કબીર સાખી સુધા
સંપાદક : શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલ (પરમાર્થી)
શબ્દ બિના શ્રુતિ આંધરી, કહો કહાં કો જાય ?
દ્વાર ન પાવૈ શબ્દકા, ફિરિ ફિરિ ભટકા ખાય !
જેનું હૃદય ગુરૂના બોધ વચનો દ્વારા સમૃદ્ધ બન્યું નથી તેની શ્રુતિ એટલે કે મનોવૃત્તિ આંધળી છે. તેવું મન સારરૂપ શબ્દના દ્વાર સુધી પહોંચતું નથી. બિન જરૂરી પદાર્થોમાં નિમગ્ન બની જતું હોવાથી વારંવાર ભટક્યા કરે છે. મતલબ કે મુક્તિનું સુખ પ્રાપ્ત થઈ શકતું નથી.
નોંધ : ગુરૂ દ્વારા બોધ મળે તે જ્ઞાનરૂપ શબ્દ કહેવાય. તેમાં ચિંતન-મનન-નિદિધ્યાસન ભળે એટલે જીવ પ્રકાશને પંથે ગતિ કરતો થઈ જાય. તેવો બોધ ન પ્રાપ્ત કરે તો અજ્ઞાનના અંધકારમાં જ જીવ ભટક્યા કરે છે.