Kabir Sakhi Sudha

કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)

અભ્યાસનિષ્ઠ વિદ્વાનોએ કબીરવાણીને ત્રણ વિભાગમાં વિભક્ત કરી છે : રમૈની, શબ્દ અને સાખી. એવો પણ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે કે રમૈની વિભાગમાં કબીર સાહેબે જગતની, સાખી વિભાગમાં જીવની અને શબ્દ વિભાગમાં બ્રહ્મની ચર્ચા કરી છે. એનો અર્થ આપણે એવો તો ન જ કરવો જોઇએ કે એ સિવાય બીજા પ્રકારનાં પદોની રચના કબીર સાહેબે કરી જ નથી. વિપ્રમતિસિ, હિંડોલા આદિ પદોની રચના પણ મળી તો આવી જ છે. પરંતુ એમ કહી શકાય ખરું કે રમૈની, સાખી ને શબ્દના ક્ષેત્રો કબીર સાહેબે જેટલાં ઊંડાણથી ને વિસ્તારથી ખેડ્યાં છે તેટલા બીજા ક્ષેત્રો ખેડ્યાં નથી.

વળી કબીર સાહેબે રમૈનીની રચના કે શબ્દ તથા સાખીની રચના ક્યારે કરી હશે તે કોઈ કહી શકતું નથી. એટલું જ નહીં પણ આ ત્રણે વિભાગની સંખ્યા અંગે પણ હજી વિદ્વાનોમાં એકમતિ સ્થપાઈ શકી નથી. સાહિત્યિક વિદ્વાનોમાં બાબુ શ્યામ સુંદરદાસ ૯૨૨ સાખી એકત્ર કરી શક્યા છે જ્યારે ડૉ. માતાપ્રસાદ ગુપ્ત બાબુ સાહેબ કરતાં એક વધુ સાખીનો ઉમેરો કરે છે એટલું જ. સાંપ્રદાયિક વિદ્વાનોમાં હનુમાનદાસે ૨૩૨૧ સાખીઓ એકત્ર કરીને સાખી ગ્રંથનું સંપાદન કર્યું છે જ્યારે યુગલાનંદે ૨૬૦૦ સાખીઓ એકત્ર કરી બતાવી છે. વિચારદાસ સાહેબે તો ૪૦૨૪ સાખીઓનો દાવો કર્યો છે. અમે આ ગ્રંથમાં ઉભય પ્રકારનાં વિદ્વાનોએ એકત્ર કરેલ સાખીઓમાંથી સારરૂપ સાખીઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સાખીઓની સારી રીતે વાચક વર્ગને પરિચય થાય તેવું દષ્ટિબિંદુ રાખીને આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે.

પાઠ ને ભાષા અંગે સ્પષ્ટતા કરી લેવાનું આવશ્યક માનું છું. સામાન્ય રીતે ભાષાનો નિર્ણય થાય તો પાઠનો નિર્ણય કરવો સરળ પડે છે પરંતુ પાઠ ને ભાષા અંગે નિર્ણય કરવો સહેલ નથી. વિદ્વાનોમાં અનેક મતભેદો છે. કબીર સાહેબની ભાષાનો મૂળ આધાર પૂર્વ જ ગણાય છતાં અન્ય ભાષાની અસર પણ નકારી શકાય એમ નથી. કબીર સાહેબના જીવનનો મોટા ભાગનો સમય કાશીમાં ગયો હતો તેથી કાશીની આસપાસની ભાષાની અસર પણ કબીરવાણીમાં જોઈ શકાય છે. વળી તેઓ અનેક સંતોના સંપર્કમાં આવેલા એટલું જ નહીં પણ ભારત ભરમાં અનેક સ્થળોએ વારંવાર ગયેલા ને રહેલા. તેથી તે તે સ્થળની લોકબોલીઓની પણ અસર જોઈ શકાશે. આ દષ્ટિએ પાઠ ને ભાષાનો નિર્ણય ખૂબ પરિશ્રમ માંગી લે તેવો છે. સરળતાથી ને ઓછા સમયમાં ચોક્કસ નિર્ણય ન લઈ શકાય એમ લાગવાથી મેં તો આ ગ્રંથમાં જે ગ્રંથની સાખી તે જ ગ્રંથની ભાષા ને પાઠ રહેવા દીધાં છે.

