Kabir Bhajan Sudha

કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

નાદબ્રહ્મ પદ-૨૯, પૃષ્ઠ-૧૩, આરતી

આરતી હો દેવ શિરોમણિ તેરી
અવિગત વિગત જુગત નહીં જાણું, ક્યોં પહોંચે બુધ મેરી ?  - ટેક

નિરાકાર નિર્લેપ નિરંજન, ગુણ અતીત તુમ દેવા
જ્ઞાન ધ્યાન સે રહેત ન્યારા, કિસ બિધ કીજે સેવા  - ૧

નિગમ નેતિ બ્રહ્માદિક ખોજે, શેષ પાર નહિ પાવૈ
શંકર ધ્યાન ધરે નિસિબાસર, સો ભી અગમ બતાવૈ  - ૨

સબ ગાવે અનુમાનસે અપને, તુમ ગતિ લિખી ન જાય
કહૈ કબીર કૃપા કરી જિન પર, જ્યોં૧૦ હૈ ત્યોં સમજાય  - ૩

સમજૂતી
હે સર્વશ્રેષ્ઠ દેવ, હું આરતપૂર્વક પ્રાર્થના કરું છું કે નથી મારી પાસે યોગની કોઈ જાણકારી કે નથી અન્ય કોઈ માહિતી. તમે અવિગત જ છો, મારી બુધ્ધિ તમારા સુધી તો કેવી રીતે પહોંચી શકે ?  - ટેક

તમે તો નિરાકાર ને નિર્લેપ છો. તમે દોષ રહિત છો કારણ કે તમે ત્રણે ગુણોથી પર છો.  જ્ઞાન ને ધ્યાનથી પણ તમે જાણી શકાતા નથી. તમારી સેવા પૂજા હું કેવી રીતે કરી શકું ?  - ૧

સર્વ શાસ્ત્રો ને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ તમારી શોધ ‘નેતિ’ ‘નેતિ’ કહીને કર્યા કરે છે. ખુદ શેષ ભગવાન પણ તમારો પાર પામી શકતા નથી. રાત દિવસ ધ્યાન કરી શંકર ભગવાન પણ તમને છેવટે તો અગમ્ય જ ગણાવે છે.  - ૨

કબીર કહે છે કે જગતમાં સર્વ કોઈ પોતપોતાના અનુમાન પ્રમાણે તમારા ગુણગાન ગાયા કરે છે. ખરેખર તમારી ગતિવિધિ કોઈ જાણતું જ નથી. માટે તમે અમારા પર કૃપા કરો અને તમે જેવા સ્વરૂપે છો તેવા સ્વરૂપનું દર્શન આપી બધું સમજાવી દો !  - ૩

----------

આરતી એટલે શું ?  આ + રતી. રતી એટલે પ્રેમ. આ એટલે સમગ્ર. મનનો સમગ્ર પ્રેમ ઈશ્વર તત્વમાં કેન્દ્રિત થાય ને જે પ્રાર્થના થાય તે આરતી કહેવાય. અત્યારે આપણા મનની સ્થિતિ જુદી જ છે. મનનો સમગ્ર પ્રેમ ઈશ્વરમાં કેન્દ્રિત નથી. થોડો પ્રેમ માલમિલકત તરફ, થોડો મોહને મમતા તરફ, થોડો માનમરતબા વધે તેવી કામના તરફ ને થોડો સુખેથી જીવવા તરફ મનનો પ્રેમ વહેંચાયેલો હોય છે. ક્યારેક ઈશ્વર તરફ પ્રેમ જાગે છે પણ માલમિલકત કે પુત્ર પૌત્રાદિ જેટલો તો નહીં જ. એટલે આપણી પ્રાર્થના સાચા અર્થમાં આરતી બની શકતી નથી. આપણી પ્રાર્થનામાં પ્રેમભાવની અધૂરપ રહેલી છે. આપણે મોભો સાચવવા, પ્રણાલિકા સાચવવા કે ખરાબ દેખાય નહીં તેટલા ખાતર પ્રાર્થના કરતા હોઈએ છીએ.

