કબીર રમૈની સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
અભ્યાસનિષ્ઠ વિદ્વાનોએ કબીરવાણીને મુખ્યત્વે ત્રણ વિભાગમા વિભક્ત કરી છે - રમૈની, શબ્દ અને સાખી. પરંતુ આ ત્રણે વિભાગોની નિશ્ચિત સંખ્યા અંગે હજી નિર્ણય થઈ શક્યો નથી. કબીર સાહેબે કેટલી રમૈનીઓની રચના કરી હશે તે એક પ્રશ્ન જ છે.
કબીરવાણીની ગંગામાં કબીર સાહેબને નામે રચેલી અન્ય રસિકજનોની વાણી એવી તો ભેળવી દેવામાં આવી છે કે કબીરવાણીને અલગ કરી શકાતું નથી. કબીર રચિત ગ્રંથોની ગણત્રી કોઈ વિદ્વાન આઠની બતાવે છે, કોઈ ચૌદની બતાવે છે, કોઈ ચાલીસ બતાવે છે, વળી કોઈ એકવાનની, કોઈ ઈકોતેરની અને કોઈ પંચોતેરની પણ બતાવે છે. બની શકે કે આમાંની એક પણ ગ્રંથની રચના કબીર સાહેબે ન પણ કરી હોય ! આ અંગે ખાસ કારણ તરીકે તેઓ નિરક્ષર હતા તે આગળ ધરવામાં આવે છે. બીજી તરફ વિદ્વાનોએ સિદ્ધાંત સામ્ય, કેટલીક પંક્તિઓનું સામ્ય અને અભિવ્યક્તિની લઢણનું સામ્ય પૂર્વવર્તી સંત સાહિત્યમાંથી શોધી કાઢી કબીર સાહેબ પર ગોરખ, નામદેવ, જયદેવ વિગેરે સંત યોગીઓના પ્રભાવ સિદ્ધ કરવા પણ પ્રયત્ન કર્યો છે. તો પ્રશ્ન થશે કે વાણીનું સીધે સીધું સામ્ય અભ્યાસનિષ્ઠા વિના ઉતરી શકે ખરું ? અભ્યાસનિષ્ઠા કોણ થઈ શકે સાક્ષર કે નિરક્ષર ? વિદ્યા વિહીન કે વિદ્યા સંપન્ન ? માત્ર સાંભળવાથી તો વાણીનું સીધે સીધું સામ્ય સંભવી શકે નહીં. હા, સાંભળવાથી માત્ર આધ્યાત્મિક પ્રભાવ પડે. અથવા તો એકાએક જીવનમાં ચોક્કસ પ્રકારનું પરિવર્તન આવે. પણ પૂર્વવર્તી સંત સાહિત્યની અભિવ્યક્તિની લઢણનું સામ્ય કે કેટલીક પંક્તિઓનું સીધે સીધું સામ્ય માત્ર સાંભળવાથી હૃદય ઝીલી શકે નહીં. માટે ડૉ. માતાપ્રસાદ ગુપ્ત “કબીર ગ્રંથાવલી” ભૂમિકા પૃ-૪ ઉપર કહે છે તે ખૂબ વિચારણીય છે.
