કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જિયરા આપન ૧દુઃખહિં સંભારુ, જો દુઃખ વ્યાપિ રહલ સંસારુ
માયા મોહ બંધે સભ લોઈ, અલપે લાભ ૨મૂલ ગૌ ખોઈ - ૧
મોર તોરમેં સભૈ બિગૂતા, જનની ઉદર ગરભ મંહ સૂતા
બહુત ખેલ ખેલે બહુ બૂતા, ૩જન ભંવરા અસ ગયે બહૂતા - ૨
ઉપજિ વિનસિ ફિરિ જો ઈનિ આવૈ, સુખકા લેસ સપને નહિ પાવૈ
દુઃખ સંતાપ કષ્ટ બહુ પાવૈ, ૪સો ન મિલા જો જરત બુઝાવૈ - ૩
મોર તોર મંહ જર જગ સારા, ધિગ સ્વારથ જૂઠા હંકારા
જૂઠી આસ રહા જગ લાગી, ઈન તે ૫ભાગિ બહુરિ પુનિ આગી - ૪
જો હિત કૈ રાખૈ સભ લોઈ, ૬સો સયાન બાંચા નહિ કોઈ - ૫
સાખી : આપુ આપુ ચેતૈ નહીં, કહૌં તો રુસવા હોય,
કહંહિ કબીર જો સપને જાગૈ, નિરઅસ્તિ અસ્તિ ન હોય.
સમજૂતી
હે જીવ ! જો દુઃખ સમગ્ર સંસારમાં વ્યાપી રહેલું છે તે દુઃખને જ આપણે યાદ કરવું જોઈએ. માયા અને મોહના પાશથી સર્વ લોકો તો બંધાયલા છે અને આલ્પ સુખના લાભમાં મળેલું સર્વ ધન પણ ખોઈ નાંખે છે. - ૧
મારા તારાના ભાવમાં સર્વલોકો ફસાયા છે તેથી તેઓ માતાના ગર્ભમાં જઈને સૂતા છે. શક્તિશાળી માણસોએ અનેક પ્રકારના ખેલો ખેલ્યા છે છતાં માનવરૂપી ભમરાઓ તો વિષયોમાં જ મરી ગયા. - ૨
આ જીવ તો ઉત્પન્ન થાય છે, મૃત્યુ પામે છે અને ફરીથી જન્મ ધારણ કરી અહીં આવે છે, છતાં ય કદી પણ સ્વપ્નમાં ય સુખ તેને મળ્યું નથી. દુઃખો, કષ્ટો ને સંતાપો તે ખૂબ પામે છે પરંતુ તેઓની અગનને શાંત કરી દે એવો કોઈ હજી સુધી મળ્યો નથી. - ૩
મારા તારાના અગ્નિમાં આખું જગત જલી રહ્યું છે. ધિક્કાર છે તે સ્વાર્થ અને મિથ્યા અહંકારને ! જગત તો જૂઠી આસામાં ને આશામાં લાગેલું રહે છે. એક અગ્નિમાંથી બચે છે તો બીજે જઈને પડે છે. - ૪
જેને સર્વ લોક પોતાના હિતનું ગણતાં હતા તેનાથી કોઈ ચતુર માણસ પણ બચ્યો નહીં ! - ૫
સાખી : જીવ પોતાની રીતે ચેતતો નથી અને કહેવા જાઉં તો રીસાય જાય છે. કબીર કહે છે કે તે સ્વપ્નમાં પણ જાગી જાય તો જેનું અસ્તિત્વ જ નથી તેનું અસ્તિત્વ છે એવું તેને જણાય નહીં.
૧. માણસે પોતાના દુઃખનો સૌ પ્રથમ વિચાર કરવો જોઈએ. જો તે સુખનો જ વિચાર કરે તો તેનું મન છકી જાય છે અને અહંકારમાં ડૂબી જાય છે. જો તે દુઃખમાં નિરાશ થઈ બીજાના સુખને જોઈ બળ્યા કરે તો ઈર્ષ્યા ભાવ દૃઢ થવાને કારણે તે સુખનો સાચો માર્ગ શોધી ન શકે. તેથી દુઃખનો સ્વસ્થ મને વિચાર કરવો જોઈએ તે દુઃખના કારણોનું સંશોધન કરતા રહેવું જોઈએ. કારણ અવગત થશે તો તેને દૂર કરી સુખનો સાચો માર્ગ શોધી શકાશે.
૨. અગાઉની રમૈનીઓમાં કબીર સાહેબ કહી ગયા કે માયા ને મોહના બંધનો દૂર કરવા અતિશય દુષ્કર છે. માયા ને મોહમાં ફસાયલા જીવને ક્ષણિક સુખનો અનુભવ અનેકવાર થયા કરે છે. પરંતુ ક્ષણ પછી તે ફરીથી વ્યથિત પણ બની જાય છે. છતાં તે ક્ષણિક સુખની લાલચમાં પોતાના “સ્વ”નો વિચાર કરતો નથી. “સ્વ” બે પ્રકારે સમજી શકાય. એક “સ્વ” જે ઉત્તમ ગણાય અને આપણું વાસ્તવિક સ્વરૂપ ગણાય. આત્મ સ્વરૂપ તે અને બીજો “સ્વ” જે અધમ ગણાય કે જે દેહભિમાનને કારણે શરીરને જ આપણું સ્વરૂપ માનીએ છીએ તે. આત્મ સ્વરૂપ એ મૂળ ધન છે. જો સ્વરૂપનો વિચાર કરે તો માયા ને મોહના બંધનો ઢીલાં પડતાં જાય અને તે મુક્ત થઈ શકે.
૩. મનુષ્ય રૂપી ભમરો વિષયો રૂપી રસ ચૂસવામાં તન્મય બની જાય. ફૂલનો રસ ચૂસવામાં ભમરો તન્મય બની ગયો. સાંજ થઈ ગઈ તેનું ભાન રહ્યું નહીં. સાંજ પડી ત્યારે કમળમાં તે ઘેરાય જાય છે. ત્યારે તે સવાર થશે અને કમળ સૂર્ય કિરણે ખીલી ઉઠશે ત્યારે બહાર નીકળી જઈશ એવી ખોટી આશામાં તે રાતભર રસ ચૂસ્યા કરે છે. પરંતુ સવાર થાય તે પહેલાં તો હાથીના પગ નીચે તે કચડાઈ જાય છે. તેવી જ દશા મનુષ્યરૂપી ભમરાની છે એવું કબીર સાહેબ કહેવા માંગે છે.
૪. દુઃખમાંથી મુક્ત કરે એવો કોઈ ગુરૂ મળ્યો નહીં. જે મળ્યા તે અધૂરા ગુરૂ મળ્યા જેને કારણે દુઃખ તો ઉભું જ રહ્યું.
૫. માતાના ગર્ભવાસમાંથી જેમ તેમ બહાર આવે છે પરંતુ ફરી ગર્ભવાસમાં ન જવાય તેવું આયોજન કરવું જોઈએ તે જીવ કરતો નથી અને પરિણામે ફરીથી સમય આવ્યે ગર્ભવાસમાં સ્થિતિ કરે છે.
૬. જીવે પોતાના ઉપયોગનું છે એવું માનીને જે જે સંઘરેલું છે તે તે ઉપયોગી ઠરતું નથી. તેને સંઘરતી વખતે પોતે જાણકાર છે તેવી બડાઈ પણ મારેલી. ન તો સંઘરેલી વસ્તુ બચી કે ન તો સંગ્રહ કરનાર બચ્યો !
Add comment