Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૮, પૃષ્ઠ-૮, રાગ – ગોડી
(સંદર્ભ : ‘શબ્દામૃતસિંધુ’, પૃષ્ઠ-૩૧૨)

બહુત ભલો રે ભાઈ અવસર બહુત ભલો રે ભાઈ
માનુષ દેહ દેવનકો દુર્લભ, સોઈ દેહ તુમ પાઈ  - ૧

તજિ પ્રપંચ અવિદ્યા પાખંડ, છાડહુ માન બડાઈ
સાધુ સંગ મિલિ ભજુ હરિગુરૂકો, સોઈ સકલ સુખદાઈ  - ૨

જબ લો જરા રોગ નહિ તનમેં, લે ગુરુ જ્ઞાન ભલાઈ
માતુ પિતા સ્વારથ કે લોભી, માયા જાલ ફંસાઈ  - ૩

યહ ભવસાગર પાર તરનકો, નામ કી નાવ બનાઈ
હલકે હલકે પાર ઉતર ગૌ, બૂડે માન બડાઈ  - ૪

અજહું ચેત સમજ નર અંધા, યહ તન યહૂં ગમાઈ
કહહિં કબીર તન કાંચકે કુમ્ભા, બિનશન બાર ન લાઈ  - ૫

સમજૂતી
હે જીવ, આ મનુષ્ય દેહ દેવોને પણ મળવો મુશ્કેલ છે તે તને મળ્યો છે તેથી તને તો ઘણો કલ્યાણકારી સમય મળ્યો કહેવાય !  - ૧

સજ્જન પુરૂષોનો સંગ કરી ભગવત્ સ્વરૂપ સદ્‌ગુરૂની ભક્તિ કર કારણ કે તે જ સૌને માટે સદાય સુખ આપી શકે તેવું સાધન છે. માટે હે જીવ, અવિદ્યા, પ્રપંચ મિથ્યા પ્રવૃત્તિ, મિથ્યા અભિમાન ને મોટાઈ છોડી દે !  - ૨

જ્યાં લગી શરીરમાં રોગ નથી અને ઘડપણની અસર નથી ત્યાં સુધી હે જીવ, ગુરૂની આજ્ઞામાં રહી જ્ઞાન પ્રાપ્ત કરવામાં જ કલ્યાણ રહેલું છે. બાકી આ સાંસારિક સંબંધોની જાળ તો ફસાવે છે. ખુદ માતાપિતા પણ નિજી સ્વાર્થને ખાતર પુત્રોને ચાહે છે.  - ૩

જેણે સંસાર રૂપી સાગર તરી જવા માટે નામ સ્મરણની હોડી બનાવી હતી તે સૌ અભિમાન રહિત અવસ્થામાં સંસાર પાર કરી ગયા છે. બાકી બીજાં બધાં તો અભિમાનના ભારથી ડૂબી ગયા છે !  - ૪

માટે દેહના અભિમાનમાં આંધળા બનેલા હે જીવ, હજી પણ તું ચેતી જા !  નહિ તો મૂલ્યવાન ગણાતો તારો દેહ એમ જ નકામો વેડફાઈ જશે !  કબીર કહે છે કે આ શરીર તો કાચના ઘડા જેવું છે, જેનો નાશ થતાં વાર લાગતી નથી !  - ૫

----------

માણસ જન્મે ને મારે ત્યાં સુધીનો સમય અતિશય મૂલ્યવાન ગણાય છે. તે સોનેરી સમયનો સદુપયોગ માનવ પોતાના આત્મકલ્યાણને માટે કરી શકે છે તેથી તેનું સવિશેષ મહત્વ છે. બીજી યોનીમાં દેહ ધારણ કરવાથી તે તક મળતી નથી.

દેવયોનિ ભોગયોનિ ગણાય છે. જ્યારે માનવયોનિ મોક્ષ પ્રાપ્ત કરવા માટેની આખરી યોનિ ગણાય છે. દેવો પણ તે યોનિ પ્રાપ્ત કરવા ઝંખતા હોય છે. દેવોને પણ પ્રભુની કૃપા વિના માનવયોનિ પ્રાપ્ત થતી નથી. તેથી માનવયોનિ પ્રાપ્ત કરનાર જીવ ખરેખર સદ્‌ભાગી ગણાય.

