કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧ભોગઉ ભોગ ભુગતિ જનિ ભૂલહુ, ૨જોગ જુગતિ તાન સાધહુ હો
જો યહિ ભાંતિ કરહુ ૩મતવાલી, તા મત કેચિત બાંધહુ હો ... ૫
નહિ તો ઠાકુર હૈ અતિ દારુન, કરિ હૈ ચાલ કુચાલી હો
બાંધ મારિ દંડ સબ લૈહૈં, છૂટિ હૈ તબ ૪મતવાલી હો ... ૬
જબ હી સાવત આનિ પર્હુચૈ, ૫પીઠિ સાંટ ભલ ટુટિ હૈ હો
ઢાઢે લોગ કુટુમ સબ દેખૈ, કહે કાહુ કે ન છૂટિ હૈ હો ... ૭
એક ૬નિહુરિ પાંવ પરિ બિનવૈ, બિનતિ કિયે નહિ માને હો
૭અનચિન્હ રહે ન કિયેહુ ચિન્હારી, સો કૈસે પહિચાને હો ... ૮
સમજૂતી
પ્રારબ્ધ અનુસાર જે કાંઈ ભોગવવાનું મળે તે સાવધાની પૂર્વક ભોગવી લેવું, તેમાં કદી ભૂલ કરવી નહિ. યોગની યક્તિઓ દ્વારા શરીરને કાયમ સાધના રત રાખ. જો ભોગો ભોગવતા મન હાથમાં ન રહે તો યોગ દ્વારા કોઈ પણ હિસાબે તેને બાંધવા પ્રયત્ન કર. ... ૫
નહિ તો મોત રૂપી ઠાકોર તો ભયંકર રીતે કઠોર છે. તે તારી સર્વ ચાલનો ક્ષણમાત્રમાં અંત આણી દેશે. તે તને બાંધશે, મારશે અને તારે સર્વ કર્મોનો દંડ ભોગવવો પડશે ત્યારે જે તારો મદ પણ ઉતરશે. ... ૬
જ્યારે યમરાજાનો દૂત આવી પહોંચશે ત્યારે તારી પીઠ મારથી તૂટી જશે. તારા કુટુંબીજનો સૌ ઊભા ઊભા જોયા કરશે પણ તને કોઈ બચાવી શકશે નહીં. ... ૭
ભલેને તારા સ્નેહીઓ પગ પકડીને આજીજીપૂર્વક તને છોડાવવા વિનંતિ કર્યા કરે પણ તે તો કોઈનું માને નહીં. તું જીવનભર જેનાથી અણજાણ રહ્યો, કદી પણ તેં તારા સ્વરૂપનો પરિચય કર્યો નથી, તે અંતિમ વેળાએ કેવી રીતે ઓળખી શકાય ? ... ૮
૧. પ્રારબ્ધ તો ભોગવવું જ પડે. પરંતુ સાવધાની પૂર્વક ભોગવવાની કબીર સાહેબ અહીં સલાહ આપે છે. કદી દુઃખ આવે તો કદી સુખ પણ આવે. દુઃખથી ડરી જઈ આત્મઘાત ન કરવો. પણ દુઃખ હિમ્મત અને ધૈર્યની કસોટી કરવા આવ્યું છે એમ માની પ્રગતિની કૂચ અટકાવવી ન જોઈએ. દુઃખ આવે છે એનો અર્થ એ કે તેનાં પછી સુખનો વારો છે જ. સુખના દિવસો આવનાર છે જ એવી આશાથી કલ્યાણ માર્ગની કેડી પર ચાલતા રહેવું જોઈએ. સુખમાં છકી ન જવાય તેની તકેદારી રાખવી જોઈએ. સુખના દિવસોમાં વધારે સવ્ધાની રાખવી પડે છે. મન મિથ્યાભિમાનમાં ન સરકી પડે તે ખાસ જોવાનું રહે છે.
