Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બિન દેખે વહ દેસકી, બાત કહૈ સો કૂર
આપૈ ખારી ખાત હૈ, બેચત ફિરત કપૂર !

જે દેશ જોયો જાણ્યો નથી તે દેશની જ વાતો કરે છે તે મૂર્ખ છે. પોતે તો ધૂળ ફાકતા હોય છે ને તે કપૂરના સોદા કરતા ફરે એ કેવું વિચિત્ર ?

નોંધ :  માત્ર માહિતી મેળવીને પરમાત્માની વાતો કરનારા સમાજને યોગ્ય માર્ગે દોરી શકતા નથી. જે મહાપુરૂષોએ પરમાત્માનાં દર્શન કર્યાં છે અથવા તો જેમણે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે તે લોકો જ અનુભવી પુરુષો કહેવાય ને તેઓ જ સમાજને સન્માર્ગે દોરી શકે. તેમની વાણીમાં જ આત્મબળનું જોમ હોય છે. અહીં સ્વામી વિવેકાનંદનો પ્રસંગ યાદ કરવા જેવો છે. પ્રથમ મુલાકાતે તેમણે રામકૃષ્ણદેવને પ્રશ્ન કરેલો કે તમે ઈશ્વરની જે વાતો કરો છો તે પુસ્તક વાંચીને કરો છો કે સાક્ષાત ઈશ્વરને જોયો છે ?  રામકૃષ્ણદેવે કહેલું કે હા, મેં ઈશ્વરને જોયો છે ને તે તને બતાવી પણ શકું એમ છું. ત્યાર પછી વિવેકાનંદને અદ્‌ભુત અનુભવ કરાવેલો તે જગપ્રસિદ્ધિ હકીકત છે. રામકૃષ્ણ પરમહંસ કબીર સાહેબની ભાષામાં સાચા અનુભવી પુરૂષ કહેવાય. તેમની પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ જીવને થઈ શકે પણ જેઓ ધૂળ ફાકતા પુરૂષો છે. અર્થાત્ જેમણે પરમાત્માની માહિતી પુસ્તકો વાંચીને મેળવી હોય તેવા બિનઅનુભવી પુરૂષો પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. જેણે કપૂર જ ન જોયું હોય કે જાણ્યું હોય તે કપૂરનો ધંધો કરવા જાય તો શી ઘટના બને ?  સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય તે ઉકિત અહીં યાદ આવે છે.

 

Add comment

Submit

Most Downloaded

pdf-0નાદબ્રહ્મ | Nadbrahma 13,724
pdf-1અનંત સૂર | Anant Soor 10,326
pdf-2Traditional Bhajans of Bhakta Samaj 10,274
pdf-3Amar Varso | અમર વારસો 7,933
pdf-4A Handwritten Bhajan Book from 1937 6,983