સાખી શબ્દના અર્થ અંગે કબીર સાહેબ એકદમ સ્પષ્ટ છે. એમ તો સાખી શબ્દ કાવ્યશાસ્ત્રનો શબ્દ ગણાય. કાવ્યશાસ્ત્રના એક છંદનું નામ સાખી છે પરંતુ કબીર સાહેબે સાખી-છંદનો ઉપયોગ કર્યો નથી. સાખી શબ્દ તેમણે વિશિષ્ટ અર્થમાં પ્રયોજ્યો છે. સાખીનું મૂળ સંસ્કૃત શબ્દ સાક્ષીમાં રહેલું છે. સાક્ષીનું અપભ્રંશ રૂપ તે સાખી. જેણે પોતાની સગી આંખે ઘટના બનતી જોઈ હોય તે સાક્ષી તરીકે કોર્ટમાં માન્ય ગણાય છે. હિન્દી સાહિત્યમાં તો બનેલી ઘટના વર્ણનને પણ સાક્ષી કહેવામાં આવે છે. બંને પ્રકારના અર્થધ્વનિ સાખી શબ્દમાં રહેલા છે. કબીર સાહેબે પરમતત્ત્વનો સાક્ષાત અનુભવ કર્યો હતો તેથી તેમણે તે અંગેનું વર્ણન, કેટલીક ઉપયોગી માહિતી ને તે અંગેનું સમ્યક માર્ગદર્શન સાખીઓમાં ખુબ જ સહજ રીતે રજુ કર્યું છે.

અમેરિકાના ભક્ત સમાજની ઈચ્છાના પરિણામ સ્વરૂપે આ લઘુગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે તા ૬-૨-૧૯૮૭ થી તા ૧૬-૨-૧૯૮૭ સુધી મારી પાસેથી બીજક અંગેના વ્યાખ્યાઓ સાંભળ્યા પછી આધુનિક સમાજમાં પણ કબીર સાહેબનું સાહિત્ય અત્યંત ઉપયોગી લાગવાથી ભક્ત સમાજના આગેવાનોને સરળ ભાષામાં કબીર સાહિત્ય પ્રગટ કરવાની પ્રેરણા થઈ તેઓએ મારી મદદ માંગી. સદ્‌ગુરૂની વાણીના સ્વાધ્યાયની સોનેરી તક ફરીથી મને મળતી હોવાથી અને એ દ્વારા સમાજને સેવાનું સત્કર્મ પણ થશે એમ માની મેં સંમતિ આપી. સમાજની કારોબારીના સભ્ય શ્રી ગોકળભાઈ મકનજી ભક્તે તમામ ખર્ચ પોતાની માતાની સ્મૃતિમાં પોતાને શિરે લેવાની તૈયારી બતાવી ને પરિણામે આ ગ્રંથ તૈયાર થઈ શક્યો.

આ ગ્રંથ તૈયાર કરવામાં મેં નીચેના ગ્રંથોનો આધાર લીધો છે તે સાભાર જણાવતા આનંદ અનુભવું છું.

(૧) કબીર ગ્રંથાવલી (ડૉ. માતાપ્રસાદ ગુપ્ત)
(૨) કબીર ગ્રંથાવલી (ડૉ. પુષ્પપાલસિંહ)
(૩) સ્વામી હનુમાનદાસ કૃત કબીર બીજક
(૪) સ્વામી બ્રહ્મલીન કૃત કબીર બીજક
(૫) કબીર વાંગમય ખંડ-૩ (ડૉ. જયદેવસિંહ, ડૉ. વાસુદેવસિંહ)
(૬) બેરામજી માદન કૃત કબીરવાણી
(૭) કબીર સાહેબની સાખી (મણિલાલ મહેતા)
(૮) સંક્ષિપ્ત પ્રસ્થાનત્રયી (શ્રી જયંતિલાલ મહેતા, શ્રી ચંદ્રકાન્ત મહેતા)
(૯) કબીરવાણી અંક ૧૦૦
(૧૦) સંત કબીર (સુદર્શન ચોપડા)
(૧૧) કબીર કી વિચારધારા (ડૉ. ગોવિંદ ત્રિગુણાયત)
(૧૨) સાહિત્ય એકેડેમી દ્વારા પ્રકાશિત કબીર વચનાવલી

હિન્દી સાહિત્યના મર્મજ્ઞ વિદ્વાન પ્રાધ્યાપક શ્રી ચિનુભાઈ ઠાકરે પોતે યુનિવર્સીટીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા હોવા છતાં પોતાનો કિંમતી સમય આ નાની સરખી પુસ્તિકાની સંક્ષિપ્ત છતાં માર્ગદર્શન રૂપ અતિ ઉપયોગી પ્રસ્તાવના લખી આપવા માટે ફાળવ્યો તેથી હું આભારની લાગણી અનુભવું છું. તેમના તરફથી સમાજને અવારનવાર માર્ગદર્શન મળ્યા કરશે એવી અપેક્ષા જરૂર રાખીએ.

કપુરા,
તા. ૧૦-૧૨-૧૯૮૭
ઈશ્વરભાઈ પ્ર. પટેલ