કબીર ભજન સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
નાદબ્રહ્મ પદ-૪૫, પૃષ્ઠ-૨૬, બેઠકનાં પદો
મારું૧ મન માન્યું રમતા રામસું, ભજી લોને સર્જનહારજી - ટેક
અરધ૨ ઉરધને ચોતરે, ત્યાં છે સંતનો મુકામજી
ચતુર૩ ચતુર નર સોદા કરે, ત્યાં નહીં મુરખનું કામજી - ૧
ચંદા સુરજ દોઉ સમવર્યા, તખ્ત ત્રિવેણીને૪ ઘાટજી
અંતર અજવાળા હોઈ રહ્યાં, વિઘ્ન૫ વ્યાપે ન અંગજી - ૨
ક્ષર૬ અક્ષરની ઉપરે, હંસ પહોંચ્યા ત્યાં જાયજી
કરમ ભરમ વ્યાપે નહીં, સુખમેં રહ્યો સમાય જી - ૩
અરસ પરસ એમ હોઈ રહ્યાં, બાજે અનહદ તૂરજી
દાસ કબીર નિરભય ભયા, લાગી અલખસું૭ લ્હેરજી - ૪
સમજૂતી
સર્વત્ર રમી રહેલા રામ સાથે મારું મન લાગી ગયું છે કારણ કે તે જ સર્જનહાર છે તેની પ્રતીતિ થઈ છે માટે તેને જ ભજી લો ! - ટેક
ત્રિકુટીને સ્થાને અરધ ઉરધનો ચોતરો છે ત્યાં સંત સ્વરૂપ દેવનો મુકામ લાગે છે. તેની પાસે જવા હોંશિયાર માણસો જ તૈયાર થાય, મૂઢ માણસોનું ત્યાં કામ નહીં. - ૧
સૂર્યને ચંદ્ર નાડી બંનેમાં પ્રાણવાયુ સમ બને ત્યારે ઈડા, પિંગલા ને સુષુમ્ણાનો ત્રિવેણી સંગમ થાય ત્યાં જનારના અંતરમાં અજવાળાં પથરાય જાય છે તેથી કોઈ પણ પ્રકારનાં દુઃખો તેના શરીરમાં વ્યાપી શકતા નથી. - ૨
પછી વિવેકજ્ઞાનથી યુક્ત તે જીવ રૂપી હંસલો ક્ષર અને અક્ષરના પ્રદેશોને વટાવી મહા શૂન્યના પ્રદેશમાં પહોંચી જાય છે. ત્યાં સર્વ પ્રકારના કર્મોને ભ્રમોમાંથી તે મુક્ત બની જાય છે ને પરમ સુખમાં ડૂબી જાય છે. - ૩
એ રીતે અરસ પરસ પરમ પુરૂષ સાથે સુખ માણતાં તેને અનાહત નાદની દિવ્ય ધૂન સતત સંભળાય છે. કબીર કહે છે કે અલખની સાથે એકરૂપ થઈ જતાં નિર્ભયતાની પ્રાપ્તિ થાય છે. – ૪
----------
૧ ‘મારું’, ‘ભજી લોને’ ગુજરાતી શબ્દો છે. આ પદમાં આત્મદર્શનનું મહત્વ ગાવામાં આવ્યું છે.
૨ ‘અરધ’ એટલે નીચે ને ‘ઉરધ’ એટલે ઉપર. શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર નીચે થયા કરતી હોય છે. શ્વાસની મર્યાદા ત્રિકુટી સુધીની ગણાય તેથી ત્યાં ચોરાનું રૂપક કલ્પ્યું. ત્યાં યોગીને પ્રકાશનાં દર્શન થતાં હોવાથી, કોઈ સંત સ્વરૂપ દેવનો મુકામ હોવો જોઈએ એવું અનુમાન સહેજે થાય.
૩ ચતુર નર એટલે ભગવાનનો હોંશિયાર ભક્ત. ગીતાના બારમા અધ્યાયમાં ભક્તના લક્ષણ જણાવ્યા છે તેમાં शुर्चिदक्ष: गत व्यथ: એમ કહ્યું છે. જે શુચિ એટલે પવિત્ર છે ને દક્ષ: એટલે હોંશિયાર છે ને ‘ગત્વ્યથ:’ એટલે વ્યથા-દુઃખો જેને પજવતા નથી. ભગવાનનો ભક્ત મૂઢ કે મૂરખ નથી હોતો.
