કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧અનહદ અનુભવકી કરિ આસા, દેખો યહ ૨વિપરીત તમાસા
ઇહૈ તમાસા ભાઈ, ૩જહંવા સુન્ન તહાં ચલિ જાઈ - ૧
સુન્નહિં બાંછા સુન્નહિં ગયઉ, હાથા છોડી બેહાથા ભયઉ
સંસય-સાવજ સબ સંસારા, કાલ અહેરી સાંજ સકારા - ૨
સાખી : સુમિરન કરહુ રામકા, કાલ ગહે હૈ કેસ
ના જાનૌ કબ મારિ હૈ, ૪કા ઘર કા પરદેશ
સમજૂતી
હે ભાઈઓ ! અનાહત શબ્દના ઉપાસક યોગી લોકોનો વિપરીત તમાશો તો જુઓ. પોતે સ્વયં ચેતન સ્વરૂપ રામ નામનું સ્મરણ છોડીને અચેતન ગણાતા અનાહત શબ્દની આશામાં સાધનાગ્રસ્ત રહે છે. ખરેખર તેઓ જમાં ચેતનતત્વનો અભાવ છે ત્યાં જ ચાલ્યા જાય છે. - ૧
શૂન્યની ઈચ્છા કરાવવામાં શૂન્યમાં છેવટે ચાલ્યા જાય છે. પોતે પરમાત્માનો આધાર છોડીને નિરાધાર બની જાય છે. આખી દુનિયા સંશયનો શિકાર બને છે તેથી કાળરૂપી પારધી રાતદિવસ તેની પાછળ પડે છે. - ૨
સાખી : કાળરૂપી પારધીએ તમારી ચોટલી પોતાના હાથમાં પકડી રાખી છે. તે ક્યારે તમને મારી નાંખશે; ઘરમાં મારી નાંખશે કે પરદેશમાં મારી નાંખશે, તે કહી શકાય એમ નથી માટે હમેશા રામનું નિત્ય સ્મરણ કરો.
૧. અનહદનો અનુભવ એટલે અનાહત શબ્દનો અનુભવ. સાધકને પોતાની સાધનાના પરિણામ સ્વરૂપે અનાહત સાંભળ સંભળાતો હોય છે. તે શબ્દ એક સરખી રીતે એકધારો સંભળાતો હોવાથી અને અનાહત કહેવામાં આવે છે. આ અનાહત શબ્દનું શ્રવણ ખૂબ જ મધુર લાગતું હોવાથી યોગીઓ તેમાં આસક્ત બની જાય છે. દસ પ્રકારના શબ્દના નાદો શાસ્ત્રગ્રંથોએ વર્ણવ્યા છે. ચિણિ, ચિંચિણી, ઘંટનાદ, શંખ, તંત્રા, તાલનાદ, વેણુ, મૃદંગ, ભેરીનાદ. આવા દસ પ્રકારે શબ્દના નાદ સાંભળવા યોગીઓ પરમાત્માને પણ ભૂલી જાય છે.
૨. વિપરીત તમાસો એટલે એકદમ ઉલટો દેખાવ. જીવ પોતે ચેતન સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે તે ભૂલી જતો હોય છે. પોતાના સ્વરૂપને ઓળખનાર યોગી પોતાને સંભળાતા માયાવી દસ પ્રકરના અનાહત નાદમાં અસક્ત બને જ નહીં. જે યોગીઓ માત્ર નાદ શ્રવણને જ મહત્વ આપે છે તે યોગીઓ સરળતાથી આસક્ત બની જાય છે. નાદ શ્રવણની લોલુપતામાં પોતે પોતાના ચેતન સ્વરૂપને સદંતર ભૂલી જાય છે એ હકીકતનું વર્ણન કબીર સાહેબ વિપરીત તમાસા શબ્દ દ્વારા સચોટ રીતે કહે છે.
૩. સાધના દરમ્યાન નાદ સંભળાય તે સાહજિક ક્રિયા છે. નાદ સાંભળવો કાંઈ ગુનો નથી. પરંતુ તે નાદ શ્રવણની એક અવસ્થા જ છે એવું સમજવાની જરૂર છે. સાધકની આધ્યાત્મિક યાત્રા ત્યાં અટકી ન જવી જોઇએ. નાદ શ્રવણ તો માત્ર પોતાની આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે એવું સમજનારા યોગીઓ નાદ શ્રવણની અવસ્થાને ઓળંગી જઈ શકે છે. પોતાની આધ્યાત્મિક યાત્રા આગળ ને આગળ ચાલુ રાખી શકે છે. તેવા યોગીઓને સ્પષ્ટ સમજ છે કે આ નાદ શ્રવણ તો એક પ્રાકૃતિક અવસ્થા માત્ર છે. નાદ તો અચેતન પ્રકૃતિનું જ પરિણામ ગણાય છે. તેમાં આસક્ત થવાથી યોગી પોતાની આધ્યાત્મિક યાત્રા અટકાવી દે છે. પરિણામે તેવા યોગીઓના અંત પ્રકૃતિમાં જ લય થવાથી પરમાત્મ દર્શન વિનાનો થાય છે. પરમાત્માના સાક્ષાત્કાર વિના સાધના અધુરી જ રહે છે. અહીં શૂન્ય એટલે ચેતન તત્વનો અભાવ. તેવી સ્થિતિ એટલે પ્રકૃતિમાં જ લય પામવું. પ્રકૃતિમાં લય પામેલા યોગીઓ ફરીથી જન્મમરણનાં ફેરામાં અટવાવા લાગે છે.
૪. મનુષ્યનો અંત ક્યારે ને ક્યાં આવે છે તે કોણ જાણતું હોય છે ? મૃત્યુ ગમે તેનું થતું હોય છે ને ગમે ત્યારે થતું હોય છે. ગરીબ હોય કે તવંગર હોય, બાળક હોય કે યુવાન મૃત્યુ કોઈના તરફ પક્ષપાત કરતું નથી. ઘરમાં હોય કે બહાર હોય, દેશમાં હોય કે પરદેશમાં હોય મૃત્યુ કોઈની પરવાહ કરતું નથી. જે જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય થાય જ છે એમાં લેશમાત્ર પણ શંકા કરવાની જરૂર નથી. શંક-કુશંકાના વમળમાંથી બહાર નીકળીને મનુષ્યે બુદ્ધિપૂર્વક વિચાર કરવાની જરૂર છે. પોતે માનવ તરીકે જ શા માટે જન્મ્યો ? શા માટે આ જ ઘરમાં ને આ જ મા બાપના કૂખે જન્મ્યો ? શા માટે બળદ કે હાથી કે કૂતરા કે સાપ રૂપે નહિ ? આવા વિચારો કરનારને જ આખરે માનવ જન્મ સોનેરી અવસર તરીકે સમજાય છે ને તેવા જ માનવો હંમેશ રામના સ્મરણમાં નિમગ્ન બને છે.
Add comment