Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

એક કર્મ હૈ બોવના, ઉપજૈ બીજ બહુત
એક કર્મ હૈ ભૂંજના, ઉદય ન અંકુર સૂત

વાવણી કરવા જેવા એક પ્રકારના કર્મ છે જેને વાવવાથી અનેક બીજની ઉત્પત્તિ થાય છે.  બાળી મૂકવા જેવા બીજા પ્રકારના કર્મ છે કે જેને બાળવાથી તેમાંથી અંકુર પણ ફૂટતો નથી.

નોંધ :  મનુષ્યનું આત્મકલ્યાણ કર્મ કરવાથી જ થાય છે. પરંતુ કેવા પ્રકારના કર્મ કરવાં ને કેવા પ્રકારના ન કરવાં તે માટે સાધકે સમજ કેળવવી જોઇએ. સત્કર્મ તે જ કહેવાય કે જે દ્વારા સાધક સત્વમાં સ્થિર બની શકે; સાત્વિક ગુણોની વૃદ્ધિ થાય સદ્‌ગુણી બન્યા વિના પ્રભુપંથે આગળ વધી શકાતું નથી. અઢારમાં અધ્યાયમાં ગીતા માર્ગદર્શન આપતાં કહે છે :

યજ્ઞ, દાન, તાપ, કર્મ તો કોદી તજવાં ના,
યજ્ઞ દાન તપથી બને પવિત્ર માનવા હા !
અહંકાર તૃષ્ણા તજી આ કર્મો કરવાં,
મત મારો મેં છે કહ્યો, શ્રેષ્ઠ કર્મ કરવાં !

તે જ પ્રમાણે જે કર્મો સત્વમાં સ્થિર ન થવા દેતાં હોય અથવા તો જે કર્મોથી અશાંતિ વધતી હોય તો તે કર્મો ન કરવાં જોઇએ. બલકે તેવાં કર્મોને બાળી મૂકવાં જોઇએ. જ્ઞાન રૂપી અગ્નિમાં તેવાં કર્મો બાળી મૂકવાની વિધિ ગીતાએ બતાવી છે. જ્ઞાની અનુભવી પુરૂષ પાસે જઈને, નમ્ર  બનીને, પ્રશ્નો પૂછીને જ્ઞાન પ્રાપ્ત કરવું એવી પણ સલાહ આપી છે.

અનુભવ વાળો હોય જે જ્ઞાની તેમજ હોય,
તેને નમતા સેવતાં પૂછ પ્રશ્ન તું કોય.
જ્ઞાન તને તે આપશે, તેથી મોહ જશે,
જગ આખું મુજમાં પછી જોશે આત્મ વિશે.
પાપીમાં પાપી હશે કોઈ આ જગમાં,
જ્ઞાનનાવમાં બેસતા તરી જશે ભવમાં.
ભસ્મ કરે છે કાષ્ઠને બાળી અગ્નિ જેમ,
જ્ઞાનાગ્નિ કર્મો બધાં ભસ્મ કરે છે તેમ.     (સરળ ગીતા અ-૪, ૩૫-૩૮)

પવિત્રમાં પવિત્ર વસ્તુ હોય તો તે જ્ઞાન જ છે. એની પ્રાપ્તિ દ્વારા જ આત્મકલ્યાણ સિદ્ધ થાય છે. તેથી કબીર સાહેબ કર્મ વિશે સમુચિત માર્ગદર્શન આ સાખીમાં આપે છે.

પરંતુ અનુભવી પુરૂષ કોણે કહેવા ?  તેની ચર્ચા કરતાં કબીર સાહેબ કહે છે ... (જુઓ સાખી-૧૧૫)