૨. પ્રારબ્ધ ભોગવતા ભોગવતા શરીરને અને મનને સ્વસ્થ રાખવા યોગની કેળવણી લેવી જરૂરી છે. યોગ ભોગમાંથી સારી રીતે છોડાવી શકે છે અને મનને નિજ સ્વરૂપમાં જોડી આપવાનું કાર્ય કરી શકે છે. હઠયોગ અને રાજયોગ બંને ઉપકારક ગણાય છે. હઠયોગ શરીરનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે એટલે જરૂરી આસન, પ્રાણાયામ આદિ ક્રિયાઓ શીખી લેવાથી ઘણો લાભ મળે છે. રાજયોગ મન સાથે સંબંધ ધરાવે છે તેથી મનની તંદુરસ્તી તે દ્વારા જાળવી શકાય છે અને જીવનનું ઉત્થાન કરવામાં ઉપયોગી થઈ પડે છે. આવી દષ્ટિથી કબીર સાહેબે યોગનો મહિમા કર્યો લાગે છે.
૩. છતાં દરેકનો અનુભવ છે કે મન હાથમાં રહેતું નથી. કઈ ક્ષણે તે કરેલો નિર્ણય બદલી કાઢે તે કહી શકાતું જ નથી. ઘરમાંથી યુદ્ધ કરવા નીકળેલ અર્જુન યુદ્ધ ભૂમિમાં આવીને બદલાઈ જાય છે. વડીલોને અને સ્વજનોને જોઈને તેનું મન વિચલિત થઈ જાય છે. તે ન લડવાનો નિર્ણય કરીને બેસી જાય છે. ને લડવા માટે પંડિતની જેમ મોટી મોટી દલીલો કરે છે. પણ શ્રી કૃષ્ણ સારથિએ પરિસ્થિતિ પામી જઈને તેના મનને યુદ્ધ કરવા તરફ ફરીથી યુક્તિપૂર્વક તત્પર બનાવ્યું હતું. માણસના જીવનમાં પણ એવું જ બન્યા કરતું હોય છે. કળે વળે મનને સમજાવીને વાળવું જરૂરી થઈ પડે છે. તેમાં જ માનવાનું શ્રેય પણ છે. કબીર સાહેબ જીવનની નક્કર વાસ્તવિકતાને લક્ષમાં લઈને સાધકને સર્વ પ્રકારે ઉપયોગી થાય તેવું માર્ગદર્શન પ્રદાન કરી રહ્યા છે.
૪. કેટલીકવાર હઠે ચઢેલું મન જીવનની અંતિમ ક્ષણો સુધી માણસને માથાવતું હોય છે. અંતિમ ક્ષણોમાં ભાન થાય છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. અને ન ભાન થાય તો પણ મૃત્યુ તેના પદના ચૂરેચૂરા કરી નાખે છે.
૫. અંતિમ શ્વાસો શ્વાસો લેવાતા હોય તે સમયે જીવને પાર વગરની વેદના અનુભવી પડે છે. તેની પીઠ પર પાસા પણ પડી જતા હોય છે. તે સડીને દુર્ગંધ મારતા થઈ જાય છે. અંતિમ ક્ષણની વેદનાનું વર્ણન કરતા ભાગવત કહે છે કે એકી સાથે વીસ હજાર વીછી ડંખ મારે ને જેવી વેદના થાય તેવી વેદના જીવ અનુભવતો હોય છે.
૬. સ્વજનો કે સ્નેહીજનો મૃત્યુ વખતે શી મદદ કરી શકે ? તેઓને ખબર પડી જાય છે કે આ તો છેલ્લા શ્વાસો છે. થોડા સમયના છે. જીવ જલદી નીકળી જાય તો સારું એવું બોલતા હોય છે. વેદનામાંથી કોઈ બચાવી શકતું નથી.
૭. એમાંથી જ્ઞાન જ બચાવી શકે. સ્વરૂપનું જ્ઞાન અને તેમાં સ્થિતિ થયા કરતી હોય તો વેદનાથી બચાવ થઈ શકે. પરંતુ તેવું જ્ઞાન પહેલેથી પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. અંતિમ કાળે શું વળે ?
Add comment