Kabir Pada Sudha

કબીર પદ સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

વ્યાપી એક સકલકી જોતી, નામ ધરે કા કહિયે ભૌતિ
રાચ્છસ કરની દેવ કહાવૈ, બાદ કરૈ ગોપાલ નભાવૈ ... ૧૩

હંસ દેહ ત્યજી ન્યારા હોઈ, તાકર જાતિ કહૈં ધૌં કોઈ
સ્યાહ સફેદ કિ રાતા પિયરા, અબરન બરન કિ તાતા સિયરા ? ... ૧૪

હિન્દુ તુરુક કિ બૂઢો બાર ?  નારી પુરુષ કા કરહુ બિચારા
કહિયે કાહિ કહા નહિ મનૈ, દાસ કબીર સોઈ પૈ જાનૈ ... ૧૫

સાખી:  બહા હૈ બહિ જાત હૈ, કર ગહે ચહુ ઔર
         સમુજાયે સમજે નહીં, દેહુ ધક્કા દુઈ ઔર.

સમજુતી

સર્વમાં એક જ જ્યોતિ વ્યાપેલી છે. શું તે શરીરનું નામ અલગ રાખવાથી ભૌતિક કહેવાશે ?  રાક્ષસ જેવી કરણી કરનાર દેવ કહેવરાવે !  જીવ વધ અંગે તેઓ વિવાદ કરે છે પણ ખરેખર તો તેઓને પરમાત્મા જ ગમતા નથી ... ૧૩

જ્યારે આત્મા દેહ છોડીને અલગ થઈ જાય છે ત્યારે આત્માની જાતિ કોઈ કહી શકે ખરું ?   શું તેનો રંગ કાળો, સફેદ, રાતો કે પીળો સમજવો ?  શું તેને ખરેખર રંગ છે કે નથી ?  શું તે ગરમ છે કે શીતળ ? ... ૧૪

દેહ છોડ્યા પછી આત્માને હિન્દુ કહેવાશે ?  મુસલમાન કહેવાશે ?  વૃધ્ધ કે બાળક કહેવાશે ?  સ્ત્રી કે પુરુષ કહેવાશે ?  આ બધું કોને કહેવાય ?  કહેલું તો કોઈ માનતું જ નથી !  કબીર કહે છે કે જે દાસભાવ કેળવશે તેજ બધું જાણી શકશે ! ... ૧૫

સાખી:  આ રીતે અજ્ઞાની જીવો સંસારના પ્રવાહમાં પહેલેથી વહેતા આવ્યા છે ને હાલ પણ વહી રહ્યા છે. એટલું જ નહીં પણ બચવા માટે ચારેબાજુથી વિષય વાસનાનો સહારો હાથથી પકડી રાખ્યો છે. આ ભૂલ કોઈ સમજાવ્યે સમજતું નથી તેથી હજી પણ બે વધુ પ્રયત્નો થાય તો સારું.

૧. આત્મા રૂપી જ્યોતિ. અનુભવી પુરુષોને આત્માને પ્રકાશ સ્વરૂપ કહ્યો છે. ખરેખર સ્વરૂપે તે અભૌતિક છે.

૨. આત્મા અભૌતિક છે. તેથી તેને કોઈ રંગ, રૂપ કે આકાર નથી. તેથી તે ભૌતિક આંખો વડે જોઈ શકતો નથી. તેનો માત્ર અનુભવ થઈ શકે. તે શરીર ધારણ કરે છે તેથી તે ભૌતિક બાની જતો નથી. શરીર ભૌતિક છે. શરીરમાં અભૌતિકનો વાસ છે તે સર્વના અનુભવની વાત છે.

૩. ગોપાલ એટલે પરમાત્મા, રામ અથવા કૃષ્ણ. જે સૌમાં રમી રહ્યો છે તે રામ. જે સૌનું આકર્ષણ કરી રહ્યો છે તે કૃષ્ણ. આ  પ્રમાણે જે પરમાત્માને જાણે છે ને તેની ભક્તિ કરે છે તે વાદવિવાદથી પર રહેવા માંગે છે. વાદવિવાદ રામમાં માનતા નથી. અથવા તો પરમાત્માને જાણતા નથી તેઓ કરી શકે. રામનો પ્રેમી વાદથી પર રહે છે. તેથી વાદવિવાદ ગ્રસ્ત બ્રાહ્મણો રામના પ્રેમી નહોતા એવી આક્ષેપ કબીર સાહેબે કર્યો છે.

૪. હંસ એટલે આત્મા. ભારતીય સંતોએ આત્માને હંસની ઉપમા આપી છે. તેમાં તથ્ય ઘણું છે. હંસ શબ્દનું પૃથક્કણ કરવામાં આવે તો ઉચો શ્વાસ લેવામાં આવે ત્યારે "હં" અવાજ થાય છે ને શ્વાસ બહાર કાઢવામાં આવે ત્યારે "સ" અવાજ થાય છે. "હું તેજ છું" એ મહાવાક્યનું પ્રતીક હંસ ગણાય. એને ઉલટાવવામાં આવે ત્યારે "સોડહં" શબ્દ નીપજે. આ રીતે આત્માને માટે હંસની ઉપમા સમુચિત લાગે છે. આ આત્મા દેહ છોડે છે ત્યારે દેહથી તે અલગ હતો તેની ખાત્રી કરાવી જાય છે. દેહ અહીં જ રહી જાય છે અને આત્મા બહાર નીકળી શરીરની બહાર રહેલા વિશ્વાત્મામાં ભળી જાય છે. તે આત્મા નિરાકાર છે ને નિર્ગુણ છે. તેને કોઈ રંગ નથી. તે પ્રકાશ સ્વરૂપ છે છતાં તે ગરમ પણ નથી. તે શીતળ પણ નથી. તે પુરુષ પણ નથી તે સ્ત્રી પણ નથી. તેની કોઈ વયમર્યાદા પણ નથી. રૂપ, ગુણ, રંગ, વાય એ બધું શરીરને છે. આ બધી ગુહ્ય જ્ઞાનની વાતો કોને કહી શકાય ?  માને પણ કોણ ?  આજે પણ આ સમસ્યા વણઉકલી જ રહી છે.

૫. કબીર સાહેબ દાસ શબ્દનો પ્રયોગ કરીને ઘણું બધું સૂચવી જાય છે. જ્યાં સુધી અભિમાન હોય ત્યાં કોઈના થઈ શકાતું નથી. અભિમાન ઓગળી જાય તો દાસ થવાય. એટલે દાસ શબ્દમાં નમ્રતાનું સૂચન છે અને સેવા કરવાનો સંદેશ પણ રહેલો છે. એટલે જે રામનો દાસ થશે તે જ્ઞાન વિજ્ઞાનનું ગૂઢ રહસ્ય પામી શકશે.

૬. વાત કોઈ માનતું નથી અને સાંભળે તો ગણકારતું પણ નથી છતાં સંતો સમજાવવામાં કદી કંટાળતા નથી. કળીયુગમાં બ્રાહ્મણોમાં પેસી ગયેલું અબ્રાહ્મણત્વનું દર્શન કરાવી કબીર સાહેબે દૂર કરવાનું સુંદર માર્ગદર્શન પણ આ પદમાં આપ્યું છે. આજે ન સમજશે તો કાલે, અરે !  એક દિવસ તો સમજશે ને. માટે અજ્ઞાનીઓને સમજાવતાં જ રહેવાનો સંદેશો "દેહુ ધક્કા ઔર" શબ્દોમાં રહેલો છે.