાર કરી શકાતો. આ રીતે ભજનોનું વિધિમાં મહત્વનું સ્થાન ગણાતું તેથી તે સૌ પદો કંઠસ્થ રાખ્યા વિના છૂટકો ન હોતો. સમયના પરિવર્તન સાથે તે પદોને શબ્દસ્થ કરી ગ્રંથસ્થ કરવાની આવશ્યકતા ભારત દેશ આઝાદ થયો ત્યારે લાગી એટલે ઈ.સ. ૧૯૫૮ માં ‘નાદબ્રહ્મ’ નો ઉદ્‌ભવ થયો. એમાં કુલ ૯૦૦ જેટલા જુદા જુદા સંત કવિઓના પદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સદ્‌ગુરૂ કબીરસાહેબનાં પદો તો એમાં માત્ર ૧૪૬ જેટલાં જ છે. એના કરતાં ‘ગુરૂ ગ્રંથ સાહિબ’ માં કબીર કૃત રચનાઓની સંખ્યા વધારે છે. છતાં ‘નાદબ્રહ્મ’ માં જેટલાં પણ પદો છે તે સમયે સમયે આજે પણ ગાવામાં આવે છે. પરંતુ ગાનારને અને સાંભળનારને તે એક સરખી રીતે સમજાતા નથી. તેથી જ કદાચ આ પરિવર્તનકાળમાં તેની પવિત્રતા લોકમાનસમાં એકસરખી રીતે જળવાયેલી જણાતી નથી. લોકો ભજન બરાબર સમજી શકે અને તેની જરૂરી પવિત્રતા જાળવી શકે તેવા ઉદ્દેશથી આ ‘કબીર ભજન સુધા’ નામનો લઘુગ્રંથ સમાજના જાગૃત આગેવાનોએ વેળાસર પ્રસિદ્ધ કર્યો તે એક આનંદની ઘટના ગણાય.

આ પુસ્તકના સંપાદનનું કાર્ય જ્યારે મેં ઉપાડ્યું ત્યારે વિદ્વાન મિત્રોએ પદોનાં મૂળ સ્વરૂપને શોધીને પ્રગટ કરવા ખાસ વિનંતિ કરી. કારણ સ્પષ્ટ છે :  ‘નાદબ્રહ્મ’ માં પદો આજે જે સ્થિતિમાં છે તેમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની અધૂરપ ઉડીને આંખે વળગે તેવી છે - ભાષાની ભેળસેળ, થઈ ગયેલી ઉલટસૂલટ પંક્તિઓ અને અર્થસંગતિમાં બાધક બને તવા ઘુસી ગયેલા ફાલતુ શબ્દ પ્રયોગો. સમયના વહેણ સાથે જગતના પ્રત્યેક સદ્‌ગ્રંથોમાં પ્રક્ષેપો થયા જ કર્યા છે તે સર્વ વિદિત ઘટના છે. તેથી ‘નાદબ્રહ્મ’ નાં પદોમાં પણ એવું બન્યું હોય તે એકદમ સ્વાભાવિક ગણાય. વળી કબીરસાહેબનાં પદો મૂળ તો જૂની હિંદી ભાષામાં ગુજરાતમાં તે પદો સંતો દ્વારા આવ્યાં હશે. તે સમયે લહિયાએ ઉતારો કરવામાં ગરબડ તો કરી જ હશે. આ તમામ પદો કંઠસ્થ હતાં એટલે કંઠસ્થ રાખનારનો સ્મૃતિ દોષ પણ ગરબડ કરવામાં ઉપયોગી બની શકે. ફરીવાર તે પદો શબ્દસ્થ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ ભૂલચૂક તો થઈ જ હશે. પરિણામે આજે ઉપર જણાવેલી ત્રણે પ્રકારની અધૂરપો ‘નાદબ્રહ્મ’ નાં પદોમાં જણાય છે.

છેલ્લા પચાસ વર્ષોમાં ભારતમાં પણ પ્રિન્ટીંગ પ્રેસનો સારો વિકાસ થયો. એટલે હસ્તલિખિત પ્રતો તરફ સ્હેજે નિષ્કાળજી પેદા થઈ. ભણેલાં પણ આર્થિક ક્રાંતિના ઉછાળમાં બેધ્યાન બની ગયા. બેદરકારી તે કારણે વધે એટલે હસ્તપ્રતો પણ યથાવત્ રહી શકે નહિ. તે અપ્રાપ્ય પણ બની ગઈ. આજે શોધીએ તો કદાચ મળે પણ ખરી. પરંતુ એવું કામ સમય માંગી લે છે. સમય ફાળવવો શક્ય ન લાગ્યો એટલે મેં પ્રગટ થઈ ગયેલાં પુસ્તકો તરફ ખાસ ધ્યાન આપ્યું.

