કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
જહિયા જન્મ મુક્ત હતા, તહિયા હતા ન કોય
છઠ્ઠી તિહારી હૌં જગા, તૂ કહાં ચલા બિગોય ?
જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં તું જન્મથી મુક્ત હતો ત્યારે તારું કોઈ હતું નહીં. તે સમયે તારી છઠ્ઠી ઇન્દ્રિય સ્વરૂપ તારા મનમાં અહંકાર પેદા થયો તે ત્યારથી તું વિનાશને માર્ગે ક્યાં જઈ રહ્યો છે ?
નોંધ : આ સાખી બે વાત સ્પષ્ટ કરે છે - એક તો કબીર સાહેબ વેદ વિરોધી હતા એમ કહી શકાય નહિ ને બીજું આ સાખીમાં વપરાયલા જહિયા-તહિયા, હતા, છઠ્ઠી વિગેરે શબ્દો હિન્દી ભાષાના નથી પરંતુ ગુજરાતી ભાષાના છે.
आत्मा वा इदमेक णवाग्र आसीत અને णकोऽहम् बहुस्याम् ઇત્યાદિ વેદવચનોને આ સાખી ટેકો આપે છે. આ નામ રૂપાત્મક જગત સૃષ્ટિની ઉત્પતિ પહેલાં ન હતું. આત્માનો પ્રાણાદિ સાથે સંબંધ પણ ન હતો. તેથી ત્યારે ભાઇ-બહેન, મા-બાપ, કાકા-મામા વિગેરે સંબંધ પણ ન હતા. માત્ર આત્મા એકલો જ હતો. પરંતુ જ્યારે મનમાં અનેક થવાની ઇચ્છા જન્મી ત્યારે ગતિશીલતા જન્મી. તે અવસ્થાને આપણે અહંકારની અવસ્થા કહીએ છીએ. ત્યારથી જન્મ મરણના ચક્રમાં આત્મા ભટક્યા કરે છે. એ અવસ્થાને કબીર સાહેબ વિનાશનો માર્ગ કહે છે.
‘હતા’ ક્રિયાપદ ગુજરાતી ભાષાનું છે. જહિયા ને તહિયા શબ્દો પણ ગુજરતી ભાષાના છે. તેથી ગુજરાતી પ્રજા સાથે કબીર સાહેબનો ગાઢ સંપર્ક થયેલો એમ માની શકાય. વળી એમ પણ કહી શકાય કે કબીર સાહેબ ગુજરાતમાં વારંવાર આવ્યા હોવા જોઈએ ને તે કારણે તેમની વાણીમાં ગુજરાતી ભાષાના શબ્દો વપરાયલા જણાય છે.
Add comment