પ્રાય: યહ સમજા જાતા હૈ કી કબીર નિરક્ષર થે લિખને પઢનેસે ઉન્હેં કોઈ વાસ્તા નહીં થા સુન સુનાકર હી ઉન્હોંને જ્ઞાનાર્જન કિયા થા |
કિન્તુ ઈસસે બઢકર નિરાધાર કથન કોઈ નહીં હો સકતા હૈ, યહ કબીરકી વિચાર ઔર અભિવ્યક્તિ શૈલીકા અધ્યન કરનેસે પૂર્ણત: સ્પષ્ટ હો જાતા હૈ |
કબીર સાહેબ તરફ વિદ્વાનોનું ધ્યાન આકર્ષિત થયું ઘણે ભાગે ઈ.સ. ૧૯૦૦ને અંતે જ. પરદેશી વિદ્વાનો અથવા તો ખાસ કરીને ઈસાઈ પાદરીઓ જેવા કે એચ. એચ. વિલ્સન કે જી. એચ. વેસ્ટકોટ કબીર પર સંશોધનાત્મક પુસ્તકો પ્રગટ કરીને સૌનું ધ્યાન વીસમી સદીના એકદમ પ્રારંભમા દોરી રહ્યા હતા. ઈ.સ. ૧૯૧૫માં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે “Hundred Poems of Kabir” પુસ્તક પ્રકાશિત કરીને હિન્દી સાહિત્યના વિદ્વાનોનું ધ્યાન કબીર સાહેબ તરફ અકર્ષેલું લાગે છે. કારણ કે ત્યાર પછી જ પંડિત અયોધ્યાસિંહ ઉપધ્યાયે “કબીર વચનાવલી”નું પ્રકાશન કર્યું છે. બાબુ શ્યામસુંદરદાસે ઈ.સ. ૧૯૨૫માં, ડૉ. રામકુમાર વર્માએ ઈ.સ. ૧૯૩૬ થી ૪૦ દરમ્યાન અને ઈ.સ. ૧૯૪૧માં આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીઓ સાથે “કબીર ગ્રંથાવલી”, “સંતકબીર” તથા “કબીર” ગ્રંથોનું પ્રકાશન કર્યું છે. તેઓ દ્વારા થયેલા પ્રકાશનોથી કબીરવાણી વિશ્વવિદ્યાલયોના પ્રાંગણમાં ગૂંજતી થઈ હતી. પરિણામે વિદ્યાર્થી જગતમાં રમૈની સિવાયનું સાહિત્ય ખૂબ જ પ્રચલિત બની જવા પામ્યું હતું. સાખી અને પદોનો પ્રભાવ સામાન્ય માણસ સુધી પથરાયેલો જણાય છે. પરંતુ તે સિવાયનું સાહિત્ય જન માનસમાં અસામાન્ય ઠર્યું અને તે તરફ એક પ્રકારનો ઉપેક્ષાભાવ પણ દૃઢ થતો ગયો.
કબીરવાણીનાં સંકલન કાર્ય માટે વિદ્વાનોએ ‘ગુરૂ ગ્રંથસાહેબ’ને આધાર તરીકે માન્યો છે. એટલું જ નહીં પણ સંવત ૧૫૬૧ તથા સંવત ૧૮૮૧ની બે જુની હસ્તપ્રતોનો આધાર પણ તેમણે સ્વીકાર્યો છે. ‘ગુરૂ ગ્રંથસાહેબ’માં ૨૨૮ પદો અને ૨૪૩ સાખીઓ કબીર સાહેબને નામે પ્રસિદ્ધ થયાં છે. એમાં રમૈનીઓનો તે ઉલ્લેખ પણ નથી. સંભવ છે કે બીજું ઘણું સાહિત્ય ગુરૂ શ્રી અર્જુનદેવને કબીર સાહેબના નામે હાથ લાગ્યું હશે પણ તેમાંજી તેમને જે યોગ્ય લાગ્યું હશે તેટલાનું જ તેમણે સંકલન કર્યું હશે. તેથી ‘ગુરૂગ્રંથ સાહેબ’માં પ્રગટ થયેલું કબીર સાહિત્ય સંપૂર્ણ માની શકાય નહીં. તેજ રીતે વિદ્વાનોને પ્રાપ્ત થયેલી બે જૂની હસ્તપ્રતોમાં ૮૦૯ સાખીઓ, ૪૦૩ પદો અને ૭ રમૈનીઓ સંગ્રહિત થયેલી છે. એનાથી વધુ હસ્તપ્રતો એકત્ર કરીને ૧૬૦૦ પદો, ૪૫૦૦ સાખીઓ અને ૧૩૪ રમૈનીઓની માહિતી પૂરી પાડી છે. તેમણે પોતાની રીતે વૈજ્ઞાનિક ઢબે ચકાસણી કરીને માત્ર ૨૦૦ પદો, ૭૪૪ સાખીઓ અને ૨૦ રમૈનીઓને જ કબીરકૃત ઠેરવી છે. તેમનો આ નિર્ણય દાદુપંથની અને નિરંજન પંથની હસ્તપ્રતોને જ આધારે થયો છે. તેથી તેમનો આ માપદંડ પણ કબીરવાણીને બરાબર ન્યાય આપી શકતો નથી.
