Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

બૈઠા રહે સો બનિયાં, ઠાઢ રહે સો ગ્વાલ
જાગત રહે સો પહરુવા, તેહી ધરી ખાયો કાલ.

જે બેસીને પ્રભુ ભજન કરવાનો ઢોંગ કરે છે તે વાણીયા જેવા છે, જે ઊભા રહીને પ્રદર્શન કરે છે તે ગોવાળિયા જેવા છે, જે આખી રાત જાગતા રહી ભજન કરવાનો દેખાવ કરે છે તે પહેરેગીર જેવા છે કારણ કે તે સૌ કામનાવાળા આસક્ત મનથી ભજન કરનારને કાળ કોળિયો કરી જાય છે.

નોંધ : બેસીને માળા કરે પણ મન બીજે જ ક્યાંક હોય તો તેવી ક્રિયા નિરર્થક ગણાય. દુકાનમાં બેસીને વેપાર કરે તેનાં જેવી એ ક્રિયા છે. આખો દિવસ કેટલી બધી તે ક્રિયા કરતો જણાય છતાં તે કસરતનો લાભ તેના શરીરને મળતો નથી. કરતાલ લઈ નાચતા હોય કે કથા કરતા હોય પણ પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે જ તેવી યુક્તિ તેઓ કરતા હોય છે. વાહ વાહથી જ તેમનું મન પ્રસન્ન બનતું હોય તે સૌ ગોવાળિયા જેવા ગણાય. પશુધન ગોવાળિયાના ઇશારે ચાલે તેમ લોકો કથા વાર્તા કરનારના ઉપદેશ પ્રમાણે જીવે. આખી  રાત અખંડ રામધૂન કરનારનું મન બીજે ક્યાંય ભમતું હોય છે તે કારણે કરવામાં આવેલી ક્રિયાનો લાભ મનને મળતો નથી. આખી રાત જાગરણ તો પહેરેગીર પણ કરે છે. આધ્યાત્મિક ક્રિયાનો લાભ મેળવવો હોય તો મન જે ક્રિયા કરવામાં આવે છે તેમાં લીન હોવું અનિવાર્ય છે.