કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧સહજ ધ્યાન રહુ, સહજ ધ્યાન રહુ, ગુરુ કે વચન સમાઈ હો ... ૧
મૈલી સિસ્ટિ ૨ચરા ચિત રાખહુ, રહહુ દિસ્ટિ લવ લાઈ હો
જસ દુઃખ દેખી રહહુ યહિ અવસર, અસ સુખ હોઇહૈં પાઈહો .... ૨
જો ખુટકાર બેગિ નહિ લાગૈ, ૩હૃદય નિવારહુ કોહુ હો
૪મુકુતિ કિ ડોરિ જનિ ખૈંચહુ, તબ બઝિહેં બડ રોહૂ હો ... ૩
મન ૫વહિ કહહુ રહહુ મન મારે, ખિજુવા ૬ખીજિ ન બોલૈ હો
૭માનૂ મિત મિતૈવો ન છોડૈ, કમઉ ગાંઠિ ન ખોલૈ હો ... ૪
સમજુતી
હે મુમુક્ષુ સાધક ! ગુરુનાં વચનોની વિશ્વાસથી અમલ કર અને સહજ ધ્યાનમાં નિમગ્ન રહેવા પ્રયત્ન કર. - ૧
તારું ચિત્ત તો મલિન વિષયોની વાસનામાં ફર્યાં કરે છે. તેમાંથી તેને હટાવી તારા નિજ સ્વરૂપમાં સ્થિર કરવા પ્રયત્ન કર ! એમ કરતી વેળા પ્રારંભમાં તને દુઃખ લાગશે પણ જેવી સ્વરૂપમાં સ્થિતિ થશે તેવું પરમ સુખ પ્રાપ્ત થશે. - ૨
જો તારું મન સહજ ધ્યાનમાં જલદી ન લાગે તો હૃદયમાં દુર્ગુણો ઓછા કરવા પ્રયત્ન કર. મુક્તિ પ્રાપ્ત કરવાની વૃત્તિ રૂપી દોરી ધીમે ધીમે ખેંચવાની ટેવ પાડ. તો જમન રૂપી માછલી તેમાં એક દિવસ ફસાશે. - ૩
તું તારા મન પર અંકુશ રાખવા પ્રયત્ન કર. કોઈ તને ક્રોધથી કહે તો પણ તું તેને શાંતિથી જવાબ આપ. તેં જેને જેને મિત્ર તરીકે માન્યા હોય તેની સાથે મિત્રતા કદી પણ છોડ નહીં. મહેનત કરીને જે પ્રાપ્ત કર્યું હોય તે વેડફાય નહીં તેની તકેદારી રાખ. - ૪
૧. કબીર સાહેબ સહજ ધ્યાનનો મહિમા ગાય છે. આજે તો જગતના સર્વ ધર્મો, પંથો કે સંપ્રદાયો ધ્યાનની અગત્યતા પર ભાર મૂકતા થયા છે. કબીર સાહેબે છસો વર્ષ પૂર્વે ધ્યાનનું મહત્વ સમજાવ્યું હતું. તેમનો ધ્યાનનો પ્રકાર જરા જુદો છે. ધ્યાન વિશેની તેમની સમજ વિશિષ્ટ પ્રકારની છે. એમ તો નિર્ગુણ ધ્યાન અને સગુણ ધ્યાન એવા બે મુખ્ય પ્રકારો પ્રચલિત છે. સગુણ ધ્યાન કરતી વખતે સાધક કોઈ સગુણ આકૃતિ કે પદાર્થનું આલંબન લે છે. નિર્ગુણ ધ્યાન કરનાર એવા કોઈ પદાર્થ પર પોતાના ચિત્તને લગાડતો નથી. તે તો માત્ર ઓમકારનું આલંબન લે છે. સાધકને શરૂઆતમાં આલંબનની આવશ્યકતા લાગે છે. ધ્યાનની ઊંચી અવસ્થામાં જ્યારે ચિત્ત એકાગ્ર થાય છે ત્યારે પકડેલું આલંબન અલોપ થઈ જાય છે. ધ્યાતાને ધ્યેય એકાકાર થઈ જાય છે. કબીર સાહેબ એવા કોઈ આલંબનની જરૂરિયાત જોતા નથી. તઓ કહે છે કે આલંબનથી કરવામાં આવતું ધ્યાન અસહજ છે, અસ્વાભાવિક છે, બનાવટી છે અથવા તો નકલી છે. શરીરમાં રહેલું ચૈતન્ય મનની ગતિવિધિ સાક્ષી બનીને જોયા કરે તે અસલી ધ્યાન કહેવાય. ગુરુના વચનો પર ચિંતન મનન કરતાં કરતાં સહજ ધ્યાનમાં સરકી જવાય છે. તેમાં કોઈ કુત્રિમતા નથી.