“બીજક” ગ્રંથમાં કુલ ૮૪ રમૈનીઓ છે પરંતુ “બીજક” ગ્રંથ ખાસ કરીને હિન્દી સાહિત્યના વિદ્વાનોથી ઉપેક્ષિત જ રહેવા પામ્યો છે. “બીજક” ગ્રંથ કબીર સાહેબનો મૌલિક ગ્રંથ ગણાય છે. જી. એચ. વેસ્ટકોટે ‘Kabir & Kabir Panth’ પુસ્તકમાં તો એટલે સુધી કહ્યું છે કે કબીર તત્વજ્ઞાનને સમજવા માટે બીજક એ એક પ્રામાણિક ગ્રંથ છે. છતાં હિન્દી સાહિત્યના વિદ્વાનો પર “બીજક” ગ્રંથમાં જણાતી કેટલીક સંદિગ્ઘતાઓને કારણે વેસ્ટકોટના વચનની અસર થયેલી નહીં.
બીજી બાજુ સાંપ્રદાયિક સંકુચિતતાને કારણે કબીરપંથી વિદ્વાનોનું કટ્ટરતા ભર્યુંવલણ બીજકગ્રંથને સર્વમાન્ય બનાવવામાં નડતર રૂપ પણ થતું હતું. પંથી વિદ્વાનો ગ્રંથને વધારે પડતો પવિત્રતાનો ઓપ આપતા હતા તે કટ્ટરતાનું જ એક પાસુ હતું. તેઓના એવા વલણને કારણે “બીજક” ગ્રંથ સર્વમાન્ય થઈ શક્યો નહિ અને સામાન્ય જન સમુદાયમાં આદરની ભાવના જગાડી શક્યો નહીં. માત્ર કબીરપંથીઓ તેને વેદ તરીકે પૂજતા હતા અને તેનું વારંવાર પારાયણ પણ કરતા હતા. તેથી માત્ર કબીરપંથીઓ પૂરતો જ તે ગ્રંથ છે એવી છાપ ઉપસી હતી.
જોકે ત્યારે પછી છેલ્લા બે દાયકામાં ડૉ. શુકદેવસિંહ, ડૉ. વસુદેવસિંહ, ડૉ. જયદેવસિંહ જેવા અદ્યતન હિન્દી સાહિત્યના વિદ્વાનોએ ખુબ જહેમત લઈ સંદિગ્ઘતાની શેવાળ હટાવી કબીર બીજકને સમજવા સ્તુત્ય પ્રયાસ કર્યો છે. ખરેખર ત્યારે પછી “બીજક” એક સર્વમાન્ય ગ્રંથ બનીને પ્રચાર પામી રહ્યો છે તે એક હકીકત છે. કબીર વાડગમય ખંડ-૨ ના પૃ-૧૧ પર ડૉ. જયદેવસિંહ સ્પષ્ટતા કરે છે કે “કબીર કે દાર્શનિક સિદ્ધાંતો કા સારતત્વ ‘બીજક’મેં હિ ઉપલબ્ધ હૈ. બીજક કા અર્થ હૈ ગુપ્ત ધન બતાનેવાલી સૂચિ.” આ દષ્ટિએ વિચારવામાં આવે તો ‘બીજક’ની રમૈનીઓ મહત્વની બની જાય છે. અગાઉ આપણે જોઈ ગયા કે ડૉ. પારસનાથ તિવારીએ કુલ ૧૩૪ રમૈનીઓમાંથી માત્ર ૨૦ને પ્રમાણિત ગણી છે. તે જ રીતે ડૉ. માતાપ્રસાદ ગુપ્તે માત્ર સાત રમૈનીઓને અને ડૉ. પુષ્પપાલસિંહે ૪૭ રમૈનીઓને પ્રમાણિત ગણીને ‘કબીર ગ્રંથાવલી’માં સંગૃહિત કરી છે. તે બધી રમૈનીઓ પર નજર કરતાં જણાય છે કે તેમાંની ઘણી ખરી રમૈનીઓ બીજકની રમૈનીઓ સાથે સિધિ યા આડકતરી રીતે મળતી આવે છે. તેથી મેં માત્ર ‘બીજક’ની જ રમૈનીઓ પર ધ્યાન કેન્દ્રિત કરી આ લઘુગ્રંથ તૈયાર કરવા પ્રયાસ કર્યો છે.