મારે જે પદો પર શોધકાર્ય કરવાનું હતું તે સર્વ પદો મેં વડોદરા નિવાસી કબીર સાહિત્યના મર્મજ્ઞ વિદ્વાન વડીલ શ્રી ચંદ્રકાંત મહેતાને બતાવ્યાં. તેમની સાથે રહી દિવસો સુધી ચર્ચા વિચારણા કરવાને મને અદ્‌ભૂત લહાવો મળ્યો. તેમની પાસેથી મને ‘શબ્દામૃત સિંધુ ગ્રંથ’ મળ્યો. ત્યાર પછી હરિદ્વાર જવાનું થયું તો ત્યાં હિન્દીના વિદ્વાન ફકીરના સંપર્કમાં આવવાનું બન્યું. તેમની પાસેથી ‘કબીર પંથી શબ્દાવલી’ નામના બૃહદ્ ગ્રંથની માહિતી મળી. તે ગ્રંથ શોધતો શોધતો દિલ્હી ગયો ત્યાં મને ભારત સરકારની સાહિત્ય એકેડેમીએ પ્રકાશિત કરેલ ગ્રંથ ‘કબીર વચનાવલી’ હાથ લાગ્યો. ત્યાંથી બનારસ ગયો તો મને યુનિવર્સીટીએ પ્રકાશિત કરેલા કબીર વાઙમયનાં છ ગ્રંથો મળ્યા. તે ભગવાનના પ્રસાદ જેવા ગણાયા. ત્યાંથી મુંબઈ ગયો તો ત્યાં મને ‘કબીર પંથી શબ્દાવલી’ નો બૃહદ્ ગ્રંથનાં દર્શન થયાં. આ રીતે સદ્‌ગુરુની અસીમ કૃપાથી મારું કાર્ય સરળ બનતું ગયું.

સ્વામી હનુમાનદાસે સંપાદિત કરેલ ‘શબ્દામૃત સિંધુ’નું મૂલ્ય ઘણું છે. સ્વામી હનુમાનદાસે પોતાનું આખું જીવન કબીરવાણી માટે જ સમર્પિત કર્યું હતું. તે જ રીતે ‘કબીર પંથી શબ્દાવલી’નાં સંપાદક સ્વામી યુગલાનંદે વિહારીનું જીવન પણ કબીરવાણી માટે સમર્પિત હતું. ‘કબીરપંથી શબ્દાવલી’ એક બૃહદ્ પદ સંગ્રહ છે. એમાં સાત હજારથી પણ વધુ પદોનો સંગ્રહ છે. તેનું નામ ‘કબીર પંથી શબ્દાવલી’ એટલા માટે રાખવામાં આવ્યું છે કે તેમાં કબીર સાહેબનાં પદો સિવાય ધર્મદાસાદિ કબીરપંથી સંતકવિઓની વાણીનો સંગ્રહ પણ છે. ‘કબીર વચનાવલી’ સાહિત્ય જગતમાં અતિ પ્રસિદ્ધ છે. તેના સંપાદક પંડિત અયોધ્યાસિંહ હરિઔધ હિન્દી સાહિત્યના મૂર્ઘન્ય વિદ્વાન તરીકે જાણીતા છે. વારાણસી વિશ્વવિદ્યાલય દ્વારા પ્રકાશિત કબીર વાઙમયના છ ગ્રંથો ડૉ. જયદેવસિંહ અને ડૉ. વાસુદેવસિંહ દ્વારા તૈયાર થયેલ હોઈ અતિ ઉપયોગી છે. તે સંગ્રહો અદ્યતન સંશોધનને આધારે વૈજ્ઞાનિક અભિગમથી તૈયાર કરવામાં આવ્યાં હોવાથી મને અતિશય ઉપયોગી નીવડ્યા.