સાધના કરી શકે તે સાધુ કહેવાય. માનવ જન્મ પ્રાપ્ત કર્યા પછી દુનિયાદારીથી અળગા થઈ માનવ જન્મનું મહત્વ સમજવા માણસે પ્રયત્ન કરવા પડે છે. તે પ્રમાણેની સમજ પ્રાપ્ત કર્યા પછી તેનો અમલ કરવા માટે ઘણું ઘણું મથવું પડે છે. મહેનત આત્મકલ્યાણનાં હેતુવાળી હોવાથી તે સાધના બની જાય છે. તેથી સાધના કરનારનું પણ આ સંસારમાં વિશેષ મહત્વ મનાય છે. સાધના કરનારનાં સંગમાં રહેવાથી પણ માનવને જન્મનું મહત્વ સમજવાની સુંદર તક મળતી હોય છે.

ભારતીય ધર્મ ને તત્વજ્ઞાનના ઇતિહાસમાં ઋષિ જ્ઞાનવલ્ક્યનું મહત્વ ઘણું છે. તેઓ સ્વતંત્ર વિચારથી તેમના યુગમાં પ્રસિદ્ધ થયેલાં. તેમણે કૃષ્ણયજુર્દેવથી અલગ થઇને શુકલયજુર્વેદની નવી શાખા ચાલુ કરેલી. તેમને બે પત્નીઓ હતી-મૈત્રેયી અને કાત્યાયની. તેમની શિષ્યાનું નામ ગાર્ગી. પત્ની સાથેના તેમના સંવાદો ખૂબ જ જાણીતા છે. મૈત્રેયી સાથેના તેમના સંવાદમાં તેમણે સ્પષ્ટ કહેલું કે દરેકને પોતાના સ્વાર્થને ખાતર જ દરેક વસ્તુ પ્રિય લાગતી હોય છે. તે હિસાબે ઘડપણમાં સેવા લેવાના સ્વાર્થમાં માતાપિતા પુત્રોને ચાહતા હોય છે તે વચન યાજ્ઞવલ્ક્ય ઋષિની યાદ અપાવે છે. કબીરસાહેબનું વચન કદાચ કડવું લાગશે પણ એટલું જ સત્ય ને ઉપયોગી પણ છે.

નામ સ્મરણનું મહત્વ જ્યાં સુધી મિથ્યા અભિમાન હોય ત્યાં સુધી સમજાતું નથી. જ્યાં સુધી અભિમાન હોય ત્યાં સુધી શ્રદ્ધા ને વિશ્વાસ પણ નહિવત્ હોય છે. જેમ જેમ અભિમાન ઓછું થતું જાય તેમ તેમ શ્રદ્ધા વધતી જ જાય. કબીરસાહેબની પ્રખ્યાત સાખી અહીં યાદ આવે છે :

જબ મૈં થા તબ હરિ નહીં, અબ હરિ હૈ હમ નાહિ
પ્રેમ ગલી અતિ સાંકરી તામેં દો ન સમાહિ.

અર્થાત્ જ્યાં સુધી અભિમાન હતું ત્યાં સુધી હરિનું દર્શન થઈ શક્યું નહિં. અભિમાન રહિત અવસ્થામાં જ હરિદર્શન શક્ય બને છે.

દેહભાવમાં આંધળા બનીએ ત્યારે દેહની અંદર રહેલા ભગવાનની સ્મૃતિ પણ થતી નથી. દેહની અંદર ભગવાન રહેલા છે તેથી દેહ મહત્વનો છે. પરંતુ અહંકારને કારણે નથી માનવનું મહત્વ સમજાતું કે નથી ભગવાનનું દર્શન થતું. તેથી દેહાસક્તિ ઓછી કરવા માટે અહીં ચેતવણી આપવામાં આવી છે. કાચના ઘડા જેવું શરીર છે. તેનો નાશ થતાં વાર લાગતી નથી. માટે માનવ દેહ પ્રાપ્ત થયો છે તો ચેતી જઈને અંદર રહેલા ભગવાનની સ્મૃતિ કરવી જરૂરી છે.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૮ : બહુત ભલો હૈ ભાઈ (રાગ - ગોડી)