ભગવાનના હજારો નામો છે. ‘અવિગત’ તેમાંનું એક ગણાય. જેની વિગત જ કોઈ જાણી શકતું નથી તેવા પ્રભુનો પરિચય કરવો કેવી રીતે ?  કબીરસાહેબ સાખીમાં કહે છે :

જા કે મુંહ માથા નહીં, નાહી રૂપ કુરૂપ
પુહુપ બાસ તેં પાતરા ઐસા તત્વ અનૂપ

અર્થાત્ ફૂલની સુગંધથી પણ અતિ સૂક્ષ્મ એવા તત્વ રૂપે રહેલા તે પ્રભુને જાણવા મુશ્કેલ છે કારણ કે તેને કોઈ રૂપ કે રંગ કે આકાર જ નથી.

જાણકારો કહે છે કે તેને તો યુક્તિપૂર્વક જ જાણી શકાય. અહીં ‘જુગત’ શબ્દ યુક્તિનું જ અપભ્રંશ રૂપ છે. યુક્તિ શબ્દ યોગનો પર્યાય પણ ગણાય છે. યોગી પુરૂષો ધ્યાનની યુક્તિથી પરમાત્માનો પરિચય કરવા પ્રયત્ન કરે છે. પરંતુ મારી પાસે તો તેવી યોગની કોઈ જાણકારી પણ નથી. પ્રભુ પાસે પહોંચવું કેવી રીતે ?

અનુભવી પુરૂષોના વચન અનુસાર મન, વાણી કે બુદ્ધિ પરમાત્મા પાસે પહોંચી શકે નહીં. यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह એ ઉપનિષદ વચનનો અહીં પડઘો છે.

ભગવાન નિર્ગુણ ને નિરાકાર જ હોય તો તેની સેવા પૂજા પણ કેવી રીતે થઈ શકે ?  માનવમન સાકારથી ટેવાયેલું છે તેથી નિરાકારની ભક્તિ તેને કઠિન લાગે છે. તેથી તેના આકારની કલ્પના કરી તે મૂર્તિ પણ બનાવે છે.

‘નેતિ’ એટલે આ નહીં, આ નહીં એવી નકારાત્મક પદ્ધતિ, તે પદ્ધતિથી મૂલ સુધી પહોંચી શકાય છે એવો શાસ્ત્રોનો દાવો છે. શરીરમાં આત્માની ખોજ કરવી હોય તો હાથ આત્મા નથી, પગ આત્મા નથી, માથું આત્મા નથી, આંખ આત્મા નથી, કાન આત્મા નથી, નાક આત્મા નથી એવી રીતે શરીરના અંગોપાંગોને તપાસી છેવટે જે બાકી રહેશે તે આત્મા.

૭-૮ શેષ ભગવાન અને શંકર ભગવાન પાર ન પામી શકે તો સામાન્ય માણસનું તો ગજું જ શું ?

જગતના તમામ ધર્મો ને સંપ્રદાયો તથા નાના પંથો પોતપોતાના અનુમાનોથી પરમાત્માનું વર્ણન કર્યા કરે છે. પરંતુ તે આંધળા ને હાથીના દષ્ટાંત જેવું છે. એક આંધળાને હાથીનો કાન હાથમાં આવ્યો તો હાથી તેને સૂપડા જેવો લાગ્યો ને બીજાને પગ હાથમાં આવ્યો તો તેને થાંભલા જેવો લાગ્યો !

૧૦ આત્મા જેના પર કૃપા કરવાની ઈચ્છા કરે તેને જ તે પૂર્ણ સ્વરૂપે દર્શન આપે છે એવું ઉપનિષદ્‌નું વચન અહીં યાદ આવે છે. ‘પ્રવચનથી, તર્કથી કે શ્રવણથી આત્મા પ્રાપ્ત થતો નથી પણ જેના પર તેની કૃપા ઉતરે છે તેની સમક્ષ તે પોતાનું સ્વરૂપ ખુલ્લું કરે છે’ - કઠોપનિષદ્.

Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૨૯ : આરતી હો દેવ શિરોમણી તેરી