“બીજક”માં રમૈનીનો પરિચય કાવ્યના એક પ્રકાર તરીકે થાય ચ છે. તેમાં વપરાયલા છંદનું નામ પણ રમૈની જ છે. જાણીતા ચોપાઈ છંદ જેવું તેનું માપ છે. ચોપાઈની પંદર માત્ર તો રમૈનીની સોળ માત્રા એટલો જ તફાવત છે. દરેક પદને અંતે સાખી જરૂરી માનવામાં આવી છે. તે સાખી ઘણે ભાગે જાણીતા દોહા છંદમાં જ હોય છે. કેટલા ચરણ પછી સખીનું સ્થાન હોવું જોઈએ તે માટે કોઈ ચોક્કસ ધોરણ માન્ય રાખવામાં આવ્યું લાગતું નથી. આ સિવાય કબીર સાહેબે “બીજક”માં રમૈની શબ્દને સ્તુતિ કે પ્રાર્થનાના અર્થમાં પણ પ્રયોજ્યો છે. (જુઓ રમૈની-૪)
જે પદોમાં જગતમાં જાણેલા જીવોના રમણ-ભ્રમણનું વિવેચન કરવમાં આવ્યું હોઈ તેને પણ રમૈની કહેવામાં ઔચિત્ય રહેલું છે. રમૈનીને માધ્યમ બનાવી સૃષ્ટિકર્તા અને સૃષ્ટિ રચના સંબંધી વિચારો, માનવ શરીરના મહિમા સંબંધી વિચારો તથા આત્માના ઉદ્ધાર સંબંધી વિચારો ખુબ જ પ્રભાવક રીતે અભિવ્યક્ત થયા છે. અભિવ્યક્તમાં સ્વનુંભૂતીનું ઓજસ ઠેર ઠેર ઝળહળ્યા કરે છે. એમાં તત્કાલીન સામાજિક રૂઢીઓનું અને ધાર્મિક પ્રપંચોનું પણ સરસ ચિત્ર રજૂ થયું છે. હિન્દુ અને મુસલમાનોની એકતા માટેના કબીર સાહેબના પ્રયાસોનું દર્શન પણ રમૈનીઓમાં થયાં કરે છે. ઢોંગી સાધુઓ, કાજી, પીર અને સન્યાસીઓના ધતીંગોને ખુબ જ અસરકારક રીતે ખુલ્લા પાડવામાં આવ્યા છે. અંધ વિશ્વાસોમાં ડૂબેલી પ્રજા ઉપર ધર્મને નામે ધર્મગુરૂઓ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારોને ખુલ્લા પાડી કોઈની પણ આંખ ઉઘડી જાય તેવી ચેતના સભર વાણીમાં ચેતવણી તથા સમ્યક્ પ્રકારનું માર્ગદર્શન કબીર સાહેબ દ્વારા ભારતને મળ્યું છે. કબીર સાહેબને યુગપુરૂષ તરીકે કેમ વર્ણવવામાં આવે છે તેની પ્રતીતિજનક માહિતી પણ આ પદોમાંથી સહદય વાચકને મળી રહેશે.
