કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
શબ્દ હમારા આદિ કા, અતિબલ દિખા ન કોય
આગે પીછે જો કરે, સો બલહિના હોય !
આમારા શબ્દ અથવા અમારી વાણી મૂળનો બોધ કરે છે. તેમાં સંશય કરનારા મનુષ્યો નિર્બળ હોવાને કારણે મૂળ વિદ્યાને અથવા આત્મવિદ્યાને પ્રાપ્ત કરી શકતા નથી. સબળ મનુષ્યો જ તેને પ્રાપ્ત કરી શકે.
નોંધ : આ સાખી દ્વારા પણ વેદમતને સીધો ટેકો મળે છે. મુંડકોપનિષદનું પ્રખ્યાત વચન
नायमात्मा बलहिनेन लम्य: |
આ આત્મા બળહીનથી પ્રાપ્ત થઇ શકે નહીં એવો એનો અર્થ છે. જે સંશયાત્મા છે તે નિર્બળ ગણાય છે. તેની બુદ્ધિ અનેક હેતુઓમાં ભ્રમિત બની જાય છે ને પરિણામે જે શક્તિ હોય છે તે વૃથા વ્યય પામે છે. આખરે તેની અવસ્થા નિર્બળની બની જાય છે. આત્મ તત્વ પામવા માટે એકાગ્રતાની જરૂર છે. એકાગ્રતા બળવાન મનુષ્યોની નિશાની છે. ખૂબ પુરૂષાર્થ કરવામાં આવે તો ચિત્ત શુદ્ધ બને. ચિત્ત શુદ્ધ બને તો જ સ્થિર થઇ શકે. સ્થિરતા તે જ એકાગ્રતા.