કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
૧અબ કહુ રામ નામ અવિનાસી, હરિ તજિ જિયરા કતરું ન જાસી
જહાં જાહુ તહાં હોહુ પતંગા, અબ જનિ જરહુ સમુજિ વિષસંગા - ૧
રામ નામ લૌલાય સુ લાન્હા, ૨ભ્રિંગી કીટ સમુજિ મન દીન્હા
ભવ અતિ ગરૂવા ૩દુઃખ કરી ભારી, કરુ જિય જતન જૂ દેખુ વિચારી - ૨
મન કી બાત હૈ ૪લહરિ બિકારા, તુહિ નહિ સૂજૈ બાન ન પારા - ૩
સાખી : ઈચ્છા કે ભવ સાગરે, બોહિત રામ અધાર
કહૈ કબીર હરિ સરન ગહુ, ૫ગોવચ્છ ખુર વિસ્તાર
સમજૂતી
હે જીવ ! હવે તો અવિનાશી રામનું નામ તો લે, હવે હરિ-ને છોડીને ક્યાંય પણ જઈશ નહિ. તું જ્યાં જશે ત્યાં વિષયના સંગમાં પતંગની માફક બળી મરશે. માટે હવે વિષયનો સંગ કરી બળી મરીશ નહિ. - ૧
જે રામ નામમાં પ્રેમપૂર્વક લીન બની જાય છે તે કીટ ભ્રમર ન્યાય પ્રમાણે તેનું મન રામમય જઈ જતું હોવાથી તે સાક્ષાત રામ બની જાય છે. સંસાર સ્વભાવે જ ભારી મનાયો છે તેમાં દુઃખો ઉમેરાતાં વધારે ભારી બની જાય છે. માટે હે જીવ ! જરા વિચાર કરીને જે કાંઈ કરવું ઘટે તે કર. - ૨
આ તો મનની વાત છે કે જ્યાં વૃત્તિઓ રૂપી લહરીના વિકારો પેદા થયા જ કરે છે. તેનો કાંઈ અંત જ નથી. હે જીવ ! શું તને એટલી પણ સમજ પડતી નથી ? - ૩
સાખી : ઈચ્છાથી પેદા થયેલાં આ સંસારરૂપી સાગરમાં રામનામનો આધાર જ નાવડી સમાન છે. માટે કબીર કહે છે કે હે જીવ ! તું રામનું શરણ પકડી લે કે જેથી આ સંસાર ગાયના પગની ખરી જેવડો નાનો તરી શકાય તેવો લાગશે.
૧. જીવ પોતે ભગવાનનો અંશ છે તે ભૂલી જાય છે. તેથી જ તે ભગવાન સિવાયની વાતોમાં રમમાણ રહે છે. જુદા જુદા વિષય પદાર્થોની પ્રાપ્તિ માટે તે પોતાનું સમસ્ત જીવન વેડફી નાંખે છે. ચોવીસે કલાક વિષય પદાર્થોની સ્મૃતિમાં પરમાત્માની સ્મૃતિ જાગતી નથી. તેને યાદ આવતું જ નથી કે પોતે આત્મસ્વરૂપ છે, પોતે ભગવાનનો પ્રતિનિધિ છે ! હવે ફરીથી આ વેળા માનવનો જન્મ મળ્યો છે તો હે જીવ ! તું ચેતી જા અને પોતાના સ્વરૂપને ઓળખી લે. વિષય પદાર્થોમાંથી મનને હટાવી હટાવી લે ને અવિનાશી રામનાં જોડી દે ! વિષય-વાસના વિનાનું મન જ રામ નામનાં લીન થઈ શકે છે તે સત્ય તરફ કબીર સાહેબ અંગુલિ નિર્દેશ કરે છે.
૨. કીટ ભ્રમટ ન્યાય એટલે તન્યયતાથી પ્રાપ્ત થતી સિદ્ધિનો સિદ્ધાંત, કીટ એટલે કીડો અથવા ઈયળ. ભમરી તે ઈયળને પોતાના ઘરમાં પૂરી રાખે છે ને થોડી થોડી વારે તેને ડંખ માર્યા કરે છે. જેટલી વર ડંખ મારે તેટલી વાર તે ઈયળ ભમરીનો જ વિચાર કરે છે. આ રીતે વારંવાર એક જ પ્રકારની ક્રિયાથી તે ઈયળ ભમરીના વિચારોમા તન્મય બની જાય છે ને અંતે ઈયળ પોતે જ ભમરી બની જાય છે. જીવ એવી જ કાળરૂપી પારધીનો વિચાર કરી રામના નામનું સ્મરણ-ચિંતન કર્યા કરે તો તે પોતે રામમય બની જાય છે. તેને પોતાના સ્વરૂપનો સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે.
૩. સંસાર સ્વભાવે ભારી ગણાયો છે. જ્યાં સુધી મનનું અસ્તિત્વ છે ત્યાં સુધી સંસાર ભારી જ લાગશે. અનેક વાસનાઓ-ઈચ્છાઓ મનમાં પેદા થતી રહે છે ને પરિણામે જીવ તેને મેળવવામાં પોતાની પ્રપંચી જાળ ફેલાવે છે. તેને જ આપણે સંસાર કહીએ છીએ. આ જ વાસના-ઈચ્છાઓથી સંસાર ભારેખમ બની જાય છે. વાસના-ઈચ્છા અનુસાર જીવ અહીં તહીં ભટકી અનેક પ્રકારના પ્રયત્નો કરે છે ને પરિણામે દુઃખોની જ પ્રાપ્તિ કરે છે. સુખ મળેલું ગણાય છે પણ તે તો ક્ષણિક જ ! ક્ષણવારમાં તો તે જ સુખ દુઃખમાં પલટાય જાય છે. આ પ્રકારના દુઃખોથી પણ સંસાર વધારે પડતો ભારી બની જતો હોય છે.
૪. મન સ્થિર હોય તો મનમાં સંકલ્પ-વિકલ્પ જાગતા નથી. કોઈ વૃત્તિ કે વિચારો ઉદ્દભવતા નથી. પરંતુ અસ્થિર મનમાં જ વૃત્તિઓના તરંગો પેદા થયા કરે છે તે એક હકીકત છે. બલકે વૃત્તિઓના તરંગો પેદા થાય એ જ મનનો વિકાર છે. એવા જ મનને સંતો અશુદ્ધ મન કહે છે. મનની અશુદ્ધિ સમજી લેવામાં આવે તો સંસાર સરળ બની જાય છે.
૫. ગો એટલે ગાય ને વચ્છ એટલે વાછરડો. ખુર એટલે ખરી. ગાયના વાછરડાની નાની ખરી જેવો સંસાર, સરળતાથી તરી શકાય એવો બની જાય છે તે મનની ઊંચી અવસ્થાનો નિર્દેશ કરે છે. મન સ્થિર બને તો સંસાર સાગર તરી શકાય તેવો જણાય છે. સ્થિર ન બને ત્યાં સુધી સંસાર ખુબ જ વિશાળ ને અઘરો લાગે છે.