ઇ.સ. ૧૯૮૭માં ફેબ્રુઆરી માસમાં કબીરવાણી સમજવા માટે કુલ પાંચ ગ્રંથો તૈયાર કરી આપવા મેં અમેરિકાના ભક્ત સમાજને વચન આપ્યું હતું તે આધારે આ બીજો લઘુગ્રંથ ઈશ્વરની કૃપાથી તૈયાર થઈ શક્યો છે તે જણાવતા આનંદ થાય છે. કબીર સાહેબના સિદ્ધાંતો, માન્યતાઓ અને વિશેષતાઓ સામાન્ય માણસ સરળ રીતે સમજી શકે તે દષ્ટિ મેં આ ગ્રંથ તૈયાર કરવા પાછળ રાખી છે. ભાષા, પાઠ નિર્ધારણ જેવા જટિલ પ્રશ્નો સાથે કંઈ સંબંધ પણ નથી. વળી વધારામાં સમયનો અભાવ અને સ્થળ સંકોચની મર્યાદા પણ ખરી. છતાં વિશ્વ વિદ્યાલય વારાણસીના કબીર-વાડગમયના પ્રકાશનથી મને આ અંગે ઘણી મદદ મળી છે તે સાભાર જાહેર કરું છું.
આ ગ્રંથ તૈયાર કરવામાં મેં નીચેના ગ્રંથોનો આધાર લીધો છે તે સાભાર જણાવતાં આનંદ અનુભવું છું.
(૧) કબીર ગ્રંથાવલી - ડૉ. માતાપ્રસાદ ગુપ્ત
(૨) કબીર ગ્રંથાવલી - ડૉ. પુષ્પપાલસિંહ
(૩) કબીર ગ્રંથાવલી - ડૉ. પારસનાથ તિવારી
(૪) સંત કબીર - ડૉ. રામકુમાર વર્મા
(૫) કબીર - આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી
(૬) કબીર વાડગમય ખંડ-૧ - ડૉ. જયદેવસિંહ તથા ડૉ.વાસુદેવ સિંહ
(૭) કબીર કાવ્ય કોશ - ડૉ. વાસુદેવસિંહ
(૮) કબીર કી વિચારધારા - ડૉ. ગોવિંદ ત્રિગુણાયત
(૯) સ્વામી હનુમાન પ્રસાદ કૃત કબીર બીજક
(૧૦) સ્વામી બ્રહ્મલીન કૃત કબીર બીજક
(૧૧) કબીર બીજક - ડૉ. શુકદેવસિંહ
અમેરિકાના ભક્ત સમાજે આ ગ્રંથશ્રેણી તૈયાર કરવાની જવાબદારી સોંપીને મને સદ્દગુરુ કબીર સાહેબના સાહિત્યને ફરી વાંચી વિચારી સમજવાની સ્વાધ્યાયની સોનેરી તક આપી તેથી સમાજનો હું ઋણી છું.
વળી ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન મુ. યશવંતભાઈ શુકલે આ લાઘુગ્રંથને માટે પુરોવચન લખી આપી મને ખુબ પ્રોત્સાહન આપ્યું છે. તેથી યે વિશેષ આ લઘુગ્રંથનાં મૂલ્યને તેમણે વધારી દીધું ગણાય. વ્યક્તિગત રીતે તેમણે મને કેટલાંક અગત્યના સૂચનો કરી ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું છે તે અત્રે સાનંદ નોંધ કરતાં આભારની લાગણી અનુભવું છું.
૩૦ નવેમ્બર ૧૯૮૯
ઈશ્વરભાઈ પ્ર. પટેલ
Add comment