૪ ચંદા, સુરજ, ત્રિવેણી, અરધ, ઉરધ વગેરે શબ્દો યોગની પરિભાષાના છે. કબીરવાણીમાં તેનો ઉપયોગ વારંવાર થયેલો જણાય છે. તેનો સ્પષ્ટ અર્થ આ પ્રમાણે કબીર સાહેબે કર્યો છે :
ચંદ સૂર એકૌ ઘર લાઓ, સુષમન સેતિ ધ્યાન લગાઓ
તીરબેની કે સંઘ સમાઓ, ભોર ઉતર ચલ પાર હૈ
અર્થાત્ ચંદ એટલે ઈડા નાડી ને સૂર એટલે પિંગલા નાડી ને સુષમન એટલે સુષુમ્ણા સાથે એક જ જગ્યા પર ધ્યાન દ્વારા જોડી દો તો ત્યાં તિરબેની એટલે ત્રિવેણી સંગમ થશે ત્યારે અંધારું મટી જઈ ભોર એટલે મળસ્કું થઈ જશે, સૂર્યોદય થઈ જશે એટલે પાર ઊતરી શકાશે.
૫ આધ્યાત્મિક યાત્રીને વિઘ્નો તો નડે પણ તેને સરળતાથી પાર કરી શકે છે તે જણાવતાં કબીર સાહેબે જણાવ્યું છે :
ડાકિની, સાકિની બહુ કિલકારે, જમકિંકર ધ્રમદૂત હંકારે
સતનામ સુન ભાગે સારે, સતગુરૂ કા નામ ઉચારા હૈ
અર્થાત્ ડાકિની, સાકિની એ યમના દૂતો ખૂબ કિકિયારી કરતાં હોય છે પણ સત્યપુરૂષનું નામ સાંભળીને ભાગી જાય છે. સદ્ગુરૂનાં નામોચ્ચારનો પણ પ્રભાવ ત્યારે અનુભવાય છે.
૬ શરીરમાં રહેલા શક્તિનાં ચક્રો બાબતમાં ઘણા મતભેદો છે. છતાં શક્તિનાં સ્થાનકો તો છે જ તે બાબતમાં તો એકમતિ છે. કબીરસાહેબે પણ સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે :
દસ થાનકકે આગે સમરથ જિન જગ મોહિ પઠાયા
કહૈ કબીર આદીકી બાની બેદ ભેદ નહીં પાયા
અર્થાત્ મને જે પરમાત્માએ આ જગતમાં મોકલ્યો છે તે તો આ દસ શક્તિનાં સ્થાનકોથી પણ આગળનાં પ્રદેશમાં રહે છે : આદિ પુરૂષની આ વાણી તો વેદને પણ ખબર નથી. આ દસ થાનક આ પ્રમાણે છે - મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા, સહસ્ત્રાર, બ્રહ્મ, પારબ્રહ્મ, શૂન્ય. આ દસથી પણ આગળ બીજા ચક્રો છે, જેમાં તે પરમાત્મા રહે છે, તે આ પ્રમાણે ગણાય : મહાશૂન્ય, દસમદ્વાર ને સતલોક. અહીં “ક્ષર-અક્ષરની ઉપર” કોઈ વિશેષ સ્થાનની વાત કરતાં જણાય છે. કબીરસાહેબે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે કર્યું છે :
દો પરબતકે સંઘ નિવારો, ભંવરગુફામેં, સંત પુકારો
હંસા કરતે કેલ અપારો, તહાં ગુરૂન દરબારા હૈ
અર્થાત્ ક્ષર-અક્ષરના બે પર્વતોની હાર તોડીને હે સંત, તું ભ્રમરગુફામાં પ્રવેશીને પોકાર કર ! ત્યાં જ હંસલો પરમસુખ માણતો હોય છે ત્યાં જ ગુરૂ પરમાત્માનો દરબાર ભરાય છે.
૭ અહીં અલખ એટલે આત્મા. આત્મદર્શન થવાથી સાધક નિર્ભયતાની પ્રાપ્તિ કરી લે છે. જન્મ ને મરણના ભયથી તે મુક્ત બની જાય છે. સતલોકમાં તે અલખ પુરૂષની સત્તા ચાલે છે. એટલે ત્યાં યમનું કાંઈ જ ચાલે નહીં.
દસવેં દ્વારે તાડી લાગી અલખ પુરૂષ જાકો ધ્યાન ધરૈ
કાલ કરાલ નિકટ નહિ આવૈ, કામ ક્રોધ મદ લોભ જરૈ (ક.વ.૨૧૪)
અર્થાત્ દસમ દ્વારે અલખ પુરૂષનાં દર્શન થાય છે ત્યારે કાળની સત્તા નષ્ટ પામે છે કે દુર્ભાવો બળીને ભસ્મ બને છે.
Related Link(s):
1. નાદબ્રહ્મ પદ-૪૫ : મારું મન માન્યું રમતા રામ શું
Add comment