‘શબ્દામૃત સિંધુ’ અને ‘કબીરપંથી શબ્દાવલી’ ગ્રંથો તો સોનાની ખાણ જેવા છે. જેમ જેમ તે ગ્રંથોમાંથી નાદબ્રહ્મનાં પદો મળતાં ગયાં તેમ તેમ હું તેના ઊંડા અભ્યાસમાં ઉતરતો ગયો ને મને સમજાતું ગયું કે એ બધાં પદોમાં પણ સંશોધનને ઘણો અવકાશ છે. સોનાની ખાણમાંથી સોનું સીધે સીધું નથી મળતું હોતું. ચોક્કસ પ્રકારની મહેનત કરવામાં આવે પછી જ સોનુ ઉપલબ્ધ બને છે. આ ગ્રંથોનાં પદો પણ એવી મહેનત માંગે છે. પાઠભેદની પણ સમસ્યા ઉકેલવી પડે એમ છે. ‘કબીરપંથી શબ્દાવલી’ માં તો ત્રણેક પદોનાં જુદાં જુદાં બે બે સ્વરૂપો મળી આવ્યાં. કયું પદ અસલી તે નક્કી કરવાનું કાર્ય કઠિન થઈ પડ્યું. તે સાબિત કરે છે કે તે પદો પણ ચોક્કસ પ્રકારની મહેનત માંગે છે. તેથી ‘કબીર ભજન સુધા’ માં રજૂ કરવામાં આવેલા પદો આખરી સ્વરૂપનાં છે એમ ગણી શકાય નહીં. છતાં પણ ‘નાદબ્રહ્મ’ નાં પદોમાં જે અશુદ્ધિઓ છે તેનાં કરતાં તો અનેક ઘણાં શુદ્ધ ને ચોકસાઈવાળાં પદો આ સંગ્રહમાં રજૂ કરવામાં આવ્યાં છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ રીતે માત્ર ૩૪ પદોનાં મૂળ રૂપ મળી શક્યાં છે, બાકીનાં ૨૬ પદો તો ‘નાદબ્રહ્મ’ માં જે સ્વરૂપે છે તેવાં જ પ્રકાશિત કર્યાં છે.

ઈ.સ. ૧૯૮૭નાં ફેબ્રુઆરી માસમાં કબીરવાણી સમજવા માટે કુલ પાંચ પુસ્તકો તૈયાર કરી આપવા મેં શ્રી રામકબીર ભક્ત સમાજને વચન આપેલું તે આધારે આ પાંચમું પુસ્તક ‘કબીર ભજન સુધા’ સમાજને ચરણે ધરતાં આનંદ થાય છે. આ સંગ્રહના પ્રત્યેક પદોમાં “आत्मा वा अरे श्रोतव्य: मंतव्य: निद्विथ्यासितव्य:” એ ઔપનિષદિક રણકાર વ્યંજિત થયા કરતો મેં અનુભવ્યો છે. તેથી એમ ન સમજવું કે કબીર સાહેબ વેદ-ઉપનિષદ્‌નાં પક્ષકાર બની તેની વકીલાત કરે છે. કદાચ  વેદ-ઉપનિષદ્‌નાં તેમણે દર્શન પણ ન કર્યા હશે. તેઓ જો અક્ષર જ્ઞાનથી વંચિત જ રહ્યા હોય તો તેને વાંચી પણ કેવી રીતે શકે ?  છતાં તેઓ અનુભવી મહાપુરુષ હતા. તેમણે સૌ પ્રથમ આત્મસાક્ષાત્કાર કર્યો જ હશે તેથી તેમની સ્વાનુભૂતિની વાણીમાં શાસ્ત્ર સંમત રણકાર સંભળાય તેમાં આશ્ચર્ય શું ?  ચૈતન્યની એક અખંડ ધારાનો અમર્યાદપણે કરેલો અનુભવ વેદાંતનો સર્વોત્તમ અનુભવ ગણાય તેની પ્રતીતિ 'સહજ સમાધ ભલી’ જેવા પદમાં થાય છે. તેવા અનુભવથી સમૃદ્ધ વેદાંતી વ્યવહારમાં કેવી રીતે વર્તે તે દર્શાવી કબીર સાહેબે વેદાંત પણ વ્યવહારુ બની શકે તેની ખાત્રી કરાવી છે. ભિન્નતાની ભ્રાંતિ ટળે તે અભેદાનુભવ યોગી પણ કરતો હોય છે અને સચરાચરમાં વ્યાપેલ ચૈતન્યની એક અખંડધારાને તે આત્મ તત્વના નિજી અનુભવથી પામી જતો હોય છે તેવું દર્શન ધમારનાં પદોમાં જણાય છે. પાંચ ઈન્દ્રિયો ને છઠ્ઠું મન ત્યારે દિવ્ય બની જઈ યોગીને સહાયક થાય છે તે ‘સુરતિ સુહાગનિ ખેલે ફાગ’ જેવાં પદોમાં જોઈ શકાશે.

