Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૯, પૃષ્ઠ-૯, રાગ - ગોડી

કાહે ન મંગલ ગાવે, જશોદા મૈયા, કાહે ન મંગલ ગાવે
પુરણ બ્રહ્મ અખંડ અવિનાશી, સો તેરી ધેનૂ ચરાવે  - ૧

કોટિ કોટિ બ્રહ્માંડકે કર્તા, જપ તપ ધ્યાન ન આવે
ના જાણું યહ કૌન પુન્યસે, તાકો ગોદ ખિલાવે  - ૨

બ્રહ્માદિક ઈન્દ્રાદિક શંકર, નિગમ નેતિ કરી ગાવે
શેષ સહસ્ત્ર મુખ જપત નિરંતર, સો તાકો પાર ન પાવે  - ૩

સુંદર વંદન કમલદલ લોચન, ગૌધેનુકે સંગે આવે
આરતી કરત જશોદા મૈયા, કબીરાજી દર્શન પાવે  - ૪

સમજૂતી
પૂર્ણ અવતારી અખંડ ને અવિનાશી પરમાત્મા જાતે જ તારી ગાયોને ચરાવતા હોય તો હે જશોદા મા, તને પરમ આનંદ કેમ ન થાય ?  ત્યારે તારાથી મંગલ ગીતો ગાયા વિના રહી જ કેમ શકાય ?  - ૧

કરોડો બ્રહ્માંડોનાં સર્જક જપ ને તપ વડે પ્રાપ્ત થઈ શકતા નથી તે કયા પુણ્યોને કારણે તારી ગોદમાં ખેલી રહ્યા છે તે મને સમજાતું નથી !  - ૨

તેનું ગુણગાન બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-ઈન્દ્ર વગેરે દેવાધિદેવો અને સર્વે શાસ્ત્રો નેતિ નેતિ કહીને ગાયા કરે છે એટલું જ નહિ પણ ખુદ શેષ ભગવાન હજાર મોઢાથી સતત જપ્યા કરે છે છતાં તેનો પાર પામી શકતા નથી !  - ૩

જેની આંખો ને મોઢું કમળ સમાન સુંદર છે એવા પ્રભુને ગોવાળિયાને રૂપે ગાયોનાં ટોળાં સાથે આવતા જોઈને મા જશોદા પ્રેમપૂર્વક આરતી ઉતારે છે તેવું મંગલ દર્શન કરીને કબીર તો ધન્યતાનો અનુભવ કરે છે !  - ૪

----------

‘બ્રહ્માદિક’ શબ્દમાં શંકરનો સમાવેશ થઈ જાય છે. બ્રહ્માદિક એટલે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. મહેશ એટલે જ શંકર. તેથી “શંકર” શબ્દનો બીજીવાર ઉપયોગ થયો છે, તે બરાબર ગણાય નહિ. “શંકર” ને બદલે અહીં ‘દેવગણ’ શબ્દ હશે એવું અનુમાન થાય છે. ‘ઈન્દ્રાદિક’ શબ્દ પછી ‘દેવગણ’ શબ્દ વધુ ચોખવટ ભરેલો પણ લાગે છે. તેથી આ પંક્તિ આ પ્રમાણે ગાવી જોઈએ - “બ્રહ્માદિક ઈન્દ્રાદિક દેવગણ નિગમ નેતિ કરી ગાવે.”

શેષનાગ તે શેષ ભગવાન. તેને હજાર જીભ હતી એટલે તેને હજાર મોઢાં હોવાં જોઈએ એવી કલ્પના સ્વાભાવિક લાગે.

‘કબીરાજી’ને બદલે ‘કબીર હિ દર્શન પાવે’ એમ  વધારે યોગ્ય લાગે. ‘જી’ શબ્દ કરતા ‘હિ’ શબ્દનો હિંદીમાં વિશેષ ઉપયોગ થાય છે.