૨. ચરા એટલે ઘુમનારું, ફરનારું ચંચળ મન. મનનો સ્વભાવ બહિર્મુખ થઈ બધે બધ ભટકવાનો છે. વિષય પદાર્થોમાં ડૂબી જવાનું તેને સહેલું લાગે છે. તેવું તેને ગમે પણ છે. વિષયોમાં ડૂબેલા મનને ધ્યાન કેવી રીતે પસંદ પડે ? કબીર સાહેબને મનના સ્વભાવનો સંપૂર્ણ ખ્યાલ છે. તેથી તેઓ સાધકને વાસ્તવિક, યથાર્થ માર્ગદર્શન આપે છે. ધ્યાન શરૂઆતમાં કંટાળાજનક લાગશે પણ પાછળથી મનની અવસ્થામાં ફેરફાર થશે એટલે ખૂબ ગમશે.
૩. ખુટકાર એટલે લગન. ધ્યાનની લગન એકદમ તો લાગે જ નહિ. એટલે હૃદયની શુધ્ધિ તરફ ધ્યાન આપવાની ફરજ પડે છે. સાધક પોતાની ખામી જોતો થાય તે અનિવાર્ય છે. તેવી રીત રસમથી હૃદયની શુધ્ધિનો સારો પ્રારંભ થઈ શકે છે.હૃદયમાં કામ, ક્રોધાદિ દુર્ગુણો રહેલા છે. તેમાં કોઈનો પ્રભાવ વધારે હશે તો કોઈનો આછો હશે. બરાબર તેનો અભ્યાસ કરતા રહી સાધકે દુર્ગુણો ઓછા કરવા નિત્ય પ્રયાસ કરતાં રહેવું જોઈએ. જેમ જેમ હૃદય શુધ્ધિ થતી જશે તેમ તેમ ધ્યાનની લગન વધતી જશે.
૪. સાધકે ઉતાવળા ન થવું જોઈએ તેવું સૂચન કબીર સાહેબે કર્યું છે. મુક્તિને પ્રાપ્ત કરવાની ઉતાવળ સાધકને ઊંડા ખાડામાં નાખી પણ દે. તેથી ધીરજનો ગુણ સાધકે કેળવવો જરૂરી છે. ઉતાવળ કરવાથી મન ભડકી જશે. ધ્યાનની તે અવગણતા કરતું થઈ જશે. માટે ધ્યાનમાં ધીમે ધીમે પ્રગતિ થાય તેવું આયોજન કરવું જોઈએ.
૫. મનને મારવું એટલે મન પર સંયમ કરવો. મન કહે તેમ ન કર્યા કરવું જોઈએ. મનમાં ઈચ્છાઓનું, સંકલ્પોનું પ્રમાણ ઓછું કરતાં જવું જોઈએ. તો મનમાં પરિવર્તન થવાનો સંભવ રહે છે.
૬. સાધકે ક્ષમાનો ભાવ પણ કેળવવો જોઈએ. ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે એવું કહેવામાં આવે છે તેના પર સાધકે ધ્યાન આપવું જોઈએ. ક્રોધ પ્રેમથી શમશે એટલે લાભ થશે.
૭. માનૂ એટલે માનનીય. મિત્ર મંડળ પણ કેવું હોવું જોઈએ તે કબીર સાહેબ દર્શાવી રહ્યા છે. જે જ્ઞાની છે, સમજુ છે, સારે માર્ગે જનારા છે તેવા મિત્રોનો સંગાથ ઉપકારક ગણાય.
૮. સાધકને મહેનત કરવાથી સારા સારા અનુભવો થતા રહેતા હોય છે. તે અનુભવો જ્યાંને ત્યાં કહેતા ન રહેવું જોઈએ. તે મૂડી કહેવાય. સાચવીને રાખવી જોઈએ. તેને કહેતા રહેવાથી સાધકનું અભિમાન વધી જાય તેવો સંભવ રહે છે.
Add comment