ધમારનાં પદોમાં કબીરસાહેબનું યૌગિક માનસ સરસ રીતે અભિવ્યક્ત થયું છે. તેમાં યોગ વિશેની તેમની આગવી દૃષ્ટિનું પણ દર્શન થાય છે. ‘સુરતિ’, ‘સુન’ આદિ શબ્દોનો વારંવારનો ઉપયોગ બુદ્ધ ભગવાનના શૂન્યવાદને યાદ કરાવે છે. જોકે બુદ્ધ ભગવાન ‘સુરતિ’ શબ્દને સમ્યક્ પ્રકારની જાગૃતિ - સાવધાનીના અર્થમાં પ્રયોજે છે. કબીરસાહેબ લોકભાષામાં તેને પ્રયોજે છે ત્યારે ચિત્તની વૃત્તિ તેમને અભિપ્રેત હોય તેમ લાગે છે. ‘શૂન્ય’ શબ્દ દ્વારા અહંકાર શૂન્યતાની અવસ્થા બુદ્ધ ભગવાને અભિપ્રેત છે જ્યારે કબીરસાહેબ ‘સૂન’ ને યૌગિક પરિભાષાના સ્વરૂપે પ્રયોજે છે. આજ્ઞા ચક્રના ઉપરના ભાગને ગગન મંડળ તરીકે તેઓ ઓળખાવે છે ને તેમાં ‘શૂન્ય’ નામનું શક્તિનું એક ચક્ર છે. તે ચક્રમાં શક્તિ પહોંચે ત્યારે મન ઉન્મન બની જાય છે અને યોગીને સંપૂર્ણપણે તે સહકારી બની પરમાત્માનાં દિવ્ય દર્શન કરાવરાવે છે. કબીરસાહેબના સમયમાં હઠયોગનો પ્રભાવ વિશેષ હશે તેની ના નહિ, પણ કબીરસાહેબનાં પદોમાં વ્યક્ત થતો યોગ કેવળ હઠયોગ નથી, પણ રાજયોગ ને લયયોગનો તેમાં સમન્વય છે. તેમાં યોગની પરિભાષાનો કેવળ ઉપયોગ નથી, પણ પોતે અનુભવેલા યોગના સર્વોત્તમ અનુભવોનું બ્યાન પણ છે. યોગમાર્ગ ક્રિયાપ્રધાન માર્ગ કહેવાય. તેમાં તેમણે જ્ઞાન ને ભક્તિનો પણ સમન્વય કર્યો છે. જ્ઞાન, ભક્તિ ને કર્મના ત્રિવેણી સંગમથી કબીરસાહેબના યોગ દ્વારા જીવનને પ્રયાગરાજનું તીર્થ બનાવી શકાય છે તેવી તે પદોમાં પ્રતીતિ થાય છે.

માટે કબીરસાહેબનો રામ તે આતમરામ. લગભગ દરેક પદમાં તેમનું આત્મવાદી વલણ વ્યક્ત થયા જ કરતું હોય છે. ‘મારું મન માન્યું રમતા રામસું” જેવા પદમાં સ્પષ્ટપણે તો આરતીનાં પદોમાં યૌગિક પરિભાષાના ઉપયોગથી આડકતરી રીતે વ્યક્ત થતું જણાશે. “હરિરંગ લાગા હો” જેવા પદમાં જાણે શાસ્ત્રાર્થ કરતાં હોય તેવી શૈલીથી તાર્કિક રીતે પણ તેઓ પોતાની સ્વાનુભૂતિને સરસ રીતે વ્યક્ત કરી જાણે છે.