શું કબીરસાહેબને આવું દર્શન થયેલું ?  દર્શનનું મહત્વ કેટલું ?  શું તે સત્ય હોય ?  શું તે આભાસી ન હોય ?  આવા અનેક પ્રશ્નો ઉદ્‌ભવે તો આશ્ચર્ય નહિ. પ્રભુ પ્રાપ્તિના માર્ગમાં યોગી ભક્તને આવાં અનેક દર્શનો થતાં હોય છે એવું અનુભવી મહાપુરુષોનું કહેવું છે. તે આભાસી ન કહેવાય. તે દર્શન જેટલું સ્પષ્ટ હોય છે તેટલું જ સત્ય હોય છે.

વળી નિર્ગુણ ભક્તિના ગાયક સગુણ ભક્તિની મધુરતાનું આ કંઠ પણ કર્યા વિના રહી શકતા નથી એ કહીકત આધ્યાત્મિક ઈતિહાસમાં સ્વીકારાયેલી છે. જ્ઞાનની પ્રાપ્તિ પછી પણ ક્યારેક જાગતી ભક્તિની તીવ્ર-પ્રચંડ ભૂખ પ્રેમમય ભક્તિના માધુર્યનો મહિમા કરનારી છે. મહર્ષિ વ્યાસે જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી જ્ઞાન તથા કર્મના રહસ્યને સમજાવતા અનેક ગ્રંથોની રચના કરેલી. મહાભારત જેવા અદ્વિતીય  ગ્રંથનું સર્જન પણ કરેલું. છતાં પણ વ્યાસજીના હૃદયે તૃપ્તિ ન અનુભવેલી. બલ્કે બેચેનીનો જ અનુભવ કરેલો. નારદમુનિનો સંગ થતાં તે બેચેની તેમણે વ્યક્ત કરેલી ત્યારે નારદે પોતાના જીવનનો પૂર્વ ઈતિહાસ કહીને માર્ગદર્શન આપતાં સ્પષ્ટ કહેલું કે “તમારામાં જ્ઞાન-કર્મ બધું જ છે, પણ એક જ વાતની ખોટ છે. વિશ્વરૂપ ભગવાનની પ્રેમમય ભક્તિ જ ખૂટે છે. તે પૂરી કરો તો તમારા જ્ઞાન-કર્મ દીપી ઉઠશે.” મહર્ષિ વ્યાસે તેથી ભાગવતની રચના કરેલી ને સંતોષનો અનુભવ કરેલો. આ ઘટના આ પદને સમજવામાં અત્યંત ઉપયોગી થઈ પડશે.

આત્મજ્ઞાની મહાપુરુષ શ્રીમદ્‌ રાજચંદ્રના જીવનમાં છેલ્લે છેલ્લે અનુપમ ભક્તિનો ઉદય થયેલો. તેમને આત્મસાક્ષાત્કાર થઈ ચૂક્યા પછી પ્રેમમય ભક્તિની પ્રચંડ તરસ લાગેલી ત્યારે તેઓ કૃષ્ણમય બની ગયેલી ગોપીઓની દિવ્ય દશાઓનું મહત્વ સમજી શકેલા. તે પહેલાં કૃષ્ણ માટે તેમનો અભિપ્રાય જુદો જ હતો. અનુપમ ભક્તિના ઉદય પછી તેમણે કૃષ્ણતત્વનો અનુભવ કરેલો અને ભક્તિના માધુર્યને આકંઠ માણેલું એ  ઘટના પણ આ પદને સમજવામાં ઉપકારક થાય છે.

કબીરસાહેબ તો નિર્ગુણ ભક્તિના જ પુરસ્કર્તા એવું માનવાવાળા આ પદ કબીરસાહેબનું નથી એમ કહી છટકી જવા પ્રયત્ન કરે તો આ પદમાં રહેલું ભાવમાધુર્ય તે કેવી રીતે સમજી શકે ?  કર્તૃત્વનો ઈન્કાર કરવાનો માર્ગ સહેલો લાગશે, પણ તે ખોટો માર્ગ છે કારણ કે આધ્યાત્મિક જગતના અનુભવી પુરુષોએ જે સત્યનો અનુભવ કર્યો છે તે માત્ર ઈન્કાર કરવાથી મિથ્યા સાબિત થતો નથી.

માટે સગુણ ભક્તિની મધુરતાથી ઉભરાતું આ પદ તે હિસાબે સમજવું જોઈએ.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૯ : કાહે ન મંગલ ગાયે (રાગ - ગોડી)