કહૈ કબીર કૃપા કરી જિન પર, જ્યોં હેં ત્યોં સમજાય આ પંક્તિમાં આપણને न अयम् आत्मा प्रवचनेन भम्यो - એ ઉપનિષદ્‌નો શ્લોક પડઘાતો જણાશે. આત્મા જેના પર કૃપા કરે છે તેને જ પોતાનું સ્વરૂપ તે પોતે બતાવે છે એવું તે શ્લોકમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. આત્મ ચૈતન્યનું સ્વરૂપ સગુણ કે નિર્ગુણ તે અંગેના અભિપ્રાયો માત્ર અનુમાન જ હોય છે એવું સ્પષ્ટીકરણ કરવામાં તેઓ ખંચકાટ અનુભવતા નથી કારણકે તેમાં તેમની દૃઢ આત્મશ્રદ્ધાનો ધ્વનિ છે. વૈખરી વાણીની મર્યાદા તે દ્વારા વ્યક્ત થાય છે. સગુણ - સાકાર કે નિર્ગુણ - નિરાકાર શબ્દો તો માત્ર આંશિક દર્શનને જ વ્યક્ત કરે છે. આત્મા કેવળ શરીરમાં જ પોતાનું કામણ કરી રહ્યો છે એવું નથી પણ તે શરીરની બહાર અનેક વિધ નાના મોટા જીવોની જિજિવિષામાં, વનસ્પતિઓની હરિયાળીમાં અને પ્રકૃતિના મનમોહક સૌંદર્ય રાશિમાં પણ પોતાની લીલાનું ગાન કરી રહ્યો જણાય છે. ‘રમી રહ્યો ભરપૂર રંગીલો’ પદમાં તેની પ્રતીતિ સ્પષ્ટપણે થશે. તે આત્મા સૌથી નજીક હોવા છતાં અજ્ઞાનતાથી લોકો તેને દૂર માનીને જંગલોમાં, મંદિરોમાં, તીર્થોમાં કે મક્કામાં શોધે છે ને પોતાના મહામૂલ્યવાન માનવ જન્મને વ્યર્થ રીતે વેડફી નાંખે છે તે અંગે કરૂણામય ટકોર પણ તેઓ કરે છે. આ સમસ્ત સંસાર મનનું જ સર્જન છે. ‘મનસા રચ્યો હિંડોલ’ શબ્દો શ્રુતિ ગ્રંથના मनसा जाता - વચનની યાદ અપાવે છે. સાક્ષાત્ હરિ પણ એ હિંડોળે ઝૂલવા વારંવાર આ જગતમાં આવે છે તેની રસિક વાત પણ તેઓ કરવાની ચૂકતા નથી. જે માયા આતમરામથી જીવને દૂર રાખે છે તે જ માયા તો મનમાં જ રહેલી છે. તેથી મનની કેળવણીનું મહત્વ આત્મદર્શનને માટે અગત્યનું બની જાય છે તે અંગે તેઓ ઈશારો પણ કરે છે.

કમલકી પૌંધ બસે એક દાદુર તાકો ભેદ ન પાવે
ફૂલવાસ કે ભોગી ભમરા લક્ષ કોસથી આવે

દેડકો કમળની પાસે જ રહેતો હોય પણ કમળનો મહિમા જાણી શકતો નથી. ‘દેડકો’ મનની ભોગલંપટ અવસથાનું એક પ્રતીક ગણાય. કાદવકીચડમાં પેદા થતી જીવાતોનું ભક્ષણ કરવાનો જ તેનો હેતુ હોવાથી તેની બાજુમાં ખીલેલાં કાદવ કીચડથી અલિપ્ત રહેતા, કમળ  તરફ તેનું કદી ધ્યાન જતું નથી. જ્યારે ભમરો તેનાથી આકર્ષાય છે અને તેનો મહિમા સમજે છે. ભમરો પણ તેથી મનની સહેજ ઊંચી અવસ્થાનું પ્રતીક ગણાય.

કબીરસાહેબનું સુધારાવાદી વલણ આક્રમક શૈલીમાં પ્રગટ થાય છે - ‘પંડિત બાદ બદે સો જૂઠા’ પદમાં. માત્ર પોપટની જેમ રામ બોલવાથી ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી એ મુદ્દાને તેઓ તાર્કિક બની જઈ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. બાહ્યાચાર મિથ્યાચાર તરફનો તેમનો અભિગમ પણ તેમાં આડકતરી રીતે વ્યક્ત થઈ જાય છે. સંસારમાં રહીને જ પ્રભુની ભક્તિ કરવાથી પ્રભુની પ્રાપ્તિ થઈ શકે છે તેવું વલણ પણ ‘અબ ક્યોં ન ચેતો રે’ પદમાં જણાય છે. લગ્ન જીવનનો ઉદ્દેશ પણ તેમાં સૂચિત થયેલો જણાશે. ‘માત પિતા સ્વારથ કે લોભી’ જેવા વચનો ઉગ્ર લાગે, પણ એકદમ સત્ય છે. યાજ્ઞવલ્ક્ય મુનિનો તેની પત્નીઓ સાથેનો સંવાદ યાદ આવ્યા વિના રહેતો નથી. મુનિ સ્પષ્ટ પણે પત્નીને જણાવે છે કે દરેકને સ્વાર્થને ખાતર જ દરેક વસ્તુ વહાલી લાગતી હોય છે. ‘તેરા સાહેબ હૈ તુજ માંહિ’ જેવાં વચનો જિસસની યાદ પણ કરાવે છે. સૈન્ત પિટર સાથેના સંવાદમાં કહેવામાં આવ્યું છે કે - The kingdom of God is within you. - આ રીતે કબીર સાહેબનું સ્પષ્ટ દર્શન, તેમની યોગ વિશેની સમજ, તેમનું આત્મવાદી વલણ, તેમની શાસ્ત્ર ગ્રંથો તરફની સમ્યક્ દૃષ્ટિ અને તેમનો સમન્વયવાદી સ્વભાવ આ ‘કબીર ભજન સુધા’ સંગ્રહમાં પાને પાને પ્રગટ થાય છે.

કબીરવાણીની ગંગામાં કબીરસાહેબને નામે ચઢી ગયેલી અન્ય રસિકજનોની વાણી પણ ભળી ગઈ છે તેનો પણ ‘નાદબ્રહ્મ’ ની કૃતિઓ તપાસતાં ખ્યાલ આવ્યો. કબીર સાહેબની ભાષા, તેમના સિદ્ધાંતો અને તેમની વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિની લઢણનો જેને ખ્યાલ છે તેને કબીરકૃત રચનાઓ અલગ તારવી કાઢવામાં સુગમતા થઈ પડે છે. કબીરસાહેબનું સમન્વયવાદી વલણ પણ આ કાર્ય કરતી વખતે લક્ષમાં રાખવું પડે એમ છે. નિર્ગુણ - નિરાકાર, સગુણ - સાકાર જેવી ચીલાચાલુ સમસ્યાઓના નિર્ણય વખતે તે વલણ અતિ ઉપયોગી થઈ પડે છે. કબીરસાહેબનો ઝોક નિર્ગુણ-નિરાકાર તરફનો ખરો પણ તેઓ સગુણ-સાકારની આત્યંતિક રીતે કાયમ અવગણના જ કર્યા કરે છે એવું જણાતું નથી. ‘કાહે ન મંગલ ગાવે’, ‘નિર્ગુણ જરાલક્ષ આવે’ કે ‘સંત સું અંતર નાહિ નારદ’ જેવાં પદો તે માટે ઉપયોગી નીવડે છે.

શ્રી રામકબીર ભક્ત સમાજે આ ગ્રંથ શ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદ્‌ગુરૂ કબીરસાહેબની વાણીનાં પવિત્ર માનસરોવરમાં ડૂબકી મારવાની સોનેરી તક પૂરી પાડી છે તેથી પરમ આનંદ સહિત સમાજનું ઋણ માથે ચઢાવું છું. મને આ સંગ્રહ તૈયાર કરવામાં માર્ગદર્શન રૂપ થનાર સ્વામી હનુમાનદાસજી, સ્વામી યુગલાનંદ વિહારી, પંડિત અયોધ્યાસિંહજી, ડૉ. જયદેવસિંહ તથા ડૉ. વાસુદેવસિંહ જેવા પ્રકાંડ પંડિતોના ગ્રંથરત્નો અતિ ઉપયોગી થયા છે. તેથી તેની સાભાર નોંધ લઈ તેઓનાં ચરણોમાં વંદન કર્યા વિના રહી શકતો નથી. નિવૃત્ત ન્યાયાધીશ તરીકે ખ્યાતનામ વડોદરા નિવાસી વિદ્વાન વડીલ શ્રી ચંદ્રકાંત મહેતાની પ્રત્યક્ષ મદદથી મને અણમોલ લાભ થયો છે તે કયા શબ્દોમાં વર્ણવું ?  તેમના સ્નેહાળ સ્વભાવથી હું ખરેખર આભારવશ થયો છું તે અત્રે જાહેર કર્યા વિના રહી શકતો નથી. પ્રવૃત્તિઓમાં અતિ વ્યસ્ત હોવા છતાં સમય ફાળવી જાણીતા ચિંતક ડૉ. ગુણવંત શાહે આ પુસ્તકની પ્રસ્તાવનામાં સમગ્ર પુસ્તકનો કાર્ડિયોગ્રામ અભિપ્રેત કર્યો તે બદલ એમનો આભાર વ્યક્ત કરી મારી પ્રવૃત્તિઓનો ભાર વાચકવર્ગને અર્પણ કરું છું.